રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મપરિષદ ઉજવણી ન્યુયૉર્ક

તા. ૫-૬-૭ નવેમ્બર, ૯૩ એમ ત્રણ દિવસ માટે ન્યુયૉર્કમાં શતાબ્દી સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ન્યુયૉર્કની મધ્યમાં આવેલા સિટીકોર્પ પ્લાઝામાંના સંત પીટરના વિશાળ દેવળના ખીચોખીચ ભરાયેલા ખંડમાંના કાર્યક્રમથી આરંભ ક૨વામાં આવ્યો હતો. પૂરા સાત ફૂટના કદનો વિવેકાનંદનો ફોટો ચર્ચની વેદીને શોભાવતો હતો. ન્યૂયૉર્ક કેન્દ્રના સ્વામી આદીશ્વરાનંદે સ્વાગત કર્યું હતું. એ કેન્દ્રના અધ્યક્ષ, યેઈલ યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. જેરોપ પોઈલિટે તેમાં સૂર પૂરાવ્યો હતો. સ્વામી સર્વગતાનંદ, સ્વામી સ્વાહાનંદ અને સ્વામી પ્રબુદ્ધાનંદે પ્રવચનો આપ્યાં હતાં

૭૦ વાદકોના ન્યુયૉર્ક ઑર્કેસ્ટ્રાએ, મેનહટન બ્રાસ કિવંટેટે અને એ દેવળના ઑર્ગનવાદક ટૉમસ સ્મિટે સંગીતની લહાણ પીરસી હતી.

તા. ૬ઠ્ઠી નવેમ્બરે, સંયુક્ત રાષ્ટ્રસંઘના દાગ હેમર્શીલ્ડ સભાગૃહમાં, ખાસ આમંત્રિતોની હાજરીમાં, એક વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદની મોટી છબીથી મંચ શોભતો હતો. સ્વામી વિવેકાનંદને અંજલિ આપવાના કાર્યક્રમનો આરંભ મેનહટન બ્રાસ કિવંટેટના સંગીતથી થયો. રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રના સંગીત વૃંદે મંત્રગાન કર્યું. કેન્દ્રના અધ્યક્ષ ડૉ.પોલિટે આમંત્રિતોનું સ્વાગત કર્યું. સ્વામી આદીશ્વરાનંદે સંદેશવાચન કર્યું. રામકૃષ્ણ મઠના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષો, ન્યુયૉર્ક રાજ્યના ગવર્નર અને ન્યુયોર્કના નગરપતિ તથા માર્ટિન લ્યૂથર કિંગનાં વિધવા શ્રીમતી કોરેટા કિંગના સંદેશાઓ મુખ્ય હતા. અમેરિકાનાં જુદાં જુદાં રામકૃષ્ણ કેન્દ્રોના ચાર સંતો ઉપરાંત સં રા. સંઘમાંના ભારતના કાયમી પ્રતિનિધિ જનાબ અન્સારી, સં.રા.સંઘના મહાસચિવના ખાસ પ્રતિનિધિ શ્રી ધારેખાન, અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી સિદ્ધાર્થશંકર રાય, ખ્રિસ્તી દેવળોના અધિપતિઓ, યહુદી રબી, તિબેટી, બૌદ્ધ લામા વગેરેએ સ્વામીજીના કાર્યને ભવ્ય શબ્દાંજલિ અર્પી. બધા વકતાઓનો સૂર આધ્યાત્મિક એકતાનો હતો.

તા. ૭મીને રવિવારે સવારે ૧૧-૦૦ વાગ્યે રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર પર ભક્તોની ભીડ એવી જામી હતી કે ક્લોઝડ સર્કિટ ટી.વી.ની સહાયથી સભાખંડની બહારના લોકોને સભાખંડમાંની પ્રવૃત્તિ નિહાળવાનો લાભ આપવાની વ્યવસ્થા ગોઠવવી પડી હતી. એ સંતોએ અને બીજા અમેરિકન વિદ્વાનોએ સ્વામીજીના જીવનકાર્યનાં વિવિધ પાસાં ઉપ૨ પ્રકાશ ફેંક્યો હતો.

સ્વામી વિવેકાનંદ રચિત કાવ્ય “ધ લિવિંગ ગૉડ”ને પાશ્ચાત્ય સંગીતમાં બેસાડી રજૂ કરવામાં આવ્યું હતું.

તે જ તારીખે બપોર પછી ૩-૦૦ વાગ્યે ન્યુયૉર્કના બ્રિકપ્રિસ્બાઈટીરિયન દેવળમાં સમારંભનો પૂર્ણાહુતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બધા વક્તાઓ ‘માનવજાતની આધ્યાત્મિક એકતા અને ધર્મોની સંવાદિતા’ વિષય પર બોલ્યા હતા. ચર્ચના ઑર્ગનવાદનના સ્વરો સાથે સૌ સંન્યાસીઓ અને બીજા વક્તાઓના મંચ પરના આગમનથી કાર્યક્રમ આરંભાયો. યેઈલ યુનિવર્સિટીના શ્રી મુરૉ અને ત્યાંની ગ્લી કલબે સુંદર સંગીત પીરસ્યું હતું. ન્યુયૉર્ક કેન્દ્રના સ્વામી આદીશ્વરાનંદે સૌનો આભાર માન્યો હતો.

ફીજી ટાપુઓ, ન્યુઝીલેંડ, ઑસ્ટ્રેલિયા

આ ઉત્સવ માટે લખનૌ મિશનથી સ્વામી શ્રીધરાનંદજી ખાસ પધાર્યા હતા. ફીજીમાં નાદીમાં વિવેકાનંદ હાઈસ્કૂલમાં મોટો સમારંભ રાખવામાં આવ્યો હતો. એનું અધ્યક્ષસ્થાન મેથોડિસ્ટ મિશનના વડા રેહેવ પાઉલા નિયુકુલાએ શોભાવ્યું હતું. ત્રણ હજાર કરતાં વધારે તો વિદ્યાર્થીઓ હાજર હતા. બીજા એક ટાપુ પર એક દિવસનો ધ્યાન વગેરેનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો આનંદ ભાગ લેનારાઓને ખૂબ આવ્યો હતો. સ્વામી દામોદરાનંદ સાથે સ્વામી શ્રીધરાનંદજીએ ન્યુઝીલેંડમાં વેલિંગ્ટન અને ઑકલેંડના કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને વિશાળ સંખ્યામાં લોકોને સંબોધન કર્યાં હતાં. ત્યાંથી એ બંને સંતો ઑસ્ટ્રેલિયાનાં છ જુદા જુદાં શહેરોમાં ગયા હતા અને દરેક સ્થળે સ્વામી વિવેકાનંદના માનવીને ઘડતા ધર્મ પર, ચારિત્ર્ય ગઠન પરના ભાર પર તથા સ્વામીજીના સંદેશ પર વ્યાખ્યાનો આપ્યાં હતાં.

શ્રીધરાનંદજીએ સિંગાપુર અને મલયેશિયામાં પણ શતાબ્દીસમારોહના કાર્યક્રમોમાં સંબોધનો કર્યાં હતાં.

આશ્રમની પ્રવૃત્તિઓનો સાર આંકડાઓમાં

શ્રી વિવેકાનંદ હાઇસ્કૂલ – ૪૮૩ વિદ્યાર્થીઓ ૫૩૧ વિદ્યાર્થીનિઓ

ગ્રામ વિકાસ સ્કૂલ – ૨૮ વિદ્યાર્થીઓ

પુસ્તકાલય અને વાચનાલય – ૨૮૫૨ પુસ્તકો ૩૮ સામયિકો

આદિવાસીઓ માટે બેલુર મઠમાં યુવ-સંમેલન

રામકૃષ્ણ મઠ અને મુખ્ય કેન્દ્ર બેલુર મઠ દ્વારા ૨૬ અને ૨૭ ડિસેમ્બર ૧૯૯૩ના રોજ આદિવાસીઓ માટે એક યુવ-સંમેલન યોજાયું હતું. ૫૦ આદિવાસી જાતિઓના ૮૬૦ યુવકોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. આ યુવકો મોટે ભાગે રામકૃષ્ણ મઠ અને મિશનની વિભિન્ન શાળાઓમાંથી આવ્યા હતા. રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ હસ્તે આ ‘સંમેલન’નું ઉદ્‌ઘાટન થયું હતું.

અદ્વૈત આશ્રમ, માયાવતી

અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા આ ઉજવણીના ભાગરૂપે પિઠોરાગઢ, નૈનિતાલ અને પીલીભીટ જિલ્લાઓમાં ૭ જાહેર સભાઓ અને સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ૧૮ સભાઓ યોજાઈ હતી.

શ્રીરામકૃષ્ણ મિશન ફિજી (નાદી) આશ્રમનો ટૂંક અહેવાલ (૧૯૯૨)

તા. ૧-૧-૯૨ના રોજ આશ્રમમાં કલ્પતરુ ઉત્સવ પ્રસંગે ધ્યાનાદિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મંદિરમાં ઠાકુરની નિત્યપૂજા આરતી થતાં. અગાઉની માફક બાળકોના વર્ગો, શનિવારનું ધ્યાન, રવિવારે ગીતા, ભાગવત અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી વાચન, પૂ. શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીના જીવન અને સંદેશના વર્ગો ચલાવાતા હતા. એ કાર્યક્રમને અંતે પ્રસાદ રૂપે સહભોજન રહેતું.

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમાશારદાદેવી, સ્વામી વિવેકાનંદજી, શ્રીકૃષ્ણ, શ્રીરામ, પયગંબર સાહેબ આદિની જન્મ જયંતીઓની ઉજવણી સરસ રીતે કરવામાં આવી હતી.

મઠ-મિશનના ઉપાધ્યક્ષ ગહનાનંદજી મહારાજ વિવેકાનંદ હાઈસ્કૂલના નવા સભાખંડના ઉદ્‌ઘાટન પ્રસંગે ખાસ પધાર્યા હતા. નાદીમાં અને રાજધાની સુવામાં મહારાજે ૭૯ વ્યક્તિઓને મંત્રદીક્ષા આપી હતી. સ્વામી દામોદરાનંદ સાથે ગહનાનંદજી મહારાજ ઑસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેયન, સિડની, કેન્બરા, મૅલ્બૉર્ન, ઍડૅલૅયડ અને પર્થમાંનાં કેન્દ્રોની મુલાકાતે ગયા હતા.

આ મિશન કેન્દ્ર નાદીની આ વિવેકાનંદ હાઈસ્કૂલ ઉપરાંત ગ્રામવિસ્તારમાં આવેલી બીજી એક શાળાનું સફળ સંચાલન કરે છે. એ શાળાને ‘નવાઈકોમ્બા વોકેશનલ સેંટર’ નામ આપવામાં આવ્યું છે. બંને સંસ્થાઓ સુંદર કાર્ય કરી રહી છે.

તા. ૧૨-૧-૯૨ના રોજ રાષ્ટ્રીય યુવા દિન અંગે કાર્યક્રમ મનાવવામાં આવ્યો હતો. જેમાં ઘણા યુવાનોએ અને ભક્તોએ ભાગ લીધો હતો.

બાંગ્લાદેશના શરણાર્થીઓને અનાજ, કપડાં, દવાઓ તથા રોકડ મદદનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો છે.

મહિલાઓની મા શારદાદેવી સમિતિએ બધા કાર્યક્રમોમાં સારો ફાળો આપ્યો હતો.

રામકૃષ્ણ મઠ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની નિશ્રામાં લીંબડીમાં ત્રિવિધ મંગલ મહોત્સવ

લીંબડીમાં ૧૨મી ફેબ્રુઆરી સવારે સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, વરિષ્ઠ સંન્યાસીઓ, શહેરના અગ્રણીઓ, રાજકોટના ભક્તજનો અને ૩૦૦૦ જેટલાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ, મિશનના નવા કેન્દ્રનું ઉદ્‌ઘાટન અને ટાવર બંગલો તથા જમીનનું સમર્પણ-આ ત્રિવિધ મંગલ મહોત્સવ યોજાઈ ગયો.

લીંબડીનાં રાજમાતાએ આ પ્રસંગે જણાવ્યું કે આજે હું આનંદ આનંદ અનુભવું છું. રોમે-રોમ દિવ્ય આનંદની જાણે જ્યોત પ્રસરી ઊઠી છે. આ પ્રસંગે રાજમાતાએ “સ્મરણિકા”નું વિમોચન કર્યું હતું.

રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ, સ્વામી વાગીશાનંદજીએ લીંબડીની ભૂમિને ધન્ય ભૂમિ કહીને જણાવ્યું હતું કે લીંબડી આ પુણ્ય કાર્ય દ્વારા એક નવો ઇતિહાસ રચે છે.

રામકૃષ્ણ મિશન, રાયપુર (મ.પ્ર.)ના સેક્રેટરી, સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે પ્રવચનમાં કહ્યું: આજથી સો વરસ પહેલાં પરિવ્રાજક સ્વામી વિવેકાનંદને રાજા જશવતસિંહે વામાચાર્યોના પંજામાંથી મુક્ત કરીને ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ ઉમેર્યું હતું. આજે લીંબડી રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર સ્થાપીને ઇતિહાસનું બીજું સુવર્ણ પૃષ્ઠ ઉમેરે છે. આ માટે રાજપરિવાર અને લીંબડીના પ્રજાજનો ધન્યભાગી બન્યાં છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન રામકૃષ્ણ મઠ મિશનના જનરલ સેક્રેટરી, સ્વામી આત્મસ્થાનંદજીમહારાજે જણાવ્યું હતું કે લીંબડીના રાજપરિવારે અને સ્વ.સી.ટી. શાહના પરિવારે આ સુકાર્ય દ્વારા અનંત આઘ્યાત્મિક કીર્તિ પ્રાપ્ત કરી છે. રામકૃષ્ણ, વિવેકાનંદ ભાવધારા પ્રત્યેના આદર, પ્રેમ અને ભક્તિથી લીંબડીનાં પ્રજાજનોએ રામકૃષ્ણ મિશનને એક અનોખા બંધનમાં બાંધી દીધું છે. અહીંથી હવે માનવ સેવા-કલ્યાણની અને આધ્યાત્મિક જ્ઞાનની પ્રવૃત્તિઓની ગંગા વહેતી થશે.

આ પ્રસંગે પાલિકાના માજી પ્રમુખ શ્રી ભરતભાઈ, ડે. કલેક્ટર શ્રી ચૌધરીએ પ્રવચનો કર્યાં હતાં. વિશિષ્ટ સેવા કાર્ય માટે આર્કિટેક્ટ શ્રી ગિરીશભાઈ મારુ, કૉન્ટ્રાક્ટર શ્રી પરમાર, રાજમાતા, કુમાર શ્રી છત્રસાલજી વડોદરાના ગોરધનભાઈ પટેલ અને સુપ્રસિદ્ધ શિલ્પકાર શ્રી મધુકર પટેલનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.

કાર્યક્રમનો પ્રારંભ રાજમાતા દ્વારા લખાયેલાં ભજન અને વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. રામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા ભજવાયેલ નાટક “લીંબડીમાં સ્વામી વિવેકાનંદજી” અને ટાવર બંગલાથી મિશનના નવા મકાન સુધી નીકળેલી શોભાયાત્રા સૌ કોઈનું આકર્ષણ બની ગયાં હતાં.

Total Views: 347

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.