શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિક મહોત્સવ
શ્રીરામકૃષ્ણ દેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૮મી મે, ’૯૩થી ૧૧મી મે, ’૯૩ સુધીનો ચાર દિવસનો ભક્તિભાવ સભર કાર્યક્રમ યોજાયો હતો.
૮મી મે, ’૯૩ની સાંજની જાહેર સભામાં ભક્તજનો સમક્ષ સ્વામી પીતાંબરાનંદજી (સેક્રેટરી, શ્રીરામકૃષ્ણ મિશન, ચંડીગઢ) અને પ્રો. શ્રી પુરુષોત્તમ જી. માવલંકરે સર્વધર્મ સમન્વયની જીવંત સાધના આજના વૈજ્ઞાનિક યુગમાં “એકં સત્ વિપ્રા: બહુધા વદન્તિ ની વાત અને આજના અસહિષ્ણુતા – વિસંવાદિતાથી પીડાતા માનવ સમાજ અને વિશ્વને શ્રીરામકૃષ્ણ દેવના શાશ્વત સંદેશની કેવી અને કેટલી ઉપયોગિતા છે તે વાત વિવિધ દૃષ્ટાંતો દ્વારા રજૂ કરી હતી. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ શ્રી કે. સી. શ્રોફે પણ પ્રવચન આપ્યું હતું. સ્વામી જિતાત્માનંદજીએ પ્રાસંગિક અને સ્વાગત પ્રવચન કર્યું હતું.
૯મી મે, ’૯૩ના રોજ સવારે ૮થી ૧૨ ધ્યાન, ભજન, વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વામી પીતાંબરાનંદજી મહારાજ, સ્વામી જિતાત્માનંદજી મહારાજના આધ્યાત્મિક ભાવભર્યાં પ્રવચનો સૌ ભક્તજનોને માર્ગદર્શક નીવડ્યાં હતાં. બપોરના ૧૧.૩૦થી ૧૨.૩૦ દરમ્યાન જિજ્ઞાસુ ભક્તજનોના પ્રશ્નોના ઉત્તર સ્વામી સોમેશ્વરાનંદજીએ અને સ્વામી પીતાંબરાનંદજીએ આપ્યા હતા.
આ જ દિવસે યોજાયેલી સાંજની જાહેર સભામાં સ્વામી પીતાંબરાનંદજી, સ્વામી સોમેશ્વરાનંદજી, પ્રો. જ્યોતિબહેન થાનકી, સેવા રૂરલ ઝઘડિયાના મૅનેજિંગ ટ્રસ્ટી ડૉ. લતાબહેન દેસાઈના દૃષ્ટાંત સભર અને ભક્તિભાવપૂર્ણ વ્યાખ્યાનો દ્વારા શ્રીમા શારદાદેવી – ‘ભાવિ મહિલાઓના આદર્શ’ વિશે માહિતી – જ્ઞાન – માર્ગદર્શન સૌ કોઈને સાંપડ્યાં હતાં. સ્વામી જિતાત્માનંદજીનું પ્રાસંગિક સ્વાગત પ્રવચન પણ મનનીય રહ્યું હતું.
૧૦મી મે, ’૯૩ના રોજ સવારે ૮થી ૧૨.૩૦ સુધી સ્વામી પીતાંબરાનંદજી તથા સ્વામી સોમેશ્વરાનંદજીના માર્ગદર્શન હેઠળ નારી સંમેલનનું આયોજન થયું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વરિષ્ઠ સંન્યાસી સ્વામી પ્રમાનંદજીનાં શુભ આશીર્વચન સાથે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ નારી – સંમેલનનું મંગલ ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ શ્રી જયેશભાઈ દેસાઈના વરદ્ હસ્તે થયું હતું. ડૉ. ચેતનાબહેન માંડવિયા, ડૉ. લતાબહેન દેસાઈ, પ્રો. જ્યોતિબહેન થાનકી અને શ્રીમતી બાનુબહેન ધકાણનાં શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ પ્રણાલિમાં નારી જીવનની મહત્તા વિશે માહિતી સભર અને પ્રેરણાદાયી પ્રવચનો સૌ કોઈનાં મન-હૃદયને જચી ગયાં હતાં. પ્રાસંગિક પ્રવચનમાં સ્વામી જિતાત્માનંદજીની માતૃ-ભગિની રૂપે રહેલી નારી જીવનની વાત સૌ કોઈના હૃદયને સ્પર્શી ગઈ હતી. પ્રવચનો પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ સૌને માટે આકર્ષક બની ગયો હતો.
તે જ દિવસે સાંજે યોજાયેલી જાહેરસભામાં ભાવિકજનોને સ્વામી પીતાંબરાનંદજી, સ્વામી સોમેશ્વરાનંદજી અને જાણીતા જૈન ચિંતક શ્રી શશીકાંત મહેતાનાં ભાવભર્યાં વ્યાખ્યાનો દ્વારા આજના ભારતને સ્વામી વિવેકાનંદના સંદેશની આવશ્યકતા, અને આજની વિષમતા – વિસંવાદિતાથી ભરેલા વાતાવરણમાં સ્વામીજીના ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચના’ અને ‘જીવ સેવા એ જ શિવ પૂજા’ના સંદેશનું મહત્ત્વ સમજાવ્યું હતું.
૧૧મી મે, ’૯૩ના રોજ સવારે ૮થી ૧૨ અને બપોરના ૨થી ૫ વચ્ચે સૌરાષ્ટ્રભરમાંથી અગાઉથી નોંધાયેલા આચાર્યો અને શિક્ષકો માટેનો શૈક્ષણિક સેમિનાર પણ યોજાયો હતો. આ સેમિનારનું મંગલ ઉદ્ઘાટન સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. દિલાવરસિંહ જાડેજાના વરદ્ હસ્તે થયું હતું. તેમણે આપણી પ્રાચીન ગુરુકુળ પરંપરાના વાતાવરણને ફરીથી જીવંત કરવા માટે અનુરોધ કર્યો હતો. સ્વામી પીતાંબરાનંદજીએ સ્વામી વિવેકાનંદના કેળવણીના આદર્શને સદૃષ્ટાંત રજૂ કર્યો હતો. અને સ્વામી સોમેશ્વરાનંદજીએ “મૂલ્યોનો શિક્ષણમાં વિનિયોગ” વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. “કેળવણીમાં મૂલ્ય મીમાંસા અને વેદાંતિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યકતા” વિશે જાણીતા શિક્ષણવિદ્ શ્રી ક્રાંતિભાઈ જોષી અને શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ વિદ્વત્તાપૂર્ણ અને માહિતીસભર વ્યાખ્યાનો આપ્યાં હતાં. સિસ્ટર નિવેદિતા વિદ્યાલયના શ્રી ગુલાબભાઈ જાનીએ પેાતાની શાળામાં કરેલા વિવિધ શિક્ષણ પ્રયોગોની માહિતી આપી હતી. “યુગનાયક સ્વામી વિવેકાનંદ”નો વિડિયો ફિલ્મ શો અને “એક સત્ય” રેડિયો નાટક સૌને માટે આકર્ષક બની ગયાં હતાં. આ જ દિવસે યોજાયેલી જાહેર સભામાં સ્વામી પીતાંબરાનંદજી, ડૉ. દિલાવરસિંહ જાડેજા અને સ્વામી સોમેશ્વરાનંદજીએ તેમનાં મનનીય પ્રવચનો દ્વારા સ્વામી વિવેકાનંદ દ્વારા વિશ્વધર્મ પરિષદ, શિકાગો, ૧૮૯૩,માં આપેલ સંદેશ વિશે ભાવિકજનોને એક ઐતિહાસિક દૃષ્ટિકોણ આપ્યો હતો.
Your Content Goes Here




