રશિયામાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી
રામકૃષ્ણ મિશન શતાબ્દી ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશનના મૉસ્કો કેન્દ્ર દ્વારા ૧લી મેના રોજ શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા આયોજિત થઇ હતી, ૧૯મી મેના રોજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑરિયેન્ટલ સ્ટેડિઝમાં વિદ્વાનોની બેઠક યોજાઇ હતી. ૧૬મી સપ્ટેમ્બરના રોજ ભારતીય ઍમ્બેસીમાં જવાહરલાલ નહેરુ કલ્ચરલ સૅન્ટર દ્વારા વિદ્વાનોની બેઠક યોજાઇ હતી. રશિયન વિચારકોના લેખોની એક માહિતીપ્રદ પુસ્તિકા, ‘વેદાંત પ્રમાણેનું જીવન’ નામનું પુસ્તક અને રામકૃષ્ણ મિશનની ઉપલબ્ધિઓ વિશેની એક વિડિયો કૅસેટ આ પ્રસંગે બહાર પાડવામાં આવ્યાં હતાં. રશિયાના અન્ય શહેરોમાં પણ આ ઉજવણી કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા આયોજિત
રામકૃષ્ણ મઠ અને મિશનનાં અન્ય કેન્દ્રોની જેમ બાંગલાદેશના ઢાકા કેન્દ્ર દ્વારા પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીશ્રી દુર્ગાપૂજાનું ભવ્ય આયોજન થયું હતું. બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, બાંગલાદેશના અન્ય મંત્રીશ્રીઓ, બાંગલાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી એચ. એમ. ઇર્શાદ, ભારતના બાંગલાદેશ ખાતેના હાઇકમિશનર શ્રી દેબ મુર્ખજી અને અન્ય અનેક મહાનુભાવોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો.
રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓની સિદ્ધિઓ
રામકૃષ્ણ મિશનના દેવધર કેન્દ્રની વિદ્યાપીઠના એક વિદ્યાર્થીએ ભારત સરકાર દ્વારા આયોજિત અખિલ ભારતીય વિદ્યાર્થી વિજ્ઞાન સૅમિનારમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ માટેનો પુરસ્કાર દિલ્હીમાં ૧લી ઑક્ટોબરના રોજ તેને આપવામાં આવ્યો હતો.
ચેન્નાઇ મિશન આશ્રમની પ્રાથમિક શાળાના એક શિક્ષકને તામિલનાડુનો ડૉ. એસ. રાધાકૃષ્ણન્ શ્રેષ્ઠ શિક્ષક (૧૯૯૬-૯૭) ઍવોર્ડ પ્રાપ્ત થયો છે.
ચેન્નાઇ શારદા વિદ્યાલયના એક શિક્ષકને ડૉ.રાધાકૃષ્ણન્ રાષ્ટ્રીય પુરસ્કાર (૧૯૯૬-૯૭) પ્રાપ્ત થયો છે. ૫મી સપ્ટેમ્બરના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. કે. આર. નારાયણન્ના હસ્તે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
બાંગલાદેશમાં રાહતકાર્ય
બાંગલાદેશમાં રામકૃષ્ણ મિશનના ઢાકા કેન્દ્ર દ્વારા ચિતાગોંગ અને કોકસબઝાર જિલ્લાઓના વાવાઝોડાથી પીડિત લોકોમાં ૨૪૦ સાડીઓ, ૧૬૦ લુંગી અને ૧૬૦ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પીડિત લોકોના પુનવર્સવાટ માટે ૮૦ નવા મકાનોનું નિર્માણ પૂર્ણ થઇ ગયું છે. ૨૨૦ વધુ મકાનોના નિર્માણની યોજના કાર્યરત છે.
પોરબંદરમાં નેત્રયજ્ઞ આયોજિત
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મૅમૉરિયલ, પોરબંદર દ્વારા પોરબંદરમાં ૨૦મી નવેમ્બરના રોજ એક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૬૫ દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી. ૨૧ દર્દીઓને ઑપરેશન માટે મોકલવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લામાં સર્વનિદાન કૅમ્પ અને દરિદ્રનારાયણ સેવા
દાહોદ જિલ્લાના નીમચ ગામમાં ૧૯મી નવેમ્બરના રોજ એક સર્વનિદાન કૅમ્પ યોજાયો હતો, જેમાં ૪૭૭ દર્દીઓને નિઃશુલ્ક સા૨વાર આપવામાં આવી હતી. આ ઉપરાંત આ ગામના લોકોને ૩૦૦ વસ્ત્રો તેમ જ ૨૧૦ ધાબળાઓનું વિતરણ દાહોદ જિલ્લાના કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
મદુરામાં શ્રીરામકૃષ્ણદેવનું નૂતન મંદિર
રામકૃષ્ણ મઠના મદુરા કેન્દ્ર દ્વારા શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરની યોજના ઘડવામાં આવી છે. નિર્માણ કાર્ય તેમ જ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આશરે રૂ. ૨૫ લાખનો ખર્ચ થશે. ભાવિકજનોને આ મહાન કાર્યમાં તન, મન, ધનથી સહાયરૂપ થવા અપીલ બહાર પાડવામાં આવી છે.
Your Content Goes Here





