રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર

રાહતકાર્ય : રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલડ મઠ દ્વારા મેઘાલયના ચેરાપુંજી કેન્દ્રને ૭રર વસ્ત્રો મોકલી દેવામાં આવ્યાં છે, જેનું વિતરણ મેઘાલયની તળેટીમાં શેલાની પાસે રહેતી હાજુંગ, બનાઈ, કોચ, વગેરે આદિવાસી પ્રજાજનો વચ્ચે થશે.

પં. બંગાળ

રામકૃષ્ણ મિશનના સરીશા કેન્દ્રમાં નવા મંદિરની સમર્પણવિધિ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ્ હસ્તે ૭મી ફેબ્રુઆરીએ થઈ હતી. ૨૫૦થી વધુ સંન્યાસી-બ્રહ્મચારીઓએ અને અનેક ભાવિક જનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પરમ પૂજ્ય પરમાધ્યક્ષ મહારાજના આશીર્વચન પછી એક જાહેરસભાનું આયોજન તે જ દિવસે થયું હતું, જેની અધ્યક્ષતા રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે કરી હતી. આ પ્રસંગે એક સ્મરણિકાનું વિમોચન પણ થયું હતું.

રામકૃષ્ણ મઠના બેલઘરિયા કેન્દ્રમાં ત્રણ દિવસના એક વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્‌ઘાટન ર૬મી ફેબ્રુઆરીએ પં.બંગાળના શ્રમ મંત્રી શ્રી શાંતિ ઘટકે કર્યું હતું.

ઓરિસ્સા

રામકૃષ્ણ મઠના ભુવનેશ્વર કેન્દ્ર દ્વારા પુરી જિલ્લાના બોલગઢમાં ૨૭ થી ૩૧ ડિસેમ્બર, ૧૯૮૯ આઠમો રાષ્ટ્રીય એકતા કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ૧૮૭ યુવકોએ અને વિદ્વાનોએ ભાગ લીધો હતો. ભુવનેશ્વર આશ્રમ દ્વારા ૧૨ થી ૧૮ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવાસપ્તાહ ઊજવવામાં આવ્યું હતું, જેમાં ઓરિસ્સાનાં આઠ સ્થળોના યુવાનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

તામિલનાડુ

રામકૃષ્ણ મિશનના સાલમ કેન્દ્ર દ્વારા ૧૨મી જાન્યુઆરીએ યુવ-સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ૩૨૫ યુવાનોએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મિશનના કોઈમ્બટુર કેન્દ્રની શાળાના એક વિદ્યાર્થીએ એથલેટિકની રાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને બાસ્કેટબૉલની અખિલ ભારત ટુર્નામેન્ટમાં એક વિદ્યાર્થીએ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.

કેરાલા

રામકૃષ્ણ મઠના કાલાડી કેન્દ્ર દ્વારા ૧રમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે રમતગમત સ્પર્ધા અને સાહિત્યક-વિદ્યાકીય સ્પર્ધાઓ યોજાઈ હતી. તેમાં દશ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ગુજરાત

ખેડા જિલ્લામાં સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રસાર

ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાની બી.બી. પટેલ હાઈસ્કૂલ ડભોઈમાં છેલ્લાં બે વર્ષથી સ્વામી વિવેકાનંદ વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાય છે. ચાલુ સાલ જિલ્લાના દશ તાલુકાના બે ઝોન પાડીને જિલ્લાની માધ્યમિક, ઉ. મા. શાળાઓમાં “ભારતીય યુવાનોની જાગૃતિમાં સ્વામી વિવેકાનંદનો ફાળો’’ એ વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી. નડિયાદ ઝોનમાં ૧૮ ભાઈઓ અને ૧૨ બહેનોએ, આણંદ ઝોનમાં ૧૫ ભાઈઓ અને ૧૦ બહેનોએ ભાગ લીધો. દરેક ઝોનમાંથી પ્રથમ પાંચને એમ કુલ દશની જિલ્લાકક્ષાની સ્પર્ધા ડભોઈ મુકામે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીના અધ્યક્ષસ્થાને ૯મી ફેબ્રુઆરીએ યોજવામાં આવી હતી. ખેડા જિલ્લાનાં પ્રાથમિક અધ્યાપન મંદિરોમાં પણ આ જ વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવેલી. આ કાર્યક્રમોમાં શિક્ષકો અને આચાર્યશ્રી તેમજ ગામના યુવાન નાગરિકોએ ખૂબ રસથી ભાગ લીધો હતો.

શ્રી રામકૃષ્ણ સેવા મંદિર, વલ્લભ વિદ્યાનગર

૯મી ફેબ્રુઆરીએ સાંજે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીનું પ્રવચન થયું હતું.

મહાશિવરાત્રિના પર્વની ઉજવણી ૨૩મી ફેબ્રુઆરીએ થઈ હતી. સંધ્યા આરતી, ધ્યાન, ભજન, કથામૃતમાંથી વાચન પછી વડોદરાના ડો. ઈન્દિરાબહેન પટેલનું ‘આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ’ એ વિશે પ્રવચન યોજાયું હતું.

શ્રીરામકૃષ્ણદેવ આર્વિભાવ તિથિપૂજા-મહોત્સવ નિમિત્તે ૨૭મી ફેબ્રુઆરીએ વેદપાઠ, પૂજા, ધ્યાન, ભજન, આરતી, દરિદ્રનારાયણસેવા અને પ્રવચનોના કાર્યક્રમો યોજાયા હતા.

રામકૃષ્ણ મિશનના વડા મથક (બેલુર મઠ, હાવડા)ના સમાચાર

૨૪ ડિસેમ્બર ૧૯૮૯ ને રવિવારે સાંજના સાડા ત્રણ વાગે રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને રામકૃષ્ણ મિશનની ૮૦મી વાર્ષિક સામાન્ય સભા બેલુડ મઠ ખાતે મળી હતી. આ સામાન્ય સભામાં ૧૯૮૮-૮૯ ના ગવર્નિંગ બોડીના અહેવાલની રૂપરેખા નીચેની વિગતો સભ્યો સમક્ષ મૂકવામાં આવી હતી. ગત વર્ષનાં મહત્ત્વનાં કાર્યોમાં રાજસ્થાનમાં જયપુર કેન્દ્રનું ઉદ્દઘાટન અને રામકૃષ્ણ મિશનના વડામથક તેમજ કેટલાંક શાખા કેન્દ્રોમાં કોમ્પ્યુટર વ્યવસ્થા મુખ્ય હતાં.

રાંચી (મોરાબાદી) કેન્દ્ર દ્વારા વિસ્તૃત સેવા યોજનાઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે આદિવાસી પ્રજાજનો માટે ગ્રામ-વિકાસ યોજના, સિંચાઈ યોજના, ઓછી કિંમતનાં મકાનોનું બાંધકામ, વગેરેનો સમાવેશ થયો છે.

રાહત સેવા કાર્યો

૧૯૮૮-૮૯ના વર્ષમાં રામકૃષ્ણ મઠ ને મિશનના અહેવાલ પ્રમાણે રાહત સેવા અને પુનર્વસવાટ કાર્ય પાછળ ૫૫.૮૧ લાખ રૂપિયા વાપરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉદાર દિલના સખી-ગૃહસ્થ દ્વારા મળેલ ૨૧.૦૫ લાખની જુદી-જુદી ચીજ વસ્તુઓનું વિતરણ અસરગ્રસ્ત લોકોમાં કરવામાં આવ્યું હતું.

તબીબી સેવાઓ

મિશનની આઠ ઈસ્પિતાલો અને ૭૮ દવાખાના તેમજ ફરતાં દવાખાનાં દ્વારા તબીબી સેવાના ક્ષેત્રે ઘણું મહત્ત્વનું કાર્ય થયું હતું . ૪૧ લાખ દર્દીઓ માટે ૫.૫૪ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

શૈક્ષણિક પ્રવૃત્તિઓ

દર વર્ષની જેમ મિશનની શૈક્ષણિક સંસ્થાઓનાં પરિણામો ઘણાં ઉજ્જવળ રહ્યાં. મિશન દ્વારા ૧૪૯૧ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવાય છે. જેમાં ૧,૪૯,૫૭૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શૈક્ષણિક કાર્ય પાછળ મિશને ૧૭.૬૬ કરોડ રૂપિયા વાપર્યા હતા.

ગ્રામ અને આદિવાસી સેવા-કલ્યાણ કાર્ય

દેશના અનેક ગ્રામ અને આદિવાસી વિસ્તારોમાં મિશન આ સેવાકાર્ય બજાવે છે. આ સેવાકાર્ય પાછળ આશરે ૧.૭૮ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

વિદેશોમાં કરેલાં કાર્યો

વિદેશમાં રામકૃષ્ણ મિશનનાં શાખા કેન્દ્રો મુખ્યત્વે આધ્યાત્મિક ઉન્નતિનાં અને ઉપદેશનાં કાર્યો કરે છે આ ઉપરાંત નાના પાયા પર શૈક્ષણિક, તબીબી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના ક્ષેત્રે પણ કામ થયું છે.

બેલુડ મઠના વડા મથક ઉપરાંત રામકૃષ્ણ મિશન અને મઠની દેશ-વિદેશમાં અનુક્રમે ૭૭ અને ૭૩ શાખાઓ અસ્તિત્વ ધરાવે છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો ૧૫૫મો પાવનકારી આવિર્ભાવ-તિથિ મહોત્સવ ૨૭મી ફેબ્રુઆરી, ૯૦ જૂને મંગળવારના રોજ ઉજવાયો હતો.

આ પાવનકારી પર્વ નિમિત્તે મંગલ આરતી, વેદપાઠ, ભજન, ગીતાપાઠ, બાઈબલ, કુરાનમાંથી વાચન, ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’માંથી વાચન, હવનનો કાર્યક્રમ સવારના ૫.૩૦ થી ૧૧.૧૫ સુધી યોજાયો હતો.

સવારના ૮ વાગ્યે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની શણગારેલી પાલખી સાથે ભજન-સંકીર્તન કરતાં કરતાં શ્રીરામકૃષ્ણમંદિરની પરિક્રમાનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટના અને બહારગામથી આવેલા ભકતજનોએ ભકિતભાવપૂર્વક આ પરિક્રમાનો કાર્યક્રમ માણ્યો હતો. સાંજના ૬ વાગ્યે શ્રીરામકૃષ્ણ નામ-સંકીર્તન અને ૭.૩૦ વાગે શ્રીરામકૃષ્ણદેવ વિશે આશ્રમમાં સંન્યાસીઓનાં પ્રવચનો પણ યોજવામાં આવ્યાં હતાં.

૯મી ફેબ્રુઆરી, ’૯૦ શુક્રવારે શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજની જન્મતિથિ ઊજવવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજના જીવનના સંદેશ વિશે શ્રીરામકૃષ્ણ મંદિરમાં પ્રવચન યોજાયું હતું.

૨૩મી ફેબ્રુઆરી, ’૯૦ શુક્રવારે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિત્તે રાતના ૯ થી ૧ વાગ્યા સુધી વિશેષ પૂજા, હવન-ભજન અને શિવનામ સંકીર્તનના વિશિષ્ટ કાર્યક્રમ યોજાયા હતા. શ્રીરામકૃષ્ણ વિદ્યાર્થીમંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શિવનૃત્ય રજૂ થયાં હતાં.

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.