શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રેટરી છે.
सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् ।
देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते ॥
समानो मन्त्रः समितिः समानी
समानं मनः सह चित्तमेषाम् ।
समानं मन्त्रमभिमन्त्रये वः
समानेन वो हविषा जुहोमि ॥
समानी व आकूतिः समाना हृदयानि वः ।
समानमस्तु वो मनो यथा वः सुसहासति ॥
(संज्ञानसूक्तम्)
આપણા ઋર્ષિઓએ વેદના આ મંત્રમાં આપણને કેટલો ઉચ્ચ આદેશ આપ્યો છે! આપણે સૌ એક જ પિતાનાં સંતાનો છીએ; એ એક પરમાત્માના આપણે સૌ અંશ છીએ. આપણામાં પરસ્પર સંપૂર્ણ આત્મીયતાનો ભાવ હોવો જોઈએ. આપણું બોલવાનું ચાલવાનું કામ કરવાનું બધું જ સાથે મળીને કરીએ તો તેમાં પરમ તેજ પ્રગટશે. આ સંસારમાં ચારે તરફ વિસંવાદિતા જોવામાં આવે છે. કારણ કે ઇર્ષ્યા, રાગદ્વેષને લીધે કલુષિતતા જ ઉત્પન્ન થાય છે. પણ પરસ્પર પ્રેમભાવના અને ઐક્ય વધતાં રહે તો આપણા પ્રત્યેક કાર્યને આપણે સુંદર રીતે પાર પાડી શકીએ. આપણી પ્રાર્થના પણ સૌ સાથે મળીને સુસંવાદિત રીતે કરીએ તો એ પરમાત્માને પણ આનંદ થશે. આપણાં કાર્યોની વિચારણા, આપણાં પ્રયોજન સિદ્ધ કરવાની ભાવના પણ આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ.
સૌની ભાવના સામાન્ય હિતમાં હોય તો જ “सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दु:खमाप्नुयात् ॥” એ દિવ્ય વાણીની સાર્થક્તા સિદ્ધ થાય. જુદાં જુદાં અનેક સુંદર વાદ્યો હોય તે જ્યારે એકએક કરીને વગાડવામાં આવે ત્યારે તેના સંગીતની વિશિષ્ટતા અલગ અલગ હોય છે. પરંતુ જ્યારે સુસંવાદિત રીતે આ બધાં જ વાદ્યો સાથે મળીને એક વૃંદવાદન રજૂ કરે ત્યારે તેમાંથી “Wonderful Symphony of Beethoven” જેવી રચનાઓ પણ ઉત્પન્ન થાય છે, જે સાંભળતાં જ માણસને ભાવસમાધિ લાગી જાય. એ રીતે, જ્યારે સમષ્ટિનાં હિતનો વિચાર કરવાનો હોય ત્યારે જો બધાં જ એક ભાવના અને ઐક્યથી વિચારે ને કાર્ય કરે તો સમસ્ત સમાજ અને રાષ્ટ્રને માટે એ ઉપકારક બની જાય. માનવ માનવ વચ્ચેના ભેદનો પછી અવકાશ જ ન રહે. કોણ ઉચ્ચ, કોણ નીચ! ત્યાં પછી જાતિ પાંતિ, કુલ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, ભંગી, ચમાર એવા કોઈ ભેદ રહી જ ન શકે. એનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. સૌ એક બની જશે. સૌ પરસ્પરના કલ્યાણનો વિચાર કરશે. અને એ જ રીતે એક ઉચ્ચ પ્રેમ, સમાન લાગણી અને સમાન હૃદયનો સૌ અનુભવ કરી શકશે અને ત્યારે સંપૂર્ણ આત્મીયતાથી, સૌ પૂર્ણ ઐક્યનો અનુભવ કરી એક જ પિતાનાં સંતાનો છે એવા સાત્ત્વિક પરમ ઉચ્ચ અનુભવ કરી ધન્ય બની જશે.
Your Content Goes Here




