‘તમે ઈશ્વરને જોયો છે?’

આ પ્રશ્ન એકલા નરેન્દ્રનાથને જ ઉદ્ભવે એ જરૂરી નથી. માણસ માત્રને એની ભૌતિક હયાતી દરમિયાન આ સવાલ ક્યારેક તો અચૂક પેલા રઝળપાટ કરતા શાપિત અશ્વત્થામાની જેમ સામો ભટકાઈ જાય છે. બધાને નરેન્દ્રનાથ જેવી ચોટ ન પણ વાગે. એટલે પ્રત્યેક માનવી એ પ્રશ્નને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી એના ઉકેલ માટે ઘાંઘો ન જ બને. દરેકના નસીબમાં રામકૃષ્ણ જેવા ગુરુ પણ ક્યાંથી હોય! છતાં ધારે તો એ પોતાની હૈયા ઉકલતથી મનમાં ઉદ્ભવેલા સંક્ષોભનું સમાધાન જરૂર શોધી શકે. માણસના રોજિંદા જીવનમાં જ આવા ચિરંતન સવાલોનું સમાધાન છુપાયેલું હોય છે. અલબત્ત, એ માટે આપણે આપણી મેદસ્વી દૃષ્ટિને થોડી માંજવી તો પડે જ. અને એ અઘરું હશે છતાં અશક્ય પણ નથી.

આપણે ઘણી વાર સ્વજનો સાથે પણ બગાડી બેસતા હોઈએ છીએ. એમાં આપણો જ વાંક હોય છે, એવું નથી. પિતા સાથે પણ પ્રામાણિક સંઘર્ષ સંભવી શકે. પરંતુ એથી આપણે એમના પિતૃત્વને પડકારતા નથી. મિલકતના ઝઘડાને લીધે મા જણ્યા ભાઈ એકમેકના વેરી બની જાય એ બનવાજોગ છે. છતાં પેલું લોહી તો વખત આવ્યે તપ્યા વગર નહિ જ રહે. ઈશ્વર સાથે પણ જીવ માત્ર લોહીની સગાઈથી જોડાયેલ છે. એટલે મોટા ઉપાડે એનો તિરસ્કાર કરનારને પણ ક્યારેક એની અસીમ કૃપા સાંપડે તો નવાઈ નહિ લાગવી જોઈએ. ઘણી વાર બખાળિયું બાળક માબાપને વધારે વહાલું લાગે. નાસ્તિક નરેન્દ્ર પર રામકૃષ્ણને વિશેષ હેત જાગેલું એમ સ્તો! નકારમાં છુપાયેલો હકાર વધારે ઓજસ્વી નીવડે છે. વેરભાવે ભજનારને ક્યારેક વહેલી મુક્તિ મળે છે. હિરણ્યકશ્યપ, રાવણ અને કંસને થયેલા સાક્ષાત્કારનું મૂલ્ય કોઈ પણ મુમુક્ષુની અભૂતિની સરખામણીમાં લેશ માત્ર ઓછું ન જ આંકી શકાય.

ઈશ્વર વિશે માનવી યુગોથી તર્કવિર્તક કરતો રહ્યો છે. શ્રદ્ધા અને બુદ્ધિ વચ્ચે તકરાર ચાલતી આવી છે. શ્રદ્ધા પણ એની કૃપાપ્રસાદી ગણાઈ છે. માણસ માટે શ્રદ્ધાથી મોટી કોઈ સંપત્તિ ન હોઈ શકે. બૂંદ સ્વરૂપે હોય છે ત્યારથી જ જીવને શ્રદ્ધાનો સધિયારો જિવાડે છે. ઈશ્વરને આપણે ગજાબહારની હસ્તી ગણીને એમાં શ્રદ્ધા ન પણ મૂકીએ; પરંતુ આપણે આપણી માતામાં તો આંધળો વિશ્વાસ મૂકીને જ પાંગર્યા હતા! જન્મ્યા પછી પણ આપણે શ્રદ્ધાપૂર્વક એની છાતીએ વળગ્યા અને જરૂરી પોષણ મેળવી લીધું. માથી મોટો કોઈ ઈશ્વર હોઈ શકે ખરો? આખરે તો ઈશ્વરને પણ મનુષ્યરૂપ ધરવા કોઈને કોઈ માનો જ ખોળો ખૂંદવો પડ્યો છે! કૌશલ્યા કે દેવકી આપણા સહુની માતાઓ જેવી જ માતાઓ હશે. એમને પોતાના કોઠે ઊછરતું બાળ સાક્ષાત્ પરમેશ્વર હોવાની કલ્પના સુધ્ધાં જાગી હોય એ સંભવિત નથી. પરમેશ્વર પોતે જ એવી જાણ ન થવા દે. ને એવો ખુલાસો ભૂલથીય થઈ જાય તો માતાને ન તો માતૃત્વનો મહિમા રહે કે અંશાવતારને ન રહે મનુષ્યદેહે અવતરવાનો આંનદ, માતૃત્વ એ ઈશ્વર જેવા ઈશ્વર સુધ્ધાંને ગર્ભસ્થ કરવાની અપરિમેય શક્યતાનો પર્યાય છે. એ કોઈ હસી કાઢવા જેવી બાબત નથી. ગર્ભનિરોધના હિમાયતીઓએ ક્યારેક આ મુદ્દે પણ વિચારવા જેવું તો ખરું!

તે સવારે માતૃત્વનું માંગલિક દૃશ્ય નિહાળીને હું પાવન થઈ ગયો. સમી સાંજે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું અને પછી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાત આખી વરસાદી ઘેનમાં ડેર્યા પછી વહેલી સવારે ઘરની પરસાળમાં નીકળીને જોઉં છું તો સામે પેલી ઘટાટોપ આમલી નીચે એક મા એના શિશુને સાચવતી ઊભી છે! રાતભર એણે ઉજાગરો વેઠ્યો હશે. મેઘાડંબર ગાંડું થઈ ગાજ્યું રહ્યું હશે ત્યારે પણ પેલા ગર્દભ શિશુને એનો ભય નહિ વરતાયો હોય, કારણ કે એને મા જેવી મા નાં રખોપાં હતાં. હું એ માંગલિક દૃશ્ય એકી ટશે નિહાળતો રહ્યો. સ્વજનોને પણ મેં ટપાર્યાં. બોલો, તમને આટલામાં જ ઈશ્વર બતાવી દઉં? તમારે એને હાજરાહજૂર, નરી આંખે જોવો છે? અને મેં એ મા દીકરી ભણી આંગળી ચીંધી ત્યારે બધાં હસી પડેલાં. સાક્ષાત્કારની ક્ષણને પણ આમ જ આપણે હસી કાઢતાં આવ્યા છીએ! બ્રશ કરી રહ્યો ત્યાં લગી હું આમલી નીચે ઊભેલા એ ‘વાત્સલ્ય’નું અનિમેષ દૃષ્ટિપાન કરતો રહ્યો. પરાકાષ્ઠા તો ત્યારે અનુભવી જ્યારે ઊગતા સૂરજની સાખે અને કોયલ-બપૈયાના ટહુકાર વચ્ચે ખોલકું શાશ્વત શ્રદ્ધાપૂર્વક એની માને બચ બચ ધાવવા માંડ્યું..! એ ક્ષણે મને રૂંવે રૂંવે રામકૃષ્ણની સાક્ષાત્કારી વાણીનો રોમાંચ ફૂટયો…

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.