(ગતાંકથી આગળ…)
यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति ।
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ।।52।।
‘તારી બુદ્ધિ મોહરૂપી મલિનતાની પાર જશે ત્યારે સાંભળેલી અને અત્યાર સુધી નહીં સાંભળેલી બાબતો પ્રત્યે તને વૈરાગ્ય ઊપજશે.’
આ જે અર્જુનને કહ્યું છે તે આપણને સૌને કહ્યું છે. આપણાં ચિત્તમાં ગરબડ છે, यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति, ‘તારું ચિત્ત આ મોહના ક્ષેત્રની પાર જશે ત્યારે’; વિશુદ્ધ મન સાથેનું સુરેખ અને સ્પષ્ટ ચિંતન માયાસમુદ્રને પાર કરવામાં સહાય કરે છે અને તું એમ કરીશ ત્યારે तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च, ‘સાંભળેલી અને અત્યાર સુધી નહીં સાંભળેલી બધી બાબતો પ્રત્યે તને વૈરાગ્ય ઊપજશે.’ – ‘મારે આ સાંભળવું છે, મારે પેલું જાણવું છે’ : મન સતત આમ ઝાવાં નાખતું રહે છે. પણ એ બંધ થઈ જશે અને સ્થિરતા આવશે. એ માટે પોથીઓ પઢવાની કે આ કે તે સાંભળવાની જરૂર નથી. તમે એની પાર નીકળી ગયા છો. સાધક ગ્રંથોની પાર જાય એ વિચાર વેદાંતમાં ખૂબ જ અગત્યનો છે. આ બાબત, પછીના કેટલાક શ્લોકો આપણને વધારે કહેશે. શ્લોક ૫૩મો કહે છે –
श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ।।53।।
‘અનેક પ્રકારના મતોની ખેંચતાણથી વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ નિશ્ચલ અને આત્મામાં દૃઢ થશે ત્યારે આત્મસાક્ષાત્કારરૂપી યોગને તું પામીશ.’
તારું ચિત્ત જ્યારે ‘આ મત અને તે મત’ સાંભળવાની ખેંચતાણથી વિભ્રમમાં પડશે ! श्रुतिविप्रतिपन्ना ‘કેટલાક ગ્રંથો આમ કહે છે અને કેટલાક તેમ કહે છે, કોઈ માણસ આમ કહે છે ને બીજો કોઈ તેમ કહે છે.’ આમ આવી વાદાવાદની તાણખેંચભરી પરિસ્થિતિમાં મનને કદી શાંતિ સાંપડે નહીં. આ પરિસ્થિતિ બદલાય, यदा स्थास्यति निश्चला, ‘મન જ્યારે સ્થિર થાય.’ આ ને તે સાંભળવાના ગૂંચવાડામાંથી બહાર નીકળી, આ ને તે સાંભળવું તજી દે, આ ને તે વાંચવું છોડી દે, ત્યારે મન સ્થિર થાય. કયાં? समाधौ, ‘સમાધિમાં.’ સમાધિ શું છે? શંકરાચાર્ય કહે છે : अस्मिन् समाधीयते इति समाधिः, ‘જેમાં તમે સ્થિર થઈ જાઓ તે અર્થાત્ આત્મામાં’ અને આત્મા, તમારો અનંત આત્મા. अचला बुद्धिः, ‘બુદ્ધિ અચલા સ્થિર, નિશ્ચલ બને છે.’ આધ્યાત્મિક પ્રગતિથી એ દશાને તમે પામશો. આધ્યાત્મિક વિકાસ જેવું કશુંક છે ખરું.
ગીતાના સમગ્ર બોધમાં આધ્યાત્મિક વિકાસ ઉપર તમને આ ઝોક જોવા મળશે. સામાન્ય કર્મકાંડમાં આધ્યાત્મિક વિકાસની આ વિભાવના પર કદી ભાર દેવામાં આવતો નથી. કોઈ પુરોહિતને આપણે પાંચ રૂપિયા આપીએ છીએ, એ કંઈક વિધિ કરે છે અને આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ પણ આપણે એવા ને એવા જ રહીએ છીએ. એંશી વર્ષની વયે પણ એ જ ચિત્ત, કશું જ પરિવર્તન નહીં. પણ અધ્યાત્મ વિદ્યા ગીતામાં આધ્યાત્મિક વિકાસ ઉપર આ ઝોક છે. તમે આધ્યાત્મિક વિકાસ પામો છો? તમે આધ્યાત્મિક દૃષ્ટિએ વધારે ને વધારે બળવાન બનો છો? તમને વધારે શાંતિ સાંપડી છે? તમે વધારે કરુણાવાન બન્યાં છો? તમારાં જીવનમાં અને કાર્યમાં અનંત આત્મા આવિષ્કાર પામે છે? આ સઘળો આધ્યાત્મિક વિકાસ છે. આધ્યાત્મિક વૃદ્ધિ વિનાનો ધર્મ કેવળ બંધિયાર પવિત્રતા બની જાય છે. એનાથી કશી ભલીવાર નથી થતી અને વળી એ ઘણું નુકસાન પણ કરી શકે. બધી ધર્માંધતા અને બધો દેખાવ. આધ્યાત્મિક વિકાસ પર ભાર નહીં દેવાય ત્યારે ધર્મમાં આ બધું આવવાનું. જગતના મોટા ભાગના ધર્મોની આ કથા છે. વિવેકાનંદે એક પત્ર(સ્વા.વિ.ગ્રંથમાળા : ૭.૫૨)માં લખ્યું હતું :
‘જગતના ધર્મો નિર્જીવ અને હાંસી જેવા થઈ ગયા છે. દુનિયા ચારિત્ર્ય માગે છે.’
આ દૃષ્ટિબિંદુથી જોતાં દરેક ધર્મ મૃત બની ગયો છે. ધર્મને નામે આપણે ગમે તેટલી દુષ્ટતા અને હિંસા આચરીએ છીએ અને માનવ માનવ વચ્ચે ભેદ પાડીએ છીએ. એવા ધર્મનું આજે કશું જ મૂલ્ય નથી. માનવીઓનાં આધ્યાત્મિક વિકાસ ઉપર જ ભાર દેવાવો જોઈએ. જેમ શરીર વધે છે, મન વૃદ્ધિ પામે છે તેમ, અધ્યાત્મ પણ વિકાસ પામે છે. આ મુદ્દા પર ફરી ફરી ભાર દો. યોગ પ્રાપ્ત કરી શકાય તેવી બાબત છે. આપણે એક એક ડગલું આગળ વધવું જોઈએ. આ કંઈ બહારના દેખાવની ચીજ નથી. ઘરને ખૂણે કામ કરતી કોઈ ગૃહિણી કે ખેતરમાં કામ કરતો હોઈ દહાડિયો – મજૂર, દરેકે દરેક આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે. એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. ગીતાને જે અર્થમાં સમજવાની છે એવા યોગ્ય અર્થમાં સમજીએ ત્યારે જીવનનાં દરેક ક્ષેત્રમાં આધ્યાત્મિક વિકાસ લોકો સાધશે – એ મહાન સિદ્ધિ થશે. બધાં નર-નારીનાં આધ્યાત્મિક વિકાસ અને સિદ્ધિ તરીકે યોગનો સ્વીકાર થશે. આપણા અનંત આત્મામાં આપણે અચલ થઈશું. આપણે આપણાં મનને, કર્મોને અને બીજા લોકો સાથેના વ્યવહારને દૃષ્ટિ સામે રાખી આ ભાવના વિકસાવી શકીશું. આચાર્ય શંકર अस्मिन् समाधीयते इति समाधिः ‘જેમાં મન સ્થિર થઈ જાય તે સમાધિ’, એમ કહે છે. એ શું છે ? આત્મા, તમારું પોતાનું અનંત, દિવ્ય સ્વરૂપ.
યોગ વડે તમારા સાચા સ્વરૂપને તમે ઓળખી શકો છો. કેવી સુંદર વિભાવના! આપણા સ્વરૂપને આપણે જાણતા નથી. આપણે માનસિક વિકૃતિને પામીએ છીએ, આપણે માનસિક રીતે ભાંગી પડીએ છીએ કે આપણા જ્ઞાનતંતુઓ ભાંગી પડે છે ત્યારે આપણા સ્વરૂપને આપણે ખોઈ બેસીએ છીએ. એ સમયે આપણે નાના બાળક જેવું વર્તન કરીએ છીએ. મનોચિકિત્સાશાસ્ત્ર ત્યારે આપણી સહાયે આવે છે અને આપણા સાચા સ્વરૂપમાં આપણને ફરી મૂકી દે છે. આપણે ફરી સમધારણ થઈ જઈએ છીએ. એટલે આપણી જાત માટે આપણે જે મોટામાં મોટું કામ કરી શકીએ તે છે આપણા સાચા સ્વરૂપને પામવાનું કામ. એ સ્વરૂપ કયું છે ? હું આત્મા છું, એ અનંત આત્મા, નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત, નિત્ય જ્ઞાનમય; આ મારું સાચું સ્વરૂપ છે. મારે એ ઉચ્ચ કક્ષાએ ચડવું જ જોઈએ. અત્યારે તો આપણે સંમોહિત અવસ્થામાં છીએ. આપણા સાચા સ્વરૂપથી અજ્ઞાત હોવાથી આપણે સર્વપ્રકારનાં અનિષ્ટ કાર્યો કરી રહ્યા છીએ. એથી તો વિવેકાનંદે પશ્ચિમમાં વેદાંતનો બોધ કર્યો અને લોકોને વશીકરણ(મોહમુગ્ધતા)માંથી મુક્ત કર્યા. લોકો વશીકરણનો ભોગ બનેલા જ છે; હું કાળો છું, હું ધોળો છું; હું પુરુષ છું, હું સ્ત્રી છું; હું પૈસાદાર છું, હું ગરીબ છું; આ બધું વશીકરણ છે. વિવેકાનંદના વેદાંતનું કાર્ય લોકોને આ વશીકરણથી મુક્ત કરી પોતાના સાચા સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવાનું છે. એ યોગ છે. तदा योगं अवाप्स्यसि, ‘ત્યારે તું ખરે જ યોગને પામીશ.’ જ્યારે આ વિષયને શ્રીકૃષ્ણે વ્યક્ત કર્યો, ત્યારે અર્જુનને પ્રશ્ન પૂછવાની તક મળી. આ બધો સમય અર્જુન માત્ર સાંભળ્યા કરતો હતો.
(ક્રમશ 🙂
Your Content Goes Here




