સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક સંચાલક તરીકે સેવા આપી રહ્યા છે.- સં
(ગતાંકથી ચાલુ)
‘ચાર દર્શનો’ને લાગુ કરતાં, વિચારોના આ સાગરને લક્ષમાં લેવાનું અને મારા મનના તરંગ સહિતના બધા તરંગોની ઉપેક્ષા કરવાનું શક્ય છે. મારું મન અદૃશ્ય થઈ જાય તો હું મારી પંડની ઓળખ, વ્યક્તિત્વ ગુમાવી નહીં બેસું? વેદાન્ત કહે છે ના :
‘અનંતમાં (સાગરમાં) હોવા સિવાય, વ્યક્તિત્વનો અવકાશ નથી. આ એક જ સ્થિતિ અપરિવર્તનશીલ છે. બાકીનું બધું (‘તરંગો’) સતત પરિર્વતન પામ્યા કરે છે.
તરંગની સાચી ઓળખ પાણી છે, એનું તરંગ રૂપ નહીં. તરંગ શમી જાય છે ત્યારે, એ જરૂર કશુંક ગુમાવે છે. એ સાચું છે; પોતાનો તરંગાકાર એ ગુમાવે છે – અને એ સારું છે કારણ એ આકાર બાધા રૂપ, નડતરરૂપ હતો અને સાગર સાથે એકરૂપ થતાં એ અટકાવતો હતો. તરંગરૂપ વગરનો તરંગ સાગર સિવાય બીજું કશું નથી. એટલે, મારા મનસ્વરૂપને હું ભેદી શકું ત્યારે, વિચારના સાગર સાથે હું મારી એકાત્મકતા સાધી શકીશ. મનોસૃષ્ટિમાં મારી સાચી ઓળખ એ છે.
વિચારોના સાગરને નિહાળવાથી આપણને શા લાભ મળે છે? સૌ પ્રથમ, મારા મન સહિતનાં બધાં તરંગરૂપો અદૃશ્ય થઈ જાય છે કે, નિરર્થક બની જાય છે. તરંગનો નાનો ‘હું’ વીસરાઇ જાય છે અને, સ્વામી વિવેકાનંદે કહ્યું છે તે પ્રમાણે નાના ‘હું’ને વીસરી જવું તે સ્વસ્થ અને શુદ્ધ મનની નિશાની છે. ૨૨ નાનાં બાળકોમાં આ સ્વયંભૂ રીતે બને છે પણ, એ કેવી વક્રતા છે કે, એ મોટાં થાય છે તેમ, તેમનો ‘હુ’ નાનો થતો જાય છે અને, આપણે મોટેરાંઓ પીડાઈએ છીએ તે બધી બીમારીઓને બાળકો નિમંત્રે છે.
સાગર – ભાન મારા પૂર્વગ્રહો અને માનીતા ખ્યાલો, ચિંતાઓ અને ઉપાધિઓ, સુખો અને દુઃખો પ્રત્યે મારામાં તીવ્ર વૈરાગ્ય પેદા કરી શકે છે. મને લાગવા માંડે છે કે એ બીજાનાં નથી તેમ મારાં નથી. હું જો એમને વળગું છું તો, હું મારી જાતને મર્યાદિત કરું છું અને યાતના ભોગવું છું કે; એને બદલે, હું ‘સાગરને નિહાળતો રહું’ અને સ્થિતપ્રજ્ઞ તથા સુખી તેમજ અનેક માનસિક રોગોથી મુક્ત રહી શકું .
આપણા પોતાના કોશેટામાં વીંટાઈ રહેવાને બદલે, બીજાં મન પાસે આપણી જાતને ખુલ્લી કરી શકીએ છીએ એ બીજો લાભ છે. માત્ર મુખ નહીં પણ આપણાં મન અને કાન ખુલ્લાં હોય છે ત્યારે જ, સાચો વિનિમય અને સાચું શિક્ષણ શક્ય છે. આપણા મનના દરવાજા કેમ ખુલ્લા રાખવા તે આપણે જાણતા હોઈએ તો, સાગરમાં મુક્ત રીતે તરતા અનેક વિચારો અને ખ્યાલોમાંથી કેટલું બધું શીખી શકાય!
આધ્યાત્મિક દૃષ્ટિબિંદુએથી સ્થૂળ ભૌતિક સૃષ્ટિ કરતાં વિચારોની સૃષ્ટિ ‘શુદ્ધતર’ અને ‘શ્રેષ્ઠતર’ છે. તોફાની અને ડહોળાયેલા સ્થળ ભૌતિકતાના સાગર કરતાં વિચારોના સાગર સાથે એકરૂપ થવું એ વધારે મૃદુતા અર્પતો, વધારે તૃપ્તિ અર્પતો અને વધારે ઊંચે લઈ જતો અનુભવ છે. સ્વામી વિવેકાનંદનાં શિષ્યા ભગિની નિવેદિતાએ એક વાર એકરાર કરેલો કે, પોતે કશી સિદ્ધિ પ્રાપ્ત કરી છે; ‘હું કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરું છું ત્યારે મને લાગે છે કે ‘હું એક “મન” સાથે વાત કરું છું.’ શરીર એટલું ગૌણ અને નીચેરી કક્ષાનું છે કે એના તરફ ધ્યાન જ ન જાય.
આ ‘સ્વામિત્વ’ નામની વસ્તુથી કેટલાં બીક, ઈર્ષ્યા, અને દ્વેષ જન્મે છે? પોતાની પાસે હોય તે વસ્તુઓને ગુમાવવાનો લોકોને ડર હોય છે, એ ચોરાઈ જાય તેનો તેમને ડર છે, નવી વસ્તુઓ મેળવવા તેઓ ચિંતાતુર છે અને પોતાની પાસે હોય તેના કરતાં જેની પાસે વધારે વસ્તુઓ હોય તેમની એ ઈર્ષ્યા કરે છે. આ માત્ર ભૌતિક વસ્તુઓ પૂરતું જ સાચું નથી પણ, વિચારોને માટે યે એ સાચું છે, કદાચ વધારે સાચું. વૈદિક ઋષિઓ ‘બૌદ્ધિક મિલ્કત’ શબ્દ પ્રયોગ સમજી જ શક્યા ન હોત; પોતાના વિચારોને પોતાનું નામ લગાડ્યા વિના જ તેઓ બીજાઓને તેમાં સહભાગી બનાવતા. ક્ષરરૂપધારી તરંગો પાણી પર આધિપત્યનો દાવો કરે એને તેઓ નરી મૂર્ખતા સમજતા.
સ્થૂળ ભૂતનો સાગર આપણા સ્થૂળ દેહના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે તો, સૂક્ષ્મ ભૂતનો સાગર (આપણે ‘વિચારોનો સાગર’ કહ્યો છે તે) આપણા સૂક્ષ્મ દેહ, અર્થાત્ મન સાથે સંકળાયેલો છે. પરંતુ આ બંને સાગરો એક બીજા સાથે સંકળાયેલા છે અને આપણા દેહમનના સ્વાસ્થ્ય માટે જવાબદાર બને છે. સ્થૂળ અને સૂક્ષ્મ ભૂતોના આ બે સાગરોને એક તરીકે જોવા શક્ય છે.
જીવન સાગર
વૈદિક દ્રષ્ટાઓએ સમગ્ર વિશ્વને એક તત્ત્વ, આકાશમાં ગાળી નાખ્યું. સ્વામીજીના શબ્દોમાં આગળ ચલાવતાં :
‘આપણી આસપાસ આપણે જે કંઈ જોઈએ છીએ, અનુભવીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, જે કંઈનો સ્વાદ લઈએ છીએ તે સર્વ આ આકાશના ભિન્ન ભિન્ન આવિષ્કારો છે. એ સર્વવ્યાપી છે, સૂક્ષ્મ છે. આપણે જેને વન, પ્રવાહી કે વાયુ કહીએ છીએ, આકારો, રૂપો કે દેહો કહીએ છીએ, પૃથ્વી, સૂર્ય, અને તારાઓ – બધું આ આકાશનું બનેલું છે.
આકાશ ઉપર અસર કરનાર પરિબળ ક્યું છે અને, એમાંથી આ વિશ્વનું સર્જન કોણ કરે છે? આકાશ ઉપરાંત વૈશ્વિક શક્તિ અસ્તિત્વ ધરાવે છે; આ વિશ્વમાં જે કંઈ શક્તિ છે, બલ કે આકર્ષણ રૂપે આવિષ્કૃત થાય છે – અરે, વિચાર તરીકે પણ આવિષ્કૃત થાય છે – તે હિન્દુઓ જેને પ્રાણ કહે છે તે શક્તિનો આવિષ્કાર છે. આકાશ પર અસર કરીને આ પ્રાણ આખા વિશ્વનું સર્જન કરે છે. ૨૩
જે શક્તિ જીવન સાગરને ચેતનવંતો કરે છે અને સ્થૂળ અને સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન કરે છે તે પ્રાણશક્તિ છે. એને જીવનનો પાયાનો સિદ્ધાંત લેખવામાં આવે છે. પ્રાણ કાર્યરત છે ત્યાં સુધી જીવન છે; પ્રાણ ઊંઘી જાય છે ત્યારે, જીવન થંભી જાય છે. એટલે, સ્થૂળ અને સૂક્ષ્મ ભૂતોના સાગરોને નવું નામ આપી જીવન સાગર તરીકે ઓળખાવવાનું ઠીક પડશે. ર૪
બે સાગરોને ભેગા કરી એક કરવા એનો અર્થ એ છે કે, એ બન્ને એક બીજા પર આધારિત અને એક બીજા સાથે સંબંધિત છે. બેમાંથી એક સાગર સાથે એકરૂપ થવાથી મળતા ફાયદા બીજાની સાથે એકરૂપ થવાથી વધારે મજબૂત અને વધારે સુદૃઢ થાય છે. વધારામાં બંને એકમેક પર કાર્ય અને પ્રતિકાર્ય કરે છે. એનો અર્થ એ થયો કે બંને સાગરોના ‘તરંગો’ સામસામા કાર્ય અને પ્રતિકાર્ય કરે છે. દેહ અને મનના આંતર સંબંધો સમજવા હવે સરળ છે. આનું શું પરિણામ આવે છે તે વર્ણવતાં સ્વામીજી કહે છે :
‘આપણે માનતા હોઈએ કે મન એ શરીરનો સૂક્ષ્મ ભાગ છે અને શરીર પર અસર કરે છે તો, બુદ્ધિથી સમજી શકાય છે કે, મન પર શરીરનો પ્રત્યાઘાત પણ પડવો જોઈએ. દેહ રોગગ્રસ્ત થાય તો મન પણ રોગી થઈ જાય છે. શરીર તંદુરસ્ત હોય તો મન પણ તંદુરસ્ત અને બળવાન હોય છે. આપણે ગુસ્સે થઈએ ત્યારે, મન ક્ષુબ્ધ થઈ જાય છે. અને મન ક્ષોભ અનુભવે ત્યારે, દેહ પણ ક્ષોભિત થાય છે. ૨૫
દેહની મન ઉપર અને મનની દેહ ઉપરની અસર ભાગ્યે જ સમાન હોય છે. કેટલાક લોકોમાં મન ઘણું ખરું શરીરની અસર હેઠળ હોય છે; એમનામાં મનના ફેરફારો શરીરને ભાગ્યે જ અસર કરે છે. સ્વામીજી કહેતા કે આવા લોકો ‘પશુઓથી બહુ દૂર નથી.’ ૨૬ પણ દેહ પર અંકુશ રાખતા મનવાળા વિકસિત અને પરિશુદ્ધ મનવાળા બીજા લોકો છે; વધારે સંવેદનશીલતાને કારણે તેમનામાં, મનના વિકારો શરીરને સારી અસર પહોંચાડે છે પણ, શારીરિક વિકારોથી કે ગરબડોથી મુક્ત રહી શકે એટલું દૃઢ એમનું મન હોય છે.
પંચભૂતોના અને વિચારોના એમ બે સાગરો પ્રત્યે આપણે દૃષ્ટિ કરી છે. આપણે એ પણ જોયું છે કે એ બંને પરસ્પર સાથે સંકળાયેલાં છે અને એમને એક જ જીવન સાગર ગણી શકાય. હું જેને મારું શરીર કહું છું તે, પંચભૂતોના સાગરનો એક તરંગ માત્ર છે; હું જેને મન કહું છું તે વિચાર સાગરનો એક બીજો તરંગ છે. અથવા, આપણે બન્નેને ભેગા ગણીએ તો – કારણ એ બંને પંચભૂતોના જ બનેલા છે – હું જેને મારું દેહ મન કહું છું તે કેવળ જીવનસાગરનો એક તરંગ છે.
તરંગ તરીકે હું પ્રતિપળ પરિવર્તન પામું છું. દરેક ક્ષણે મારામાં કશુંક નવું તત્ત્વ ઉમેરાય છે અને દરેક ક્ષણે કશુંક બહાર ફેંકાઈ જાય છે. અને છતાંય હું જાણું છું કે એક પછીની બીજી પળે જ નહીં પણ, એક પછી ને બીજે દહાડે અને એક પછીને બીજે વર્ષે પણ હું તે જ વ્યક્તિ છું. દેહ અને મનના આ સતત પરિવર્તન વચ્ચે પણ હું એ જ વ્યક્તિ છું એમ મન મનાવતું તત્ત્વ ક્યું છે? સ્વામીજી ઉત્તર આપે છે :
‘દેહમાં થતા આ સતત પરિવર્તન છતાં, અને મનમાં થતા આ સતત પરિવર્તન છતાં, આપણામાં કશુંક અપરિવર્તનશીલ છે જે, પદાર્થો વિશેના આપણા ખ્યાલોને અપરિવર્તનશીલ બનાવે છે. જુદી જુદી દિશાઓમાંથી આવતાં પ્રકાશનાં કિરણો અપરિવર્તનશીલ પડદા ઉપર, ભીંત ઉપર કે કશાક ઉપર પડે ત્યારે જ તે એકતા અનુભવી શકે છે, અને ત્યારે જ તે એક સંપૂર્ણ અખંડ રચી શકે છે, અને માનવ અંગોમાં આ એકતા ક્યાં છે જેની પર પડીને, જાણે કે, વિવિધ વિચારો એકતા અને અખંડતા પ્રાપ્ત કરશે? ચોક્કસ મન આ હોઈ શકે નહીં કારણ, એ પણ પરિવર્તન પામે છે.
‘માટે, દેહ કે મન નથી તેવું કશુંક હોવું જ જોઈએ, જે પરિવર્તનશીલ નથી, સનાતન છે, જેના પર અથડાઈને, આપણા બધા વિચારો, આપણી બધી સંવેદનાઓ એક અખંડની રચના કરે છે; અને એ સાચો આત્મા છે.
‘બધું ભૌતિક તત્ત્વ, પછી ભલે તમે એને સૂક્ષ્મભૂત કહો કે, મન કહો, પરિવર્તનશીલ હોવું જોઈએ, એમ જાણ્યા પછી અને, એની તુલનાએ, તમે જેને સ્થૂળ ભૂત કહો છો તે બાહ્ય જગત પણ પરિવર્તનશીલ હોવું જોઈએ – આ પરિવર્તનશીલ કશુંક સ્થૂળ ભૌતિક તત્ત્વ હોઈ શકે નહીં, એટલે એ આધ્યાત્મિક છે. અર્થાત્ એ ભૌતિક નથી – એ અક્ષર છે, અવ્યયી છે. ૨૭
આ આપણને ત્રીજા સાગર, આપણા વ્યક્તિત્વના ત્રીજા પાસાને અનુરૂપ સાગર ભણી લાવે છે.
ચૈતન્યનો સાગર
આપણને જેની સામે નિહાળવાનું કહેવામાં આવે છે તે ત્રીજો સાગર ચૈતન્યનો સાગર હોવા છતાં, ખરી રીતે સાગરો ત્રણ નથી. માત્ર એક જ સાગર છે. પંચભૂતોના અને મનના જે બે સાગરોની વાત આપણે કરી છે તે બંને (એક થઈને જીવનનો સાગર) ચૈતન્યના સાગરના ભાગરૂપ છે. ર૮ અને આ બંને એટલાં તો ક્ષુલ્લક અને નિરર્થક છે કે, ચૈતન્યના અનંત, તટહીન સાગરમાં એમને સ્થૂળ અને સૂક્ષ્મ ભૂતના ખેતરંગો (કે જીવનનો એક નાનો તરંગ) ગણી શકાય. ૨૯ આપણી જાતને આપણે કેટલી મર્યાદિત બનાવી દીધી છે. તેનો આછો ખ્યાલ આના ૫૨થી આવશે કારણ કે, પંચભૂતોનું એક નાનું મોજું અત્યારે આપણને એક સાગર જેવડું દેખાય છે.
ઋગ્વેદમાં ‘પુરુષ સૂક્ત’ તદ્દન સ્પષ્ટ કરે છે કે નિર્ગુણનો કેવળ એક નાનો અંશ ભૌતિક અને માનસિક જગત તરીકે અસ્તિત્વમાં આવે છે. નિર્ગુણનો મોટો અંશ નિત્ય અનુભવ પાર રહે છે. ૩૦ પણ આ રીતે વ્યક્ત કરવામાં પણ ગેરસમજ થઈ શકે, કારણ કે એથી એવી છાપ ઊભી થાય છે કે બે ભિન્ન અસ્તિત્વો છે, અનુભૂતિ પારનું નિર્ગુણ અને ભૌતિક જગત (ભૌતિક સાગર) તરીકે આવિષ્કાર પામતો એનો સ્વયંભૂ અંશ અને વિચારનું વિશ્વ (‘વિચાર સાગર’). વાસ્તવિક રીતે આવો કશો ભેદ છે નહીં. સ્વામીજી કહે છે :
‘ભૌતિક જગત, માનસિક જગત અને આધ્યાત્મિક જગત જેવાં કોઈ અસ્તિત્વો નથી. જે છે તે એક જ છે. આપણે કહીશું કે, એ પાતળું થતું જતું અસ્તિત્વ છે, એનો જાડો, સ્થૂળ ભાગ અહીં છે. અને આગળ જતાં એ પાતળું ને પાતળું, વધારે સૂક્ષ્મ થતું જાય છે. સૂક્ષ્મતમ ભાગને આપણે આત્મા કહીએ છીએ; સ્થૂલતમ ભાગને શરીર કહીએ છીએ, અને અહીં એ પિંડમાં છે તેમ એ જ બ્રહ્માંડમાં છે. આપણું વિશ્વ બરાબર એ પ્રમાણે છે; બહાર એ સ્થૂળ જાડાઈ છે અને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર થતાં જતાં એને એ બ્રહ્મ બને છે. ૩૧
સ્થૂળ ભૂતને એના આદિ કારણમાં પાછું વાળી શકાતું હોય તો એ અદૃશ્ય થતું જોવા મળશે અને પાછળ માત્ર સૂક્ષ્મ ભૂત બાકી રહેશે; અને આ સૂક્ષ્મ ભૂતને એના આદિ કારણમાં પાછું વાળવાની શક્તિ આપણી પાસે હોય તો, આપણને જણાશે, કે એયે અદૃશ્ય થઈ જાય છે અને પાછળ કેવળ આત્મા રહે છે.
આપણાં અંગત જીવનોમાં, આ ‘પાછા વાળવાની પ્રક્રિયા’ આપણે જેને આત્મશુદ્ધિ કહીએ છીએ તેનું સ્વરૂપ લે છે. મારું શરીર પૂરેપૂરું વિશુદ્ધ થશે ત્યારે, એ અદૃશ્ય થઈ જશે. અદૃશ્ય? શબ્દશઃ નહીં પણ આલંકારિક રીતે. એટલે કે, મારું શરીર છે જ નહીં એ રીતે હું જીવીશ. મારું શરીર પોતાના અસ્તિત્વનો ઢોલ નહીં પીટે, પોતાની જરૂરિયાતોનો તગાદો નહીં કરે, મને એનો ભાર નહીં લાગે. એ માત્ર છાયા બની રહેશે, અસ્તિત્વ ધરાવશે, અગત્ય નહીં.
મારા મનનું પણ તેવું જ બનશે. મારું મન સંપૂર્ણપણે વિશુદ્ધ થશે ત્યારે, એ પણ વિલીન થઈ જશે, અર્થાત્ એ મારા ઉપર આધિપત્ય નહીં ભોગવે, મને એ અહીં ને તહીં નહીં ઘસડી જાય. હું મારી જાતને એનાથી ઝલાયેલી નહીં માનું. સ્વામીજી જેને આપણા અસ્તિત્વનું ‘શુદ્ધતર અને શુદ્ધતમર’ પરિમાણ કહે છે તે આ શુદ્ધીકરણના વ્યાપારથી પ્રગટ થશે. અને અંતે, આપણે ‘સૂક્ષ્મતમ’ને આત્માને, પરમાત્માને, ‘ચૈતન્યના સાગર’ને પ્રાપ્ત કરીશું. ૩૨
વેદાન્ત અનુસાર આ અનંતના સાગર સાથે તાદાત્મ્ય અનુભવવું એટલે, સંપૂર્ણ સ્વાસ્થ્ય અને આનંદની સ્થિતિમાં હોવું.
કોઈ ગૂઢ યુક્તિને પરિણામે ચૈતન્યના આ સામાન્ય રીતે અવ્યયી અને અસ્પંદ સાગરે પોતાનો જે એક ‘તરંગ’ પેદા કર્યો જણાય છે જેણે, પોતાના નિખર્વ તરંગોના સ્થૂળ અને સૂક્ષ્મ ભૂતોના સાગરો ઉત્પન્ન કર્યા છે. જેનો આરંભ આધ્યાત્મિક માંદગી તરીકે થયો તે બધા પ્રકારની શારીરિક અને માનસિક વ્યાધિઓ પેદા કરવામાં પરિણમ્યું છે. પ્રત્યેક પ્રશ્નનો આધ્યાત્મિક ઉકેલ છે એમ વેદાન્ત અમસ્તુ નથી કહેતું. પાયાનો પ્રશ્ન આધ્યાત્મિક છે માટે, તેનો ઉત્તમ ઉકેલ આધ્યાત્મિક સિવાય અન્ય હોઈ શકે નહીં.
આપણે તરંગોએ હવે શું કરવું જોઈએ?
ભલે માત્ર સૈદ્ધાન્તિક રૂપે પણ, ત્રણ સાગરો અને તેમનું એકમાં મિલન જોયા પછી, આપણામાંની દરેક વ્યક્તિ કેવળ તરંગ છે એ વાત સ્વીકારવી રહી, ઓછામાં ઓછો આપણો વર્તમાન અનુભવ તેવો છે.
આપણા મિથ્યા તરંગ – અસ્તિત્વને ભૂંસવા અને આપણા સાગર-અસ્તિત્વને પુનઃ પ્રાપ્ત કરવા, દરેક સમયે અને દરેક સ્થિતિમાં આપણે ‘ચાર દર્શનો’નો અમલ કરવો જોઈએ. આ હાથમાં ચાંદો માગવા જેવું છે, માટે, નિશ્ચિત ઘડીએ, થોડી મિનિટો માટે ‘સાગરને જોવા’થી આરંભ કરવો ઠીક થશે.
ભૌતિક જગત, માનસિક જગત અને આધ્યાત્મિક જગત જેવાં અસ્તિત્વો છે જ નહીં. છે તે એક જ છે. એ શંકુ આકાર અનુભવે છે એમ કહી શકાય; એનો ઘટ્ટ ભાગ અહીં છે ને ઉપર જતાં તે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર થતો જાય છે. સૂક્ષ્મતમને આત્મા કહીએ છીએ; સ્થૂલતમ દેહ છે. અને જેવું અહીં પિંડમાં છે તેવું જ બ્રહ્માંડમાં છે. આપણું વિશ્વ બરાબર તેવું જ છે; એ બહારની સ્થૂળ જાડાઈ છે અને, એ વધારે ને વધારે સૂક્ષ્મ થતું જઈ. અંતે એ પરમાત્મા થાય છે. સ્વામી વિવેકાનંદ, કં. વ. ૨ : ૧૬
સવારે જાગૃત થઈને તરત જ અને, રાતે પથારીમાં પડતાં પહેલા, સાગરની સામે જોવાના બે ઉત્તમ સમય છે. સર્જનાત્મક કલ્પનાશક્તિને ઉપયોગી, અધિકૃત કલ્પનો માટે કામે લગાડાય તો ઉપયોગી નીવડે. પોતાના શિષ્યને નિર્ગુણના સ્વરૂપ વિશે બોધ આપતાં, શ્રીરામકૃષ્ણના ગુરુ તોતાપુરીએ નીચેનું કલ્પન આપ્યું હતું :
‘(નિર્ગુણા બ્રહ્મ) અનંત સાગર જેવું છે – જમણે, ડાબે, ઉપર, નીચે, સર્વત્ર પાણી છે. પાણીથી આવૃત્ત પાણી છે. એ પાણી મહત કારણનું છે, શાંત અને ગંભીર. એ ક્રિયાશીલ બને છે ત્યારે, તરંગો નાચવા લાગે છે. સર્જન, ધારણ અને સંહાર એની ક્રિયાઓ છે.’ ૩૩
સ્વામી વિવેકાનંદે એક વેળા ધ્યાન માટે નીચેનો વિષય આપ્યો હતો જે, આપણામાંથી કોઈ પણ ઉપયોગમાં લઈ શકે છે:
‘ઉપર બધું મારામય છે; નીચે બધું મારામય છે; મધ્યમાં બધું મારામય છે. હું બધાં પ્રાણીઓમાં છું અને બધાં પ્રાણીઓ મારામાં છે. ૐ તત્ સત્ – હું તે છું. મારું અસ્તિત્વ મનથી ઉપરની ભૂમિકાએ છે. સમસ્ત વિશ્વનો હું એક આત્મા છું.
‘શરીર ખાય છે, પીએ છે વગેરે. ‘હું’ શરીર નથી, હું દેહ નથી. હું સત્, ચિત્ત, આનંદ છું.
‘હું જ્ઞાનનો અર્ક અને અમૃત છું. સનાતન કાળમાં હું અપરિવર્તનશીલ છું. હું શાંત છું, ભાસ્વાન છું અને અવ્યયી છું.’ ૩૪ કેટલોક ઔપનિષદિક પાઠ આપણને સાગર પ્રતીકને વળગી રહેવામાં સહાયભૂત થાય. ઉદાહરણ તરીકે :
આદ્ર જવલતિ જ્યોતિરસ્મિ / જ્યોતિર્જ્વલતિ બ્રહ્માહસ્મિ યોડહમસ્મિ બ્રહ્માસ્મિ અહમશ્મિ બ્રહ્માહમ સ્મિ। અહમમેવાહં માં જુહોમિ સ્વાહા । ‘હું એ પરમ જ્યોતિ છું. જે (ચૈતન્યની) જ્યોતિ પ્રવાહી તત્ત્વની અંદર પ્રકાશે છે – જે સર્વ અસ્તિત્ત્વ ધરાવે છે તેના સત્ત્વરૂપ પરમ જ્યોતિ હું છું. હું અનંત બ્રહ્મ (‘ચૈતન્યનો સાગર’) છું; ભલે, અજ્ઞાનને લઈને હું મારી જાતને મર્યાદિત સ્વરૂપે (‘તરંગ’ રૂપે) અનુભવું. હવે હું જાણું છું કે હું સાચે જ બ્રહ્મ છું. અને એ મારું સાચું સ્વરૂપ છે. મારા મિથ્યા મર્યાદિત સ્વરૂપને હું બ્રહ્મના અગ્નિમાં અર્પણ કરું છું. જે મારું સાચું, અનંતરૂપ છે. મારી આ આહુતિ સદ્ભાવપૂર્વકની હો.
છાંદોગ્ય ઉપનિષદ કહે છે :
આત્મૈવ – અધસ્તાદ્, આત્મોપરિષાદ્, આત્માપશ્ચાદ્, આત્મા પુરસ્તાદ્, આત્મા દક્ષિણત, આત્મોત્તરત, આત્મૈવ-ઈદં સર્વમ્ ઈતિ. ૩૫
‘આત્મા (ચૈતન્યનો સાગર) નીચે છે, આત્મા ઉપર છે, આત્મા પાછળ છે, આત્મા આગળ છે, આત્મા દક્ષિણ છે, આત્મા ઉત્તર છે. આત્મા જ આ બધું છે.’
અહીં આત્માનો અર્થ આપણા આધ્યાત્મિક અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે તે છતાં, આ શ્લોક આપણા ભૌતિક અસ્તિત્વને, દેહને પણ લાગુ પડે છે અને મનને પણ લાગુ પડે છે અને ભૌતિક સાગરને તેમજ માનસિક સાગરને પણ તે સમાન રીતે લાગુ કરી શકાય છે.
નિયત સમયના આયત ઉપરાંત જ્યારે જ્યારે તરંગ – એકરૂપતા આપણા ઉપર સવાર થતી દેખાય ત્યારે ત્યારે આપણે એ ‘સાગરને નિહાળવા’નો યત્ન કરવો જોઈએ. એ સાગરને અલપઝલપ જોઈ, પાછા પોતાને કામે વળવામાં દસ પંદર સેકંડથી વધારે સમય જતો નથી. આનાથી આપણને પાછાં સુખશાંતિ સાંપડશે. એટલું જ નહીં પણ, આપણા કામની ગુણવત્તા પણ સુધરશે. યોગ્ય સમયે, યોગ્ય કાર્ય કરવાની યોગ્ય રીત આપણને પ્રાપ્ત થશે.
સાગર જોવાની ટેવ આપણે સતત રાખીશું તો, થોડાંક અઠવાડિયામાં જ, આપણી આસપાસ આપણે નવી સૃષ્ટિ જોઇશું. અને, આપણે પોતે પણ ‘નવા’ બની જઈશું. આપણું તરંગ – તાદાત્મ્ય તુરત નાશ પામવાની શક્યતા નથી. (કેટલા લાંબા સમયની કડાકૂટ પછી આપણે એ ઘડ્યું છે), પણ, બાકીના જગતથી આપણને જુદા પાડતી દિવાલ અનુલ્લંઘનીય નહીં રહે. સાગર-ચેતના જેટલી વધારે મજબૂત થાય તેટલી તરંગ – ચેતના ક્ષીણ થાય.
ભૌતિક સાગર અને માનસિક સાગર સામે નિહાળવાના લાભ આપણે બરાબર જોઈ ગયાં છીએ. એટલે એટલું જ કહેવું બસ થશે કે, સાગર – સામે નિહાળવાની આપણી ટેવ આપણી જીવનરીતિમાં એવું પરિવર્તન આણશે, કે, તેથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરશે. અને, આધ્યાત્મિક સ્વાસ્થ્યમાં વૃદ્ધિ માટેની પરિસ્થિતિનું નિર્માણ થશે. આમ કહેવાનો આશય એ નથી કે, શારીરિક કે માનસિક અડચણો ઊભી નહીં થાય પણ, એવા પ્રસંગો ઓછા જ થશે, અને થશે ત્યારે આપણી સમતુલા ચાલી નહીં જાય.
સાગરનું ભાન આપણામાં સાક્ષીભાવ જગાડશે એટલે આપણે કહી શકીશું કે, ‘હું સાક્ષી છું. હું માત્ર જોઉં છું. સ્વસ્થ હોઉં છું ત્યારે સાક્ષી છું. રોગ આવે છે ત્યારે સાક્ષી છું.’ ૩૭ કહેવાતું મૃત્યુ આવે છે ત્યારે પણ હું સાક્ષી બની શકું. દેહ માટે સંસ્કૃતમાં શરીર શબ્દ વપરાય છે, જેનો શબ્દાર્થ છે : ‘જે ક્ષીણ થાય છે તે.’ ૩૮ એટલે, શરીરને પડવાની અનિવાર્ય ક્ષણ આવે છે ત્યારે, મારે એના પ્રત્યે નિઃસ્પૃહતાથી જોવું જોઈએ. આપણા ભ્રામક તરંગ-તાદાત્મ્યને ચાલુ રાખવું એ ધ્યેય નથી પણ, એનું મિથ્યાત્વ જાણીને, આપણા સાગર-તાદાત્મ્ય પ્રતિ વળવાનું છે.
અવિદ્યાના કીટાણુઓએ પેદા કરેલ રોગને લઈને આપણે સાગર-તાદાત્મ્ય ગુમાવ્યું હતું, એની તત્કાલ અસર હતી આત્મવિસ્મૃતિની; એ અસર હેઠળ મને લાગતું હતું કે હું નાશવંત, આઘાતવશ, અસલામત, મર્ત્ય પ્રાણી છું એટલું જ નહીં પણ, મારી આસપાસનું જગત મને વેરવિખેર, કેટલીક વાર વિરોધી, ઘણી વાર અર્થહીન અને સદાય સિદ્ધિ ન આપનારું દેખાતું હતું.
સાગર-તાદાત્મ્ય પુનઃ પ્રાપ્ત કરવાના પ્રયત્નથી સેતુ ન હતા ત્યાં સેતુઓ બંધાય છે, હૃદયોને જોડતો અને જરૂરતમંદોને સહાયરૂપ પ્રેમ જન્માવે છે, જીવનમાં સાર્થકતા આણે છે અને, ઉત્તરોત્તર, એને વધારે સિદ્ધિદાયક બનાવે છે. મારું સાગર તાદાત્મ્ય સુદૃઢ થાય ત્યારે, અર્થાત્, ‘હું સાગર છું’ એ સત્યની મને અનુભૂતિ થાય ત્યારે, આધ્યાત્મિક વ્યાધિમાંથી મુક્ત થઈશ. એ વ્યાધિ જ બધા શારીરિક અને માનસિક વ્યાધિઓનું ખરું કારણ છે.
બધાં પ્રાણીઓમાં હું મારી જાતને જોઉં અને, મારી જાતમાં બધાં પ્રાણીઓને જોઉં ત્યારે, કદી ન ગુમાવાય તેવું સ્વાસ્થ્ય અને કદી આચ્છાદિત ન થાય તેવું સુખ મને પ્રાપ્ત થશે. ઘણા તરંગોએ સાગર સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે અને, સંપૂર્ણ સ્વાસ્થ્ય, પૂર્ણ મુક્તિ, નિરતિશય આનંદ અને સાચી અમરતા પ્રાપ્ત કરેલ છે. સાચા તરંગો! આપણે શાની વાટ જોઈએ છીએ?
ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા
(‘વેદાંતકેસરી’, નવે.-ડિસે. ’૯૬માંથી સાભાર)
સંદર્ભ સૂચિ :
૨૧. કં. વ. ૨.૮૦.
૨૨. કં. વ. ૬.૧૧૯,
૨૩. કં. વ. ૨.૨૬૩-૬૪
૨૪. પોતાનાં સાથી મૃત્યુથી જે અભિન્ન છે તે જીવન, એવો અર્થ જીવનનો કરવામાં આવ્યો છે.
૨૫. કં. વ. ૧.૧૩૨
૨૬. એજન
૨૭. કં. વ. ૩: ૪૦૪-૫
૨૮. ‘જીવન-શક્તિ’ કે ‘જીવન’ (પ્રાણ) અને ચૈતન્ય એકમેક સાથે સંકળાયેલાં છે, એકરૂપ જ છે. પણ બંને તદ્દન ભિન્ન છે. આ વિષયના ઊંડા અભ્યાસ માટે જુઓ ‘સ્વા. શ્રદ્ધાનંદ કૃતઃ ‘સીઇંગ ગોંડ ઍવરીવ્હેર : અ પ્રૅક્ટિકલ ગાઈડ ટુ સ્પિરિચ્યુઅલ લિવિંગ’, સંપા. પ્રવ્રાજિકા વ્રજપ્રાણા (હોલીવુડ : વેદાન્ત પ્રેસ, ૧૯૯૬). ૧૨૨-૨૮.
૨૯. ચૈતન્ય ‘ભૂતો’માં પ્રગટ થાય છે કારણ, ‘ભૂતો’ ચૈતન્યના સાગરમાં માત્ર એક તરંગ છે. એટલે તો, દેહ અને મન ‘ચૈતન્યમય’ દેખાય છે.
૩૦. ‘ઋગ્વેદ.’ ૧૦. ૯૦.૩ પાદોડસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્ય મૃતં દિવિ / વધારામાં જુઓ ‘ગીતા’ : ૧૦.૪૨ –
पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्य: मृतं दिवि
विष्टम्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत ।
૩૧. કં. વ. ૨:૧૬
૩૨. એક વા૨, પોતામાં અનેક દર્શનોમાંથી એકને શ્રીરામકૃષ્ણે વર્ણવ્યું હતું જે, ‘ચૈતન્યના સાગર’નું હતું. દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં એમણે જોયું કે દેવતા, વેદી, પૂજાપો અને પોતાના સહિતનું બધુંય શુદ્ધ ચૈતન્યનું બનેલું તેમને દેખાયું હતું.
૩૩. ‘ગૉસ્પેલ’ : ૩૫૮
૩૪. કં. વ. ૬: ૯૧-૯૨
૩૫. ‘છાંદોગ્ય’ : ૭.૨૫.૨
૩૬. કં. વ. ૬.૯૧
૩૭. शीर्यते इति शरीरम् ।
Your Content Goes Here




