વેદાંત – સાહિત્યમાં ‘બ્રહ્મ’ (અર્થાત્ ઈશ્વરના પરમ સત્ય સ્વરૂપ)ને સમજાવવા માટે સાગર અને મોજાંના રૂપકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે. વાસ્તવમાં, બૃહદારણ્યક ઉપનિષદ ‘બ્રહ્મ’નો ‘સમુદ્ર’ તરીકે જ ઉલ્લેખ કરે છે.
જો કે ‘બ્રહ્મ’ એ સાગર જેવી કોઈ ભૌતિક-હયાતિ નથી, પરંતુ સાગરનો એક પ્રતીક તરીકે ઉપયોગ કરવાથી આપણે ‘બ્રહ્મ’ને અનંત-ચૈતન્ય તરીકે વધારે સારી રીતે સમજી શકીએ તેમ છીએ. જો કે સાગર એક મર્યાદિત સ્વરૂપ છે, અને તેથી તેની વિભાવના પણ મર્યાદિત છે, તેમ છતાં અન્ય સઘળાં સ્વરૂપો અને વિભાવનાઓ કરતાં તે આપણને અંતે જે સ્થળ અને કાળથી પર છે તેવા ‘સત્ય’નો સાક્ષાત્કાર કરવામાં વધારે અસરકારક રીતે મદદરૂપ થાય તેમ છે.
શ્રીરામકૃષ્ણને ઈશ્વરની સૌ પ્રથમ અનુભૂતિ ચૈતન્યના એક અનંત સાગર સ્વરૂપે થઈ હતી. તેમણે પોતાના આધ્યાત્મિક જીવનની શરૂઆત મા કાલીના સ્વરૂપ – એક વ્યક્તિગત ઈશ્વરના સ્વરૂપ- માં, તેમની ઉપાસના અને ધ્યાનથી કરી હતી. સતત પ્રાર્થના અને ધ્યાનને કારણે તેમની આધ્યાત્મિક અનુભૂતિની ઝંખના એટલી તીવ્ર બની ગઈ કે, આખરે મા કાલીએ તેમને ઈશ્વર- સાક્ષાત્કાર કરાવ્યો – પણ તે કોઈ ખાસ વ્યક્તિગત ઈશ્વરના રૂપમાં નહીં. તેને બદલે તેમને ચૈતન્ય અને પરમાનંદના સાગરની અનુભૂતિ થઈ. તેમને ચૈતન્યનાં મોજાંઓ, સાગરનાં મોજાંઓની જેમ, જાણે કે બધી બાજુએથી પોતાના તરફ ધસી આવતા હોય, અને પોતાને ચારે બાજુઓથી ઘેરી વળતા હોય, તેમ લાગ્યું. સમગ્ર ભૌતિક વિશ્વ જાણે કે ચૈતન્યનાં મોજાંઓના રૂપમાં ફેરવાઈ ગયું હતું, અને એ મોજાંઓ ચૈતન્યના અનંત મહાસાગર ઉપર નૃત્ય કરી રહ્યા હતા. તોફાની સમુદ્રમાં ઉછળતાં મોજાંઓની માફક પહાડ જેવડા મોજાંઓ તેમને ઘેરી વળતા હતા – તફાવત માત્ર એટલો હતો કે, આ સમુદ્ર કોઈ ભૌતિક સમુદ્ર ન હતો. પોતે જે મંદિરમાં મા-કાલીની પૂજા કરી રહ્યા હતા તે મંદિરની દીવાલો, મા કાલીની મૂર્તિ, પોતાની સમક્ષ પડેલો પૂજાનો સામાન, અને ખુદ તેમનું પોતાનું શરીર પણ – બધાં જ જાણે કે ચૈતન્યના મોજાંઓ બની ગયા હતા.
આવી અનુભૂતિ સ્થળ – કાળ અને વ્યક્તિના વ્યક્તિત્વના જ્ઞાનને વિલીન કરી નાખે છે; અને ત્યારે વ્યક્તિને અંતિમ ઐક્યની અનુભૂતિ થાય છે. તે પછી તો તેને ચૈતન્યના સાગરનું અને તેનાં મોજાંઓનું પણ ભાન રહેતું નથી. પછી મનન વર્ણનાતીતતાની ભૂમિકાએ પહોંચી જાય છે. અને શ્રીરામકૃષ્ણને આ જ પ્રકારની અનુભૂતિ થઈ હતી. શરૂઆતમાં તેમને લાગ્યું જાણે કે દરેકે દરેક વસ્તુ – દીવાલો, મૂર્તિ, પૂજાનો સામાન અને તેમનું પોતાનું શરીર પણ – બધું જ ચૈતન્યનાં મોજાંરૂપ બની ગયું છે; પરંતુ તે પછી તેઓ આ અનુભૂતિની પણ પેલે પાર નીકળી ગયા, અને વેદાંત – સાહિત્યમાં જેને ‘નેતિ નેતિ’ તરીકે વર્ણવવામાં આવ્યું છે તેમાં વિલીન થઈ ગયા.
આ અંતિમ અનુભૂતિ મનથી પર છે, વાણીથી પર છે, વ્યક્તિત્વનાં સઘળા સંસાધનોથી પર છે. પરંતુ આ અંતિમ અનુભૂતિ એ પેલી સ્વપ્નવિહીન નિદ્રાની સ્થિતિ – જેમાં પણ સમયનું કોઈ ભાન હોતું નથી – જેવી નથી હોતી. તે બંને વચ્ચે સેળભેળ થવી ન જોઈએ. તે બે માં ઘણો મોટો તફાવત છે. આપણે જ્યારે સ્વપ્નવિહીન નિદ્રામાંથી જાગીએ છીએ, ત્યારે આપણી દુનિયા પહેલાં જેવી જ પુરાણી દુનિયા હોય છે, અને આપણે પણ એ જ પહેલાંના પુરાણા લોકો હોઈએ છીએ – સિવાય કે નિદ્રા પછી આપણે વધારે તાજા અને સ્ફુર્તિવાળા બન્યા હોઈએ છીએ. આપણા વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર થયો હોતો નથી, કે આપણને કોઈ નવું જ્ઞાન કે નવી અનુભૂતિની પ્રાપ્તિ થઈ હોતી નથી. એ જ અનેકત્વવાળી પુરાણી દુનિયા એવીને એવી જ ચાલુ હોય છે.
જ્યારે બીજી બાજુએ, જ્યારે આપણને બધી જ વસ્તુઓ ચૈતન્યના અનંત સાગરનાં મોજાંઓ હોવાની અનુભૂતિ થઈ હોય, અને છેવટે તો તે અનુભૂતિ પણ અકથ્ય, અવર્ણનીય પરમતત્ત્વ એવા બ્રહ્મમાં વિલીન થઈ ગઈ હોય, અને તે પછી જ્યારે આપણે ચેતનાની સામાન્ય પૂર્વવત્ સ્થિતિમાં પાછા ફરીએ, ત્યારે આપણે કોઈ નવા જ્ઞાન સાથે જાગીએ છીએ. આપણને લાગે છે કે, જાણે કે બધું જ બદલાઈ ગયું છે; આપણને લાગે છે કે, અગાઉ આપણે જેને જેને અનેકત્વ તરીકે અનુભવતા હતા, તે બધું ખરેખર તો કેવળ ચૈતન્ય જ છે. અને ત્યારે આપણે ચોક્કસપણે મનોમન જાણવા લાગીએ છીએ કે, દરેક વસ્તુ એ પેલું અનંત અસ્તિત્વ, ચૈતન્ય અને પરમાનંદ જ છે; દરેક વસ્તુ ખરેખર ઈશ્વર જ છે. પરમ-ઐક્યની એ અનુભૂતિ આપણને ધરમૂળથી બદલી નાખે છે, અને આપણા જીવનમાં એક નવું પરિમાણ ઉમેરે છે. આપણે ઈશ્વરના દૃષ્ટા-ઋષિ બની જઈએ છીએ.
જો આપણે સમુદ્રકિનારે બેસીને એક દાર્શનિકની મન:સ્થિતિમાં મોજાંઓની આહ્લાદક રમત નિહાળીએ તો, આપણને વિચારોની એક અત્યંત અદ્ભુત હારમાળાનો અનુભવ થશે. ત્યારે આપણે બહુ સહેલાઈથી નિહાળી શકીશું કે દરેક મોજું સાગરથી પણ ભિન્ન દેખાય છે. (પરંતુ) એમને એમ જોવાનું, વિચારવાનું અને પૃથક્કરણ કરવાનું ચાલુ રાખીશું, તો આપણે એ પણ જોઈ શકીશું કે, મોજાં અને સાગર એ બંને એક જ તત્ત્વનાં બનેલા છે. ખરેખર તો મોજાં સાગરથી ભિન્ન છે જ નહીં. જે તફાવત દેખાય છે તે તો બાહ્ય દેખાવ પૂરતો છે, અને તે મોજાંની સ્થિતિના એક કામચલાઉ દેખાવ ઉપર આધારિત છે. ખરેખર તો મોજાં અંગેની સત્ય હકીકત એ છે કે તે પોતે જ સાગર છે.
હજુ પણ આગળ, મોજાંઓને નિહારતા નિહારતા અપણે થોડા રચનાત્મક બનીએ તો આપણે કલ્પના કરી શકીએ કે, જે બે મોજાંઓ એકબીજાની પાસે પાસે છે, તે દરેકને પોતપોતાનું વ્યક્તિત્વ છે, અને બંને મિત્રો છે! એક મોજું વધારે ડહાપણવાળું છે. તેને વેદાંતનું જ્ઞાન છે – તે ‘વેદાંતી મોજું’ છે! જ્યારે બીજું મિત્ર-મોજું ‘અજ્ઞાની-મોજું’ છે. તે ભૂલી ગયું છે કે, સાગર જ તેનું ઘર છે, સાગર જ તેની તાકાત, તેની જિંદગી અને તેના આનંદનું ઉદ્ભવસ્થાન છે. જ્યારે બંને મોજાં ઊંચે ઊઠે છે, ત્યારે અજ્ઞાની મોજું આશ્ચર્યથી બોલી ઊઠે છે : ‘જુઓ, જુઓ, હું ચાલીસ-ફૂટનું મોજું છું! હું પર્વત જેવડું દેખાઉં છું. હું કેવું સુંદર અને કેવું શક્તિશાળી છું! જુઓ.’ પરંતુ તેઓ ઊંચે ચડતા હોય છે ત્યારે ‘વેદાંતી મોજું’ માત્ર સ્મિત જ કરે છે; પણ છેવટે જેવા તેઓ નીચે પડવા માંડે છે કે તુરત જ ‘અજ્ઞાની મોજું’ ડરનું માર્યું બોલી ઊઠે છે; ‘હું નાનું ને નાનું બનતું જાઉં છું! હું અદ્દશ્ય થતું જાઉ છું!’ ત્યારે પેલું ‘વેદાંતી મોજું’ અત્યંત શાંતિથી કહે છે : ‘તું કેવું મૂર્ખ છે? તને કઈ નથી થયું. તું તો પ્રકૃતિથી જ સાગર સાથે એક છે. તું હંમેશાં સાગરમાં છે. તું પોતે જ તો સાગર છે. એક કામચલાઉ સ્વરૂપ આવ્યું, અને તું તારી સત્તા અને ભવ્યતા વિષે ગર્વ કરવા લાગ્યું; પરંતુ તું તો સાગરની અનંત સત્તા સાથે હંમેશાં એક જ છે. આપણે કેવળ સાગરની એ અનંત સત્તામાં વિલીન થઈ રહ્યા છીએ; ત્યાં મૃત્યુ જેવું કશું છે જ નહીં. આપણે આપણી સાચી પ્રકૃતિમાં પાછા જઈ રહ્યા છીએ, તેમાં આપણે ડરવાનું શા માટે?’
તે જ રીતે, જે વ્યક્તિએ ઈશ્વરના નિરપેક્ષ પાસાંના સત્ય વિષે સંશોધન કરવું હોય, તેણે સૌ પહેલાં પોતાના મનને બાહ્ય, ભૌતિક વિશ્વનું વિશ્લેષણ કરી કરીને કેળવવું જોઈએ; તે પછી જિજ્ઞાસુએ અનંત સત્યમાં વિલીન થવા માટે અંતર્મુખ બનવા તરફ વળવું જોઈએ. ઉપનિષદોમાં આપણાં ધ્યાન-ચિંતનને વધારવા અને દોરવણી આપવા માટે આ બંને પ્રકારના અભ્યાસોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
આપણે જ્યારે બાહ્ય પૃથક્કરણ કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણને જાણવા મળે છે કે, જે કંઈ ઘટના ઘટે છે, તે સ્થળ અને કાળની અંતર્ગત ઘટે છે. આ વિશાળ વિશ્વ પ્રકૃતિના કાનૂનો વડે સંચાલિત થઈ રહ્યું છે અને દરેક પ્રાકૃતિક કાનૂન કાર્ય-કારણના ચૂસ્ત નિયમને આધીન હોય છે. તે જ રીતે, આપણાં શરીર અને મન પણ ભૌતિક તથા માનસશાસ્ત્રીય કાનૂનો અનુસાર સંચાલિત એવી આ વિશાળ વૈશ્વિક ઘટનાના જ અંશો છે.
આમ છતાં, ઉપનિષદના ઋષિઓએ એ શોધી કાઢ્યું કે, આપણો આ ભૌતિક વિશ્વનો અનુભવ એ માત્ર આંશિક અનુભવ છે. જો આપણે આ ભૌતિક વિશ્વના મૂળ સ્વરૂપમાં ઊંડા ઉતરીને તપાસ કરીએ, તો આપણને જાણવા મળે છે કે, આ બાહ્ય સ્થૂળ દેખાવની પાછળ સત્યના વધારે સુંદર અને વધારે રહસ્યમય સ્તરો રહેલા હોય છે. આજે તો સૃષ્ટિના આરંભ વિષે સંશોધન કરનારા વૈજ્ઞાનિકો પણ આ જ પ્રકારની ખોજમાં લાગી પડતા હોય છે. (કેમકે) જેવા તેઓ પ્રાથમિક (મૂળ) કારણની ખોજ કરવાનું શરૂ કરે છે કે તુરત જ તેમનાં મન વૈશ્વિક-વિદ્યાના લગતા પ્રશ્નોમાં સંડોવાઈ જાય છે; કારણ, માનવ-મન માટે પ્રાથમિક કારણની ખોજ કરવાનું સ્વાભાવિક છે, અને મહત્ત્વનું પણ છે. એ કોઈ વિલાસ નથી. વાસ્તવમાં, એ જેના વિના આપણે કાર્ય કરી શકતા નથી તેવા એકત્વ માટેની ખોજ હોય છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ માણસ એકલા – અટુલા રખડુનું જીવન જીવે – ક્યારેક રસ્તા ઉપર બાંધવામાં આવેલા આશ્રયગૃહમાં આરામ કરે તો ક્યારેક ખુલ્લા ખેતરમાં કોથળો ઓઢીને ઊંઘે, તો આવી વ્યક્તિની હાલત ખરેખર દુ:ખી ગણાય. કારણ? માનવવિકાસ માટે અન્ય વ્યક્તિઓ સાથે એકત્વ હોવાનું જ્ઞાન જરૂરી છે; અન્ય વ્યક્તિઓ સાથે કોઈક પ્રકારનું જોડાણ, પ્રેમ અને એકત્વની ભાવના હોવાનું જરૂરી છે. જો એ જ વ્યક્તિ કુટુંબ – કબીલાવાળી બને, ઘર વસાવે, નોકરી કરે, અન્ય સુખસગવડો પ્રાપ્ત કરે, તો સ્વાભાવિક રીતે જ તે વધારે સુખી બને. તે કહેશે, ‘વારુ, સમગ્ર વિશ્વ ભલે મારે માટે પરાયું હોય; ભલે મારી પાસે સૂર્ય ન હોય, પેલો બગીચો ન હોય, પરંતુ કંઈ નહીં તો મારી પાસે આટલું તો છે.’ પોતાની આસપાસની પરિસ્થિતિઓના એક અંશ સાથેનું આ પ્રકારનું તાદાત્મ્ય તેને વધારે સુખી બનાવે છે; તે તેનામાં પોતે અસ્તિત્વના એકાદ નાના, અલગ પડી ગયેલા એકમ કરતાં કંઈક વધારે મોટો છે, તેવી લાગણી પેદા કરે છે. આપણામાં આપણા વ્યક્તિત્વનો વિસ્તાર કરવાની, આપણી પોતાની જાતની બહાર તાદાત્મ્ય શોધવા – માત્ર માનવજાતિ સાથે જ નહીં, પરંતુ ઝાડપાન, પ્રાણી, નદી અને પર્વતો સાથે પણ તાદાત્મ્ય શોધવાની એક અંતર્ગત વૃત્તિ પડેલી હોય છે; તેથી જ ઉપનિષદના ઋષિઓ કહે છે કે, જો આપણે ઈશ્વરના પરમ સત્યની ખોજ કરવી હશે, તો સૌથી પહેલાં આપણે આપણા વ્યક્તિત્વનો વિસ્તાર કરવો પડશે. આપણે આપણી પાસે સ્વભાવિકપણે આવતા અનુભવોથી જ સંતોષ પામીને બેસી રહેવું ન જોઈએ. (કારણ) આવા અનુભવો પરમ સત્યનો કેવળ એક નાનો તબક્કો જ હોય છે.
જો આપણે માત્ર આ ભૌતિક વિશ્વથી જ સંતોષ પામીને બેસી રહીશું, તો આપણે આધ્યાત્મિક વિકાસ નહીં સાધી શકીએ. આપણે ઘણા સફળ વૈજ્ઞાનિક હોઈએ, મોટા વિદ્વાન કે વેપારી હોઈએ, પરંતુ તેનાથી જીવનની સમસ્યાઓ ઉકેલવાની નથી. આપણે (તેનાથી) સઘળી શંકાઓનું નિરાકરણ કરનારા, તથા નિર્ભયતા અને સ્વતંત્રતા અપાવનારા શાંતિ, જ્ઞાન અને પરમાનંદની પ્રાપ્તિ નહીં કરી શકીએ. આપણે પરમ સત્યની ખોજ માટે આપણી ઈન્દ્રિયો દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય તેને જ માત્ર નહીં સ્વીકારી શકીએ. તેને બદલે આપણે મનની શક્તિઓનો અને સામર્થ્યનો વિકાસ કરવો પડશે. આપણું મન આધ્યાત્મિક અભ્યાસ, એકાગ્રતા અને ધ્યાન દ્વારા અગાધ અંત:પ્રેરણાનો અનુભવ કરી શકે છે; આપણે પરમ સત્યના હજુ પણ વધારે ગૂઢ સ્તરો શોધી શકીએ છીએ. અને ત્યારે દૃષ્ટિ, ધ્વનિ, ગંધ, સ્વાદ અને સ્પર્શની અગણિત વિવિધતાઓવાળું આ બહુસ્તરીય વિશ્વ એકત્વની વધારે અગમ્ય રંગ-છાયાઓમાં વિલીન થઈ જશે.
વેદાંત-સાહિત્ય અનુસાર સમગ્ર વિશ્વ (તેમાં મનનો પણ સમાવેશ થઈ જાય છે) પાંચ તત્ત્વોનું બનેલું છે. આ પાંચ તત્ત્વો જ બધી બાબતોનું કારણ છે. એ પાંચમાંથી સૌથી પહેલું અને સૌથી વધારે ગૂઢ તત્ત્વ છે આકાશ. આ પાયારૂપ આકાશમાંથી ઉત્ક્રાંતિની ધીમી પ્રક્રિયા દ્વારા વાયુ વહેવા લાગે છે. વાયુમાંથી શક્તિ, અને શક્તિમાંથી જળ વિકસે છે; અને તે પછી છેલ્લે જળમાંથી ઘન સ્થિતિમાં પદાર્થ ઉદ્ભવે છે. આમ છતાં આપણે એ યાદ રાખવું જોઈએ કે, આ બધા ખરેખરા આધ્યાત્મિક અનુભવોની પ્રતિકાત્મક અભિવ્યક્તિ છે. બીજા શબ્દોમાં, મન આ વિશ્વને નક્કર અને ભૌતિક પદાર્થ તરીકે નિહાળે છે, પરંતુ પછીથી જ્યારે મનનો વિકાસ થાય છે ત્યારે પદાર્થ ભૂલાઈ જાય છે, અને વિશ્વ માત્ર શક્તિનું જ બનેલું લાગે છે. આ રીતે, આપણે નિરપેક્ષ પૃથક્કરણ દ્વારા સત્યના એક એકથી ચડિયાતા અગમ્ય સ્તરોનો અનુભવ કરી શકીએ છીએ.
ઋષિઓ કહે છે કે, ચૈતન્ય એ આકાશનો આધાર છે. ચૈતન્ય તો આકાશ અને સમય – એ બંનેથી પર છે; તે આપણા સઘળા સામાન્ય અનુભવોથી પણ પર છે. આકાશ-સમયનો અખંડ પ્રવાહ એ કંઈ આખરી બાબત નથી. આકાશ અને સમયની પેલે પાર ઈશ્વરનું વિશાળ, નિરપેક્ષ અસ્તિત્વ સચ્ચિદાનંદ – અનંત અસ્તિત્વ, ચૈતન્ય અને આનંદ – ના સ્વરૂપે રહેલું હોય છે. અને વેદાંત કહે છે કે, આ ત્રણેય એક જ છે.
અસ્તિત્વ કદી ચૈતન્યથી અલગ થઈ શકે નહીં. આપણે જે કંઈ વિચારીએ છીએ, અનુભવીએ છીએ કે જોઈએ છીએ, તે જ્ઞાન વડે આવૃત્ત હોય છે. આપણે વૃક્ષને, દીવાલને કે આપણા પોતાના શરીરને, આપણા વિચારોને કે લાગણીઓને જોતા હોઈએ કે અનુભવતા હોઈએ, ત્યારે આપણે ચોક્કસપણે જાણી શકીએ છીએ કે, આ બધા જે રીતે અસ્તિત્વના અંશો છે, તે જ રીતે તે જ્ઞાન કે ચૈતન્યના પણ અંશો છે. તેમ છતાં કોઈપણ અનુભવ આનંદની લાગણી પણ જન્માવવાનો જ. દાખલા તરીકે, આપણે કોઈ અંધારિયા, ધ્વનિ-રક્ષિત (Sound-proof) ઓરડામાં છત્રીસ કલાક સુધી પુરાઈ રહીએ તો આપણે દુ:ખી દુ:ખી થઈ જઈએ. શા માટે? કારણ કે (ત્યારે) આપણે જોવાનો અને સાંભળવાનો આનંદ ગુમાવીએ છીએ. પરંતુ જેવા આપણે અંધારિયા ઓરડામાંથી બહાર પ્રકાશમાં આવીએ કે તુરત જ આપણને જે કંઈ જોવા મળે – પછી ભલે તે બિલાડી હોય, કૂતરો હોય, ઝાડ હોય કે આપણને અણગમતી કોઈ ચીજ હોય, તો પણ – તે ક્ષણ પૂરતો તે પદાર્થ આપણે માટે આનંદનું કારણ બની જશે. આથી, આપણે જો ઊંડા ઉતરીને તપાસ કરીએ તો, આપણને માલૂમ પડશે કે દરેક વસ્તુની ત્રણ બાજુઓ હોય છે – અસ્તિત્વ, ચૈતન્ય અને આનંદ. દરેક અનુભૂતિ સચ્ચિદાનંદનો એક ભાગ હોય છે.
ફરી એક વખત, અહીં સાગરનું દૃષ્ટાંત અને તેની કલ્પના ઘણા ઉપયોગી થઈ પડે તેમ છે. કારણ, જે રીતે લાખો મોજાંઓ સાગરમાંથી ઊંચે ઉઠે છે, તેમ છતાં તેમનું મૂળ તો સાગરમાં જ હોય છે, તે જ રીતે આ વિશાળ વિશ્વમાં બધી વસ્તુઓ સચ્ચિદાનંદના સાગરમાંથી જ ઊઠે છે તેવી કલ્પના કરી શકાય. દરેકનું ઉદ્ભવસ્થાન સચ્ચિદાનંદમાં રહેલું હોય છે.
આ જ વિચારને વળગી રહીએ તો, જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે ધ્યાન દરમિયાન આપણે એવી કલ્પના કરવી જોઈએ કે, આપણામાં ઉદ્ભવતા કોઈ પણ ખ્યાલ, વિચાર કે લાગણી એ વાસ્તવમાં સચ્ચિદાનંદનું જ મોજું છે. એકત્વના આ જ્ઞાનથી અણગમતા કે ડરાવણા વિચારોને પણ અનંત, નિરપેક્ષ, સચ્ચિદાનંદ સ્વરૂપ એવા પરમાત્માની સાગર જેવી સમગ્રતામાં ફેરવી નાખીને જીતી શકાય છે.
આપણી સામાન્ય, રોજ બરોજની જિંદગીમાં, આપણે અસ્તિત્વનો અનુભવ હંમેશાં ભેદભાવો અને દ્વૈતો નિહાળવાને કારણે કકડે કકડે કરતા હોઈએ છીએ. પરંતુ એ અજ્ઞાન છે. જો આપણે પરમાત્માના નિરપેક્ષ પાસાનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ તો, આપણે આ ચિંતન કરવું જોઈએ; જે રીતે લાખો મોજાંઓ એ ખરેખર તો સાગર જ છે, તે રીતે બધી જ અનુભૂતિઓ એ સચ્ચિદાનંદનાં મોજાંઓ છે; તેઓ સચ્ચિદાનંદના જ અંશો છે.
આપણે આ પ્રકારનું ચિંતન કરીએ, તો એક સમય એવો આવશે કે જ્યારે બધા જ દ્વૈતો અદૃશ્ય થઈ જશે; મોજાંઓ અને સાગર એક બની જશે. પરંતુ શ્રીરામકૃષ્ણની બાબતમાં બન્યું હતું તેમ, આપણું મન હજુ પણ વધારે ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. આપણે એવી ભૂમિકાએ પહોંચી શકીએ છીએ કે, જેનું વિચાર કે વાણી દ્વારા વર્ણન જ ન થઈ શકે. ઈશ્વર, જેવા છે તેવા ઈશ્વર, વર્ણનથી પર એવા પરમાત્મા. બીજા શબ્દોમાં, સત્યના સઘળા અનેકરંગી તબક્કાઓ સ્થળ, કાળ, પદાર્થ, શક્તિ – એક અંતિમ એકત્વમાં, પરમાત્માના સ્વયં – વિદ્યમાન, સનાતન સત્યમાં, વિલીન થઈ જશે.
આપણે અજ્ઞાની હોઈએ છીએ ત્યારે આપણે આપણી જાતને આ મહાન સત્યથી અળગી રાખીએ છીએ. આપણે ક્ષુદ્ર બાબતોનો ગર્વ કરવા લાગીએ છીએ, અને દુ:ખી પણ થઈએ છીએ. ફક્ત અનેકવિધતા જ જોઈ શકવાને કારણે આપણે ભયભીત બનીએ છીએ. પરંતુ જ્યારે આપણને એ જ્ઞાન થાય છે કે આપણે તો સચ્ચિદાનંદ સાથે એક છીએ, આપણે તો બ્રહ્મના અનંત સાગરમાં અસ્તિત્વ ધરાવીએ છીએ, ત્યારે આપણને આપણા સાચા ઐશ્વર્ય માટે ગર્વ ઉત્પન્ન થાય છે. આપણે નિર્ભય બનીએ છીએ. આપણે જાણીએ છીએ કે, ભલે આપણી નાની નાની વૈયક્તિક્તાઓ – આપણું શરીર, આપણી સિદ્ધિઓ, આપણી માલમિલકત – સાગરનાં મોજાંની જેમ કોઈપણ ક્ષણે અદૃશ્ય થઈ જાય, પરંતુ આપણે પરમાત્મારૂપી અનંત સાગર સાથે એક છીએ.
સાગર અને મોજાંનું દૃષ્ટાંત ઘણું અર્થપૂર્ણ અને ઉપયોગી છે, કારણ, તે આપણને એવી ભૂમિકા ઉપર લઈ આવે છે કે, જ્યાંથી આપણે પરમાત્મા સાથેના તાદાત્મ્ય તરફનો અંતિમ પ્રવાસ આરંભી શકીએ છીએ. બધું એક જ બની જાય છે. બધું બ્રહ્મ – સચ્ચિદાનંદનો સાગર બની જાય છે. જ્યારે આપણે આ અનુભૂતિમાં સ્થિર થઈએ ત્યારે આપણે અંતિમ અનુભૂતિ – અર્થાત્, અનંત સાગર કે બ્રહ્મ એ આપણી બહાર નથી, પરંતુ આત્મારૂપે, આપણી પોતાની જાતરૂપે, આપણી અંદર જ રહેલો છે – તે અનુભૂતિ માટે તૈયાર બનીશું – અને ત્યારે આપણે અધિકારપૂર્વક એવો દાવો કરી શકીશું કે, ‘હું જ સચ્ચિદાનંદનો અનંત સાગર છું.’ આ બિંદુએ આપણી આધ્યાત્મિક પ્રવૃત્તિ આત્મા પરત્વેના ધ્યાનનું સ્વરૂપ ધારણ કરે છે, જેમાં બધો જ ભાર આપણા પોતાના સત્ય સ્વરૂપ ઉપર મૂકાયેલો હોય છે.
જે રીતે આપણે બાહ્ય વિશ્વનું ઉત્તરોત્તર ગૂઢ બનતા જતા તબક્કાઓ દ્વારા વિશ્લેષણ કર્યું અને તેને સમજ્યા, તે જ પ્રકારે આપણે આપણી જાતનું ઉત્તરોત્તર અંતર્મુખી તબક્કાઓ દ્વારા – જેવા કે દેહ, પ્રાણ, મન અને તેમ આગળ ને આગળ, જ્યાં સુધી આપણે પેલા અનંત સાગરને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી વિશ્લેષણ કરવાનું તથા સમજવાનું કરી શકીએ.
સચ્ચિદાનંદનો સાગર સમય અને સ્થળમાં નથી રહેલો. તે પોતે જ પોતે છે – સ્વયંસ્પષ્ટ સત્ય, મારો આત્મા, અંતરાત્મા, હું પોતે જ. અને આ વિશાળ વિશ્વ માત્ર એક મોજું છે. સૂર્ય મોજું છે; ચંદ્ર મોજું છે; સૌરમંડળ મોજું છે; મારો દેહ અને બીજા લાખો શરીરો મોજાં જ માત્ર છે. જે કંઈ સંભળાય છે, જોવાય છે, અનુભવાય છે કે વિચારાય છે, તે આત્માનું જ પ્રક્ષેપણ (Projection) છે. જે રીતે કોઈપણ મોજું એ સાગરનું પ્રક્ષેપણ છે, તે જ રીતે કોઈપણ અનુભૂતિ એ આત્માનું પ્રક્ષેપણ છે. અને હું જ તે આત્મા છું, સચ્ચિદાનંદનો સાગર છું. ઉપનિષદનો ઋષિ કહે છે તેમ, અહં બ્રહ્માસ્મિ : ‘હું જ બ્રહ્મ છું.’
આપણું મન સાપેક્ષ સત્ય ઉપરના, અર્થાત્ અંતરાત્મા ઉપરના, આ ધ્યાન દ્વારા આખરે જે રીતે બાહ્ય વિશ્વના વિશ્લેષણ તથા સમજણ દ્વારા જે સ્થિતિએ પહોંચી શકાય તે જ સ્થિતિએ આવી પહોંચશે. જે રીતે આપણને નિરપેક્ષપણે જ્ઞાન થાય છે કે, ‘દરેક બાબત બ્રહ્મ છે’, તે જ રીતે આપણને સાપેક્ષપણે જ્ઞાન થાય છે કે, ‘દરેક બાબત હું જ છું.’ આપણે વાણીથી પર પહોંચી જઈએ છીએ. ત્યારે આપણે વાચાહીન બની જઈએ છીએ. તે પછી તો આપણે ‘હું સચ્ચિદાનંદ છું’, એમ પણ નહીં કહીએ, પરંતુ ‘હું જે છું, તે જ છું’, એમ કહીશું – અને તે જ મુક્તિનું સર્વોચ્ચ જ્ઞાન છે.
સાગર અને મોજાંના દૃષ્ટાંત દ્વારા, આપણે નિરપેક્ષપણે અભ્યાસ કરીએ કે સાપેક્ષપણે, પરંતુ આપણે એક જ મંઝીલે પહોંચીએ છીએ – કહી ન શકાય, વર્ણવી ન શકાય તેવી પૂર્ણતા.
અનુવાદક : દેવેન્દ્ર હ. ભટ્ટ
Your Content Goes Here




