સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુરના સચિવ છે. – સં.
ચાલો, આ દૃષ્ટિથી પણ નિહાળીએ
માનવજીવન એક લાંબી યાત્રા છે. અને આપણે બધા પ્રવાસીઓ – યાત્રીઓ છીએ. આપણે આ જાણીએ કે ન જાણીએ, આપણી ઈચ્છા હોય કે અનિચ્છા હોય, આપણે મુસાફર છીએ તથા ગંતવ્ય સુધી પહોંચતા પહેલાં આપણે યાત્રા કરવી જ પડશે. યાત્રાળુ બનવું એ આપણી લાચારી છે. એમાં છૂટકો નથી.
આ પ્રવાસ યાત્રામાં અનેક પ્રકારના અનુભવ થાય છે – સારા-નરસા, કડવા-મીઠા, બધા પ્રકારના. માણસ જો ઈચ્છે તો પોતાના અનુભવના પાયા પર પોતાની યાત્રાના બાકીના ભાગને સુધારી શકે છે. તેને સુખદ અને સરળ, સહજ બનાવી શકે છે. એટલું જ નહિ, તે દૃઢતાથી, પ્રતિજ્ઞાપૂર્વક કમર કસીને કામ કરવા મંડી પડે તો તે આ જ જીવનમાં પોતાની યાત્રાની અંતિમ છાવણી સુધી, ગંતવ્ય સુધી પહોંચી શકે છે.
આને માટે એ આવશ્યક છે કે આપણે થોડા સમય માટે રોકાઈએ અને આપણી યાત્રા પર એક દૃષ્ટિ નાખી લઈએ.
જરાક જમા-ઉધાર ખાતામાં શું છે તે તપાસી લઈએ
જોઈએ કે જીવનયાત્રાના ક્યા પડાવમાં આપણે ઊભા છીએ. આપણા અનુભવો શું છે? આપણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું? ક્યાં સુધી પહોંચ્યા અને ક્યાં જવું છે?
આ મુદ્દાની વાત જ વિચારી લેવાથી આપણી જીવનયાત્રાને સુ-વ્યવસ્થિત, ગતિશીલ અને સુખદ બનાવી શકીએ છીએ. જરૂર પડે તો આપણે પોતાની યાત્રાની દિશા બદલી શકીએ છીએ. જીવનને સુધારીને સ્વચ્છ, ચોખ્ખું ચણક બનાવી શકીએ છીએ- તેને સમારી શકીએ છીએ. માનવજીવનમાં જાતને સુધારવા માટેની અનંત શક્યતાઓ રહેલી છે. ઉન્નતિના અગણિત અવસર માનવને મળે છે. આ કાર્ય આજે ને અત્યારે જ, આપણે જ્યાં જેવા હોઈએ, ત્યાંથી જ ડગલાં ભરવાનું શરૂ કરી શકીએ છીએ. તમે અને હું, દરેકે દરેક, બધાં જ આ ડગલાં ભરવાનું શરૂ કરી શકીએ છીએ; આજે નહિ તો કાલે આપણે આની શરૂઆત કરવી જ પડશે. એટલે આજે જ આ કાર્યને શરૂ કરવા માટે આપણે તૈયાર થઈ જઈએ.
શક્ય છે કે આ વિચારો દ્વારા સુજ્ઞ વાચકોના વિચારોને પણ પ્રોત્સાહન મળે; તેઓ પોતાના જીવનમાં નવીન પ્રયોગો કરે. સહ-યાત્રીઓને, એક જ પંથના પ્રવાસીઓને પોતાના જીવન-અનુભવનો લાભ આપે; લોક કલ્યાણમાં સહભાગી બને.
આ પદ્ધતિ અપનાવીને આપણે જીવનની ઉચ્ચ, સૌથી વધુ ઉત્તુંગ ઉચ્ચતાએ પહોંચી શકીશું તથા જીવનયાત્રાના નવીન ધ્યેયને આંબી જઈ શકીશું.
પ્રવાસ – યાત્રા
જીવનયાત્રા વિષે વિચાર કરતાં પહેલાં એ જોઈ લેવું યોગ્ય છે કે ‘યાત્રા’ એટલે શું એ સમજીએ છીએ? ‘યાત્રા’નાં લક્ષણ ક્યા? યાત્રા માટે કઈ શરતો છે? (ક્યાં નિયમો છે?)
કોઈ પણ યાત્રા માટે ત્રણ વસ્તુ જરૂરી છે. આ ત્રણ સિવાય યાત્રાની કલ્પના પણ કરી શકીએ નહિ.
(૧) યાત્રાનું પ્રારંભિક કેન્દ્ર
(૨) ગંતવ્ય અથવા યાત્રાનું ધ્યેય
(૩) યાત્રાનો માર્ગ તથા યાત્રાનું વાહન.
યાત્રાનું પ્રારંભિક કેન્દ્ર : તો યાત્રાળુ ક્યા ઊભો છે? તેણે પોતાની યાત્રા – મુસાફરી ક્યા કેન્દ્ર ઉપરથી પ્રારંભ કરવી? મુસાફરને જો એ ખબર જ ન હોય, કે તે કઈ જગ્યાએ ઊભો છે તો તેની યાત્રા શરૂ જ ન થઈ શકે. જો મુસાફરી શરૂ કરે તો તે વેરાનમાં ભમવા ભટકવાની રખડપટ્ટી બનશે. સાચી યાત્રા નહિ હોય. કારણ કે તેને એ જ ખબર નથી કે તે ક્યાં સ્થાને, સ્થળે ઊભો છે- તો તે જશે ક્યાં? એટલે યાત્રાળુને પહેલવહેલા પોતાની અવસ્થિતિ / અવસ્થાનું કે ખરેખર તે ક્યા ઊભો છે, તેનું ઠીક ઠીક જ્ઞાન હોવું જોઈએ. આ સાંભળવામાં તો સાવ સરળ લાગે છે; પણ આપણે જીવનયાત્રાના માર્ગમાં કઈ જગ્યાએ ક્યા સ્થળે ઊભા છીએ, તે જાણવું એટલું સહેલું નથી. એના માટે પોતે, આપમેળે પોતાનું નિરીક્ષણ-પરીક્ષણ કરવું પડે છે. આપણે પોતાની જ અંદર બહાર ઝીણવટથી નીરખવું – પરખવું પડે છે, કે આખરે આપણે ઊભા છીએ ક્યાં? કારણ કે અનેક વાર જીવનયાત્રામાં આપણે ચાલવા છતાંયે ભટકતા – રખડતા જ હોઈએ છીએ. એટલે આપણી રખડપટ્ટી – ભૂલથી અથડાતા – ભટકતા હોઈએ તે પિછાનવું પડે છે. રખડતો – ભટકતો મુસાફર ભાગ્યે જ ધ્યેય સુધી પહોંચી શકે છે. જ્યારે તે આ સમજી જાય છે કે હું તો ભૂલથી ભટકી રહ્યો છું, ત્યારે જ તે અટકી જઈને વિચારવા માંડે કે જોઉં તો ખરો, હું ભટકીને ક્યાં આવી ગયો છું, જવાનું ક્યાં હતું અને ક્યાં પહોંચી ગયો છું.
મિત્રો, તો સૌથી પહેલાં આ જાણી-સમજી લઈએ કે આપણે ક્યાં છીએ – આપણે ઊભા છીએ ક્યાં? ક્યાંક ભટકતા – અથડાતા તો નથીને? જો અટવાતા – ભટકતા હોઈએ તો તરત રોકાઈ જઈને, જોઈ – જાણી લઈએ, સમજી લઈએ કે છેવટે આપણે ઊભા છીએ ક્યાં. એક વાર જ્યારે આપણે જાણી – સમજી જઇશું કે આપણે ઊભા છીએ ક્યાં તો આપણી યાત્રાની એક શરત પૂરી થઈ જશે. હવે આપણે સાચી યાત્રાને માટે, પાત્ર – અધિકારી થઈ ગયા.
(૨) ગંતવ્ય : યાત્રાને માટે બીજો જરૂરી મુદ્દો, “ગંતવ્ય” છે. જો યાત્રાળુને ખબર પડી જાય કે તે ક્યાં ઊભો છે તો પણ ત્યાં સુધી, તેની યાત્રાની શરૂઆત ન કરી શકે, જ્યાં સુધી તેને સમજણ ન હોય કે તેણે ક્યાં પહોંચવું છે, ક્યા સ્થળ સુધી જવાનું છે, તેનું ધ્યેય શું છે. ધ્યેયને જાણ્યા સિવાય યાત્રાના શ્રીગણેશ ન થઈ શકે. જો તે યાત્રા શરૂ કરી દે, તો તે નકામી – નિરર્થક “રખડપટ્ટી” જ હશે.
(૩) માર્ગ અને વાહન : યાત્રીને ખબર પડી ગઈ કે તે ક્યાં ઊભો છે, અને યાત્રી એ એ પણ જાણી લીધું કે તેનું ગંતવ્ય શું છે, ત્યારે પણ તેની યાત્રાની શરૂઆત નહીં થઈ શકે. યાત્રાનો પ્રારંભ ત્યારે જ થાય, જ્યારે તેને ગંતવ્ય સુધી પહોંચવાનો રસ્તો ક્યો છે, તે વિષે જરૂરી જાણકારી મળી ગઈ હોય.
રસ્તા સાથે બીજા પણ કેટલાંક પાસાં જોડાયેલાં હોય છે. રસ્તાઓ અનેક હોઈ શકે. દરેક રસ્તાની જરૂરિયાતો પણ જુદી હોઈ શકે. વગેરે વગેરે.
આવો, આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને જીવનયાત્રા પર થોડી ચર્ચા કરીએ. અહીં એ યાદ રાખવું જોઈએ કે આપણે સૌ જીવનયાત્રાના યાત્રાળુઓ છીએ.
આપણે જાણકાર હોઈએ કે અજાણ હોઈએ, આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ – આપણે સૌ કોઈ યાત્રાળુ છીએ. તથા જ્યાં સુધી ગંતવ્ય -લક્ષ્યસ્થાન સુધી ન પહોંચીએ, ત્યાં સુધી યાત્રાળુ રહીશું.
યાત્રા કરવી અને યાત્રાળુ બનવું – થવું એ આપણી વિવશતા છે, લાચારી છે, આપણે ચાલવું જરૂરી છે – પછી ભલે સીધી દિશામાં ચાલીએ અથવા તો ઊંધી દિશામાં ચાલીએ. યાત્રાની પૂર્ણાહુતિ – સમાપ્તિ સુધી ગંતવ્ય પર પહોંચ્યા સુધી આપણે ચાલવું જ પડશે. “ચરૈવેતિ!” “ચરૈવેતિ!!” ચાલતા રહો. ચાલતા રહો!! આ જ યાત્રાની અનિવાર્ય શરત છે, જીવનયાત્રાનું વિધાન છે, નિયમ છે.
હવે જ્યારે આ નક્કી જ છે કે આપણે બધા યાત્રાળુ છીએ અને આપણે ચાલવું જ જોઈએ, તો એ જોઈએ કે આપણે યાત્રા ક્યાંથી શરૂ કરી છે? આપણી યાત્રાનું પ્રારંભિક કેન્દ્ર ક્યાં છે? અહીં આપણે ધ્યાનમાં રાખીએ કે આપણો આ જન્મ આપણી યાત્રાનું પ્રારંભ – બિંદુ નથી. એવું પણ નથી કે મરણ સાથે જ યાત્રા પૂરી થઈ. અલબત્ત, જો આપણે મૃત્યુ પહેલાં જ ગંતવ્યને આંબી ગયા હોઈએ, તો પછી કોઈ પ્રશ્ન જ નથી.
જન્મ અને મૃત્યુ, બંને આપણી મહાન યાત્રાના બે પડાવ -છાવણી માત્ર છે. આપણે કોઈ સ્ટેશનના પ્લૅટફોર્મ ઉપર ઊભા છીએ. કોઈ બસ સ્ટૅન્ડ પર છીએ, કોઈ હવાઈ મથક પર છીએ; જ્યાંથી આપણે આગળ કે પાછળ જવું પડે. જવું જ જોઈએ. જવું જ પડશે. તેમાં કોઈ બીજો વિકલ્પ નથી.
હજારો વર્ષ પહેલાં એક સફળ યાત્રી જ બહુ અલ્પ સમયમાં ગંતવ્યને પહોંચવામાં જ હતો, ત્યાં જ એક મોટી ભૂલ થઈ ગઈ હતી. તેણે એવું ધારી લીધું કે જીવનયાત્રાનો બધો હિસાબ -કિતાબ આ જ જીવનમાં છે, તેની વ્યાખ્યા આ જન્મમાં જ છે. પરંતુ ભાગ્યશાળી તારલો! તે ખરેખર ભાગ્યવંત હતો. તેણે જીવનયાત્રાનું રહસ્ય એક એવા મહાન આત્માને પૂછ્યું જેઓ આ યાત્રાના બધાં રહસ્યને સાદ્યંત જાણતા હતા. એટલું જ નહિ, તેઓ હજારો લોકોને જીવનયાત્રાના ચરમગંતવ્ય સુધી પહોંચાડી ચૂક્યા હતા. જીવનયાત્રાના રથના આ મહાન સારથિને એ મહાન યાત્રીએ પૂછ્યું : ‘ભગવન્! આપ તો કહો છો કે આપે આ યાત્રાની સફળતાનું રહસ્ય મને કહ્યું તે પહેલાં પણ એવા લોકોને બતાવ્યું હતું, જેઓ આપની અને મારી પૂર્વે જન્મ્યા હતા. આપે અને મેં તો હમણાં જ જન્મ લીધો છે. તો કેવી રીતે હું સમજું કે આપે તેમને પણ આ જીવનયાત્રાનું રહસ્ય બતાવ્યું હતું? આપ સૌ સત્સંગી છો, સ્વાધ્યાયી છો, એટલે આપ તે મહાન યાત્રી અને મહાન સારથિ સાથે પરિચિત છો. ભગવાન શ્રીકૃષ્ણ એ મહાન સારથિ અને મહાન યાત્રી તે અર્જુન. અર્જુનનું નસીબ સારું હતું કે તેણે એવા પુરુષને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું, જેઓ આદિથી અંત સુધીના જીવનયાત્રાના બધા રહસ્યના જ્ઞાતા હતા. તે મહાત્માએ પણ અર્જુનને માધ્યમ બનાવીને કૃપાપૂર્વક જીવનયાત્રાનું સંપૂર્ણ રહસ્ય ભવિષ્યમાં આવનારી બધી પેઢીઓ સમક્ષ ખુલ્લું રાખી દીધું. શ્રીભગવાને કહ્યું : ‘હે અર્જુન! તારા અને મારા આ પહેલાં પણ અનેક જન્મ થઈ ચૂક્યા છે તે બધાને હું જાણું છું પણ તું જાણતો નથી.’
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परंतप
(ગીતા, ૪.૫)
તો મિત્રો, આ પૂર્વે પણ આપણા લાખો જન્મ થઈ ચૂક્યા છે. આપણી જીવનયાત્રા અનાદિકાળથી ચાલી રહી છે. વર્ષોમાં તેનો હિસાબ થઈ શકે નહિ. ક્યારે આ યાત્રા શરૂ થઈ તેની ગણતરી વર્ષોમાં થઈ શકે નહિ. તે તો કલ્પોની વાત છે. આપણે જાણીએ કે ન જાણીએ પણ આપણી યાત્રા ચાલી રહી છે. આ જન્મ આપણી યાત્રાનો પ્રારંભ નથી. આ તો યાત્રાની વચ્ચેનો પડાવ માત્ર છે. એક સ્ટેશન છે. એક જંક્શન છે. જંક્શન એટલા માટે કે અહીંથી કેટકેટલાં સ્થળો માટે ગાડીઓ જાય છે. સ્વર્ગલોક, નરક, પિતૃલોક, અરે, બ્રહ્મલોક સુધી ગાડીઓ જાય છે. વૈકુંઠ ધામ અથવા આપણી પસંદગીના ઈષ્ટ – લોકમાં યે જવા માટે આ જ જંકશનથી ગાડી મળે છે. આપણે જો ઈચ્છીએ તો આ જ જંકશનથી આપણી યાત્રાનું પરમ ગંતવ્ય – જીવનમુક્તિ – ધામની યે ગાડી આપણને મળી શકે છે. અને ત્યાં પહોંચી શકીએ છીએ.
જંક્શનમાં આપણે ઊભા છીએ. ક્યાં જવું છે એ ફેંસલો આપણે કરવાનો છે. આપણા ગંતવ્યનો નિર્ણય આપણે જ કરવાનો છે. નક્કી કરી લીધા પછી માર્ગદર્શક અનેક મળી રહેશે. બધા પ્રકારની સૂચનાઓ, ગાઈડો ઉપલબ્ધ છે. આપણે ફેંસલો તો કરીએ કે આપણે ક્યાં જવા ઈચ્છીએ છીએ?
આશરે અઢી હજાર વર્ષથી પણ અગાઉ એક રાજાએ પોતાના એક માત્ર કુંવરની કહેવાતી સુખદ યાત્રા માટે બહુ મોટા પાયે તૈયારી કરી. તે રાજાનાં શ્રદ્ધા-વિશ્વાસ હતાં કે આ દુન્યવી એશ – આરામ ને સુખ સગવડ જેમ વધુ ને વધુ પ્રકારે એકત્રિત કરવામાં આવે, ભોગની જેટલી વ્યવસ્થા કરવામાં આવે, જીવનયાત્રા તેટલી જ વધુ સુખી હશે, સફળ થશે. વિશાળ વ્યવસ્થા તે રાજાએ ઊભી કરી. ભવ્ય તૈયારીઓ કરી. રાજકુમાર પણ તંદુરસ્ત, સ્વસ્થ, સુંદર, બલિષ્ઠ, ગુણસંપન્ન હતા. તેની સુખદ જીવનયાત્રા માટે બધી ચીજ-વસ્તુઓ એકઠી કરવામાં આવી હતી. રંગ-મહેલ બનાવવામાં આવ્યા. દરેક ૠતુ માટે અલગ અલગ રાજમહેલ. મોજમજા, રાગ-રંગ, ખાણીપીણી, આનંદ-પ્રમોદની બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દાસ- દાસી, ગાયક- નર્તકીઓ શું નહોતું? આ બધાં ઉપરાંત પરમ સુંદ૨ ગુણિયલ અનુકૂળ પત્ની. કુમારને માટે આનંદનો મેળો જ હતો. સુખદ – અત્યંત સુખદ યાત્રા ચાલી રહી હતી. આ સુખોમાં જાણે કે ચાર ચાંદ લગાવવા માટે એક પુત્રરત્નનું આગમન થયું.
યાત્રા આનંદપૂર્વક ચાલતી હતી. અને ત્યારે જ જીવનયાત્રાની બીજી બાજુ રાજકુમારના જોવામાં આવી. આ બીજી બાજુની હકીકતના પાસાં આજ સુધી કુમારથી ગોપવી રાખવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કુમારે એક રોગીને, એક ઘરડા માણસને, એક મડદાને જોયાં; અને કુમાર ચિંતનમાં પડ્યા કે “અરે આ શું? આ બધી વ્યક્તિઓને આમ પીડા શા માટે?” અને ત્યારે કુમારને ખબર પડી કે આ પીડા માત્ર એ જ મનુષ્યોને નથી : “મેં જોયા એમને જ આ દુઃખ છે, એવું નથી; આ તો પ્રાણીમાત્રને માટે છે. તેના ઘટ સાથે જ ડાયેલ છે.” અને સાથો સાથ કુમારના મનમાં પ્રશ્ન ઊભો થયો : “શું મારી પણ આ જ નિયતિ છે?” અને તેને વજ્રસમો કઠોર ઉત્તર મળ્યો : “હા, કુમાર, ઘડપણ અને મૃત્યુની તારે પણ નિયતિ છે જ.”
ઉદાસ થઈ ગયો કુમાર. ફીકા પડી ગયા, બધા ભોગ. મોજમજા નીરસ લાગ્યા. અને ત્યારે કુમારે એક દિવસ મુંડિત – મસ્તક ગેરુઆ વસ્ત્રધારી, સૌમ્ય મૂર્તિ મુખ મુદ્રામાં નિર્ભયતા ભર્યો એક સંન્યાસી જોયો. અને તેને જાણવા મળ્યું કે આ વ્યક્તિએ દુનિયાની અસારતાને સમજીને તે ત્યજી દીધી છે. અને પરમ સુખ અને શાંતિના માર્ગનો પથિક થઈ ગયો છે.
આ જોવામાં આવ્યું ત્યારથી રાજકુમાર ચોંકી ઊઠ્યો, સાવધાન થઈ ગયો. આજની ભાષામાં તેને રેડ સિગ્નલ મળી ગયું. કુમા૨ સમજી ગયો કે જે રસ્તા પર તે ચાલી રહેલ છે, તેમાં આગળ ભયંકર ખતરો છે. તે સમજી ગયો કે ક્યાંક કોઈ ભૂલ થઈ ગઈ છે, યાત્રાની દિશા જ ખોટી છે. અત્યારે આ યાત્રા ભલેને ગમે તેટલી સુખદ લાગી રહી હોય. પરંતુ તેનું પરિણામ ભયંકર હશે. કુમારની ચેતના જાગી. તેની અંતઃ પ્રજ્ઞાએ અવાજ સંભળાવ્યો : “કુમાર, મનુષ્યની જીવનયાત્રાનું ગંતવ્ય ઘડપણ અને મૃત્યુ હોઈ ન શકે. તેનું ગંતવ્ય તો પ્રકાશ અને અમરત્વ છે.” અંતરાત્માનો અવાજ સાંભળીને કુમાર સાવધાન થઈ ગયો, અને દૃઢ સંકલ્પ – દૃઢ પ્રતિજ્ઞાથી તેણે પોતાની જીવન દિશા બદલી નાખી. અને આ જ જીવનમાં ગંતવ્ય સુધી પહોંચી ગયો.
રાજકુમાર સિદ્ધાર્થ તથાગત ભગવાન બુદ્ધ બની ગયા. અને આજે અઢી હજાર વર્ષોથી આખી દુનિયામાં કરોડો લોકોની જીવનયાત્રાને સાચી દિશાનું દર્શન કરાવી રહ્યા છે.
આ યાત્રાની વિશેષ લાક્ષણિકતા છે કે કોઈ પણ પડાવ પરથી દિશાને બદલી શકાય છે.
એટલે આપણને યાદ રહે કે આ જ જન્મ આપણી યાત્રાનો પ્રારંભ નથી. આપણે તો અનાદિ યાત્રી છીએ. અને એટલે જ અનંતમાં પહોંચીને તેમાં વિલીન થઈ ગયા પછી જ આપણી યાત્રા સમાપ્ત થશે. જ્યાં સુધી આપણે અનંતમાં પહોંચી ન શકીએ, ત્યાં સુધી યાત્રા ચાલતી જ રહેશે. આપણને ચાલવા માટે ફરજ પડશે. આ ફરજિયાતપણાનો બીજો વિકલ્પ જ નથી.
યાત્રી તો આપણે છીએ. ચાલી રહ્યા છીએ. નિરંતર ચાલી રહ્યા છીએ. પરંતુ સાવધાન રહેવું પડશે કે આપણે ઊલટી અવળી દિશામાં તો ચાલી નથી રહ્યા ને? રાજકુમાર સિદ્ધાર્થે યુવાનીમાં જ સમજી લીધું, જાણી લીધું કે તેની યાત્રા અવળી દિશામાં ચાલી રહી છે અને જાણી લીધું કે તાત્કાલિક યાત્રાની દિશા બદલી નાખી હતી.
અનુવાદક : સ્વામી જ્ઞાનેશાનંદ
(હિન્દી ત્રિમાસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’માંથી સાભાર)
(ક્રમશઃ)
Your Content Goes Here




