(ગતાંકથી ચાલુ)

આ જ શ્રેય અને પ્રેયનો માર્ગ છે. ભગવાનની ચતુરંગિણી સેના જાણે કે દુન્યવી સંપત્તિ, વૈભવ અને વિષયસુખનું પ્રતીક છે. તથા ભગવાન પરમકલ્યાણ – પરમ શ્રેયનું પ્રતીક છે. બહારનો રસ્તો દુર્યોધનનો રસ્તો છે. ભગવાનની નારાયણી ચતુરંગિણી સેના મેળવીને તે અત્યંત પ્રસન્ન થઈને અર્જુનને મૂર્ખ સમજવા લાગ્યો હતો. દુર્યોધને તો પ્રેયના રસ્તાની ઉપર પસંદગી ઉતારી. અર્જુનનો શ્રેયનો રસ્તો હતો. આ જ છે અંદરનો રસ્તો. આ જ રસ્તા ઉપર ચાલીને જીવનના પરમ ગંતવ્યો સુધી પહોંચી શકાય છે.

આપણે બધા યાત્રીઓ – આપણી સામે આ બંને રસ્તા છે. આપણે ત્રિભેટે ઊભા છીએ. આપણે વરણી કરવાની છે. પસંદગીનો નિર્ણય લેવાનો છે. પરીક્ષા આપવાની છે. કઠિન પરીક્ષા આપવાની છે. રસ્તાની આ પસંદગીથી જ આપણું ભવિષ્ય નક્કી થશે. આપણે જીવનયાત્રાના પરમ ગંતવ્ય સુધી પહોંચવાના અધિકારી થઈશું કે અનંતકાળ સુધી જન્મ મરણના ચક્રમાં ફેરા ફરતા રહેવાનું આપણું ભવિષ્ય હશે. આ બધું આ પસંદગી પર જ નિર્ભર રહે છે. આપણે બહારના રસ્તાની પસંદગી કરવાનું નક્કી કર્યું કે પછી અંદરના રસ્તાની પસંદગી – આજે અને અત્યારે જ આપણે આ પસંદગી કરવાની છે. આ ભવિષ્યને માટે ટાળી દેવું – તે આફત તથા વિનાશને નોતરું આપવા જેવું થશે.

યાત્રાની ટિકિટ અને પાથેય

આપણે ગંતવ્ય વાહન તથા રસ્તા ઉપર વિચાર કર્યો. આવો, હવે જીવનયાત્રાની ટિકિટ વિષે થોડું વિચારી લઈએ. કોઈ પણ યાત્રા માટે આપણે ટિકિટ લેવી જ પડે છે. જીવનયાત્રાના વાહનની ટિકિટ છે – કર્મ. આ મોટા પનાની અને સમજવાની વાત છે. આ અઢી અક્ષરમાં જીવનની સફળતાનું રહસ્ય છુપાયેલું છે. આ અઢી અક્ષરનું તત્ત્વ આપણને જીવનના ચરમ ગંતવ્ય સુધી પહોંચાડીને જીવન–મુક્તિ ને આનંદ બક્ષી શકે છે. આપણું મનુષ્ય-જીવન સાર્થક કરી શકે છે. પરંતુ બીજી બાજુએ સમજવામાં ભૂલ થઈ ગઈ કે પ્રમાદમાં રહીને અને સાવધાની ગુમાવી તો આ અઢી અક્ષરનું ‘કર્મ’ આપણને દુનિયામાં રખડાવી – અથડાવી – ભટકાવીને નરકમાં નાખી શકે છે. એટલે જ કર્મ સંબંધી સજાગ અને સાવધાન રહેવાની જરૂર છે.

આ કર્મ શું છે? એમ તો માનવજીવનની દરેક ક્રિયા જ કર્મ છે. પરંતુ બધાં કર્મ બંધન કે મુક્તિનું કારણ નથી હોતાં એટલે જ બધાં કર્મ જીવનયાત્રાની ટિકિટ પણ થઈ શકે નહિ. કર્તા તેમ જ ભોક્તા-બુદ્ધિ અર્થાત્ હું આ કર્મ કરનાર છું એટલે તેનું ફળ પણ મને મળે, આવી ભાવના રહે, ત્યારે જ કર્મનું પરિણામ આવી મળે છે. આ કર્મ સત્ – કર્મ પણ હોઈ શકે તેમ જ અસત્ – કર્મ પણ હોઈ શકે છે. વળી આ બંને ભાવ અનુસાર બંધનનું કારણ થઈ શકે છે.

આપણે શરૂઆતમાં જ આ સિદ્ધાંત ઠીક રાખ્યો છે કે આપણે પોતાના જીવનના અનુભવના આધારે જ જીવનયાત્રા વિષે વિચાર કરીશું તથા તેમાં આવશ્યક પ્રયોગ તેમ જ પરિવર્તન કરીશું.

ચાલો, આપણે પોતાના અનુભવના આધારે જ પોતાની જીવનયાત્રાનો વિચાર કરીએ. જન્મથી માંડીને કિશોરાવસ્થાના પ્રારંભ સુધી એટલે કે હોંશમાં આવતાં સુધી આપણે પોતાના કર્મોને માટે લગભગ જવાબદાર હોતા નથી. વડીલોએ જેમ કીધું, જેમ કરવા માટે કીધું, આપણે તે પ્રમાણે જ કરીએ છીએ, તે મુજબ જ આપણે ચાલીએ છીએ. તેની જવાબદારી આપણે માથે હોતી નથી. માતા-પિતાએ નિશાળે મૂક્યો – આપણે પણ સ્કૂલમાં ચાલી ગયા. શિક્ષક – શિક્ષિકાઓએ જેમ જેમ પાઠ શીખવ્યા – ભણાવ્યા આપણ શીખવા માંડ્યા. અને આમ બધાં કામ શીખતા રહ્યા.

આપણે માથે જવાબદારી ત્યારે જ આવે છે, જ્યારે આપણે ફેંસલો કરવાનો અધિકાર આપણા હાથમાં લઈએ છીએ. જ્યારે આપણે નિર્ણય લઈએ કે આપણે શું કરશું અને શું નહિ કરીએ? આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? ત્યારે જ આપણા કર્મ માટે આપણે જવાબદાર છીએ તથા તેનું પરિણામ પણ આપણને મળે છે. બસ, અહીંથી જ આપણા જીવનમાં કર્મનો પ્રભાવ શરૂ થઈ જાય છે. આપણે કર્મના કર્તા અને ભોક્તા થઈ જઈએ છીએ. આ જ ઘડીથી કર્મ આપણા જીવનની યાત્રા – ટિકિટ બની જાય છે.

હવે આપણે જાતે લીધેલા અનુભવને જોઈએ. આપણે ક્યારથી ફેંસલો કરવો શરૂ કર્યો? જ્યારે ફેંસલો કરવાનું હાથમાં લીધું, ત્યારથી ક્યા ઉદ્દેશથી કર્મ કરતા જ રહીએ છીએ – આ આપણે સારી રીતે જોવું પડશે. તટસ્થતાથી, નિષ્પક્ષ ભાવથી આપણે આપણા કર્મ અને તેની પાછળ છુપાયેલ ઉદ્દેશને નિર્મમ જાણવા પડશે, તેની પરીક્ષા કરવી પડશે, વિશ્લેષણ કરવું પડશે. કર્મની પાછળ આપણો ઉદ્દેશ, કર્મ તરફ જોવાની આપણી દૃષ્ટિ આ જ આપણી જીવનયાત્રાનાં નિર્ણાયક તત્ત્વો છે. આનાથી આ નિશ્ચય નક્કી થશે કે આપણી જીવનયાત્રામાં સાચી દિશામાં આગળ વધીએ છે કે પછી ખોટી દિશામાં ચાલી રહ્યા છીએ? આપણે પોતાની જીવનયાત્રાના ચરમ ગંતવ્ય પર પહોંચશું અથવા અથડાતા-ભટકાતા ચાલીએ છીએ? આપણે સ્કૂલ કે કૉલેજમાં ગયા, જુદી જુદી ડીગ્રીઓ મેળવી, અનેક રસમના હુન્નર શીખ્યા, કલાઓનો કસબ શીખ્યા. વ્યાપાર ધંધામાં કસબ શીખ્યા, પલોટાયા, હિસાબ કિતાબ રાખતાં શીખ્યા, ટેક્ષ – પ્લાનીંગ, બિઝનેસ મેનેજમેન્ટ શીખ્યા, રાજનૈતિક દૃષ્ટિએ ઊંચી પદવીઓ સુધી પહોંચ્યા, અધિકારી થયા અને બીજું પણ કોણ જાણે શું શું થયા?

હવે આ જોવું જોઈએ કે આપણને શું ખપે? આપણે શું ઈચ્છીએ છીએ? આ બધાં કર્મમાં આપણો ઉદ્દેશ શું છે? આપણે બહારની બાજુએ જવા ઈચ્છીએ છીએ કે અંદરની દિશામાં? આપણે સંસારને ચાહીએ છીએ કે પરમાર્થની પ્રાપ્તિ માટે કામના રાખીએ છીએ? જો આપણે સંસાર અને સંસારના દુન્યવી સુખ ઈચ્છીએ, તો આપણે બહારની દિશામાં જતી ગાડીની ટિકિટ લઈ રાખી છે. આપણે બહાર લઈ જનારી ગાડીમાં યાત્રા કરીએ છીએ. આ ગાડી આપણને જીવનયાત્રાના ચરમ ગંતવ્યની ઊલટી દિશામાં લઈ જશે. આપણે ગંતવ્યથી દૂર, વધુ દૂર સતત રીતે દૂર ને દૂર થતા રહેશું. આ ચિંતાજનક બાબત છે. જો આપણે અત્યારથી સાવધાન ન થયા અને યાત્રાની દિશા બદલી નહિ તો આપણું જીવન નિરર્થક ને નકામું – નિષ્ફળ થઈ જશે. જન્મ મરણના ફેરામાં પડીને આપણે નીચથી નીચ યોનિઓમાં પણ જઈ પડીએ તે શક્ય છે. આ એક બહુ મોટો ખતરો છે.

હવે જોઈએ કે સાચી ગાડીમાં બેસવાનો ઉપાય શું છે? તેની ટિકિટ કેવી છે? કર્મની ટિકિટના સંબંધમાં એક મહત્ત્વની વાત યાદ રાખવી પડશે. આમાં ટિકિટ બદલવાની જરૂર નથી. યાત્રાની દિશા બદલવાથી, બહાર લઈ જનારી ગાડીને બદલે અંદરની દિશામાં લઈ જનાર ગાડી પકડી લીધી કે તરત જ આમાં ‘કર્મ’ની જ ટિકિટ ચાલે છે. બસ, થોડોઘણો ફેરફાર કરવો પડે છે. ટિકિટમાં અંદર લઈ જનારી યાત્રાની કેટલીક છાપ-મોહર લગાવવી પડે છે. આ છાપ અથવા મોહર શું છે? આજ સુધી જે કર્મ (દુનિયાને માટે) સંસારને માટે કરતા હતા, તે જ હવે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવા માડ્યા. જે કર્મ આજ સુધી સ્વાર્થસંગ્રહ માટે કરતા હતા તે જ હવે લોકસંગ્રહ માટે કરવા માંડ્યા. કર્મ એનું એ જ છે. પણ ઉદ્દેશ બદલાઈ જવાથી હવે આપણી અંદરની યાત્રા માટેની ટિકિટ મળી ગઈ. (ગીતા ૧૮.૪૫-૪૬)

આવો, હવે આ મુદ્દા ઉપર પણ થોડો વિચાર કરીએ કે કઈ કઈ બાબત, ક્યા ક્યા ગુણથી કર્મ આપણી અંદરની યાત્રાની ટિકિટ બની શકે છે અથવા તો ટિકિટ બની જાય છે અને એવી કઈ કઈ બાબત છે, જે આપણા કર્મમાં ખોટી છાપ – ખોટી મોહર લગાવીને તેને બહારની યાત્રાની ટિકિટ બનાવી દઈને આપણને વિનાશની ખાઈમાં ધકેલી દે છે, આને પણ જાણી લેવું અત્યંત જરૂરી છે કારણ કે આમાંથી છુટકારો મેળવ્યા વિના આપણે આપણાં કર્મોમાં અંદરની યાત્રાની મોહર ક્યારેય પણ નહિ લગાવી શકીએ. એટલે જ આને સારી રીતે પિછાણી લેવાની જરૂર છે.

પહેલાં જે આપણને અંદરની યાત્રા નહિ કરવા દે, તે દોષોને જ જોઈ લઈએ. વળી આ દોષો આપણને એકદમ બહારની દિશામાં ઘસડીને લઈ જાય છે. કોઈ પાંચ હજાર વર્ષ પહેલાં અને તે જ લડાઈના મેદાનમાં શ્રીભગવાને અર્જુનને સચોટ – સ્પષ્ટ શબ્દોમાં તે દોષ કહીને સમજાવ્યા. એમ તો તે દોષોની લાંબી તાલિકા શ્રીભગવાને બતાવી છે. પરંતુ ખાસ તો ત્રણ વિશેષ દોષ કહી બતાવ્યા છે જે આપણા આત્માનો વિનાશ કરે છે. (ગીતા, ૧૬.૨૧) શ્રીભગવાન આને નરકના દરવાજા કહે છે. આ દોષ છે કામ, ક્રોધ, લોભ. આ ત્રણ દોષ આપણામાં હોય ત્યાં સુધી અંદરની યાત્રા-પારમાર્થિક યાત્રા ક્યારેય થઈ શકે જ નહિ. ત્યારે આપણે શું કરવું? ક્યાંથી શરૂ કરવું? પહેલી બાબત જોઈએ કે આપણે કોના ગુલામ છીએ? કઈ વાસના આપણી ઉપર ચડી બેઠી છે? કોણે આપણને ગુલામ બનાવી રાખ્યા છે? તેની ખબર પડતાં જ આપણે સત્સંગ કરવો જોઈએ. એવા મનુષ્ય હોય કે જેઓ તેમાંથી – વાસનાઓમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમના સત્સંગમાં રહેવું જોઈએ. સત્સંગની સાથોસાથ એક બીજી અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત છે દુસ્સંગનો ત્યાગ. ભલેને સત્સંગ હજુ સુધી આપણને મળ્યો ન હોય. પરંતુ દુસ્સંગનો, – એવા લોકો જેઓ આ વાસનામાં જ રચ્યા પચ્યા છે, તેમનો સંગ તાત્કાલિક છોડી દેવો જોઈએ. દુસ્સંગને ત્યજી દીધા વિના સત્સંગનો લાભ મેળવી શકીએ નહિ. સત્સંગ સુલભ ન હોય તો સદ્‌ગ્રંથ, સદ્‌વિચારનો આશ્રય લેવો જોઈએ. સત્કર્મ કરવાં જોઈએ. આ ઉપાયોથી આપણે આ દોષોથી મુક્ત થઈ શકીએ.

આ ઉપરાંત અંદરની યાત્રાનો બીજો એક મહાન શત્રુ છે અહંકાર, અહંકાર પણ આપણને અંદરની યાત્રા કરવામાં મહાન અંતરાયરૂપ છે. તે એટલો તો મોટો થઈ જાય છે કે અંદરની યાત્રાના દ્વાર બંધ કરી દે છે. એટલે યાત્રીએ હરહંમેશ આની ઉપર નજર રાખવી પડશે. જેવું એણે માથું ઊંચું કર્યું કે સાથોસાથ એને અંકુશમાં લઈને દબાવી દેવો જોઈએ. જો શરૂઆતમાં જ અહંકારને અંકુશમાં રાખીને દબાવવામાં ન આવે તો પછીથી આ બહુ દુઃખ આપે છે. આપણે જાણીએ છીએ કે આ જ રીતે ઈર્ષ્યા, દ્વેષ, વેર-ઝેર, ઘૃણા, કપટ વગેરે અનેક બાધાઓ છે. એટલે એની ચર્ચા કરવાની જરૂર નથી.

હવે આ જોઈએ કે ક્યા સદ્‌ગુણ આપણા કર્મોને ભીતરની યાત્રાની ટિકિટ બનાવી આપે છે. તેની ઉપર મહોર લગાવી દે છે જેથી આપણને અંદરની યાત્રાની ટિકિટ મળી ગઈ સમજો. શ્રીભગવાને ગીતામાં ૨૬ ગુણોની સૂચિ આપી છે. અને તેનું ‘દૈવી સંપદ્’ નામ આપ્યું છે. આ સદ્‌ગુણ આપણા જીવનમાં ઉતારીને, તેનું આચરણ કરીને યાત્રી અંદરની યાત્રાનો અધિકારી બની જાય છે. અથવા તો કહીએ કે તેને અંદરની યાત્રાનો પાસ મળી જાય છે. આ સદ્‌ગુણનો પોતાના ચરિત્રમાં વિકાસ કરવાથી તે અંદરની યાત્રામાં આગળ ને આગળ આગેકૂચ કરતો રહે છે. તેને બીજી કોઈ વાતની ચિંતા કરવી પડતી નથી. તેનો માર્ગ સરળ થઈ જાય છે. અને સમય પાક્યે તે અંતિમ ધ્યેય સુધી પહોંચી જાય છે. આ ‘પાસ’ આપણને બધાંને મળી શકે છે. પરંતુ તેનું મૂલ્ય ચૂકવવું પડે છે, મૂલ્ય ચૂક્તે કરવાથી તે આપણને મળી શકે.

તે બધા જ સદ્‌ગુણ-સંપત્તિની ચર્ચા કરવી તો આ નિબંધમાં સંભવ નથી, પણ અત્યંત ટૂંકાણમાં કેટલાક વિશેષ સદ્‌ગુણનો વિચાર કરી લઈએ. કારણ કે આ ગુણોનો વિકાસ કરવાથી બીજા ગુણોનો વિકાસ અપેક્ષાકૃત સ૨ળ થઈ જાય છે.

અભય :

પહેલા સ્થાને આવે છે અભય. આ શબ્દ સાંભળવામાં ઘણો સરળ લાગે છે. પરંતુ આ ગુણનો વિકાસ વિચાર કરીને, પ્રયત્નપૂર્વક જ કરવો પડે છે. આપણે જોઈએ છીએ કે ભય દરેક પ્રાણીમાં છે. પ્રકૃતિએ રક્ષા-કવચના રૂપમાં દરેક પ્રાણીમાં ભય મૂક્યો છે. આફત આવી પડે ત્યારે, આઘાત, પ્રહાર વ.ની શંકા – કુશંકા થઈ આવે ત્યારે બધાં પ્રાણી સ્વાભાવિક રીતે ભયભીત થાય છે. પરંતુ આ જ ભયની લાગણી જ્યારે બહુ વધી જાય છે, ત્યારે વિકૃત થઈને ગ્રંથિ બની જાય છે. ત્યારે તે આપણી જીવનયાત્રામાં એક મહાન બાધા બની જાય છે. આગથી રક્ષણ મેળવવા માટે એક જરૂરી ચોક્કસમાત્રામાં ભયભીત થવું જોઈએ. પણ માની લો કે કોઈ વ્યક્તિ કોઈ વિશેષ પ્રસંગને કારણે આગથી એટલી બધી ડરી જાય છે કે દૂરથી જ આગની જ્વાળા જોઈને ગભરાઈ જાય. તેના મોતીયા મરી જાય, તો આ ભય તેના વ્યક્તિત્વના વિકાસમાં એક મોટી બાધા થઈ જશે. અને આ રીતે તેની યાત્રા બંધ પડશે. અથવા અત્યન્ત ધીમી ગતિએ ચાલશે.

ભવિષ્યનો ભયઅ :

આ ભયની જ એક મોટી વિકૃતિ છે. અનેક લોકો આનાથી પીડાતા હોય છે. ભગવાનની કૃપાથી વર્તમાનકાળમાં સારું છે. શરીર સારું છે. તંદુરસ્તી સારી છે, જીવન-નિર્વાહની વ્યવસ્થા સારી છે. છતાંયે ભવિષ્યમાં શું થશે આ વાતની નકામી ચિંતા એટલી વધારે સતાવે છે કે મન ભયથી ધ્રૂજવા લાગે છે. તેને કારણે વર્તમાન પણ ખરાબ થઈ જાય છે. લોકો જ્યોતિષીઓ, સામુદ્રિકો, ભવિષ્ય-વક્તાઓ વ.ની પાછળ ફરતા રહે છે. આ રીતે કારણ વગરના કાલ્પનિક ભય જીવન- યાત્રાની એક બહુ મોટી બાધા છે. આને અવશ્ય આપણે દૂર કરવી જોઈએ. આ જ રીતે બીજાં પણ અનેક પાયા વિનાના કાલ્પનિક ભય આપણા મનમાં ઘૂસી જાય છે. જીવનયાત્રામાં સફળતા મેળવવા માટે આ બધા ભયને દૂર કરવા અત્યંત આવશ્યક છે. એટલું જ નહિ ધીરે ધીરે આપણે મૃત્યુના ભયથી પણ છુટવું પડશે.

મનની નિર્મળતા :

બીજો અત્યંત મહત્ત્વપૂર્ણ ગુણ, જેને આપણા ચરિત્રમાં વિકસાવવા માટે આપણે આતુર છીએ, જે ગુણ આપણા અનેક દોષો અને દુર્ગુણોને ભૂંસી નાખીને દૂર કરી દે છે તે છે મનની નિર્મળતા. મનને નિર્મળ અથવા સાફ કરવાનો અર્થ જ છે તેને દોષ-દુર્ગુણ, કામના-વાસનાઓ વિહોણું કરવું. આ એક જ ગુણનો વિકાસ સાધ્યો તો અનેકગણી ઉન્નતિ હાંસલ કરી શકીએ. જીવનયાત્રામાં ઘણા આગળ વધી શકીએ છીએ. એટલે આ ગુણનું જતન કરવા માટે આપણે વિશેષ પ્રયત્નશીલ રહેવું જોઈએ.

સ્વાધ્યાય :

અંદરની યાત્રા-ટિકિટમાં એક બીજી મહત્ત્વપૂર્ણ મહોર છે, જે મહોરથી ટિકિટ અત્યંત મૂલ્યવાન બને છે – તે છે સ્વાધ્યાય. પંડિતો અને વિદ્વાનો સ્વાધ્યાયના બે અર્થ કહી બતાવે છે : એક તો આધ્યાત્મિક, ધાર્મિક ગ્રંથોનું અધ્યયન. બીજું, પોતાની જાતનો અભ્યાસ, આત્મ નિરીક્ષણ. બંને અર્થમાં સ્વાધ્યાય કરવો જરૂરી છે. સદ્‌ગ્રંથોનો અભ્યાસ, અધ્યયન-મનન-ચિંતન વ. કરવાથી આપણે અનેક ઉચ્ચ-વિચારો આધ્યાત્મિક જ્ઞાન વ.ને પિછાણતા થઈએ છીએ; આમ જીવનને ઉન્નત બનાવીને આપણી જીવનયાત્રા સફળ બનાવવામાં આ સ્વાધ્યાય ખૂબ સહાયક નીવડે છે.

તે જ રીતે, આત્મનિરીક્ષણ વડે આપણે જાતે પોતાના ગુણ દોષોને નજીકથી ઓળખતા થઈએ છીએ. ત્યારપછી આપણા દોષોને દૂર કરીને ગુણોનો વિકાસ કરતા રહેવા માટે બલિષ્ઠ બનીએ છીએ. આ રીતે સ્વાધ્યાય આપણી જીવનયાત્રામાં ખૂબ સહાયક બળ તરીકે સાબિત થાય છે.

તપ :

તપ- જીવનયાત્રાની ટિકિટમાં બીજી એક મહત્ત્વપૂર્ણ મોહર છે. તપ અથવા તપશ્ચર્યા કે તપસ્યા. તપના અનેક અર્થ છે. તેમાંથી એક મહત્ત્વપૂર્ણ અર્થ છે – કોઈ ઊંચા હેતુ માટે સદાચાર કે શુભ આચરણ, સત્કાર્ય માટે દુઃખ-કષ્ટ સહન કરવાં, પરિશ્રમપૂર્વક કાર્ય કરવું, જ્યારે પણ આપણે કંઈ સત્કાર્ય શરૂ કરીએ, ત્યારે તેમાં મુશ્કેલીઓ, અંતરાય વિઘ્ન આવે છે. કાર્યની સફળતા માટે આપણે જ તે મુસીબતોને દૂર કરવી પડે છે. આપણે માટે પરિશ્રમપૂર્વક કાર્ય કરવું જરૂરી બને છે. આમ કરીએ તે તપ કર્યું કહેવાય – તપસ્યા કરી કહેવાય. જીવનમાં કોઈપણ મહત્‌કાર્ય માટે નિરંતર પરિશ્રમ કરવો તપ છે. પ્રત્યેક યાત્રીએ તપના ગુણને અવશ્ય વધુને વધુ વિકસાવવો જોઈએ.

સંક્ષેપમાં, આ જ જીવનયાત્રાનું વર્ણન કરવામાં આવ્યું. જીવનની સફળતા માટે આ યાત્રાના વિવિધ આયામોનું જ્ઞાન અવશ્ય મેળવતા રહીએ. તેનું યોગ્ય, સમુચિત અને સમ્યક્ જ્ઞાન-સંબોધિ જીવનને સમૃદ્ધ તથા સફળ બનાવવા માટે આવશ્યક છે. જે વ્યક્તિ આ યાત્રાના જુદા જુદા આયામોને જેટલો નજીક અને વધુ નજીકથી ઓળખતો થશે, તેટલું જ તેનું જીવન અવશ્ય વધુ વિકસિત અને વધુ ઉન્નત બનશે. બધા મહાપુરુષોનાં જીવનચરિત્ર આ સત્યના સાક્ષી છે.

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.