એક સંસારી જીવ સંતાન પ્રાપ્તિ માટે સંત પાસે ગયો. “આપ કહો તે કરું, પરંતુ મને સંતાનપ્રાપ્તિ થાય તેમ કરો.” સંતે કહ્યું “પ્રભુ આરાધના કરો. કરતી વખતે એક ધ્યાન રાખજો કે વાંદરાનું સ્મરણ ના થાય.” પેલો સંસારી જીવ જેવો આરાધના કરવા બેસે કે વાંદરો પ્રત્યક્ષ થાય. જે નહિ કરવાનું તેની સાથે મન સંકળાય. આપણી આરાધનામાં સાધન શુદ્ધિ કેટલી? કશું પ્રાપ્ત કરવા માટે જપ, તપ, વ્રત, ઉપવાસ, આખડી રાખીએ. પ્રભુને પણ ખરીદી લેવાની વૃત્તિ. મોટા યજ્ઞ કરવાથી જે પ્રાપ્ત થાય નહિ તે માત્ર ઈશ્વરના અનુગ્રહથી થાય. કઠોપનિષદમાં કહેવાયું છે કે જે ભક્તને ભગવાન પસંદ કરે છે તે ભક્ત તેને પ્રાપ્ત કરી શકે છે. એના અનુગ્રહથી જ સાંનિધ્ય અનુભવાય, સાક્ષાત્કાર થાય. આ અનુગ્રહ ક્યારે થાય? જયારે ભક્તનો ભાવાત્મક ઐક્ય થાય. ભક્તનો અહમ્ ઓગળી ગયો હોય. અંતર-બાહ્યથી સંપૂર્ણ રીતે પ્રભુનો જ મહિમા હોય. પ્રભુની આરાધના માટે અંતર-શુદ્ધિ પ્રથમ શરત છે. એની કૃપા જે સ્વરૂપે પ્રાપ્ત થાય તે સ્વીકાર્ય બને તો જ તેની કસોટીમાંથી ભક્ત પાર ઉતરે. પ્રભુને એના પ્રશંસકોની જમાત વધે તે માટે ખુશામત નથી જોઈતી. પ્રભુ સાધક ક્યા સાધન દ્વારા તેને પ્રાપ્ત કરવા ઇચ્છે છે તેને મહત્ત્વ આપે છે. અહમ્ – હું નો ભાવ જ્યાં અદૃશ્ય થાય ત્યાં બીજુ પગથિયું છે એકરૂપતા. નરસિંહ મહેતાની કથા કેટલી જાણીતી છે. હાથની મશાલથી હાથ જલી ગયો પણ એકાગ્રતામાં આંચ ન આવી. પ્રભુપ્રાપ્તિની તમારી અભિપ્સા કેટલી તીવ્ર છે, તે પર આધાર છે. પ્રથમ સોપાન છે અભિપ્સા. એની એવી લગની લાગવી જોઈએ કે જગત મિથ્યા લાગે. બીજું સોપાન છે કે અભિપ્સાના માર્ગમાં આવતા અવરોધો દૂર કરવાનો આગ્રહ. આ દૂર કરવા માટે કષ્ટદાયક સાધનો નહિ પરંતુ સહજ ભાવે. પ્રેમ ખરો પણ મમત્વ નહિ. સંયમ ખરો પણ જીદ નહિ. ભાવ, લાગણી, સહાનુભૂતિ સર્વ સાથે પણ સંકળાવાનું પરમ સાથે. આરાધનાનું આખરી સોપાન સમર્પણ. સંપૂર્ણ સમર્પણ પરમ તત્ત્વ સાથે. જે રીતે મીરાં કૃષ્ણમાં સમાઈ ગઈ તે રીતે. આંતર-બાહ્ય એનું દર્શન. ચિત્તમાં એનું સેવન એની ઇચ્છા એ જ સર્વોપરી. અંતર – ચક્ષુનું ઉદ્ઘાટન અહમ્નું વિસર્જન એકાત્મનો આનંદ એ જ આરાધનાનું અંતિમ ધ્યેય. એને પામવાનો તલસાટ, એની પ્રાપ્તિ એ જ જીવનની સાર્થકતા. ભક્તના રોમરોમમાંથી જે ભાવ પ્રગટ થાય તે ભજન, સ્તુતિ. શિવ-મહિમ્નસ્ત્રોત આવો ઉન્નત ભાવ પ્રગટ કરે છે, ભક્તનો દૃઢ વિશ્વાસ પ્રગટ કરે છે.

શશી તું, તું ભાનુ, પવન પણ તું, પાવક પ્રભુ,
ક્ષિતિ તું, તું પાણી, નભ પણ તું આત્મા પણ વિભુ
અસીમાને સીમાવત ગણી ગિરા સર્વ ઉંચરે
અમો અજ્ઞો તારા સ્વરૂપ મહીં, તું યત નથી ખરે

પ્રભુના સગુણ કે નિર્ગુણ મહિમાનું વર્ણન કરવાનું સામર્થ્ય વાણીમાં નથી, સાક્ષાત્ સરસ્વતીદેવીમાં નથી તો ભક્તની કેટલી ત્રેવડ. ભક્ત તો સહજ ભાવે પ્રભુને પોકારે.

મારી સ્થિતિ મહીં રહો રટણા તમારી
મારી ગતિ મહીં રહો તવ પંથ માતા
નિદ્રા મહીં અતૂટ તાર તમારી સંગે
ગુંથાય જાગું તવ દર્શનના ઉમંગે.

“પરમ પ્રભો, મારો આત્મા આપ છો. મારી બુદ્ધિ દેવી ભવાની છે. મારો પ્રાણ આપનો સેવક છે. મારો દેહ આપનું મંદિર છે. સંપૂર્ણ ઉપભોગ આપની પૂજા છે. મારી નિદ્રા સમાધિ છે. પગનું હલન-ચલન આપની પરિક્રમા છે. મારી વાણી આપની સ્તુતિ છે. હું જે કર્મ કરું તે આપની આરાધના.” હું સમગ્રતાથી હયાતી ઓગળી ગઈ તે પરમની આરાધના.

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.