ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રકૃતિ-ભાવની વાતો કરી રહ્યા છે. શ્રીયુત પ્રિય મુખર્જી, માસ્ટર અને બીજા કેટલાક ભક્તો બેઠા છે. એ વખતે ટાગોર કુટુંબના એક શિક્ષક કેટલાક છોકરાઓને સાથે લઈને આવી પહોંચ્યા.
શ્રીરામકૃષ્ણ (ભક્તોને)- શ્રીકૃષ્ણને શિરે મયૂર-પિચ્છ. મયૂર-પિચ્છમાં યોનિ-ચિહ્ન છે; એટલે કે શ્રીકૃષ્ણે પ્રકૃતિને માથા પર રાખી છે. કૃષ્ણ રાસમંડળમાં ગયા. પરંતુ ત્યાં પ્રકૃતિ રૂપ થયા. એટલા માટે જોશો તો રાસમંડળમાં તેમનો સ્ત્રીવેશ. એટલે કે પોતે પ્રકૃતિ રૂપ થયા વિના પ્રકૃતિના સંગનો અધિકારી થવાય નહિ. પ્રકૃતિ-ભાવ આવે ત્યારે રાસ, ત્યારે મિલન. પરંતુ સાધક-અવસ્થામાં ખૂબ સાવધાન રહેવું જોઈએ. એ અવસ્થામાં સ્ત્રીઓથી બહુ જ અળગા રહેવું જોઈએ. એટલે સુધી કે ભક્તિમતી હોય તોય બહુ પાસે જવું નહિ. આમ તેમ ચાલીએ તો પડી જવાનો ખૂબ સંભવ. જેઓ નબળા હોય તેમણે તો પગથિયાં પકડી પકડીને ચઢવું જોઈએ. સિદ્ધ અવસ્થાની જુદી વાત. ભગવાનનાં દર્શન થયાં પછી એટલી બધી બીક નહિ. ઘણે અંશે નિર્ભય. અગાસી ઉપર એકવાર ચડી જવાય તો બસ. ચડી ગયા પછી અગાસીમાં નાચી પણ શકાય. પણ પગથિયાં પર નાચી શકાય નહિ. વળી જુઓ, જેનો ત્યાગ કરી ગયા છીએ તેનો અગાસી પર પહોંચ્યા પછી ત્યાગ કરવાનો રહે નહિ. અગાસી ઉપર ઈંટ, ચુનો, રેતીની બનેલી, તેમ જ પગથિયાં પણ તેનાં જ બનેલાં. જે સ્ત્રીઓથી આટલા સાવધાન રહેવું જોઈએ, એ જ સ્ત્રીઓ, ભગવાનનાં દર્શન પછી જણાય કે સાક્ષાત ભગવતી. ત્યારે તેમને માતા સમજીને પૂજા કરવી. પછી એટલી બીક નહિ.
‘વાત એટલી કે (એન ઘેન ડાહીના ઘોડાની રમતની પેઠે) ડોશીને અડીને મરજી પડે તેમ કરો.
‘બહિર્મુખ અવસ્થામાં સ્થૂલ દેખે, મન અન્નમય કોશમાં રહે. ત્યાર પછી સૂક્ષ્મ-શરીર, લિંગ-શરીર, યાને મનોમય અને વિજ્ઞાનમય કોશમાં મન રહે. ત્યાર પછી કારણ શરીર. જ્યારે મન કારણ-શરીરમાં આવે, ત્યારે આનંદ; આનંદમય કોશમાં મન રહે. આ ચૈતન્યદેવની અર્ધબાહ્ય દશા.
ત્યાર પછી મન લીન થઈ જાય. મનનો નાશ થઈ જાય. મહાકારણમાં મનનો લય થાય. મનનો લય પછી કશા ખબર મળે નહિ. આ ચૈતન્યદેવની અંતર્દશા.
‘અંતર્મુખ અવસ્થા કેવી હોય, ખબર છે? દયાનંદ (સરસ્વતી)એ વર્ણવી હતી, કે ‘અંદર આવો, કમાડ દઈને’ એના જેવી. અંદરના ઓરડામાં જે તે જઈ શકે નહિ.
‘હું દીપ-શિખાનું આરોપણ કરતો. ઉપરના રતુમડા ભાગને કહેતો સ્થૂલ, તેની અંદરના ધોળા ભાગને કહેતો સૂક્ષ્મ, અને સૌથી અંદરના કાળા ભાગને કહેતો કારણ-શરીર. ધ્યાન બરાબર થાય છે કે નહિ તેનાં લક્ષણ છે. એક લક્ષણ : માથા પર પંખી બેસી જાય, જડ સમજીને…
આંખ ઉઘાડી હોય તોય ધ્યાન થાય. વાતો કરતાં ય ધ્યાન થાય. જેમ, ધારો કે એક જણને દાંતનો દુખાવો છે, ‘કણ, કણ, કણ’ દાંત દુખ્યા કરતો હોય, તો તેનું મન ત્યાં જ ચોંટ્યું હોય.
ટાગોર કુટુંબના શિક્ષક – જી, એ હું બરાબર જાણું છું. (હાસ્ય).
શ્રીરામકૃષ્ણ (સહાસ્ય)- હા જી. દાંતનો દુખાવો જો થયો હોય, તો ભલે બધું કામ કરે, પણ મન વેદનામાં જ પડ્યું રહે. એ જ બતાવે છે કે ધ્યાન ખુલ્લી આંખેય થાય, વાતો કરતાં થાય.
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’, ખંડ-૩૧, અધ્યાય-૨)
Your Content Goes Here




