(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધ્યાત્મિક સંપદ’માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.)

શ્રીહરિઃ શરણમ્‌

કનખલ, ૧૦-૬-૧૯૧૨

પ્રિય….,

ઘણા દિવસો પછી આજે તમારો પત્ર મળતા આનંદિત થયો…. સત્સંગ તો તમારો ચાલુ જ રહેશે. પરંતુ હવે અંદર જે સત્સ્વરૂપ છે તેનો સંગ થોડો વધુ કરવાનો પ્રયત્ન કરવો, હા, બાહ્ય સંગ પણ જરૂરી છે; પરંતુ તેની વ્યવસ્થા પણ તેઓ જ કરશે. હા, ભીતરથી તીવ્ર અને આંતરિક પ્રાર્થના થવી જોઈએ. ખૂબ પ્રયત્નશીલ બનવું. તેઓ રક્ષા કરશે, ભયનું કોઈ કારણ નથી. આ સમયે જે કાર્ય હાથમાં છે તેને જ સારી રીતે કરો. પછી જ્યારે પ્રભુ બીજી વ્યવસ્થા કરે ત્યારે તેમના આદેશાનુસાર ચાલવું. બધાં કાર્યોમાં તેમની જ ઇચ્છા અને શક્તિ જોવાનો અભ્યાસ કરવો. એનાથી તમને બધી ચિંતાઓમાંથી મુક્તિ મળી જશે. સુવિધા મુજબ વાંચવું-લખવું, ધ્યાન-ધારણા અને મનનો સંયમ કરતા રહેવું. વિદ્યાભ્યાસ કરવાની તમારી જે ઇચ્છા છે તે ઉત્તમ છે, તેનાથી કલ્યાણ જ થશે.

મારું સ્વાસ્થ્ય પહેલાં જેવું જ છે. મારા સ્નેહ અને શુભકામનાઓ વગેરે સ્વીકારજો.

તુરીયાનંદ

* * * * * * * *

કનખલ, ૧૮-૭-૧૯૧૨

પ્રિય શ….,

કાલે તમારો એક પત્ર મળ્યો. અત્યારે જે રીતે સાધન-ભજન કરી રહ્યા છો તેવું જ કર્યે જાઓ. મન-માન્યું કે વિલંબ ન કરવાં, મનની આવી સારી-ખોટી અવસ્થા તો થતી જ રહે છે. પરંતુ એના લીધે ભજનમાં અડચણ ઊભી ન થાય, ભજન કરતાં કરતાં મન પાછું સારું થઈ જાય છે, એના માટે ચિંતિત થવાની કોઈ જરૂર નથી. હંમેશાં સદ્-ચિંતન અને સદ્-ચર્ચા કરવાં. મનને ક્ષણ માટે પણ અસત્ વિષયોમાં ન જવા દેવું. તમારી ઉંમર અત્યારે ઓછી છે-આવે વખતે તમારે ખૂબ સાવધાન રહેવું જોઈએ. વિનયનો ખૂબ અભ્યાસ કરજો. ન તો એકદમ આનંદિત થઈ જવું, ન તો વિષાદપૂર્ણ. હંમેશાં ભગવાનનું સ્મરણ-મનન કરવું અને તેમના દાસ બનીને દિવસો ગુજારવા. વધુ શું લખું….તમારી કુશળતા માટે પ્રાર્થના કરું છું. અમારી શુભેચ્છા વગેરે સ્વીકારજો.

તુરીયાનંદ

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.