વિગતો અવશ્ય યુગે યુગે ઘડી કાઢવાની હોય છે; પરંતુ આ તો માત્ર એક સૂચન છે, જે પરથી તમને બતાવી શકાય કે આ ઝઘડાઓ બંધ થવા જોઈએ. ખાસ કરીને મને દુ:ખ તો એ વાતનું થાય છે કે આ જમાનામાં પણ જ્ઞાતિઓમાં આટલો બધો વિખવાદ છે. એ બંધ થવો જ જોઈએ; એ બન્ને પક્ષને માટે નિરર્થક છે. ભારતમાં બ્રાહ્મણોની એ ફરજ છે કે તેણે ભારતમાં બાકીના કુળ લોકોની મુક્તિને માટે કાર્ય કરવું. બ્રાહ્મણ જો એમ કરે તો, અને જ્યાં સુધી એમ કરે ત્યાં સુધી, એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ વર્ગને મારી આગ્રહભરી વિનંતિ છે કે તેમણે પોતે જે જાણે છે તે ભારતના લોકોને શીખવીને, સદીઓથી સંગ્રહી રાખેલી પોતાની સંસ્કારિતા એ લોકોને આપી દઈને તેમને ઊંચે લાવવાનો સખત પરિશ્રમ કરવો. સાચું બ્રાહ્મણત્વ શું છે એ યાદ રાખવાની ભારતના બ્રાહ્મણોની પૂરેપૂરી ફરજ છે. મનુ કહે છે કે તેમ બધા અધિકારો અને માન સન્માન બ્રાહ્મણને એટલા માટે આપવામાં આવેલ છે કે ‘તેની પાસે સદ્ગુણોનો ભંડાર રહે છે.’ તેણે એ ભંડારને ખોલીને તેમાંના રત્નો વિશ્વમાં સહુને વહેંચી દેવાનાં છે. એ વાત સાચી છે કે ભારતીય પ્રજાઓને પ્રાચીન કાળમાં ઉપદેશ આપનારો બ્રાહ્મણ હતો; અન્ય વર્ણો પહેલાં જીવનનું સર્વોચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા અર્થે સર્વસ્વનો ત્યાગ કરનારો એ ભારતીય બ્રાહ્મણ હતો. બીજા વર્ણો કરતાં એ આગળ વધી ગયો એ કાંઈ એનો દોષ ન હતો. જેમ તે સમજ્યો અને વર્ત્યો તેમ બીજા વર્ણોએ કેમ ન કર્યું? શા માટે તેઓ આળસુ થઈને બેસી રહ્યા? શા માટે તેમણે બ્રાહ્મણને જીતીને જવા દીધા? સદીઓ થયાં સંગ્રહાયેલી આ સંસ્કારિતા, જેનો બ્રાહ્મણ ટ્રસ્ટી છે, તે તેણે હવે સામાન્ય જનસમુદાયને આપી દેવી જોઈએ. તેણે એ લોકોને તે આપી નહીં એ કારણે જ મુસલમાનોની સવારી સંભવિત બની. તેણે શરૂઆતથી આ ભંડાર લોકોને માટે ખુલ્લા કરી દીધા નહીં તેટલા માટે જ આપણે હજારો વરસથી ભારત પર જે લોકો ચઢી આવ્યા તે દરેક પરદેશીની એડી તળે કચરાતા આવ્યા છીએ. એને લીધે જ આપણે અધોગતિએ પહોંચ્યા છીએ. આથી સૌથી પહેલું કર્તવ્ય આપણા પૂર્વજોએ સંઘરી રાખેલા અલૌકિક ભંડારોને છુપાવી રાખનારાં ભંડકિયાઓને તોડીને ખુલ્લાં મૂકી દેવાનું હોવું જોઈએ. એ ભંડારોને ખોલી નાખો, અને સૌ કોઈને એમાંથી આપવા માંડો; બ્રાહ્મણે એ કામ સૌથી પહેલું કરવાનું છે. બ્રાહ્મણેતર વર્ણોને મારે કહેવાનું છે કે થોભો, ઉતાવળા ન થાઓ; બ્રાહ્મણો સાથે ઝઘડો કરવાની એક એક તકને વળગી ન પડો, કારકે મેં તમને બતાવ્યું તેમ તમે પોતાના જ વાંકે દુ:ખી થાઓ છો. આધ્યાત્મિકતા અને સંસ્કૃતના અભ્યાસ વિષે બેદરકાર રહેવાનું તમને કોણે કહ્યું હતું? આ બધો સમય તમે શું કરતા આવ્યા છો? શા માટે તમે બેદરકાર રહ્યા? બીજા કોઈકમાં વધુ બુદ્ધિ, વધુ સામર્થ્ય, વધુ આવડત અને વધુ સાહસ હોય એથી તમે હવે ધૂંઆફૂંવા શા માટે થાઓ છો? અખબારોમાં નિરર્થક વાદવિવાદો અને ઝઘડાઓમાં તમારી શક્તિઓ વેડફી નાખવાને બદલે, તમારા પોતાના જ ઘરમાં જે પાપરૂપ છે તેવા કજિયા કંકાસ કરવાને બદલે, બ્રાહ્મણમાં છે એ સંસ્કારિતા પ્રાપ્ત કરવામાં જ તમારી સમગ્ર શક્તિ વાપરો ને? એ કરો એટલે કામ પતી જશે! શા માટે તમે સંસ્કૃતના વિદ્વાનો નથી બનતા? ભારતની અંદર તમામ વર્ણોને સંસ્કૃતનું શિક્ષણ આપવા માટે તમે શા માટે લાખોનો ખર્ચ નથી કરતા? પ્રશ્ન મુખ્ય એ જ છે. જે ઘડીએ તમે આ કરવા લાગશો, તે જ ઘડીએ તમે બ્રાહ્મણની સમકક્ષાએ આવી જશો. ભારતમાં શક્તિનું રહસ્ય એ છે.
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




