બધા લોકો દેશ પ્રેમની વાતો કરે છે. હું પણ દેશ પ્રેમમાં માનું છું; મારી પાસે પણ મારો પોતાનો દેશ પ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓને માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે. પ્રથમ હૃદય પૂર્વકની લાગણી. બુદ્ધિ કે તર્ક શક્તિમાં છે શું? ચાર ડગલાં ચાલીને એ અટકે છે. પરંતુ હૃદય દ્વારા આવે છે અંતઃપ્રેરણા. પ્રેમથી અશક્યમાં અશક્ય દ૨વાજા ખૂલી જાય છે; વિશ્વનાં સર્વ રહસ્યોનું પ્રવેશદ્વાર છે પ્રેમ. માટે મારા ભાવિ સુધારકો! મારા ભાવિ દેશપ્રેમીઓ! લાગણી કેળવતાં શીખો. તમને લોકો માટે લાગણી છે? આ કરોડોની સંખ્યામાં રહેલા, આપણા દેવોના અને ઋષિમુનિઓના વંશજો પશુત્વની નજીક પહોંચી ગયા છે. તમને એ માટે જરાય દિલમાં લાગી આવે છે? આજે લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને લાખો લોકો યુગો થયાં ભૂખમરો સહન કરતા આવ્યા છે, તેને માટે તમારા દિલમાં કાંઈ થાય છે? તમને એમ કદી થાય છે કે આ અજ્ઞાનનો અંધકાર આપણા દેશ પર ઘનઘોર વાદળાંની પેઠે છવાઇ ગયો છે? તમને એ હલાવી નાખે છે? તમારી ઊંધ એનાથી ઊડી જાય છે ખરી? એ તમારા રક્તમાં પ્રવેશીને તમારી નાડીઓ દ્વારા હૃદયના ધબકારાની સાથે તાલ પુરાવે છે ખરો? એણે તમને પાગલ કરી મૂક્યા છે ખરા? આ સર્વનાશી દુઃખના એક માત્ર ખ્યાલે તમને ભરખી લીધા છે ખરા? આને માટે તમે તમારું નામ, તમારી યશ, તમારી કીર્તિ, તમારી સ્ત્રી, તમારાં બાળકો, તમારી સંપત્તિ, તમારી માલમિલકત, અરે તમારો દેહ સુધ્ધાં, વીસરી બેઠા છો ખરા? તમે એવું કંઈ અનુભવ્યું છે? દેશપ્રેમી થવાનું પહેલું પગથિયું જ આ છે.

વારુ, ત્યારે તમને કદાચ લાગણી તો થઈ; પણ કેવળ મોંએથી થૂંક ઉડાડવામાં તમારી શક્તિનો વ્યય કરવા કરતાં, તમે કોઈ ઉપાય શોધી કાઢ્યો છે? તિરસ્કારને બદલે કંઈક સહાય, લોકોનાં દુઃખો હળવાં કરવાને માટે મીઠાશભર્યાં વચનો, આ જીવતા નરકમાંથી તેમને બહાર કાઢવા માટેનો કોઈ વ્યવહાર ઉકેલ તમને જડ્યો છે? અને છતાંય, એ કંઈ સર્વસ્વ નથી. તમારામાં પર્વતપ્રાય મુશ્કેલીઓને પાર કરવાની ઇચ્છાશક્તિ છે? દુનિયા આખી તમારી સામે હાથમાં તલવાર લઈને જો ખડી થઈ જાય, તો પણ તમે જે સાચું માનો છો તે કરવાની તમારામાં હિંમત છે? તમારાં સ્ત્રીપુત્રાદિ તમારી વિરુદ્ધમાં હોય, તમારો પૈસો બધો ખલાસ થઈ જાય, તમારી કીર્તિને માથે પાણી ફરી વળે, તમારી સંપત્તિ સાફ થઈ જાય, તે છતાં તમારી માન્યતાને વળગી રહો ખરા? તે છતાં તમે તેની પાછળ પડીને તમારા ધ્યેય પ્રતિ મક્કમતાથી આગળ વધ્યે જાઓ ખરા? મહારાજા ભર્તૃહરિ કહે છે : ‘વ્યવહારકુશળ માણસો તમારી નિંદા કરે કે પ્રશંસા કરે, લક્ષ્મી દેવી તમારી પાસે આવે કે તેની મરજી પડે ત્યાં ચાલી જાય; મૃત્યુ આજ આવે કે સો વર્ષે આવે, પણ ધૈર્યવાન પુરુષ સત્યના, ન્યાયના માર્ગેથી એક ડગલું પણ ચસકતો નથી.’ તમારામાં એવી મક્કમતા છે? જો તમારામાં આ ત્રણ બાબતો હશે તો તમે ચમત્કારો બતાવી શકવાના.

-સ્વામી વિવેકાનંદ

(જાગો હે ભારત! પૃ. ૨૬થી ૨૮)

Total Views: 300

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.