એક નવયૌવના એના પતિના વિરહે સુકાઈને કાંટો થઈ ગઈ હતી.
એટલામાં ખબર આવી કે પતિ આવે છે! પણ રે નિષ્ઠુર સાસુ-સસરા! નવયૌવનાને ઘરના એકાંતમાં મૂકી પોતે એકલાં એકલાં દીકરાના સામૈયે ચાલ્યાં ગયાં!
પ્રેમદીવાની યૌવનાનું અંતર તલસી રહ્યું છે. આખરે એ દીવાલ ઠેકી પતિને મળવા દોડી.
આ વખતે બાદશાહ અકબર શિકારેથી પાછો ફરતો હતો. સંધ્યાટાણું થઈ જવાથી મગરિબની નમાજ પઢવા ગાલીચો પાથરીને એ બેઠો હતો.
પ્રેમદીવાની બાઈ દોડતી એ ગાલીચા પરથી પસાર થઈ ગઈ. એના પગની ધૂળથી ગાલીચો રજે ભરાયો.
બાદશાહ કહે : “જાઓ, એને હમણાં ને હમણાં હાજર કરો.”
નવયૌવનાને ત્યાં હાજર કરવામાં આવી.
બાદશાહે પૂછ્યું : “આ બેઅદબી કરનાર તું હતી?”
સ્ત્રી કહે : “મને ખબર નથી, જહાંપનાહ! હું મારા પતિની સુરતમાં મગ્ન હતી, કદાચ હું જ હોઉં. પણ હજુર! આપ એ વખતે શું કરતા હતા?”
‘નમાજ પઢતો હતો.’
‘કોની નમાજ? અલ્લાહની? છતાં આપે મને જોઈ? આપે રજોટાયેલો ગાલીચો જોયો? એક માટીના માનવીમાં હું મસ્તાન બનીને દુનિયાના બાદશાહને ભૂલી ગઈ, તો આપ નમાજમાં હતા, ને મારા જેવી નાચીજ ઓરતની હસ્તી વીસરી શક્યા નહિ? હજૂર! દીવાના થયા વગર કોઈ દેવ અંતરમાં આવતા નથી!’
અકબર બાદશાહ ચૂપ થઈ ગયો.
આ પ્રસંગનો મર્મ એ છે કે સાચી ભક્તિમાં દુન્યવી લાલસા નહિ, પણ મસ્તીભર્યું પાગલપણું હોય છે. કશી ઇચ્છા કે આકાંક્ષા વિનાનું આત્મસમર્પણ હોય છે. ભૌતિક માંગણીને બદલે પ્રભુ પ્રત્યેની મમતા અને મગ્નતા જ માત્ર હોય છે.
ઘણા માનવીઓ ભક્તિના ઓઠા હેઠળ માગણીની માયા રચે છે! માગણીની લાગણી તો સદા વણછીપી રહે છે. એક માગણી પૂરી થાય કે બીજી હાજરાહજૂર! વર મળે, તો પછી ઘર મળે. ઘર મળ્યું તો વળી સુખી સંસાર મળે! માગનાર તો સદાય ભૂખ્યો જ હોય છે. એની ભૂખનો કોઈ છેડો કે અંત હોતો નથી! લાલસા અને વાસના તો સળગતા અગ્નિને સતત ઉશ્કેરતા ઘી જેવાં છે, જે હૃદયને સદાય બળબળતું અને ભડભડતું રાખે છે.
ભક્તિ એ ભિખારીવેડા નથી, ભક્તિ એ કોઈ પ્રાપ્તિનું સાધન નથી. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે માનવીને આ માગણીની લાલસામાંથી બહાર કાઢ્યો. ભીખ માગવી હોય તો સ્વમાન ખોવું પડે. આત્મા ભૂલવો પડે અને વ્યક્તિત્વ વેચીને શૂદ્ર થવું પડે! ભીખ જેવી ભક્તિ માનવીને માર્ગ ભુલાવીને નિર્માલ્ય બનાવે છે.
ભક્તિમાં માગવાનું નથી, આપવાનું છે! લેવાનું નથી, દેવાનું છે! માગવાની ચાહના છોડી દેનારો માનવી મહામાનવ બની જશે! માગવાની લાચારીને જો પોષવામાં આવે તો માનવીનું હૃદય કાયર, પૂજા સ્વાર્થી અને ભક્તિ ભિક્ષા જેવી બનશે.
મૂંઝાયેલો માનવી માગણીનું પાત્ર લઈને ભગવાન પાસે દોડે છે, પણ એ પહેલાં પોતાની જાતને પૂછતો નથી કે આ યાતના આવી ક્યાંથી? આ ઉપાધિ વળગી કઈ રીતે? આની એ શોધ કરે તો ખબર પડે છે કે આમાંનું કશુંય ઈશ્વરે મોકલ્યું નથી. આ બધી તો પોતે જ સર્જેલી માયાવી દુનિયા છે. ભાવ-અભાવની આસપાસ માનવીએ પોતાનાં સુખ-દુ:ખ, આશા ને નિરાશા લપેટી દીધાં છે.
જે માગવાનું મૂકીને ચાહનાથી પરમાત્માની આરાધના કરે છે એ સાચો આસ્તિક.
Your Content Goes Here




