એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીમા સારદાદેવી શ્રીરામકૃષ્ણનાં ચરણ તળાંસી રહ્યાં હતાં ત્યારે તેમણે પૂછ્યું: ‘તમે મને કેવી દૃષ્ટિએ જુઓ છો?’ શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો: ‘જે મા આ મંદિરમાં રહે છે, જે માએ આ દેહને જન્મ આપ્યો છે અને અત્યારે નોબતખાનામાં રહે છે એ જ માતા મારાં ચરણ તળાંસે છે. ખરેખર હું તમને આનંદદાયિની જગન્માતાના રૂપે જોઉં છું.’ પછીથી શ્રીરામકૃષ્ણે એમના વિશે આમ કહ્યું હતું: ‘તેઓ મારા શક્તિરૂપ છે.’ વળી ઉમેરતાં કહ્યું: ‘તેઓ સારદા છે, વિદ્યાની સરસ્વતી છે, તેઓ જ્ઞાન આપવા અવતર્યાં છે.’
આ બાજુ શ્રીમા સારદાદેવીનું સમગ્ર જીવન શ્રીરામકૃષ્ણને સમર્પિત હતું. તેમના એક શિષ્યે કહ્યું છે : ‘તેઓ શ્રીરામકૃષ્ણને જગન્માતાના રૂપે જોતાં.’ વળી શ્રીમા સારદાદેવીએ પણ કહ્યું હતું: ‘આ વિશ્વના બધાં જીવંત માનવ અને પ્રાણીઓમાં શ્રીરામકૃષ્ણને માતૃભાવ દેખાતો. આ વખતે આ માતૃત્વના આદર્શનું પ્રગટીકરણ કરવા તેઓ મને અહીં મૂકી ગયા છે.’ બંગાળના એક નાના ગામડાની આ નારી એવાં પોતાનાં સહધર્મચારિણીને સુવ્યવસ્થિત અને વ્યવહારુ આચરણની કેળવણી આપીને માતૃત્વના આ અમરસંદેશને આજના આ વિશ્વ સામે મૂકવા માટે શ્રીરામકૃષ્ણે શ્રીમા સારદાદેવીને જગન્માતાનું જીવંત રૂપ બનાવી દીધાં. શ્રીરામકૃષ્ણે તેમને એક સામાન્ય માતા બનવા ન દીધાં, એને બદલે એમને આ વિશ્વનાં અસંખ્યસંતાનોની માતા, જગન્માતા બનાવી દીધાં. તેમની પાસે જે કોઈ આવતાં, પછી તે ભલે ભારતીય હોય કે પશ્ચિમનો હોય, હિંદુ હોય કે મુસ્લિમ કે ખ્રિસ્તી હોય, તે બધાં તેમનાં સંતાનો બની જતાં. અને એ સંતાનોનાં દુ:ખપીડાને રાજીપાથી સ્વીકારી લેવાં એ એમનો આનંદ હતો. તેમને પોતાના દુ:ખીપીડિત શિષ્યસંતાનો માટે ઘણું સહન કરવું પડે છે એ વાત જાણીને કોઈકને દુ:ખ થતું ત્યારે તેઓ કહેતા: ‘ના, બેટા! અમે તો એટલા માટે જ આવ્યાં છીએ. અમે જો તેમનાં પાપતાપ ન સ્વીકારીએ, એ બધાંને અમારા ઉપર ન લઈએ, તો બીજું વળી કોણ કરવાનું છે?’ સર્વને ચાહનારાં શ્રીમાનો હૃદયભાવ જોઈને એક જણને આશ્ચર્ય થયું એટલે એમણે કહ્યું: ‘હું જ સાચી માતા છું. તમારા ગુરુ શ્રીરામકૃષ્ણની માત્ર પત્ની નહિ અને તમારી કોઈ સાવકી માતા કે કહેવા પૂરતી માતા પણ હું નથી; પણ હું તો છું તમારી સાચી માતા.’
શ્રીરામકૃષ્ણે કહ્યું હતું: ‘શ્રીમા શારદાદેવીએ લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું કાર્ય મારા પોતાના કરતાં પણ વધારે જવાબદારીપૂર્વક પોતાને શિરે લેવું પડશે.’ શ્રીમાએ આ મોટી જવાબદારીભર્યું કાર્ય સ્વીકારવા આનાકાની કરી અને પોતાની અશક્તિ જાહેર કરતાં કહ્યું: ‘હું તો એક સ્ત્રી છું, હું શું કરી શકું?’ શ્રીરામકૃષ્ણે જવાબમાં કહ્યું: ‘આમ કદી ન કહેશો. તમારે ઘણું ઘણું કરવાનું છે.’ અને તેમણે વિશ્વનાં નરનારીઓને દિવ્યતાના પથે ઉન્નત કરવા માટે, શ્રીરામકૃષ્ણની દિવ્યશક્તિના પ્રચાર-પ્રસાર માટે ઘણું કાર્ય કર્યું છે.
(શ્રીરામકૃષ્ણદર્શનમ્, પૃ.૫૮)
Your Content Goes Here




