બ્રહ્મવાદિની વાગમ્ભૃણી

વાક્‌ અભૃણ ઋષિની કન્યા હતી. તે પ્રસિદ્ધ બ્રહ્મવાદિની હતી અને તેણે ભગવતી દેવી સાથે અભિન્નતા પ્રાપ્ત કરી હતી. ઋગ્વેદ મંડળના ૧૨૫માં સૂક્તમાં દેવીસૂક્ત નામથી જે આઠ મંત્ર છે તે વાક્‌દેવીના રચેલા છે. ચંડીપાઠની સાથે આ મંત્રોના પાઠનું ખૂબ માહાત્મ્ય મનાય છે. આ મંત્રોમાં સ્પષ્ટ રીતે અદ્વૈતવાદના સિદ્ધાંત પ્રદિપાદિત છે.

બ્રાહ્મી સ્થિતિ

મનુષ્યનાં સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ એમ ચાર શરીર હોય છે. સ્થૂળ શરીર બધું જુએ છે. સૂક્ષ્મ અને કારણ શરીર બધાંનું જુદું જુદું હોય છે. મહાકારણ શરીર બધાં વિશ્વ માટે એક હોય છે. માટે આ શરીરમાં જે કાર્ય કરી શકે છે, તેને સંપૂર્ણ વિશ્વના એકત્વનો અનુભવ છે. આ સ્થિતિ દ્વન્દ્વાતીત અથવા ‘બ્રાહ્મી’ છે. વાગામ્ભૃણી ઋષિકા આ અવસ્થામાં પહોંચી હતી. માટે તે દિવ્ય સ્ફુરણાથી જે બોલી રહી છે તે તેની બ્રાહ્મી સ્થિતિનો અનુભવ છે.

ઋષિકા કહે છે, ‘હું રુદ્ર, વસુ, આદિત્ય તથા વિશ્વના દેવતાઓની સાથે સંચાર કરું છું. મેં જ મિત્ર, વરુણ, ઇન્દ્ર, અગ્નિ અને અશ્વિનૌને આશ્રય આપ્યો છે.હું સોમ, પૂષાનું ભરણપોષણ કરું છું. હું દ્યાવાપૃથ્વીમાં વ્યાપ્ત રહું છું.’ વિશ્વમાં દેખાતા દેવતાઓના નામ નિર્દેશ કરીને આ વર્ણન આપ્યું છે. જ્યારે જીવ બ્રહ્મીભૂત થાય છે ત્યારે તે પણ પરમાત્માની જેમ અનુભવ કરે છે. આ રીતે આમ્ભૃણી વાક્‌ બ્રહ્મીભૂત થઈ હતી, માટે તે અવસ્થામાં એ અનુભવ કરી રહી છે ત્યારે આ મંત્રોની સ્ફુરણા થઈ. આ મંત્રોમાં રાષ્ટ્ર અંગેના વિચારો આપેલા છે.

રાષ્ટ્રીય શક્તિની મહત્તા

વાગમ્ભૃણી કહે છે કે, ‘હું રાષ્ટ્રશક્તિ છું. હું ધનનો સંગ્રહ કરતી, જ્ઞાન આપનારી અને જે સત્કારને યોગ્ય છે તેમાં હું સૌ પ્રથમ સત્કાર કરવાં યોગ્ય છું. અનેક વીરોનું સ્ફુરણ કરું છું. માટે જ્ઞાનીઓએ મને રાષ્ટ્રશક્તિને અનેક કેન્દ્રોમાં ધારણ કરી અને વૃદ્ધિ કરી છે.’ વેદમાં જે રાષ્ટ્રનો વિચાર છે તે આ ઋષિકાના વિચારમાં નિહિત છે. માટે આ સૂક્તને રાષ્ટ્રસૂક્ત પણ કહે છે. અહીં ‘વાક્‌’નો અર્થ વિદ્યા, ઘોષણા, ધારણ પોષણ કરનારી આવે છે. રાષ્ટ્રીય વૃત્તિ, રાષ્ટ્રીય શાસન પ્રણાલિ, રાષ્ટ્રીય ભાવના વગેરે બધાં ભાવ આજનૃણી વાક્‌ દ્વારા પ્રગટ થાય છે. ઋષિકા કહે છે કે अहं રાષ્ટ્રી હું રાષ્ટ્રીશક્તિ છું. ભાષા, ધન, વિદ્યા શિલ્પ, ઐશ્વર્ય આદિ અનેક શક્તિ રાષ્ટ્રમાં હોય છે. માનવના બુદ્ધિ – વૈભવમાં તે પ્રકાશિત થાય છે. राजते सा राष्ट्री । અમારું રાષ્ટ્ર બધાંથી ઉપર છે. રાષ્ટ્રને અહીં અનુસરવા કહે છે. આવી રાષ્ટ્રશક્તિ જાગૃત અને જીવિત છે એમ દરેક માનવોને સમજવું જોઈએ. રાષ્ટ્રમાં રહેનારાં બધાં જ રાષ્ટ્રની સેવા કરવા માટે કટિબદ્ધ રહે. વૈદિક ધર્મના તત્વજ્ઞાન અનુસાર સંપૂર્ણ જગત એક જ અવિભક્ત અતૂટ પુરુષ છે. पुरुष एव इदं सर्वं यद् भूतं च भव्यम् । (ऋ. १/९०/२) આખું વિશ્વ એક જ અવિભક્ત દેહ છે. માટે ‘એક રાષ્ટ્ર’થી જુદી સત્તા હોઈ શકે નહીં.

માટે વેદઋષિ અને વાક્‌ ઋષિકા જાણે સંદેશ આપે છે કે એક રાષ્ટ્રના લોકો પોતાના રાષ્ટ્રને બીજા રાષ્ટ્રો જાણે સંદેશ આપે છે કે અને બીજાનો નાશ કર તેના નાશથી પોતાનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરશે તો તે અનુચિત અને અવૈદિક માર્ગ કહેવાશે. પરંતુ આખા વિશ્વને અખંડિત ભાવનાથી બધાં રાષ્ટ્રો જોતાં થશે અને અવિરોધથી સેવા કરવાનો પ્રયત્ન કરશે તો જ વિશ્વશાંતિ સુસ્થિર રહેશે.

ઋષિકા કહે છે કે प्रथमा यज्ञिया राष्ट्री चिकितुषी । સર્વપ્રથમ સત્કાર કરવા યોગ્ય રાષ્ટ્રભાવનાનું જ્ઞાન વધારનારી છે. જો મનુષ્ય સસંઘટિત સામાજિક અથવા રાષ્ટ્રીય જીવન વ્યતિત કરવા લાગે તો તેમાં સાંધિક શક્તિ વધે છે અને તેની સાથે જ્ઞાનવૃદ્ધિ પણ વધે છે. જ્ઞાનવૃદ્ધિની સાથે સાથે ધનનું સંગઠન પણ આ શક્તિ કરી શકે. જ્ઞાનરૂપી રાષ્ટ્રીશક્તિ શિક્ષકો, ઉપદેશકો, લેખકો, શાસ્ત્રીપંડિતો, સંપાદકો, કવિઓ વગેરે અનેક કેન્દ્રમાં રહે છે. જ્ઞાનથી જ માનવી સમાજનું જીવન દિવ્ય બનાવી શકે છે. ઋષિકા જણાવે છે કે રાષ્ટ્રશક્તિને અનેક કેન્દ્રોમાં વિશેષ રીતે ધારણ કરવી. ધનનો ઉપભોગ બધાં જ કેન્દ્રોમાં સમાન રીતે કરવો અતિ આવશ્યક છે. જ્ઞાન, શૌર્ય અને ધન જો કોઈ એક જ સ્થાનમાં રહે અને સર્વત્ર ભ્રમણ ન કરે તો રાષ્ટ્રનું આરોગ્ય ઠીક રહેતું નથી. આ રાષ્ટ્રીશક્તિ ઉત્સાહ શક્તિથી યુક્ત હોય અને દૈવીભાવોથી યુક્ત હોય તે જરૂરી છે.

રાષ્ટ્રીશક્તિનું જે અપમાન કરે છે તેનો નાશ થાય છે. मा राष्ट्री अमन्तव: तं उप क्षियन्ति । સંપૂર્ણ રાષ્ટ્રની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ છે. શત્રુતાથી સર્વસ્વ નાશ સંભવિત છે. 

વીરોનું નિર્માણ

રાષ્ટ્રશક્તિ કેવો ચમત્કાર કરે છે તે રાષ્ટ્રશક્તિ સ્વયં કહે છે કે જેનાથી ‘હું વીરતાનું કાર્ય લેવા ઇચ્છું છું તેને ઉગ્ર શૂરવીર બનાવું છું. કેટલાકને હું જ્ઞાની, ઋષિ અને ઉત્તમ મેધાવી પણ બનાવું છું.’

સમયે સમયે રાષ્ટ્રશક્તિ આવા પુરુષોનું નિર્માણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ, શંકરાચાર્ય, ગૌતમબુદ્ધ, શ્રીછત્રપતિ શિવાજી, વીરાંગના લક્ષ્મીબાઈ – આવી રાષ્ટ્રીશક્તિ – જ્યોતથી દેશની ઉન્નતિ થઈ.

શાસકનું નિર્માણ

જ્યાં રાષ્ટ્ર હોય છે ત્યાં શાસકની આવશ્યકતા રહે છે એટલા માટે રાષ્ટ્રશક્તિ કહે છે કે ‘હું રાષ્ટ્રીશક્તિ આ રાષ્ટ્રના શિર પર રાષ્ટ્રનું શાસન ચલાવનાર માટે રાષ્ટ્રપિતાંનું નિર્માણ કરી સ્થાપના કરું છું.’ રાષ્ટ્રશાસકના નિર્માણમાં રાજસૂય યજ્ઞ કરવા માટે વેદમાં કહ્યું છે. પ્રજાની અનુમતિથી પસંદ પામેલો શાસક રાષ્ટ્ર પર આવતો. ઋષિકા કહે છે, હું ઝંઝાવાત સમાન ફરું છું.’ પ્રચંડ વાયુમાં જેવું બળ હોય છે તેવું રાષ્ટ્રશક્તિ વધારનારમાં હોય છે.

અંતે ઋષિકા જાણે રૌદ્રરૂપ ધારણ કરી કહે છે કે જ્ઞાનનો દ્વેષ કરનારા, બધાંને દુ:ખ દેનારા દુષ્ટોનો વધ કરવા માટે વીરભદ્રના હાથમાં આ રાષ્ટ્રદેવી ધનુષ્ય આપે છે. જેનાથી તે વીરભદ્ર દસ્યુનો વધ કરી જનતાને સુખ – શાંતિ આપી શકે છે. અહીં હિંસાવૃત્તિ પર મર્યાદા રાખી છે. પરંતુ રાષ્ટ્રશાસનમાં તેની આવશ્યકતા છે એટલું જ અહીં કહ્યું છે.

વાગમ્ભૃણી ઋષિકાના વિચારોનું મનન કરવાથી જાણવા મળે છે કે રાષ્ટ્રીશક્તિ વ્યક્તિમાં જાગૃત થવાથી સુખ – શાંતિ રાષ્ટ્રને અને પોતાને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વૈદિક રાજ્યશાસન વિષયક ઊંડુ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આમ, આ ઋષિકાએ કઠિન તપ કરી બ્રહ્મતત્વ સાથે અદ્વૈતને પ્રાપ્ત કર્યું હતું. જેથી આ સમગ્ર તત્વો પોતાના દ્વારા જ સંચાલિત છે એમ કે છે. તેનામાં કર્મશક્તિ, જ્ઞાનશક્તિ, શાસનશક્તિ, સંરક્ષણશક્તિ, ઉત્પાદિની શક્તિ નિત્ય પરિપૂર્ણરૂપે પ્રતિષ્ઠિત છે. આ ઋષિકા સર્વશક્તિયુક્ત અને સર્વજ્ઞ છે. રાષ્ટ્રીય શક્તિની જ્યોત પ્રગટાવનાર આ બ્રહ્મવાદિની વાગામ્ભૃણી સમગ્ર વિશ્વને એક જ સંદેશ આપે છે – વ્યક્તિ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય અને દરેક માનવી वसुधैव कुटंबकम् ની ભાવનાથી રહે.

Total Views: 167

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.