બંગાળી પુસ્તકોના અનુવાદ કરવા માટે જાણીતા ડૉ. સુકન્યા ઝવેરીને શ્રી સત્યજીત રૉયનાં બંગાળી પુસ્તકોમાંથી અનુવાદ કરવા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. શ્રીરામકૃષ્ણદેવની રસિકતા સંબંધે લખાયેલ બંગાળી ગ્રંથોના આધારે તેમણે આ રસપ્રદ લેખ લખ્યો છે, જે અમે ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ.
શ્રીરામકૃષ્ણ પરમહંસ, પરમહંસ બાલક સ્વરૂપ, બાલ સદાનંદ અને તેથી પરમહંસ પરમાનંદના સ્વરૂપ, શ્રીરામકૃષ્ણ તો રામ સહિત કૃષ્ણ એટલે રામકૃષ્ણ. શ્રીરામ સત્યમૂર્તિ, શ્રીકૃષ્ણ પ્રેમમૂર્તિ, શ્રીરામકૃષ્ણ સત્ય પ્રેમ અને આનંદની મૂર્તિ. શ્રીરામકૃષ્ણ રસિક પુરુષ. કેવળ રસિક નહિ, રસિશિરોમણિ, બંગાળી સાહિત્ય આકાશમાં શ્રીરામકૃષ્ણ જેવો પૂર્ણ રસ-ચંદ્ર આજ સુધી તો કદીય જન્મો જાણ્યો નથી અને કદાચ કદીય નહિ જન્મે.
શ્રીરામકૃષ્ણ આનંદના સાગર, જ્યાં જાય ત્યાં આનંદનું બજાર માંડે. એ આનંદ સાગરમાં સદાયે ભરતી-ઓટનું નામનિશાન નહિ.
મા ભવતારિણી પાસે પોતે જ માગ્યું હતું, “મા, મને શુષ્ક સાધુ કરીશ મા, મને રસમાં તરબોળ રાખજે જ. તેથી “નિર્વિકલ્પ સમાધિ”માંથી પાછા ફર્યા ત્યારે માએ તેમને રસેશ્વર બનાવ્યા. તેથી જ આપણે એમનું અપૂર્વ હાસ્ય પામ્યા. પૂર્ણત્વની પ્રાપ્તિ પછી પણ જ્યારે એ અવતારી પુરુષ શિક્ષણ દેવા જગતમાં વસે છે ત્યારે પણ ઠાકુરે ગુરુપણાનો ‘અહં’ નથી રાખ્યો. માના બાળક થઈ રહ્યા છે. અને બાળકનું હાસ્ય જ રાખ્યું છે. એમણે શિક્ષણ માટેનાં અસ્ત્ર રાખ્યાં હતાં. હાસ્ય, વિનોદ વ્યંગરંગ-તમાશો, નાટકચેટક, મજાક મશ્કરી, વ્યંગ એવો જ કરતા, વાત પર વાત એવી રીતે કરતા, હાજરજવાબી પણું પણ અજબ-ગજબનું. સાંભળનારા લોકો દંગ રહી જતા. અભણ પૂજારીમાં આવી અદ્ભુત હાસ્ય વિનોદની ક્ષમતા હોવાથી જ કલકત્તાના શિક્ષિત યુવકો એમના પ્રત્યે આકર્ષાયેલા. તેઓ જાતજાતનાં ઉદાહરણો દઈ શકતા. શ્રીરામકૃષ્ણ સમક્ષ બુદ્ધિ અને બોધિનો તફાવત નહોતો. શ્રીરામકૃષ્ણ લોકોત્તરમાંથી લોકજગતે ઊતરી આવેલા. તેઓ નાટ્યકલામાં પારંગત-નટખટ હતા. જાતજાતનો તમાશો કરી શકતા. એમનામાં કોઈ જાતની સંકીર્ણતા એકદેશીયતા નહોતી. અભિનય પણ સુંદર કરતા. યાદશક્તિ પણ ગજબની. નાનપણથી જ, જે એક વાર સાંભળતા તે પોતે સ્મૃતિભંડારમાં સંઘરી લેતા. તરત જ જાત્રા રામલીલા – કૃષ્ણલીલા – કોઈ પણ કથા, જે પણ કંઈ સાંભળતા, તે ઘેર આવી પુન: આબેહૂબ અનુકરણ કરી રજૂ કરી શકતા અને આનંદની લહાણી કરતા. એમની વાણી મધુર, અવાજ તો અતિશય મીઠો-જેને કહેવાય દેવદુર્લભ કંઠ! કેવળ એટલું જ નહિ, પરંતુ, જે રસિકશિરોમણિ એમનામાં સર્વ જાતની કલા ઠાંસીઠાસીને જગતધાત્રીએ ભરી હતી. સંગીત, ચિત્ર, સાહિત્ય, શિલ્પ-કાવ્ય, વાણી જ કાવ્યમય, શબ્દનું ચયન સુંદર, અભિવ્યક્તિની છટા અતિ સુંદર, અદ્ભુત.
દક્ષિણેશ્વરમાં રસરંગની હાટ બેસતી. શ્રીરામકૃષ્ણ હસતા હસતા પરમ સત્યનું રહસ્યોદ્ઘાટન કરતા. એમને માટે ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’ નહોતું, એમને તો ‘બ્રહ્મ સત્ય, જગત સત્ય, સર્વસત્ય’, એક જ પાષાણમાંથી કંડારેલું, મીણનું જગત જાણે – સર્વ બ્રહ્મરૂપ – એમને માટે નામરૂપનો ભેદ નાશ પામ્યો હતો. તેથી જ બુદ્ધિ – બોધિનો ભેદ રહ્યો નહોતો.
ઠાકુર કુશળ ચિત્રકાર છે, કલાકાર છે, સાહિત્યકાર છે. એક પછી એક શબ્દચિત્ર આંકતા જાય છે, ક્યારેક એકાદ વાક્યમાં ક્યારેક ટુચકા રૂપે, ક્યારેક સ્મૃતિરૂપે, ક્યારેક દૃષ્ટાંતકથા રૂપે, ક્યારેક ખડખડાટ હાસ્ય, ક્યારેક સ્મિત, ક્યારેક વ્યંગ, ક્યારેક કટાક્ષ, વાતવાતમાં મન મોહી લે છે. પરમ સત્ય ઉદ્ઘાટિત કરે છે, ખબરેય પડતી નથી.
આ વીસમી સદીમાં બંગાળી હાસ્યલેખક વિરલ. પણ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં – શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત રચિત શ્રીરામકૃષ્ણ કથામૃત, જે શ્રીરામકૃષ્ણની જ અણમોલ વાણીનો અમૃતકથાનો સંગ્રહ છે – એને બંગાળી સાહિત્યની અમૂલ્ય સંપદ કહી શકાય – હાસ્યની દૃષ્ટિએ અને સાહિત્યની દૃષ્ટિએ.
દક્ષિણેશ્વરની શ્રીરામકૃષ્ણની ઓરડી જાણે આનંદની હાટડી. ત્યાં આઠે પહોર આનંદનું વિતરણ. જાગતાં આનંદ, સમાધિમાં આનંદ, વહાલમાં આનંદ, શિખામણમાં આનંદ, આનંદમય પરમહંસદેવને જોઈ ભક્તોનાં મુખદર્પણમાં આનંદનું પ્રતિબિંબ, કેવળ મનુષ્યને આનંદ નહિ, વિશ્વમાં-ચોમેર પ્રકૃતિમાં આનંદના ઓઘ. એ આનંદનો પડઘો દક્ષિણેશ્વરના બાગમાં – બગીચામાં, ઝાડમાં, પાનમાં, ફુલમાં, ફળમાં, વિશાળ ગંગાના પટમાં સૂર્યના પ્રકાશમાં, ચંદ્રની ચાંદનીમાં, નીલ આકાશમાં, શીતળ પવનમાં, અરે દક્ષિણેશ્વરની રજેરજમાં પડતો. લાગતું, જાણે ભૂલોક-ઘુલોક સમસ્ત પ્રેમાનંદના પૂરમાં વહી રહ્યા છે. એવું લાગે જાણે, એક જ દ્રવ્યમાંથી સંપૂર્ણ બ્રહ્માંડ ઉદ્ભવ્યું છે, કે જેમાંથી શ્રીરામકૃષ્ણ નિર્માણ થયા હતા. આનંદ – આનંદ – આનંદ – સચ્ચિદાનંદ.
પોતાની અદ્ભુત કલાશક્તિની પોતે જ સ્મૃતિચારણા કરતાં કહેતા – ‘(કામારપુકુરમાં) એ દેશમાં બાળપણમાં મને પુરુષો ને બૈરાં બધાં જ વહાલ કરતાં, મારાં ગીતો સાંભળતાં. વળી, હું લોકોની આબાદ નકલ કરી શકતો, એ બધાં જોતાં ને સાંભળતાં એમના ઘરની વહુઓ મારે માટે ખાવાની કોઈ સારી ચીજ બની હોય તો રાખી મૂકતી. પણ કોઈ અવિશ્વાસ ન કરતું, સહુને થતું, હું ઘરનો જ છોકરો છું. ત્યારે હું સુખી પારેવું હતો. જ્યાં ખુબ સુખી સંસાર જોતો તો આવજા કરતો, જે ઘરમાં દુ:ખ વિપદ જોતો ત્યાંથી નાસી જતો. સારા છોકરા જોતો તો ખૂબ દોસ્તી કરતો. કોઈ સાથે દિલોજાન દોસ્તી. પણ અત્યારે તો તેઓ ઘોર વિષયી થઈ ગયા છે. એમાંના કોઈ કોઈ અહીં આવે, તો મને જોઈને કહેશે, ‘ઓય! પાઠશાળામાં ભણતા ત્યારે હતો એવો ને એવો જ રહ્યો છે.’ પાઠશાળામાં આંકના પાડાથી ગભરાતો, ગણિત મુદ્દલે ન આવડતું, પણ ચિત્ર ખૂબ સરસ દોરી શકતો, અને ભગવાનની નાનકડી નાનકડી મૂર્તિઓ ખૂબ સુંદર બનાવી શકતો.
“જ્યાં જ્યાં સદાવ્રત, અતિથિશાળા જોતો ત્યાં જતો, જઈને ઘણી વાર સુધી ઊભો રહીને બધું જોતો. જ્યાં પણ રામાયણ, ભાગવત, વગેરેની કથા થતી ત્યાં થઈ બેસતો, પણ જો કોઈ ઢબ કરી વાંચતો, તો એની નકલ કરતો અને બીજા લોકોને સંભળાવતો!
સ્ત્રીઓના ચેનચાળા ખૂબ સમજતો. તેમની વાતો, બોલવાની ઢબ, અવાજ બધાંની નકલ કરતો. બાળવિધવા બાપને જવાબ દે, ‘આ… વી’, આડી ચાલની સ્ત્રીઓને ઓળખી જતો. વિધવા સીધી પાંથી પાડે અને ખૂબ પ્રેમથી અંગે તેલ ચોળે, લાજશરમ ઓછી, એમની બેસવાની ઢબ જ અલગ. ચાલો જવા દો એ વિષયીની વાત.”
થોડી વાર રામલાલદાદા ભજન ગાય છે. ફરી ઠાકુર કહે છે, “હું આ બધાં ગીતો નાનપણમાં ખૂબ ગાતો. એક એક જાત્રા (દૃશ્યપટહીન નાટ્યગીત)ના બધાં જ પાલા-અર્થાત પહેલેથી છેલ્લે સુધીનાં બધાં જ કીર્તનો એક વાર સાંભળતો તે ગાઈ શકતો. સાંભળીને કોઈ કોઈ કહેતું કે, હું કાલિયદમન જાત્રાની મંડળીમાં હતો.”
દક્ષિણેશ્વર આવીને શ્રીરામકૃષ્ણદેવે શિવજીની એક સુંદર મૂર્તિ બનાવેલી. મથુરબાબુ તો જોઈને દંગ કે, આવી સુંદર મૂર્તિ છોટો ભટ્ટાચાર્ય બનાવી શકે! પછી પોતે એ માગીને લઈ ગયેલા પોતાની પૂજા માટે. જ્યારે રાધાકાંતની મૂર્તિ ખંડિત થયેલી ત્યારે ઠાકુરે જ જોડેલી, એવી સુંદર રીતે કે, ખબર ન પડે કે કદી પહેલાં ખંડિત થઈ હશે.
ઠાકુર કઠિનમાં કઠિન વાત મૂકવાની અને ભાવિના ગળે ઉતારવાની પ્રત્યેક કળામાં સુનિપુણ હતા. તેમણે સંસારી તેમજ ભક્તના ત્રણ ગુણના સ્વભાવનું વર્ણન કરતાં કહ્યું છે. “સંસારીનો સત્ત્વગુણ કેવો? ઘર અહીંતહીં ભાંગેલું – તૂટેલું- મરામત ન કરે, ઓસરીમાં કબૂતરોની ચરક! આંગણામાં લીલ જામી છે, પણ તે તરફ ધ્યાન નહિ. સરસામાન-રાચરચીલું જૂનું પુરાણું, ફિટફાટ કરવાનો ગોઠવવાનો પ્રયાસ નહિ. કપડાં જે પહેર્યાં તે પહેર્યાં. માણસ ખૂબ શાંત, શિષ્ટ, દયાળુ, સરળ! કોઈનું બગાડે નહિ.”
“સંસારીના રજોગુણનાં લક્ષણો કેવાં? ઘડિયાળ, ઘડિયાળની ચેન, હાથની આંગળીઓમાં બેત્રણ વીંટીઓ, ઘરમાં વ્યવસ્થિત ગોઠવેલું રાચરચીલું, ભીંત પર ક્વીનની (રાણી વિક્ટોરિયાની) છબી, રાજપુત્ર (પંચમ્ જ્યોર્જ)ની છબી, કોઈ મોટા માણસની છબી, ઘરને રંગરોગાન કરેલું, ક્યાંય પણ મુદ્દલે ડાઘ નહીં. જાતજાતના સારા સારા પોષાક, નોકરોને પણ ગણવેશ, એવું બધું.”
“સંસારીનાં તમોગુણનાં લક્ષણોમાં ઊંઘ, કામ, ક્રોધ, અહંકાર એ બધું આવી જાય.”
“હવે જુઓ ભક્તિનો સત્ત્વગુણ, જે ભક્ત સત્ત્વગુણી, એ ધ્યાન ધરે ખૂબ. એકાંતમાં વખતે મચ્છરદાનીની અંદર બેઠો ધ્યાન કરે- બધાને થાય કે એ સૂતો લાગે છે, રાતના ઊંઘ નહિ આવી હોય તેથી ઊઠતાં મોડું થયું છે. આ તરફ શરીર પર ચાદર કેવળ. પેટ પૂરતું રળવા પૂરતો, શાકભાત મળ્યાં કે બસ. જમવાનું સાદું, પોષાક સાદો- આડંબર રહિત, ઘરના રાચરચીલામાં ઝાકઝમાળ નહિ. સત્ત્વગુણી ભક્ત ક્યારેય ખુશામત કરી ધન કમાય નહિ.
“ભક્તિમાં રજોગુણ હોય તે ભક્તે કોઈક વખતે તિલક ચાંદલો કર્યા હોય, રુદ્રાક્ષની માળા પહેરી હોય, માળામાં વળી સોનાનો એક એક પારો. (સહુનું હાસ્ય) જ્યારે પૂજામાં બેસે ત્યારે રેશમી પીતાંબર પહેરે.”
“ભક્તિમાં તમોગુણ હોય એનો વિશ્વાસ જ્વલંત. એ ઈશ્વર પાસે જબરદસ્તી કરે. જાણે ધાડ પાડી ધન છીનવી લેવું, મારો કાપો, બાંધો જાણે ધાડ પાડી હોય એવો ભાવ કરશે, શું હું એનું નામસ્મરણ કરું છું. મારે વળી પાપ? હું એનો દીકરો છું. એના ઐશ્વર્યનો અધિકારી આવો જુસ્સો હોવો જોઈએ.”
“તમોગુણને ઈશ્વર ભણી વાળવાથી ઈશ્વર લાભ થાય. ઈશ્વર તો પારકા નથી એ તો સગી મા, માનેલી કે ધર્મની મા તો નહિ.”
“વળી જુઓ, આ તમોગુણ બીજાના લાભ માટે પણ કામમાં આવે. ત્રણ જાતના વૈદ, ઉત્તમ, મધ્યમ અને અધમ.”
“જે વૈદ્ય નાડી તપાસી દવા આપે, કહેશે ‘દવા ખાજો’ કહીને ચાલ્યો જાય એ અધમ. રોગીએ દવા ખાધી કે નહિ, એની ખબર ન રાખે. જે વૈદ્ય દવા માટે ખૂબ પ્રેમથી રોગીને સમજાવે, કહેશે, “અરે, દવા નહિ ખા તો શી રીતે સાજો થઈશ? ડાહ્યો છોને, ખા, લે, હું તને વાટી દઉં છું, “એ મધ્યમ વૈદ્ય અને જે વૈદ્ય રોગી દવા ન ખાય તો છાતી પર ઘુંટણ મૂકીને જબરદસ્તી ખવડાવે તે ઉત્તમ વૈદ્ય, વૈદ્યનો તમોગુણ, એનાથી રોગીનું ભલું થાય.”
વૈદ્યની જેમ આચાર્ય ત્રણ જાતના : જે શિષ્યને ધર્મોપદેશ દે પણ એની ખબર ન રાખે, એ અધમ. જે શિષ્યના મંગળ માટે વારંવાર સમજાવે, જેથી શિષ્ય ઉપદેશની ધારણા કરી શકે. ખૂબ વિનય નમ્રતા દેખાડે, પ્રેમભાવ રાખે એ મધ્યમ આચાર્ય અને જે જબરદસ્તી કરીને પણ શિષ્યનું કલ્યાણ સાધે તે ઉત્તમ આચાર્ય,
ધન આવે તો માણસ સંપૂર્ણ બદલાઈ જાય. અહીં એક બ્રાહ્મણ આવજા કરતો. એ બહારથી ખૂબ વિનયી હતો. થોડા દિવસ પછી અમે કોન્નગરે ગયેલા. હૃદે (શ્રીરામકૃષ્ણના ભાણેજ શ્રી હૃદયરામ) સાથે હતો. નાવમાંથી ઊતરતાં જ જોયું કે એ બ્રાહ્મણ ગંગાના ઘાટ પર બેઠેલો. લાગ્યું કે, હવા ખાવા ફરવા આવ્યો હશે. અમને જોઈને કહે, “કેમ ઠાકુર! કહું છું, કેમ છો!’ એની બોલવાની ઢબ અને સ્વર સાંભળી મેં હૃદયને કહ્યું, “અરે હૃદે! આ માણસને પૈસા થયા છે, એટલે જ આ રીતે બોલે છે.” હૃદય હસવા માંડ્યો.
એક દેડકાની પાસે એક રૂપિયો હતો. એ દરમાં રાખતો. એક હાથી એ દર ઓળંગીને ચાલ્યો ગયો, ત્યારે દેડકો બહાર આવીને ખૂબ ગુસ્સો કરી હાથીને લાત મારી કહેવા લાગ્યો, “તારી આ હિંમત કે તું મને ટપીને જાય છે? આ રૂપિયાનો અહંકાર.”
ઠાકુર એક વાર બ્રાહ્મસમાજની હરિસભામાં ગયેલા. આચાર્ય થયેલો એક પંડિત, નામ સામાધ્યાયી. એ કહે, “ભગવાન નીરસ, આપણી પ્રેમભક્તિ વડે આપણે એને સ-રસ કરી લેવા જોઈએ.” આ સાંભળી ઠાકુર કહે, “હું તો અવાક્! ત્યારે મને એક વાર્તા યાદ આવી. એક છોકરો કહે, ‘મારા મામાને ઘેર ઘણાબધા ઘોડા છે. આખી ગૌશાળા ભરીને ઘોડા.’ હવે જુઓ ગોશાળા હોય તો કદી એમાં ઘોડા ન હોય, ગાયો જ હોય. આવી અસંબદ્ધ વાત સાંભળી લોકો શું સમજે? એમ જ ને કે, ઘોડાબોડા કંઈ જ નથી.” (સહુનું હાસ્ય) એક ભક્ત કહે, “ઘોડા તો નહિ જ, પણ ગાયોય નહિ.” (સહુનું હાસ્ય) ઠાકુર કહે, “જુઓ, જે રસસ્વરૂપ, એને કહે છે નીરસ! એનો અર્થ નો એટલો જ કે, એને ખબર નથી કે ઈશ્વર શી ચીજ છે? ક્યારેય અનુભવ જ કર્યો નહિ.” ઠાકુર પણ પ્રતાપને કહે, “જુઓ, બ્રાહ્મસમાજના બધા ઝઘડા વાદવિવાદ છોડી, ભગવાનમાં મન પરોવો, કૂદી પડો.” પ્રતાપ કહે, “હા, એ જ કર્તવ્ય, પણ આ બધું કરું છું કેશવ સેનના નામ માટે.”
ઠાકુર હસીને કહે, “ભલે અત્યારે એમ બોલો, પણ થોડા દિવસ પછી ભાવ પણ રહેશે નહિ. એક વાર્તા સાંભળો. એક માણસનું પહાડ પર એક ઘર, ઘાસનું ઝૂંપડું. ઘણી મહેનત કરી ઝૂંપડું બાંધેલું. થોડા દિવસ પછી અચાનક એક દિવસ વાવાઝોડું થયું. ઝૂંપડું તો ડગમગવા માંડ્યું. ઊડ્યું કે ઊડશે. ત્યારે એ ઝૂંપડાની રક્ષા માટે ખૂબ ચિંતામાં પડી ગયો. પછી કહે, “હે પવનદેવ, જુઓ, મારું ઘર ન ભાંગશો, બાપુ!” પણ પવનદેવે કંઈ દાદ દીધી નહિ. ઘર તો ડગમગવા માંડ્યું ત્યારે એ માણસને એક તુક્કો સૂઝયો. એને યાદ આવ્યું કે, હનુમાન વાયુપુત્ર. વિચાર આવતાં જ બોલી ઊઠ્યો, “બાપલા, ઘર ભાંગશો મા, હનુમાનનું ઘર, દુહાઈ તમને. ઘર તો તોય ડગમગતું જ રહ્યું, કોણ કોની વાત સાંભળે? ઘણી વાર સુધી “હનુમાનનું ઘર” બોલ્યો પણ કંઈ વળ્યું નહિ, એટલે બોલવા માંડ્યો ‘બાપલિયા, લખમણનું ઘર (લક્ષ્મણ) લખમણનું ઘર’, તેથી યે કંઈ વળ્યું નહિ, ત્યારે કહે “બાપ, રામનું ઘર, રામનું ઘર, જુઓ બાપ, ભાંગો મા. દુહાઈ તમને.” તેથીયે કંઈ થયું કારવ્યું નહિ, ઘર તો ધડાધડ કરતું ભાંગવા માંડ્યું, ત્યારે હવે પ્રાણ તો બચાવવા જોઈએ! એ માણસ ઘરમાંથી બહાર નીકળતાં બોલ્યો, “જા, સાલાનું ઘર!” (ક્રમશ:)
Your Content Goes Here





