(તા. ૩૧-૫-૯૩ને દિવસે, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા સ્વામીજીએ કરેલા પ્રયાણની શતાબ્દીના ઉપલક્ષ્યમાં મુંબઈનાં શ્રીરામકૃષ્ણ મિશન આયોજિત સમારોહમાં, મહારાષ્ટ્રના ગવર્નર ડૉ. પી. સી. ઍલૅકઝાંડરે આપેલું પ્રેરક પ્રવચન)
ભારતના એક મહાન સપૂત સ્વામી વિવેકાનંદે, બરાબર એક સો વર્ષ પહેલાં દૂર દૂરના ભૂમિખંડે જવા પ્રયાણ કર્યું હતું તેની શતાબ્દી આપણે ઉજવી રહ્યા છીએ. સ્વામીજીના એ પ્રવાસે અર્વાચીન ભારતના ઇતિહાસની દિશા બદલી નાખી હતી. ભારતના ઇતિહાસનો પ્રવાહ બદલનારી, ભારતના એક બીજા મહાન સપૂત, મોહનદાસ કરમચંદ ગાંધીએ દૂરના ભૂમિખંડના કરેલા પ્રવાસની શતાબ્દી સમારોહમાં હું હજી ગયે અઠવાડિયે જ ઉપસ્થિત રહ્યો હતો.
એ કેવો આકસ્મિક યોગ કે, ગાંધીએ અને સ્વામી વિવેકાનંદે થોડા દિવસને અંતરે પરદેશનાં પરિયાણ માંડ્યાં હતાં! બંનેના પ્રવાસના હેતુઓ જુદા હતા. ૨૩ વર્ષના યુવાન બૅરિસ્ટર ગાંધીનો પ્રવાસ ધંધાદારી હેતુ માટેનો હતો. એક ગુજરાતી મુસલમાન વેપારીને બીજા ગુજરાતી મુસલમાન વેપારી સાથે કંઈ વાંધો પડતાં પહેલા મુસલમાન વેપારી વતી કોર્ટમાં રજૂઆત કરવા ગાંધી જતા હતા. એ સમયે એમની વકાલત ચાલતી જ ન હતી. અને પોતાના વતન રાજકોટમાંયે તેમને ઓળખનાર લોકેા થોડા હતા. ધંધા માટે એ સારી તક હાથ આવી તે એમણે ઝડપી લીધી. પરંતુ, એ યુવાન વકીલે જોયું કે પોતાને એક વધારે મોટું કાર્ય કરવાનું છે, દક્ષિણ આફ્રિકામાં વસતા સાથી ભારતીયોને ન્યાય મળે તે માટે લડવાનું. રંગભેદ અને સત્તાપદ સામેના પોતાના મહાભારત યુદ્ધ પછી ગાંધી દેશમાં પાછા આવ્યા ત્યારે, સ્વતંત્રતાના આંદોલનને મોખરે તે આવી ઊભા અને, દક્ષિણ આફ્રિકામાં પોતે જે શસ્ત્ર વિકસાવ્યું હતું તેની સહાયથી તેઓ સામ્રાજ્યવાદી બ્રિટિશ રાજકર્તાઓ સામે, ન્યાય અને સ્વાતંત્ર્ય માટે તેમણે યુદ્ધ જારી રાખ્યું. એ સમયની ઉથલપાથલના ઇતિહાસથી અને, અંતે દેશને સ્વતંત્રતા અપાવનાર તે સ્વતંત્રતા આંદોલનને ગાંધીજીએ કેવી રીતે નવજીવન બક્ષ્યું તથા તેમાં પ્રાણ પૂર્યા તેનાથી આપણે સૌ વાકેફ છીએ. જગતે ત્યાર સુધી જોયેલા બધા રાજકારણીઓથી તેઓ એટલા નોખા તરી આવતા હતા કે એમને વિશે આઈન્સ્ટાઈને કહ્યું હતું કે, હાડચામધારી આવું કોઈ આ ધરતી પર પગલી પાડી ગયું હતું એમ આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે. ઉપકૃત પ્રજાએ એમને રાષ્ટ્રપિતાને બિરુદે વધાવ્યા.
ગાંધીજીથી વિરુદ્ધ, ૧૮૯૩માં પશ્ચિમને પ્રવાસે સ્વામી વિવેકાનંદ ગયા ત્યારે, દેશમાં જાણીતા હતા. કોઈ પંથના, કોમના કે ધર્મના પ્રતિનિધિને દાવે સ્વામીજી અમેરિકા ગયા ન હતા. પણ, પશ્ચિમના લોકોને બધા ધર્મોની સંવાદિતાનો અને વૈદિક વિચારોની સાર્વત્રિકતાનો સંદેશ આપનાર સાદા સંન્યાસી તરીકે એ ગયા હતા. પોતે રાજકારણી ન હતા છતાં, એમની એ મુલાકાત આપણા દેશના ઇતિહાસમાં વળાંક લાવનાર પૂરવાર થઈ કારણ કે, તે કાળે હજી સુષુપ્તાવસ્થામાં હતી તે આપણી રાષ્ટ્રીય ક્રાંતિ ૫૨ તેનો ઘેરો પ્રભાવ પડયો હતો. રાષ્ટ્રીય મુક્તિ અને નવનિર્માણને એથી જે પ્રેરણા મળી તે કારણે બાબુ સુભાષચંદ્ર બોઝે સ્વામીજીને રાષ્ટ્રીય આંદોલનના આધ્યાત્મિક પિતા કહ્યા હતા. મહાન ક્રાંતિકારી અને આકર્ષકતાધારક નેતા સુભાષચન્દ્ર બોઝે સ્વામીજી વિશે કહ્યું છે તે નીચે પ્રમાણે છે:
“એમનું વ્યક્તિત્વ સમૃદ્ધ, ગહન અને સંકુલ હતું અને એમનાં લખાણો અને સંદેશથી ભિન્ન એવું એ વ્યક્તિત્વ, એમણે દેશબાંધવો પર પાડેલી અદ્ભુત અસરનું કારણ છે… ત્યાગમાં ઊડાઉ, કર્મણ્યતામાં અવિરત, પ્રેમમાં અસીમ, જ્ઞાનમાં ગહન અને સર્વવર્તી ભાવનાઓમાં ઝરા જેવા ઊભરાતા, ઘા કરવામાં નિર્દય ને છતાંય તે બાળક જેવા સરળ – આપણી આ દુનિયામાં તેઓ વિરલ વિભૂતિ હતા… તત્કાલ માટે પોતાના રાષ્ટ્રના અને માનવજાતના નૈતિક અને આધ્યાત્મિક ઉત્થાન પર ધ્યાન ભલે તેમણે કેન્દ્રિત કર્યું હોય, સત્યનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરનાર ઉચ્ચતમ આધ્યાત્મિક યોગી તેઓ હતા – આમ હું તેમને માટે કહીશ, વર્તમાન સ્વાતંત્ર્ય આંદોલનનાં મૂળ સ્વામીજીના સંદેશમાં છે.”
સ્વામી વિવેકાનંદ સિવાય બીજું કોણ આ વર્ણનને બંધ બેસે? પ્રશંસાના આવા ચૂંટેલા શબ્દો સ્વામી વિવેકાનંદ સિવાય બીજા કોને પ્રાપ્ત થાય? પણ, દુર્ભાગ્ય, સ્વામી વિવેકાનંદના જીવન અને ફિલસૂફીના અભ્યાસી એવા આપણે આપણાં વક્તવ્યોમાં અને લખાણોમાં, દેશના રાષ્ટ્રીય આંદોલનના પિતા તરીકે સ્વામી વિવેકાનંદની ગણતરી બહુ ઓછી કરી છે. આપણે એમને મહાન વેદાંતાચાર્ય તરીકે યાદ કરીએ છીએ; રૂપાની ઘંટડી જેવા રણકાદાર વક્તા તરીકે આપણે એમની પ્રશંસા કરીએ છીએ; માત્ર હિંદુધર્મ નહીં પણ, જગતના બધા મહાન ધર્મોનાં રહસ્યોના જ્ઞાતા તરીકે આપણે તેમની પર વારી જઈએ છીએ, પોતાના ધર્મ વિશે સાચું કહેવાની નિષ્ઠા અને હિંમત બતાવનાર તરીકે આપણે તેમનો આદર કરીએ છીએ પરંતુ, રાષ્ટ્રીય આંદોલનને આધ્યાત્મિક પ્રેરણા પાનાર તરીકે એમનો કરવો ઘટે તેટલો આદર આપણામાંથી બહુ થોડા કરે છે.
આ ક્ષેત્રમાં સ્વામીજીએ ભજવેલા ભાગની અગત્ય તેમના આગમન સમયની હિંદુ ધર્મની સ્થિતિને યાદ કરીને અને પછી, રાષ્ટ્રીય આંદોલનમાં અધ્યાત્મપ્રેરણાનું મહત્ત્વ સમજાવવા પ્રયત્ન કરીશ.
ઓગણીસમી સદીના પૂર્વાર્ધ વિશે એમ કહી શકાય કે એ કાળમાં હિંદુ ધર્મ આધ્યાત્મિક દૃષ્ટિએ નિર્બળતાની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. આધ્યાત્મિક રીતે દેશ જાણે નપુંસકતાની કે નિર્વીર્યતાની દશામાં હતો એમ લાગતું હતું. બરાબર એ કાળે શ્રીરામકૃષ્ણ પરમહંસનું આગમન થયું. અધ્યાત્મ શક્તિ દ્વારા દેશમાં પ્રાણ પૂરવાનું અને જગત સમસ્તની આધ્યાત્મિક ચેતના જગાડવાનું એમનું જીવનકાર્ય હતું. આ સમ્મેલનમાં ઉપસ્થિત સ્વામી રંગનાથાનંદજીના શબ્દો હું ટાંકું છું (શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની ફિલસૂફી એમનાં સાહિત્ય અને પ્રવચનો દ્વારા સમજતાં હું શીખ્યો છું તેનો હું એકરાર કરું છું.’ હિંદુ ધર્મ જડવત્ થઈ ગયો હતો ત્યારે શ્રીરામકૃષ્ણ પોતાની આધ્યાત્મિક શક્તિ વડે તેને શી રીતે પુનર્જીવિત કર્યો તે પોતાની સુંદર અને અનુકરણીય શૈલીમાં દર્શાવતાં સ્વામી રંગનાથાનંદજી કહે છે:
“શ્રીરામકૃષ્ણે પોતાના સમયમાં શું કર્યું? દેખાય તેવું કંઈ નહીં. પોતાના યુગની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓથી તેઓ અલિપ્ત રહ્યા હતા. પરંતુ, જે શક્તિઓ એમણે પ્રગટાવી અને પોતાના આંતરજીવનમાંથી વહેતી કરી તે શક્તિઓએ તેમની આસપાસના મનુષ્યો અને પ્રવૃત્તિઓ ૫૨ પ્રભાવશાળી અસર કરી અને નજીકના ભવિષ્યમાં જ અર્વાચીન જગતનું પરિવર્તન કરવા તે શક્તિઓએ હોડ બકી. તીવ્રપણે અને વ્યાપક રીતે શ્રીરામકૃષ્ણ આત્મરત રહ્યા અને મનુષ્યના આધ્યાત્મિક જીવનને ખાતરીની મહોર મારી દીધી.”
કેવું તો સુંદર વાક્ય ! “જે શક્તિઓ એમણે પ્રગટાવી અને વહેતી કરી” તેમના સંદર્ભની બરાબર નોંધ લો. આ મહાન આધ્યાત્મિક શક્તિના જન્મથી કે, “આધ્યાત્મિક શક્તિના પ્રાગટ્યથી અને વહનથી” હિંદુધર્મનો ઇતિહાસ પલટાય છે અને ભૂતકાળમાં અનેક વેળા બન્યું હતું તેમ, ફરીથી નવનિર્માણને પંથે પળવા લાગે છે.
શ્રીરામકૃષ્ણના નિર્વાણ પછી એમના મહાન શિષ્ય અને પોતાના ગુરુના દર્શનને વિશદતાથી સમજાવનાર, સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક પુનઃ જાગ્રતિની આ પ્રક્રિયાને વધારે ઊંચે લઈ જાય છે. લોકોને એમણે કરેલો અનુરોધ સાદો હતો, “ઉપનિષદ ભણી પાછા વળો.” ઉપનિષદોમાંથી શક્તિ, સ્વાતંત્ર્ય અને અભય મળશે એમ કહી, લોકોને તેઓ સમજાવતા હતા કે આધ્યાત્મિક બળના સ્રોતો તેમના પોતાના જ ધર્મમાં છે અને એમની ખોજ તેમણે જાતે જ કરવાની છે. સ્વામીજીની પ્રેરક વાણીમાંથી હું અવતરણ આપું છું:
“…મને કહેવા દો કે આપણને બળની, બળની અને દરેક સમયે બળની જરૂર છે ને ઉપનિષદો બળની મોટી ખાણ છે. સમસ્ત જગતને સામર્થ્યવાન બનાવે તેટલું બળ તેમાં છે. એમના વડે આખા જગતને ચેતનવંતુ, સામર્થ્યવાન અને સ્ફૂર્તિદાયક બનાવી શકાશે. બધી પ્રજાઓના, બધા ધર્મોના અને બધા સંપ્રદાયોનાં નિર્બળને, દબાયેલાંને અને કચડાયેલાંને માટે તે રણશિંગું બની રહેશે અને, પોતાના પગ પર ઊભા રહી મુક્ત થવા તેમને પ્રેરશે. મુક્તિ, શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ ઉપનિષદોના માર્ગદર્શક શબ્દો છે.”
સ્વામી વિવેકાનંદનો સંદેશ સ૨ળ અને સચોટ હતો ને તે એ હતો કે જે કંઈ શક્તિ તમે પ્રાપ્ત કરવા ઇચ્છો છો તે ઉપનિષદોમાં છે. તમારે માત્ર તેની ખોજની કોશિશ કરવી જોઈએ. સ્વામીજી “શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ” વિશે બોલતા હતા તે વેળાએ ભારતમાં સંસ્થાનવાદનો પારો ખૂબ ઊંચો હતો અને મુક્તિ, સ્વાતંત્ર્યના ખ્યાલનું ભાન સામાન્ય લોકોને બહુ ઓછું હતું. આત્મસન્માન, આત્મશ્રદ્ધા અને પોતાના વારસા માટે ગૌરવનું ભાન લોકોમાં દૃઢ કરવું એ સ્વામી વિવેકાનંદનો સંદેશ હતો. એ સમયે લોકોને જે રોગે ઘેર્યા હતા તે સ્વામીજીએ બરાબર પારખ્યો હતો અને પોતાના પ્રારંભિક પ્રવચનમાં સ્વામી રંગનાથાનંદજીએ કહ્યું છે તે પ્રમાણે, સ્વામી વિવેકાનંદ પાસે “દરેક રોગનો ઈલાજ હતો.” ૧૯મી સદીમાં, ભારતના લોકો માટે તેમનો ઈલાજ હતો આધ્યાત્મિક્તા દ્વારા શક્તિનો.
“ઊઠો, જાગો”, એ સ્વામીજીનો અનુરોધ આજે લોકોમાં પ્રચલિત છે કારણ કે, સ્વામીજીના જીવન કે દર્શન વિશે બોલનાર દરેક વક્તા તેનો ઉલ્લેખ કરે છે. હું જે મુદ્દો પ્રસ્તુત કરવા ચાહું છું તેને સ્પર્શતાં થોડાં વાક્યો હું તેમાંથી રજૂ કરું છું:
“ચાલો, આપણે દરેક આત્માને કહીએ – ઊઠો! જાગો! અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. ઊઠો! જાગો! નિર્બળતાની મોહનિદ્રામાંથી જાગો. આપણા લોક ઉપર અતિશય અકર્મણ્યતા, અતિશય નિર્બળતા, અતિશય મોહનિદ્રા સવા૨ થઈ બેઠેલ છે. તમે આજના હિંદુઓ એ મોહનિદ્રાને ખંખેરી નાખો. નિર્બળતાની મોહનિદ્રામાંથી જાગો. એ કરવાનો માર્ગ તમારા ધર્મગ્રંથોમાં મળશે. તમારી જાતને, દરેકને, એનો શુદ્ધ સ્વભાવ શીખવો. ઊંઘતા આત્માને અવાજ દો અને એ કેવો જાગે છે તે જુઓ.”
એ કંડિકામાંનું આના પછીનું વાક્ય, પોતાના પ્રાસ્તાવિક પ્રવચનમાં સ્વામી રંગનાથાનંદજીએ ઉચ્ચાર્યું હતું:
“આ નિદ્રાધીન આત્મા જાગ્રત થઈ સ્વચૈતન્યની પ્રવૃત્તિ કરશે કે, સત્તા આવશે, કીર્તિ આવશે, ભલમનસાઈ આવશે, પવિત્રતા આવશે, જે કંઈ ઉત્કૃષ્ટ છે તે સર્વ આવશે.”
એ યાદ રાખજો કે સ્વામીજી લોકોના મત માગનાર રાજકારણી ન હતા; ઊલટા તેઓ તો લોકોના ધર્મનું પતન થયું હતું તેને વિશે તેમને ચેતવતા હતા અને, ગાઢ નિદ્રામાંથી જાગ્રત કરવા લોકોને ઢંઢોળતા હતા. રાષ્ટ્રીય આંદોલનના આધ્યાત્મિક પિતાનું બિરુદ યોગ્ય રીતે જેમને અપાયું છે તેમના આ સામર્થ્યવાન સંદેશમાં ને આંદોલનની પ્રેરણાનો સ્રોત આપણે જોઈ શકીએ છીએ.
પાંચ હજાર વર્ષ પુરાણી સંસ્કૃતિનું પોતે પ્રતિનિધિત્વ કરે છે એવા ગુમાન અને ગર્વ સાથે સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ન હતા. તેઓ વિનમ્ર સંન્યાસી તરીકે ત્યાં ગયા હતા. છતાં, ત્યાંના ખ્રિસ્તી સમુદાયને તેમની મુખ્ય પીડા વિશે કહેતાં તેઅ અચકાયા ન હતા. પૂરી નિખાલસતાથી સ્વામીજીએ તેમને સંભળાવ્યું હતું કે તેઓ ઈસુ ખ્રિસ્તના બોધના તત્ત્વને ભૂલી ગયા છે અને, તેમના પોતાના જીવનમાં તેઓ દંભ અને બેવડાં ધોરણ આચરી રહ્યા છે. ઉપનિષદોને અનુસરવાનો બોધ સ્વામીજીએ તેમને કર્યો ન હતો પણ પોતાના પૈગંબર ઈસુને નિષ્ઠાપૂર્વક અનુસરવા તેમણે કહ્યું હતું. પશ્ચિમના ધર્મશાસ્ત્રીઓ કરતાં, સદ્ભાગ્યે, સ્વામીજી ખ્રિસ્તી ધર્મ વિશે વધારે જાણતા હતા. સ્વામીજી જેમને સંબોધન કરતા હતા તેમાંના મોટા ભાગના પાદરીઓ, ધર્મશો અને વિદ્વાનોના કરતાં ખ્રિસ્તી ધર્મનું સ્વામીજીનું જ્ઞાન વધારે ઊંડું હતું અને તેઓ બાઈબલમાંથી અવતરણો આપી શકતા તેમજ ઈસુ ખ્રિસ્તના બોધનું અર્થઘટન વધારે સારી રીતે કરી શકતા. તેમના મોઢા પર જ સ્વામીજીએ સંભળાવ્યું કે, સાચા ખ્રિસ્તી થવું હોય તો તેમણે ઈસુ પાસે પાછા જવું પડશે. અચંબો પમાડે તેવી, સ્પષ્ટતાથી સ્વામીજીએ તેમને અનુરોઘ કર્યો કે:
“તમારે જીવતા રહેવું હોય તો, ઈસુ પાસે પાછા જાઓ. તમે ખ્રિસ્તી નથી! નહીં, રાષ્ટ્ર તરીકે, તમે ખ્રિસ્તી નથી. જેને માથું મૂકવાનું ય ઠેકાણું ન હતું તેની પાસે પાછા જાઓ. ખ્રિસ્ત વિના મહેલોમાં રહેવાને બદલે, એની સાથે ચિંથરેહાલ રહેવા તૈયાર થાઓ.”
“જેને માથું ટેકવા ઠેકાણું ન હતું”, એ શબ્દોનો સ્વામીજી શો અર્થ કરતા એ તમને ખબર છે? પોતાની પાછળ ફરતાં ટોળાંઓને જિસસે કહેલા શબ્દો જ સ્વામીજી બોલતા હતા. જિસસ બોલ્યા હતા: “પંખીઓને પોતાના માળા છે, ઢોરને પોતાની કોઢ છે પણ, માનવપુત્રને પોતાનું માથું ટેકવવા ઠેકાણું નથી.” પોતાના ખ્રિસ્તી શ્રોતાઓને સંબોધન કરતાં સ્વામીજી એ શ્રોતાઓને કહેતા હતા કે જેને માથું ટેકવવા ઠેકાણું નથી તેની પાસે તેમણે જવું.
ભારતના રાષ્ટ્રીય આંદોલનના આધ્યાત્મિક પિતા તરીકે સ્વામીજીએ ભજવેલા ભાગ વિશેની મારી વાત શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીના શબ્દો ટાંક્યા વિના હું પૂરી નહીં કરી શકું. સ્વામી વિવેકાનંદના કાર્યને રાજાજીએ આમ સંક્ષેપમાં મૂકી બતાવ્યું છે: “સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મને બચાવ્યો અને ભારતને બચાવ્યું. સ્વામીજી ન હોત તો આપણે આપણો ધર્મ ગુમાવી બેઠા હોત અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત ન કર્યું હોત.”
આ જ વાત મારી રીતે કહેવાની કોશિશ હું છેલ્લી ત્રીસેક મિનિટથી કરી રહ્યો છું. હિંદુ ધર્મ પોતાનું સ્વત્વ અને પોતાની શક્તિ ગુમાવવા લાગતું હતું ત્યારે સ્વામીજીએ તેનો ઉદ્ધાર કર્યો અને અધ્યાત્મ, સ્વતંત્રતા, અભય અને આત્મસન્માનના સંદેશ દ્વારા રાષ્ટ્રીય આંદોલનને તેમણે પ્રેરણા આપી.
આ મહાન સંતનાં હિમ્મત અને જ્ઞાન આપણને પ્રેરણા પાતાં રહો.
અનુવાદ: શ્રી દુષ્યંત પંડ્યા
Your Content Goes Here




