(સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને એમણે શિકાગોમાં કરેલા ઉદ્બોધનની શતાબ્દીની ઊજવણી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિંહરાવે ૨૮મી ડિસેમ્બર 1992ના દિવસે કન્યાકુમારીમાં આપેલું ઉદ્દબોધન.)

રાષ્ટ્રચેતના વર્ષના ઉદ્ઘાટનની ઊજવણી માટે આ કન્યાકુમારી જેવા પવિત્ર સ્થળે એકત્ર થયેલી આ સભાને સંબોધતાં મને ગૌરવની લાગણી થાય છે. સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને વિશ્વ ધર્મ પરિષદ સમક્ષના એમના ઉદ્બોધનની શતાબ્દી દેશના પોતને પાકું બનાવે અને આપણી રાષ્ટ્રીય ચેતનાના સ્તરને ઊંચે લઈ જાય તેવું અભિયાન શરૂ કરવાનું નિમિત્ત બનાવનારા, આ પરિષદના આયોજકોને પણ હું અભિનંદન આપું છું. રાષ્ટ્ર ચેતના વર્ષનું મંગલાચરણ પોતાની આગવી રીતે મહત્ત્વની ઘટના છે. સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને વિશ્વધર્મપરિષદ સમક્ષ એમણે આપણા સનાતન ધર્મની નૈતિક ગૂંથણીની જે મીમાંસા કરી તેની શતાબ્દી પણ એવી જ વિશેષ મહત્ત્વની ઘટના છે. આજે આપણા રાષ્ટ્રજીવનની મહત્વની ઘડીઓમાં આ બે સાંસ્કૃતિક ઘટનાઓનો આવો સમન્વય આજની સભાને બહુમૂલ્ય બનાવી દે છે. મારા પહેલાં સભાને આધ્યાત્મિક વિભૂતિઓએ સંબોધન કર્યું, તે પણ આપણે હવે જેનો પ્રારંભ કરવાના છીએ તેના અજોડ મહત્ત્વને દર્શાવે છે.

આજે આપ સૌ આધ્યાત્મિક આકાંક્ષાઓની વાત કરશો, આજે ભારતની જનતા જે નૈતિક અજંપો અનુભવે છે અને લોકો પોતાના સપનાના આદર્શ સમાજની રચના કેમ કરી શકે તેની વાત કરશો. આ સાંભળવા માટે હું આપની વચ્ચે ઉપસ્થિત છું તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું.

આ કારણે હું શરૂઆતમાં જ આ પરિષદ આખા દેશમાં જેનો પ્રારંભ કરવા માગે છે તે રાષ્ટ્ર ચેતના વર્ષના પ્રશંસાપાત્ર વિચાર અંગે કશું કહું તો?

આપણી સંસ્કૃતિની શક્તિ

ભારતીય સંસ્કૃતિ અતિ પ્રાચીન છે. તેમ છતાં, રાષ્ટ્રનો વિચાર આપણા માટે પ્રમાણમાં નવો છે અને આપણું રાષ્ટ્ર-રાજ્ય બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક બન્યું તે તો હજુ અર્ધી સદીનું પણ નથી થયું. રાષ્ટ્ર-ચેતનાનો પ્રસાર આપણા પ્રજાસત્તાકને મજબૂત બનાવશે કારણ કે આપણી સંસ્કૃતિનો આધ્યાત્મિક વારસો એને ટકાઉ બનાવી શકે એમ છે. કારણ કે એમાં આપણા નેતાઓનું આર્ષ દર્શન સમાયેલું છે, એમાં જે લાખો કરોડો લોકોએ ભારતીય રાષ્ટ્રવાદના વિજય માટે પોતાના બલિદાન આપ્યાં તેમનાં સપનાં વસેલાં છે. આપણી સમક્ષ હમણાં જ જેમણે પ્રવચનો કર્યાં તે આધ્યાત્મિક જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ કરતાં વધુ સારું મિલન કોઈ હોય એમ હું માનતો નથી. આજે દરેક જગ્યાએ, કદાચ ભારતની બહાર પણ આવા હજારો લોકો પથરાયેલા છે કારણ કે ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષો સુધી દૂર દૂર ફેલાતી રહી છે અને દુનિયાના ખૂણેખૂણેથી એનો પડઘો ઊઠે છે કેમ કે એ કંઈ માત્ર કોઈ એક દેશનો ધર્મ કે એક દેશની સંસ્કૃતિ નથી, એ સમગ્ર માનવજાતની સંસ્કૃતિ છે.

ભારતીય સંસ્કૃતિના સામાજિક અને નૈતિક ઇતિહાસમાં મને હંમેશાં ભારે રસ રહ્યો છે. એટલે સદીઓથી આપણા સમાજના વિકાસમાં આધ્યાત્મિક નરનારીઓએ જે મહત્ત્વની ભૂમિકા અદા કરી છે તેનાથી હું ચકિત થતો રહ્યો છું. આપણી સંસ્કૃતિનું આ લક્ષણ કંઈ નસીબનો યોગ નથી, શરૂઆતથી જ ભારતની સર્જનાત્મકતાએ બિન-અંગત સામાજિક અને રાજકીય સંગઠનોની જગ્યાએ ખરેખર વિરાટ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓ દ્વારા પોતાની અભિવ્યક્તિ શોધી છે. સંગઠનોએ મહદ્અંશે ઉપદેશકોમાંથી પોતાના અસ્તિત્વને પાણી સીંચ્યું અને સમાજના ભાવિ નિર્માણમાં, એને આકાર આપવામાં પ્રદાન કર્યું. પરંતુ આ ઉપદેશકોની વિદાય પછી ઘણુંખરું તેજ ઓસરી ગયું. તેમના જવા પછી ફરી એ સ્થિતિ ન આવી અને ગૌરવને ઝાંખપ લાગી ગઈ.

સેવાની ભાવના

ભારતના આ ભાગમાં ઘણી સંસ્થાઓ છે. દરેકની પાછળ કોઈને કોઈ વ્યક્તિની પ્રેરણા રહેલી છે. અને એ દરેક વ્યક્તિ પણ સમાજની સેવા કરવાની ભાવનાથી પ્રેરાયેલી હતી. સંસ્થાએ વ્યક્તિ પાસેથી પ્રેરણા મેળવી અને વ્યક્તિએ સંસ્થાને દૃઢ બનાવી. બન્નેએ સાથે મળીને સમાજને મજબૂત બનાવ્યો. આપણા સમાજના ઘડતર અને વિકાસમાં ધર્મક્ષેત્રની વિભૂતિઓની મહત્ત્વની ભૂમિકા છે, તે વાત સંન્યાસીની આધ્યાત્મિક શક્તિને અગત્યની ગણનારા માનવતાવાદી વિદ્રાનોએ કબૂલી છે. આપણા સમાજમાં જે ત્યાગ કરે છે તે સૌથી ઊંચો ગણાય છે. એની તોલે કોઈ ન આવે. સંન્યાસી સર્વશ્રેષ્ઠ છે. સૌ એને નમે છે. આપણી માન્યતા પ્રમાણે, આપણાં ધોરણો પ્રમાણે કોઈ સ્વામી, કોઈ સંન્યાસી આ સંસારમાં પોતાની પ્રેરણા સિવાય કશું છોડી જતો નથી. દુનિયાના ઘણા દેશોમાં કદાચ આ જોવા નહિ મળે અને બધું છોડનારો બધાથી ઊંચેરો ગણાય તે ભારતનું આગવું લક્ષણ છે. વીતેલી સદીઓની શી વાત કરવી, આજે પણ આપણા સમાજમાં નીતિમત્તા અને સામાજિક સંપનો સાચો આધાર સમાજના પ્રત્યેક અંશ સુધી નૈતિક ઉદ્ગાતાના શબ્દોના પ્રસાર અને એના પરથી જન સમાજના સામુદાયિક કાર્યકલાપના આરંભમાં જ રહેલો છે.

આ દેશમાં સેંકડો સંતોએ જન્મ લીધો છે, એમણે લોકોને એવી દિશા દેખાડી છે, જે બધાંય શાસ્ત્રો સાથે મળીનેય ન દેખાડી શકે. કબીર, દાદુ કે દયાલ, મહા રાષ્ટ્રના તુકાજી મહારાજ અથવા તો આંધ્રના મહાન હરિકથાકારો – ગમે તેની વાત કરો એમણે કોઈ પણ જ્ઞાનગ્રંથ કરતાં સમાજના નૈતિક તાણાવાણાને વધુ મજબૂત બનાવ્યા છે; સમાજને વધુ માર્ગદર્શન આપ્યું છે. ગ્રંથોનું જ્ઞાન બહુ અગત્યનું છે, પરંતુ ભારતના ઇતિહાસમાં બોલાયેલો શબ્દ સૌથી વધુ સમર્થ રહ્યો છે કારણ કે એમાં ઉપદેશક સાથે, વિનંતી કરનાર સાથે જનમાનસને પ્રેરણા આપનાર સાથે, શ્રોતાઓનાં મન જીતી લેનાર સાથે સીધો સંપર્ક સ્થપાય છે. આ સીધો સંપર્ક અજોડ છે. સદીઓથી સમાજને પ્રેરણા આપે તેવું બધું આ સીધા સંપર્કમાં આવી જાય છે. આજે પણ નૈતિક ઉદ્ગાતાના અંગત દૃષ્ટાંત અને મૌખિક ઉપદેશ દ્વારા ખરેખરા વિરાટ ફલક પર સામાજિક ડગ ભરાયાં હોય તેવી મહાન પરંપરા જીવંત છે.

ગાંધીજી અને વિનોબા ભાવે

મારી દૃઢ માન્યતા છે કે મહાત્મા ગાંધી અને હમણાં સુધી આપણી વચ્ચે હતા તે વિનોબા ભાવે વીતેલ સદીઓના અમુક આધ્યાત્મિક નેતાઓની પંક્તિમાં હતા. આપણા સમાજમાં એમનું એવું જ સ્થાન હતું, લોકોનો એમના પ્રત્યે એવો જ સ્નેહ હતો. ગાંધીજી પોતાન નૈતિકતાને બળે જ કરોડો લોકોના હૈયામાં વીજળી મૂકી શક્યા. એ એમની નૈતિક શક્તિ હતી. આ નૈતિકતાનો સામી વ્યક્તિમાં સંચાર કરવાની એમની શક્તિ હતી. કરોડોના મનમાં બલિદાનનું જોશ પૂરવાનું સામર્થ્ય એમનામાં હતું. એમની પાસે ધન નહોતું. સત્તા નહોતી. લોકોને આપવા માટે એમની પાસે હતાં, માત્ર આંસુ અને પરસેવો. તેમ છતાંયે કરોડો લોકોને એમનામાં શ્રદ્ધા હતી. લોકો હૃદયપૂર્વક એમને અનુસરતા. ગાંધીજીએ એમને સ્વાધીનતા અપાવી. આ દેશમાં અલગ-અલગ કાળમાં આવા જ નેતાઓ પાકતા રહ્યા છે અને એટલે જ આ દેશ આજે જીવતો છે અને જીવતો રહેશે એ નિઃશંક વાત છે. એમણે વિચાર અને આચારના એક જ ધાગામાં આધ્યાત્મિક અને સામાજિક કાર્યોને નાથ્યાં અને એ રીતે ભારતીય સંસ્કૃતિના નૈતિક સીમાડા વિસ્તાર્યા. સાથોસાથ, એમણે સમાજના તંતુએ તંતુને મજબૂત બનાવ્યો અને સામુદાયિક ડગ ભરવાનું સામર્થ્ય આપ્યું.

આજે આપણે સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને વિશ્વની પ્રજાઓને એમના આહ્વાનની સ્મૃતિ ઉજવીએ છીએ અને રાષ્ટ્ર ચેતનાને વધુ સઘન બનાવવા પ્રયત્ન કરીએ છીએ. ભારતના નૈતિક અને સામાજિક ઇતિહાસને એકસૂત્રે બાંધીને જે અદ્ભુત રૂપાંતરણ મહાત્મા ગાંધીએ સાધ્યું, તેની મહદંશે સ્વામીજીએ રૂપરેખા આપી હતી. મહાત્મા ગાંધીનાં લખાણો પરથી આપણે જાણીએ છીએ કે તેઓ પર રામકૃષ્ણ પરમહંસ અને એમના શિષ્ય સ્વામી વિવેકાનંદનો કેવો ઘેરો પ્રભાવ એમના થોડાક લેખો, લખાણો અથવા તો કોઈ સભમાં ક્યારેક બોલ્યા હોય તે વાંચતાં જ આ વાત સ્પષ્ટ થાય છે. ગાંધીજી ઉપરનો એ ઊંડો પ્રભાવ આપણે સમજી શકીએ છીએ.

આપણાં સાંસ્કૃતિક વારસાનું આ વિશિષ્ટ લક્ષણ છે અને હું ખરેખર ઇચ્છું છું કે અહીં એકત્ર વિદ્વજજનો એનો ઊંડો અભ્યાસ કરે અને એને પરિપુષ્ટ કરે કે જેથી આપ સૌની ચર્ચાઓ દ્વારા પ્રાપ્ત થતું નૈતિક દર્શન આપણા દેશના ખૂણેખૂણે પહોંચે અને આજે આપણા સમાજની નીતિમત્તા અને આપણા રાષ્ટ્રની રાજકીય એકતા સામે મહાકાય પડકારો પડ્યા છે તેવા વેદનાના વખતમાં એ નૈતિક દર્શન વેદનાને હરી લેનારા વરદ હસ્ત તરીકે કામ કરે.

વિવેકાનંદની મહાનતા

શ્રીરામકૃષ્ણના ઉપદેશોએ સ્વામી વિવેકાનંદને અતિ પ્રભાવિત કર્યા તે ખરું છે; પરંતુ સ્વામીજીને એમના ગુરુના માત્ર અનુયાયી જ ગણવા, તે એમની સાથે ન્યાય કર્યો નહિ ગણાય. સ્વામીજીના ચિત્ર પર એક દૃષ્ટિ નાખતાં જ એમનું સર્જન કરનાર વેધક બુદ્ધિમત્તા, અજંપ શક્તિ અને આધ્યાત્મિક જોમ તરવરી ઊઠે છે.

સ્વામી વિવેકાનંદ મુખ્યત્વે કર્મઠ વ્યક્તિ હતા, કર્તા હતા. તેઓ માત્ર દૃષ્ટા કે આધ્યાત્મિક જ્ઞાનની સૃષ્ટિના સર્જક નહોતા. એમનામાં ચિંતન અને એના અમલની ક્ષમતા હતી. કોઈ એક જ વ્યક્તિમાં આવો સમન્વય ભાગ્યે જ જોવા મળે. સ્વામી વિવેકાનંદની આ વિલક્ષણ ખાસિયત હતી. તેઓ માત્ર મહાન નહોતા, પરંતુ કર્મઠ હોવાથી બીજાને પ્રેરણા પણ આપી શકતા.

સ્વામીજીએ સનાતન ધર્મના અંતર્નિહિત સિદ્ધાંતો અને બીજા ધર્મો સાથેના સંબંધનું જે નિરૂપણ કર્યું છે તેમાં શ્રીરામકૃષ્ણનો ઊંડો પ્રભાવ વર્તાય છે. સ્વામીજીએ પણ પોતાના ગુરુની માફક હિન્દુ આધ્યાત્મિકતા અને હિન્દુ સમાજની વૈવિધ્યપૂર્ણ નૈતિક વ્યવસ્થાની આંકણી માટે વેદાંતનો આધાર લીધો. તેઓ કહેતા કે ભારતના ધાર્મિક જીવનનાં બધાં પાસાં વેદાંતે આવરી લેવાં પડશે. એમણે એ પણ કહ્યું કે બૌદ્ધ ધર્મ જેનું પ્રતિસ્પર્ધી બાળક છે અને ખ્રિસ્તી ધર્મ જેનો માત્ર આછેરો પડઘો છે તે ધર્મનો હું ઉપદેશ આપવા માગું છું. તે દુનિયાના બધા ધર્મોમાં સમાન તત્ત્વ જોતા હતા. તેઓ દુનિયાના બધા ધર્મોમાં આવાં સમાંતર તત્ત્વો જોતા હતા.

સ્વામી વિવેકાનંદ ઉ૫૨ શ્રીરામકૃષ્ણની સહિષ્ણુતા અને શુદ્ધ ભાવોનો પ્રભાવ હતો, તો બીજી બાજુ એમના અધ્યાત્મવાદમાં જે જીવનનું બળ અને સ્ફૂર્તિનો થનગનાટ દેખાય છે તે મોટા ભાગે એમની વ્યક્તિગત, આધ્યાત્મિક અને સામાજિક ગતિશીલતાનો પરિપાક છે. એમના આ ગુણોને કારણે જ શ્રીરામકૃષ્ણે એમને પોતાના વારસ બનાવ્યા.

સામાજિક ગતિશીલતા

સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક અને સામાજિક ગતિશીલતાનો સ્પષ્ટ અણસાર એમણે પશ્ચિમના ભૌતિકવાદની મશ્કરી કરનારાઓ સાથે જે વાદવિવાદ કર્યો છે તેમાંથી જોવા મળે છે. યાદ રાખો કે એમણે આજથી સો વર્ષ પહેલાં ૧૮૯૩માં આ શબ્દો કહ્યા હતા. એમણે કહ્યું: “આપણે મૂર્ખની જેમ ભૌતિક સભ્યતાની વિરુદ્ધ બોલીએ છીએ. દ્રાક્ષ ખાટી છે. ભૌતિક સભ્યતા, અરે, વિલાસનાં સાધનો પણ ગરીબોને જરૂરી કામ પૂરું પાડવા માટે જરૂરી છે. જે ભગવાન મને અહીં રોટલી ન આપી શકે અને સ્વર્ગમાં અમર સ્થાન આપે, તેનામાં મને શ્રદ્ધા નથી.” હવે આથી વધુ ક્રાન્તિકારી અભિગમ, આથી વધુ જલદ ક્રાન્તિકારી મંતવ્ય ૧૮૯૩માં ક્યું હોઈ શકે? ગાંધીજીએ પણ એવું જ કહ્યું છે: “ભૂખ્યાની પાસે ભગવાન રોટલીના રૂપે આવે છે.” હવે, બન્નેની સમાનતા જુઓ. વળી, સ્વામીજી પોતાના દેશમાં શક્તિનો સંચાર કરવા માટે પશ્ચિમમાંથી વિચારો લેવાના પ્રખર હિમાયતી હતા. એમણે કહ્યું, યુરોપના પ્રચંડ ડાયનેમોમાંથી સંસારને ઝગમગાવી દે એવી જબ્બર વીજળી પેદા થાય છે. એ ઊર્જાની આપણને જરૂર છે. એ સ્વાતંત્ર્ય પ્રેમ, એ આત્મનિર્ભરતાનો જુસ્સો, એ અડગ સહનશીલતા, એ કાર્યકુશળતા, એ ધ્યેય પ્રત્યેની એકમેવ નિષ્ઠાની ગાંઠ, એ સતત સુધારણાની તૃષાની આપણને જરૂર છે.” એમણે પાશ્ચાત્ય સમાજમાં આ બધા ગુણો આજથી એક સદી પહેલાં જ ભાળી લીધા હતા. તેઓ સારું અને નરસું જોઈ શક્યા અને સંતુલન સાધી શક્યા. તેઓ બન્ને બાજુ જોઈ શક્યા. તેઓ નરસું છોડીને સારું પસંદ કરી શક્યા. એટલે એમનામાં શુદ્ધ નિષ્ઠા હતી. આપણે કહીએ છીએ તેમ એમનામાં સમદૃષ્ટિ હતી. લોકોના અધિનાયક બનનારા કોઈ પણ સંતમાં આ મહાન લક્ષણ ગણાય.

ઈ. સ. ૧૮૮૬માં શ્રીરામકૃષ્ણના અવસાન પછી એમના પટ્ટશિષ્ય તરીકે સ્વામી વિવેકાનંદ તખ્તા પર આવ્યા ત્યારે દક્ષિણેશ્વરના સંતે એમનું જીવનકાર્ય નિરૂપ્યું હતું. તેનાથી ઘણા મોટા સામાજિક ફલક પર સ્વામીજીએ કાર્ય કરવાનું હતું. આપણા દેશમાં પુરાતન કાળથી ઈસુ પૂર્વે પાંચમી સદીમાં બુદ્ધનાં પરિભ્રમણો, ઈસુની આઠમી સદીમાં શંકરાચાર્યનાં પરિભ્રમણોમાંથી દેખાય છે તેમ ભારત પરિક્રમા આધ્યાત્મિક મહાત્માઓના શિક્ષણનું અવિભાજ્ય અંગ રહી છે. ઈ. સ. ૧૮૮૮માં સ્વામી વિવેકાનંદે ભારતના બીજા પ્રદેશોમાં રહેતા ધર્માત્માઓના સંપર્કમાં આવવા માટે આવી યાત્રા આરંભી. તેઓ આખા દેશના સામાજિક અને આધ્યાત્મિક વાતાવરણનો સમગ્રપણે ખ્યાલ મેળવવા માગતા હતા. વાસ્તવમાં એક સામાન્ય હિન્દુના જીવનમાં વાનપ્રસ્થનો અર્થ એ જ છે. એ કોઈ એક જગ્યાએ રહી ન શકે. પોતાના ઘરમાં પણ નહિ. એણે પોતાનું ઘર છોડવાનું છે. એક સ્થળેથી બીજા સ્થળે વિચરણ કરતા રહેવાનું છે. લોકોમાંથી શીખવાનું છે. પોતે જીવનમાંથી જે શીખ્યો છે તે લોકોને આપવાનું છે. આ જાતનું સંપૂર્ણ શિક્ષણ એક સામાન્ય ભારતીયના જીવનમાં વણાયેલું છે. પરિક્રમાનો ખરો અર્થ એ જ છે. મહાપુરુષોની વાત કરો તો તેઓ આખા દેશમાં પરિભ્રમણ કરે છે. નાના માણસો આખા દેશમાં ફરી ન શકે. એટલે જ્યાં જઈ શકે ત્યાં જાય.

પ્રેરણાપૂર્ણ દર્શન

ભારત પરિક્રમાએ ભારતની આધ્યાત્મિક એકતા અંગેની એમની સમજણને વિસ્તારી, વધારે ઊંડી બનાવી. તે સાથે જ એમને સામે પડેલા રાષ્ટ્રીય પુરુષાર્થનું મૂલ્યાંકન કરવાની તક મળી. સ્વામીજી પોતાના આધ્યાત્મિક વિચરણના અંતે, આજે આપણે સૌ જ્યાં એકત્ર થયા છીએ ત્યાં, ભારતીય દ્વીપકલ્પના દક્ષિણાગ્ર કન્યાકુમારી આવ્યા. એમણે કન્યાકુમારીમાં રહીને એક રાત જાગતાં જ વિતાવી અને પોતે પરિક્રમા દરમ્યાન જે કંઈ જોયું, સાંભળ્યું હતું તેના ઉપર વિચાર કર્યો. આ વિચારમાળા દરમ્યાન, રાત્રિની શાંત ક્ષણોમાં એમને સ્ફુર્યું, ભારતનું પ્રેરણાપૂર્ણ દર્શન, વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોની ગૂંથણી દ્વારા બનેલી પરંતુ વાસ્તવમાં એક ઉદાર અને સર્વસ્પર્શી સાંસ્કૃતિક એકતામાં બંધાયેલી આધ્યાત્મિક અને સામાજિક અસ્મિતાનું પ્રેરણામંડિત દર્શન. આ વિચાર પ્રક્રિયા દરમ્યાન સ્વામીજીએ જોયું કે એક નવી આધ્યાત્મિક અને સામાજિક રાષ્ટ્ર ચેતના દ્વારા નિર્બંધ, પ્રજાતાંત્રિક અને તેમ છતાં દૃઢ અને સામંજસ્યપૂર્ણ ભારતની એકતા મજબૂત કરવા અને સામાન્ય જનની હાલત સુધારવા માટે સંનિષ્ઠ સંન્યાસીઓ શો ભાગ ભજવી શકે છે. ત્યારથી આ એમનું જીવનકાર્ય બની ગયું.

સ્વામી વિવેકાનંદે પોતાની ભારત પરિક્રમાના છેલ્લા તબક્કામાં જે નિર્ણય લીધો, તેનો એમની આધ્યાત્મિક કારકિર્દી પર બહુ ઊંડો પ્રભાવ પડ્યો. ઈ. સ. 1893માં શિકાગોમાં વિશ્વધર્મપરિષદ મળી. સ્વામીજી સનાતન ધર્મની પોતાની સમજ આ પરિષદ સમક્ષ મૂકવાનો થોડો વખત વિચાર કરતા રહ્યા. પરિક્રમાના અનુભવથી એમને વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવાનું પ્રોત્સાહન મળ્યું. સપ્ટેમ્બર 1893માં આ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામીજીએ મેળવેલી આધ્યાત્મિક સિદ્ધિને બરાબર સમજવા માટે 19મી સદીનાં છેલ્લાં પચ્ચીસ વર્ષ દરમ્યાન પશ્ચિમી જગત હિન્દુ દર્શન તરફ કઈ દૃષ્ટિએ જોતું હતું તેનો જરા વિચાર કરવો પડશે. આજે એ બહુ જરૂરનું છે કારણ કે આપણે તે પછી ઘણા આગળ નીકળી ગયા છીએ. હિન્દુ ધર્મ આજે માત્ર ધર્મ નથી રહ્યો. ઘણાય ધાર્મિક નેતાઓએ વિદેશ જઈને અદ્ભુત છાપ પાડી છે. પરંતુ ભારતમાં હજુ પણ કશુંક એવું ગોઝારૂં બનતું રહે છે કે હિન્દુ ધર્મનું દુનિયાભરમાં નામ ખરાબ થાય છે. આપને યાદ આપું કે આપણા દેશમાં હમણાં જ આવી ઘટના બની છે.

19મી સદીના પાછલાં પચીસ વર્ષ દરમ્યાન ભારત બ્રિટિશ સામ્રાજ્યવાદના ચરણોમાં ચંપાઈ ગયું હતું. દુનિયા ભારતને ગરીબાઈ, કર્મકાંડ અને વહેમના ઘર તરીકે પિછાણતી હતી. દુનિયા માનતી હતી કે ભારત પાસે નૈતિક દર્શન નથી. એક વિખ્યાત અંગ્રેજે હિન્દુઓના ધર્મને અશુદ્ધ દેવી દેવતાઓ, લાકડા અને પથ્થરના રાક્ષસો, એમની કપોળકલ્પિત કથાઓ અને ખોટા સિદ્ધાંતો અને ભ્રષ્ટ રીતરસમો તેમ જ ઠગાઈભરી જોહુકમીવાળી મૂર્તિપૂજા તરીકે ઓળખાવ્યો. આ સ્થિતિમાં સ્વામી વિવેકાનંદે પશ્ચિમી સમાજને ભારતની સાચી પિછાણ કરાવી. એમણે માતૃભૂમિની જે સેવા કરી તેનું એ સાચું પ્રમાણ છે.

શિકાગો સંબોધન

સ્વામી વિવેકાનંદના શિકાગો સંબોધને પરિષદમાં અને ખરેખર તો આખા પાશ્ચાત્ય જગતમાં એક જગાવ્યો. સ્વામી વિવેકાનંદે એક જ ઝાટકે હિન્દુઓના સનાતન ધર્મ વિશેની પશ્ચિમી જગતની છાપ બદલી નાખી. પરિષદના એક ડેલિગેટે કહ્યું તેમ એ ધર્મસભામાં વિવેકાનંદ નિરપવાદ સૌથી વધુ લોકપ્રિય અને પ્રભાવશાળી રહ્યા. શિકાગોના એક આગળ પડતા વર્તમાનપત્રે એમને પડછંદ વ્યક્તિત્વસંપન્ન અને પોતાના સ્થિતિસંયોગ ઉપર પ્રભુત્વ ધરાવનારા તરીકે ઓળખાવ્યા.

સ્વામી વિવેકાનંદના આ ઉદાર દર્શનને આજે આપણા દેશમાં રાષ્ટ્ર ચેતનાના પ્રસાર સાથે આપણે કેમ સાંકળી શકીએ? આપણી સમક્ષ આજે આ પ્રશ્ન છે અને એ કંઈ સહેલો પ્રશ્ન નથી. આજે આપણા દેશની જુદીજુદી ધાર્મિક કોમો વચ્ચે જે ખાઈ પેદા થઈ છે સ્વામીજીના જીવન અને દર્શનની મદદથી કેમ પૂરી શકીએ. આ કામ કઈ રીતે થઈ શકે? આ સવાલના જવાબ સામાન્ય રાજકારણીઓ કરતાં આપણા દેશના જુદાજુદા ધર્મોના નેતાઓ વધુ સારી રીતે આપી શકે કારણ કે આધ્યાત્મિક બાબતોની અને લોકોની ઊંડી વેદનાની એમને વધુ સારી સમજ હોય છે. આમ છતાં, હું એ વાત ઉપર ભાર મૂકવા માગું છું કે આજે જવાબોની તાતી જરૂર છે. જવાબો હમણાં જ જોઈએ. સમય બગાડવો આપણને પાલવે તેમ નથી કારણ કે આપણે સ્પષ્ટ જવાબો મેળવી નહિ શકીએ, આપી નહિ શકીએ, લોકોને સમજાવી નહિ શકીએ કે એમને ગળે નહિ ઉતારી શકીએ કે આ જવાબો એમના જીવનમાં અને રાષ્ટ્રના જીવનમાં પરિવર્તનો લાવશે, તો ભારત ઉપર મહાસંકટ ત્રાટકશે. આપણે આ કામ કેટલું ત્વરાથી કરી શકીએ એમ છીએ? સવાલ જ એ છે. અત્યારે એની જેટલી જરૂર છે તેટલી ક્યારેય નહોતી. હું સંપૂર્ણ નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે મારી મર્યાદિત સમજશક્તિ પ્રમાણે સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મપરિષદ સમક્ષ જે સહિષ્ણુતા અને ઔદાર્યનો, બધા ધર્મોના ભાઈચારા અને મિત્રતાનો સંદેશ આપ્યો હતો અને બધા આધ્યાત્મિક અનુભવોની આંતરિક એકતાની વાત કરી હતી તે હિન્દુઓ, મુસલમાનો, ખ્રિસ્તીઓ, શીખો અને બધા ધર્મો માટે સો વર્ષો પહેલાં હતું તેટલા જ પ્રમાણમાં આજે પણ ઉપયોગી

સુસંવાદી સમાજજીવન માટે

સ્વામીજીએ ગઈ સદીની છેલ્લી પચીસીમાં સનાતન ધર્મનો જે સાચો આત્મા પારખ્યો તેવો જ આજે છે અને સ્વામીજીએ પોતાના પ્રેરણાદાયી શબ્દોમાં એનું પ્રતિબિંબ પાડ્યું છે. આજે આપણે દેશમાં રાષ્ટ્ર ચેતના જગાવવા માગીએ છીએ તેમાં કદાચ આપણા ધર્મના ઉદાત્ત અને શાશ્વત તત્ત્વોમાંથી કરેલું દોહન બહુ ઉપયોગી થાય અને આપણે દેશમાં નૈતિક ગૌરવ અને ભૌતિક સંપન્નતા સાથે જીવતા સુસંવાદી સમાજનું નિર્માણ કરી શકીએ. આજે આપણે સ્વામી વિવેકાનંદના જીવન અને કાર્યોને યાદ કરીએ છીએ ત્યારે એમને આપણી સર્વશ્રેષ્ઠ અંજલી એ જ હોઈ શકે.

સત્ય, એકતા અને એકાત્મતા તરફની આ મહાયાત્રામાં રાજકારણીઓ, સામાજિક કાર્યકરો, દેશના દરેકે દરેક નાગરિકે જોડાવાનું છે.

પરંતુ સૌથી વધુ જરૂર ધર્મપુરુષો, આધ્યાત્મિક મહાનુભાવોના માર્ગદર્શનની છે. આ દેશમાં એવા લોકોની સંખ્યા નાની નથી. એમને એકત્ર કરી શકાય, એ લોકો એકઠા મળી શકે, તેઓ પોતાના વિચારો વ્યક્ત કરે અને આપણને માર્ગદર્શન આપે તો દેશ જીવન માટે ઉત્તમ ધામ બની જાય.

હું એક તરસ્યા પ્રવાસી જેવો છું. હું ભારતના પ્રધાનમંત્રી તરીકે કોઈની પણ પાસેથી, ભારતના જ્ઞાનીઓ પાસેથી આ માર્ગદર્શન માગું છું. હવે ભારતે લેવાનો છે તે માર્ગ હું શોધું છું. બીજો કોઈ વિકલ્પ નથી.તરસ્યા પ્રવાસીની જેમ જ્યાંથી મળે ત્યાંથી ખોબાભર તાજું પાણી શોધું છું. મને કહેતાં દુ:ખ થાય છે, શરમ આવે છે કે થોડા દિવસ પહેલાં હું પાણીની ભ્રાંતિમાં ઝાંઝવાના જળ પાસે અટક્યો હતો. હવે આપણે આ ઝાંઝવામાંથી બહાર આવીએ છીએ. દેશ મૃગજળને કિનારેથી પાછો ફરવા લાગ્યો છે. હવે આપણે સત્ય ભણી જવાનું છે અને આજની સભા જેનો જયનાદ કરે છે તે ભારત પરિક્રમા અને આજથી શરૂ થતા રાષ્ટ્ર ચેતના વર્ષે આપણને સત્ય તરફ જ લઈ જવાનું છે. આ મારી આપને પ્રાર્થના છે. દેશના રાજકીય, સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક નેતાઓ – દરેક જણને મારી વિનંતી છે કે ખભેખભા મિલાવીને રથને સારો. આપણા દેશ ઉપર, દેશના ભવિષ્ય ઉપર તોળાતું મહાસંકટ હરો. મને વિશ્વાસ છે કે સંકટ દૂર થશે. પરંતુ એ કાર્ય જેમ બને તેટલું જલદી આપણે કરવાનું છે.

આ અનુરોધ છે અને આટલો અનુરોધ કરવા માટે જ હું છેક દિલ્હીથી કન્યાકુમારી આવ્યો છું. આ અનુરોધનું પુનરાવર્તન કરવા હું ધરતીના છેડા સુધી જવા તૈયાર છું. આ અપીલ બહેરા કાને અથડાય એવું હું ઇચ્છતો નથી. હું ઇચ્છું છું કે સૌ આ અપીલ કાને ધરે કારણ કે એમાં જ ભારતની મુક્તિ છે અને એમાં જ, જેના માટે આપણે પુરુષાર્થ કરીએ છીએ તે, ભારતનું ભવિષ્ય છે.

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.