ઈશ્વર ઘણી વાર ગૂઢ રસ્તે કામ કરે છે. કલકત્તાની એક વિખ્યાત ધનિક મહિલા રાણી રાસમણિએ ઘણા લાંબા સમય પહેલાં કાશી-યાત્રાનો કાર્યક્રમ ઘડી રાખ્યો હતો. બધી તૈયારી થઈ ચૂકી હતી અને ઊપડવાનો આખરી તબક્કો હતો ત્યારે તેમને જગદંબાએ સ્વપ્નું આપ્યું અને તેમાં યાત્રા કરવાને બદલે મંદિર બંધાવવાની આજ્ઞા કરી. આમ, દક્ષિણેશ્વરનું મંદિર અસ્તિત્વમાં આવ્યું.

શ્રીરામકૃષ્ણે એક વાર કહેલું, “રાણી રાસમણિ શક્તિરૂપે અવતરેલ આઠ નાયિકા માંહેનાં એક હતાં. આ જગતમાં જગદંબાની ભક્તિનો ફેલાવો કરવા તે અવતર્યાં છે.” છેલ્લી સદીની અધવચ્ચે ભારતની આ મહાન મહિલાએ એક એવો મંચ પૂરો પાડ્યો, જેના પર શ્રીરામકૃષ્ણે તેમનું દિવ્ય રૂપક ત્રીસ વર્ષ સુધી ચલાવ્યું. કલકત્તા ચાર માઈલ ઉત્તરે ગંગા પર એક સુંદર બાગમાં સમગ્ર કથા શરૂ થઈ. ભગિની નિવેદિતાએ કહ્યું છે, “માનવ સહજ રીતે કહીએ તો શ્રી દક્ષિણેશ્વરના મંદિર વિના રામકૃષ્ણ ન હોત અને રામકૃષ્ણ વિના વિવેકાનંદ ન હોત અને વિવેકાનંદ વિના પાશ્ચાત્ય ઢબનું મિશન ન હોત!”

કલકત્તાથી આશરે ૩૦ માઈલ ઉત્તરે ગંગાના પૂર્વ કિનારે એક નાના ગામ, કોનામાં સપ્ટેમ્બર ૧૭૯૩માં રાણી રાસમણિ જન્મ્યાં. એમનું પાડેલું નામ રાસમણિ હતું પણ જ્યારે તે દોઢ વર્ષનાં હતાં ત્યારે માતાએ હુલામણું નામ ‘રાણી’ રાખ્યું હતું. પિતા હરેકૃષ્ણ ઘણા પવિત્ર અને સાદા હતા અને ઘણા ગરીબ હતા. પિતાએ ખેતી કરી, ગામનાં છાપરાં સમારીને કુટુંબનું ગુજરાન ચલાવ્યું. ગરીબ કુટુંબનાં બાળકો ટાઢ, તાપ અને વરસાદમાં અને પૂરતા પોષણ વિનાના આહાર વડે રહે છે. જન્મથી જ તેમણે સંઘર્ષ કરવાનો હોય છે. બચપણથી જ તે મજૂરી કરનાર હોય છે. રાસમણિ સાવ કિશોરી હતાં ત્યારે પિતા માટે ખેતરમાં ભાત લઈ જતાં, માતાને ઘરકામમાં મદદ કરતાં અને વાડીમાંથી શાકભાજી વીણતાં. બીજાં ગરીબ બાળકોની પેઠે એ કદી કશું માગતાં નહિ અને “આ કામ મારાથી નહિ થાય” એમ કહેતાં કોઈએ એમને સાંભળ્યાં નથી. પિતાએ પોતાની વાડીમાં આંબાની ડાળ સાથે બાંધી આપેલ હીંચકે બહેનપણીઓ સાથે હીંચકવું એ તેમની મનગમતી રમત હતી.

હરેકૃષ્ણ ભલે એક ખેડૂત હતા પણ બંગાળી લખવા-વાંચવાનું જાણતા અને તે એમણે પોતાની બાળકીને શીખવ્યું. આપણા પરંપરાગત ધાર્મિક સાહિત્યમાંથી વાર્તા કહેવાની તેમને ફાવટ હતી. એક કથાકારની પેઠે ગામડાના આમશિક્ષણના ફેલાવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને ગામલોકોએ તેમની આ શક્તિનો લાભ પણ લીધો. સાંજે સૌ તેમના ઘેર ભેગા મળતા અને રામાયણ, મહાભારત, પુરાણમાંથી સંગીત અને નાટ્યક્ષમ વાચન સાંભળતા. રાસમણિ પણ આ વાતો સાંભળતાં અને આમ તેમની બચપણની કલ્પના અને બુદ્ધિનો વિકાસ થયો.

રાસમણિનાં માતાપિતા ચુસ્ત વૈષ્ણવ હિંદુ ત્રિમૂર્તિ માંહેના એક દેવ વિષ્ણુનાં અનુયાયી હતાં. પૂજાપાઠ કરતાં પહેલાં કપાળમાં તિલક કરવાનો રિવાજ હતો. રાસમણિને તેનું અનુકરણ કરવું ખૂબ ગમતું. અરીસા સામે બેસી તે પણ ટીલું કરતાં. આવી રીતે ધર્મનાં બીજ તેમના મનમાં રોપાયાં, જે આગળ જતાં કૉળી ઊઠ્યાં. તેમને ઈશ્વર પર અપાર શ્રદ્ધા અને પ્રેમ હતો. તેમનું ચારિત્ર્ય નિર્મળ અને બીજા ઉમદા ગુણોથી ભરેલું હતું. રાસમણિની ઉમર સાત વર્ષની હતી ત્યાં જ તેમનાં માતા રામપ્યારી સખત તાવથી મૃત્યુ પામ્યાં. નાની બાળકી માટે આ જબરદસ્ત આઘાત હતો. સંબંધીઓ પટાવવા લાગ્યાં, “તારી બા તો સાજી-નરવી થવા ગયેલ છે અને તરત પાછી આવશે.” પણ તે તો સમજી જ ગયાં હતાં કે, તેમની મા મૃત્યુ પામ્યાં છે. એમના હૃદયનો સંતાપ સમય જતાં શમ્યો.

આ પુત્રી સાથે હરેકૃષ્ણના પરિવારમાં બે પુત્રો અને એક બહેન હતાં. દુ:ખ અને ગરીબાઈએ તેમના હૃદયને વલોવી નાખ્યું હતું પરંતુ ઈશ્વરશ્રદ્ધાના બળે તેઓ જીવી ગયાં. ચાર વર્ષ પસાર થયાં અને બીજી સમસ્યા ખડી થઈ. હરિકૃષ્ણને રાસમણિનાં લગ્ન માટે ચિંતા થવા લાગી. એ માટે સારી એવી રકમની જરૂર હતી. જો કે રાસમણિ ફક્ત અગિયાર જ વરસનાં હતાં પણ તે વધુ મોટાં લાગતાં અને વળી તેઓ ખુબસૂરત કિશોરી હતાં.

એક દિવસ ૧૮૦૪ની વસંતમાં કેટલાક ગામલોકો સાથે રાસમણિ ગંગાસ્નાન માટે ગયાં. એમને ખબર નહોતી કે દૂર હોડીમાંથી કેટલાક લોકો તેમને જોતા હતા. કલકત્તાના જાન બજારમાં મોટા જમીનદાર પ્રીતરામદાસના પુત્ર રાજચંદ્ર દાસ હતા. રાજચંદ્ર બે વાર પરણ્યા હતા. પણ બન્ને વાર તેમની પત્ની ગુજરી ગઈ એટલે ફરી પરણવાની તેમની ઈચ્છા નહોતી. એમના પિતા ગમેતેમ તેમને ફરી પરણાવવા માગતા હતા, જેથી તેમનો વંશવેલો ચાલતો રહે. પ્રીતરામના મોટા પુત્ર હરચંદ્ર નિ:સંતાન જ વહેલા ગુજરી ગયા હતા.

ત્રિવેણીના પવિત્ર સંગમ સ્નાન માટે તેમજ ફરવાની મોજ ખાતર રાજચંદ્ર ઘણી વાર મિત્રો સાથે રાસમણિના ગામ પાસે ત્રિવેણીમાં આવતા. રાજચંદ્રના મિત્રોએ જ્યારે દૂરથી રાસમણિને બતાવ્યાં તો તે ખૂબ પ્રભાવિત થયા. રાજચંદ્રની સંમતિથી મિત્રોએ હોડીનું લંગર નાખ્યું અને રાસમણિ વિશે પૃચ્છા કરી કલકત્તા પાછા ફર્યા. સમાચાર સાંભળી પ્રીતરામ ખુશ થયા. એમણે તરત વિવાહનો પ્રસ્તાવ લઈ ખેપિયાને હરેકૃષ્ણ પાસે મોકલ્યો. અને હરેકૃષ્ણે ઈશ્વરદત્ત પ્રસ્તાવ હોય એમ માની એ સ્વીકારી લીધો. એપ્રિલ ૧૮૦૪માં રાજચંદ્રના કલકત્તાના નિવાસે લગ્ન લેવાયાં.

રાસમણિના સસરા પ્રીતરામ એક બુદ્ધિશાળી અને ઘડાયેલા માણસ હતા. ૧૭૫૩માં તે એક ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા. તે નાના હતા ત્યાં જ તેમનાં માતાપિતા ગુજરી ગયાં અને કાકીએ તેમને ઉછેર્યા. કલકત્તામાં એક સૉલ્ટ એજન્સી – નમક વિતરક કંપનીમાં તેમણે કારકુન તરીકે નોકરી લીધી. અને પછી નાટોર (પૂર્વ બંગાળ, હાલ બાંગ્લા દેશ)માં એક મોટી જાગીરના મેનેજર બન્યા. પછી તેમણે કલકત્તામાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો. એમના ઘણા વ્યવસાયોમાં રાજકર્તા અંગ્રેજોને ચીજવસ્તુઓ પૂરી પાડવાનો પણ એક વ્યવસાય હતો. એથી તેમણે તે લોકો સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા. ક્રમશ: તેમણે ઘણી જાગીરો ખરીદી અને તેઓ એક વિખ્યાત જમીનદાર બન્યા. જ્યારે પ્રીતરામ ૧૮૧૭માં ગુજરી ગયા ત્યારે તેમના પુત્ર રાજચંદ્રને વારસામાં સાડા છ લાખ રૂપિયા રોકડા અને મિલકતો મળી.

‘પૈસો પૈસાને તાણી લાવે છે.’ એવું કહેવાય છે કે, રાજચંદ્ર એક હરરાજીમાંથી એક જ દિવસમાં પચાસ હજાર કમાયા. પિતાની પેઠે રાજચંદ્ર પણ એક ઘણા સફળ માનવી હતા. તે હંમેશાં કોઈ નિર્ણય લેતા પહેલાં અર્ધાંગી રાસમણિની સલાહ લેતા. જો કે તેમને શિક્ષણ ઘણું ઓછું મળ્યું હતું છતાં રાજચંદ્ર પત્નીની સૂઝ, સામાન્ય સમજ, કુનેહ અને નમ્રતાની ખૂબ પ્રશંસા કરતા અને કદર બૂજતા. સામાન્ય રીતે ધન માનવીને અહંભાવી અને મિજાજી બનાવે છે. પણ ગામડાની સાધારણ છોકરી રાસમણિમાં કોઈ ફેર પડ્યો નહિ. તેમની શાંત પ્રકૃતિએ ઘરનાં તમામનાં હૃદય જીતી લીધાં. તે પતિની સેવા કરતાં, રસોડાની અને અન્ય કામકાજની સંભાળ રાખતાં અને ગામડાના ઘરમાં જે રીતે કરતાં તે જ રીતે પૂજાપાઠ કરતાં અને વિધિનિષેધ પાળતાં.

પોતાની અમાપ અસ્કામતો સંઘરી રાખવાને બદલે રાજચંદ્ર અને રાસમણિએ ઘણી સખાવતી યોજનાઓ કરી. દલિત, પીડિત અને દરિદ્રીઓ માટે તેમનું હૃદય રડી ઊઠતું. ૧૮૨૩માં પૂરને લીધે બંગાળાનો ઘણો ભાગ ધોવાઈ ગયો. ત્યારે અસરગ્રસ્તોને ખવડાવવા અને તેમનાં ઘરબાર વસાવવા રાસમણિએ ઉદારતાથી પૈસા વહાવ્યા. એ જ વરસમાં તેમના પિતાનું મૃત્યુ થયું. મૃત્યુ પછીની ઉત્તરક્રિયા માટે તે ગંગાના ઘાટ પર ગયાં ત્યારે તેમણે સ્નાનઘાટની દુર્દશા જોઈ. તેમણે પતિને નવો ઘાટ અને ઘાટ સુધી જતો રસ્તો બનાવવા વિનવ્યા. ભારતના ગવર્નર જનરલ લોર્ડ બેન્ટિકે આ યોજના માટે રાજચંદ્રને પરવાનગી આપી અને આમ ‘બાબુઘાટ’ અને ‘બાબુ રોડ’ (હવે રાણી રાસમણિ રોડ) બંધાયા. રાજચંદ્રે પોતાની માતાની સ્મૃતિમાં કલકત્તાના પશ્ચિમ વિભાગ, આહિરતલામાં એક બીજો સ્નાનઘાટ બંધાવેલો અને રાસમણિની વિનંતીથી નીમતલામાં સ્મશાનઘર બનાવ્યું. સરકારી પુસ્તકાલયની સુધારણા માટે તેમણે દસ હજાર રૂપિયા આપ્યા. કલકત્તાની ઉત્તરે ચૌદ માઈલ, તાલપુકુરમાં બાલિયાઘાટ નહેર પાર કરવા મફત નૌકાનો પ્રબંધ કર્યો. પાણીની અછત નિવારવા એક મોટું તળાવ ખોદાવ્યું.

રાજચંદ્ર તેમની સત્યપ્રિયતા અને ઉદારતા માટે વિખ્યાત હતા. એક વાર તેમના સાળાની વિનંતીથી તેમણે એક અંગ્રેજ વેપારીને ૧ લાખ રૂપિયા ઉધાર આપવા વચન આપ્યું. તે રાત્રે તેમણે સમાચાર સાંભળ્યા કે પેલી કંપની ફડચામાં જવાની છે અને તેથી તે વેપારી ઇંગ્લેંડ પાછો જવાનો છે. પણ સવારમાં જ્યારે પેલો વેપારી પૈસા લેવા આવ્યો ત્યારે રાજચંદ્રે રૂપિયા આપ્યા. કોઈકે કહ્યું પણ ખરું કે, વેપારી જ્યારે દેવાળું કાઢવાનો છે એ જાણ્યું છતાં એને પૈસા માટે ના કેમ ન પાડી? રાજચંદ્રે જવાબ આપ્યો, “હા પાડ્યા પછી ના પાડવાનું હું શીખ્યો નથી.”

તેમની પ્રામાણિકતા, ન્યાયવૃત્તિ, ઉદારતા અને પરોપકારની પ્રવૃત્તિ માટે બ્રિટિશ રાજકર્તાઓએ રાજચંદ્રને ૧૮૩૩માં ‘રાય બહાદુર’ (માનવીના નેતા) ખિતાબથી નવાજ્યા. કુમાર દ્વારકાનાથ ટાગોર, (રવીન્દ્રનાથ ટાગોરના પ્રપિતા), અક્રૂર દત્ત, કાલીપ્રસન્ન સિંહા, સર રાજા રાધાકાન્ત દેવ, લૉર્ડ ઑકલેંડ (ભારતના ગર્વનર જનરલ), જ્હોન બેબ અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના બીજા ઘણા ખ્યાતનામ સભ્યો તેમના અંતરંગ મિત્ર હતા.

રાસમણિ અને રાજચંદ્રને ચાર પુત્રીઓ હતી. પદ્મામણિ, કુમારી, કરુણા અને જગદંબા. તેઓ પાશ્ચાત્ય રીતરિવાજ અને સમૃદ્ધિથી ઘેરાયેલા હતા છતાં તેમણે પુત્રીઓનું પરંપરાગત હિંદુ ઘરેડમાં ઘડતર કર્યું હતું.

૧૮૨૧માં કલકત્તા જાનબજારમાં પરિવાર માટે ૨૫ લાખના ખર્ચે તેમણે નવું ઘર બનાવ્યું. એમાં સાત વિભાગ અને ૩૦૦ ખંડો છે. એને પૂરું થતાં આઠ વર્ષ લાગ્યાં. આ મહેલ હાલ રાણી રાસમણિની કોઠી તરીકે ઓળખાય છે. મહેલનો પહેલો ભાગ પરિવારદેવતા રઘુવીર (રામચંદ્ર)ને અર્પણ કરેલો હતો. ઉનાળાના એક ગરમીના દિવસે રાજચંદ્ર મધ્યાહ્ને વામકુક્ષી કરતા હતા, ત્યારે એક અલમસ્ત અને ગંઠાઈ ગયેલી જટાવાળા સાધુ તેમને મળવા આવ્યા. પહેલાં તો દરવાને સાધુને ટાળવાનો પ્રયત્ન કર્યો પણ અંતે મહેલના માલિકને મળવા તેમણે દરવાનને સમજાવ્યો. જ્યારે રાજચંદ્રને ખબર કર્યા કે, એક સાધુ તેમને મળવા આવ્યા છે ત્યારે તે દીવાનખાનામાં આવ્યા. સાધુએ તેમને ભગવાન રઘુનાથની મૂર્તિ ભેટ આપી અને કહ્યું, “તમે ભગવાનની સેવા કરજો. એ તમારું ભલું કરશે. હું દૂરના ધામની યાત્રાએ જાઉં છું. પાછો આવીશ કે નહિ તે જાણતો નથી.” રાજચંદ્રે બદલામાં કાંઈક લેવા કહ્યું. “હું માગણ સાધુ નથી.” સાધુ એમ કહેતાં હસીને તરત જ ત્યાંથી જતા રહ્યા. રાજચંદ્રે મોટા ઉત્સવ સાથે રઘુનાથની મૂર્તિ પૂજામાં પધરાવી.

૧૮૩૬માં એક દિવસ રાજચંદ્ર તેમની ગાડીમાં મુસાફરી કરતા હતા ત્યારે અચાનક મગજની ધોરી નસ ફાટી ગઈ અને બેઠક પર જ બેભાન થઈ ગયા. ગાડીવાન ઝડપથી ઘેર લાવ્યો અને રાજચંદ્રને તેમના ખંડમાં લાવવામાં આવ્યા. કલકત્તાના તમામ નામાંકિત ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા પણ કાંઈ વળ્યું નહિ. રાજચંદ્ર ૪૯ની ઉંમરે ગુજરી ગયા.

(ક્રમશ:)

(‘પ્રબુદ્ધ ભારત’માંથી સાભાર)

ભાષાંતરકાર : શ્રી જે. સી. દવે

Total Views: 275

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.