(ભક્તિરસના ૧૦૮ મણકાની માળા) મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’,

પ્રકાશક : આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી, કિંમત : દસ રૂપિયા

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ લિખિત ભક્તિરસના ૧૦૮ મણકાની માળા દાદા સ્વામી આનંદે ભાવથી ફેરવી છે. સ્વામી આનંદ લખે છે, ‘આ નાનકડી ભજનમાળાના અનેક મણકા અપાર ભક્તિરસમાં તરબોળ થઈને મેં ફરીફરી ફેરવ્યા છે, ને એના ગાનાર ભક્તકવિની ‘ધન વચન ધનવાણી’ એમ કહી વારંવાર મનોવંદના કરી છે. લગભગ એક એક ભજનમાં અંતરના તાર ઝણઝણાવી મૂકે એવી આરત, અભિવ્યક્તિ ને ભક્તહૃદયની નમ્રતા પડ્યાં છે.’

ભારતીય સંસ્કૃતિમાં શ્રીગણેશનું સ્થાન અનેરું છે. કોઈ પણ શુભકામની શરૂઆત ગણપતિ સ્તુતિ કે ગણપતિપૂજનથી થાય છે. અહીં સરોદે એ પરંપરા જાળવી રાખી છે.

‘ગણપતિ સમરું,
સમરું શારદા, સમરું સૃષ્ટિના સ્વામી રે,
ગુરુ હું મારા સમરું અંતરજામી હાજી રે.

શ્રી ગણેશને સ્મર્યા, પછી ‘ગુરુને લાગું પાય,’ ‘કર્યા ગુરુ મન માની’, ‘આતમગુરુકંઠી ભજનો ગુરુસ્મરણ અને ગુરુવંદનાના સ્વરૂપે લખાયાં છે. ‘કર્યા ગુરુમનમાની’ રામકૃષ્ણ પરમહંસ ઉપર લખાયેલું ભજન છે.

‘અનંત હે અદ્‌ભુત અપાર! હે પરમહંસ મહાજ્ઞાની!
રામકૃષ્ણ હરિભજન કાજ મને આપો શુદ્ધ મતિ બાની
રામ મેં કર્યા, ગુરુ મન માની.
આતમ ગુરુ કેરી કંઠી, બાંધી રે મેં તો આતમ ગુરુ કેરી કંઠી
એના રે આધારે મારે આકાશો ઊડવાં,
હું તો છું અલખ કેરો પંથી
બાંધી રે મેં તો આતમ ગુરુ કેરી

કંઠી ભજન ‘રામનામ’તો સમૂહમાં સાથે બેસીને ગાવા જેવું ભજન છે.

દુન્યવી પ્રેમ – સંબંધ નિઃસ્વાર્થ ભાગ્યે જ હોય છે, કોઈ ને કોઈ હેતુ એ એ સંબંધ પાછળ હોય જ છે આવી કોઈ વાત સરોદ ‘હેતુ વિના ન્હોયહેતે’ ભજનમાં કરે છે.

હરિ! અમે જાણ્યાં એ તારા સમેત,
જગમાં હેતુરે વિનાનાં ન્હોય હેત.
ઓરે દુનિયાના માલિક!
તારાય હેતનો જાણી લીધો છે અમે ભેદ;
તારી લીલાને કાજે સૃષ્ટિ બનાવી તે તો,
શાખ પૂરે છે તારા વેદ;

‘સૂણો રે સુરતા’ પણ સરસ ભજન છે. શિષ્ય અને ગુરુ, ભક્ત અને ભગવાનના સંબંધો શિષ્યની નિષ્ઠા અને ભક્તની ભક્તિ ઉ૫૨ જ નિર્ભર છે. અમે કાચાં હશું તો ફૂટી જાશું, સાચાં હશું તો ‘ક્ષુરસ્યધારા’ પર ચાલ્યા જઈશું એ ભાવનું આ ભજન છે :

‘અમે રે માટી કેરાં ફૂલડાં,
તમે રે પાણી કેરી ધાટ,
પાક્યાં રે હશું તો તમને ઝીલશું,
કાચેરાં લજવશું સંસાર’

સરોદનાં ખૂબ જ જાણીતાં ભજનો માંહેનું એક છે ‘ચાતક પીએ એઠું પાણી’. કલિ કાલની અનેક અમંગલ નિશાનીઓ આપણે સૌ જોઈએ છીએ. સરોદ લખે છે :

અવગતની એંધાણી, એ સંતો, અવગતની એંધાણી
કે ચાતક પીએ એઠું પાણી
કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા,
સંતની નિષ્ફળ વાણી, અવગત.

બાહ્યાચાર, વિધિ-વિધાન કે ફક્ત કપડાં રંગવાથી પ્રભુ પ્રસન્ન થતો નથી કે સમાજમાં સ્થાન ઊભું થતું નથી. ભીતર ભગવો છવાઈ જવો જોઈએ. ‘ભગતિ વિનાનાં ભગવાં’માં સરોદ લખે છે :

ભગતિ વિનાનાં ભગવાં નહિ રે નભે,
હરિ હેત આણ્યા વિના તું નથી નિરભે.
તારાં ભગતિ વિનાનાં ભગવાં નહિ રે નભે.

‘મહિયારણ મીરાં’ ‘મન બની રહ્યું છે મેરાં!’ વગેરે ભજનો પણ હૈયામાં સ્થાન જમાવી દે છે. પરંતુ કવિના દિવ્યલોકના અનુભવોનો અણસાર આપતાં ભજનો તો અદ્‌ભુત છે. આ રહ્યા એના અંશો –

‘જ્યોતિ લોકનાં શમણાં’
આ શું થયું છે મને હમણાં?
આવે જ્યોતિલોકનાં શમણાં!
કાલ મને આ સૃષ્ટિ ભાસતી, ઘોર તિમિરમય ભ્રમણા,
આજ નિહાળું તેજ-બાલકો, અહીતહીં કરતાં રમણા!
આ શું થયું છે મને હમણાં?

સરોદ જેવા મસ્ત મૌલાનાં ભજનો વધુ ને વધુ પ્રમાણમાં પ્રચલિત થાય તો આપણું જીવન પણ ભર્યું ભર્યું બની જાય. કવિની ઓળખાણ એમના જ શબ્દોમાં રજૂ કરી વિરમીશ :

આપ કરી લે ઓળખાણ એ સાચા શબદનાં પરમાણ
સાકર કહે નહિ, હું છું મીઠી, વીજ ન પૂછે મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચીઠ્ઠી, પેખ્યા માં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.

– ક્રાંતિકુમાર જોશી

Total Views: 401

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.