નોંધ : સ્વામી આત્મપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી, બેલુર મઠના ઉપકુલપતિ છે. ‘વેદાંત કેસરી’ના માર્ચ, ૨૦૧૩માં તેમના પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમતી પન્નાબેન પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
ઉત્પત્તિ
સ્વામી વિવેકાનંદે બેલુર મઠમાં યુનિવર્સિટીની કલ્પના કરી હતી. ૪ જુલાઈ, ૧૯૦૨માં તેમની મહાસમાધિ પહેલાં તેઓએ આગાહી કરી હતી, ‘બેલુર(મઠ)માં જે આધ્યાત્મિક પ્રભાવ ઊભો થયો છે તે પંદરસો વર્ષો સુધી રહેશે અને એ એક મહાન યુનિવર્સિટી બનશે. હું કલ્પના કરું છું, તેમ વિચારો નહીં; હું જોઉં છું.’
તેઓની મહાસમાધિના દિવસે તેમણે પોતાના ગુરુભાઈ સ્વામી પ્રેમાનંદને સૂચવ્યું હતું :
‘પ્રાચીન ભારતના આધ્યાત્મિક વારસાને અખંડ રાખવા અને તેનો આધુનિક વિજ્ઞાન સાથે સમન્વય કરવા બેલુર મઠમાં એક યુનિવર્સિટીની સ્થાપનાની જરૂર છે.’
બીજા એક પ્રસંગે સ્વામીજીએ લખ્યું હતું :
‘હવે આ (બેલુર) મઠને ક્રમશ : સર્વગ્રાહી મહાવિદ્યાલય તરીકે વિકસાવવાનું ધ્યેય છે.’
પાયો
સ્વામી વિવેકાનંદે જે પ્રકારની યુનિવર્સિટીનું સ્વપ્ન સેવ્યું હતું તે તો તેમના અનુયાયીઓ અને પ્રશંસકો માટે દાયકાઓથી માંડીને લગભગ સદી સુધી ગહન ચિંતનનો વિષય રહ્યો. ઘણા પ્રયાસો બાદ બેલુર મઠમાં ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી’ સ્થાપીને રામકૃષ્ણ મિશન સ્વામીજીની યુનિવર્સિટી સ્થાપવાની કલ્પના સાકાર કરવામાં સફળ બન્યું. બેલુર મઠના મુખ્ય મથક તરીકે બહુવિધ વિભાગોવાળી આ યુનિવર્સિટી ભારત સરકાર દ્વારા યુનિવર્સિટીના દરજ્જાવાળી એક સંસ્થા તરીકે પ્રસ્થાપિત થઈ.
યુનિવર્સિટી સ્થાપવાની આગાહી કરીને જે દિવસે સ્વામી મહાસમાધિ ૫ામ્યા હતા તેના સુભગ સાંયોગિકરૂપે સને ૨૦૦૫માં ૪થી જુલાઈના રોજ બેલુર મઠમાં રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષના વરદ હસ્તે તેનું ઉદ્ઘાટન થયું.
વ્યાપ-વિસ્તાર
સ્વામી વિવેકાનંદના આશીર્વાદ તથા ભારત સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના સક્રિય સહકારથી થોડા જ સમયમાં આ યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી. ખાસ કરીને એક દૃષ્ટિએ કેટલાક વણસ્પર્શ્યા અને ઉપેક્ષિત વિસ્તારો છે, જેના પ્રત્યે ભારતીય મહાવિદ્યાલયોનું પરંપરાગત શિક્ષણ મેળવવા યોગ્ય હોવા છતાં ભાગ્યે જ ધ્યાન અપાયું હતું એવા ઉપેક્ષિત વિસ્તારોની પસંદગી કરાઈ હતી. આ અંગેનું માર્ગદર્શન એકબાજુએ સ્વામીજીના ઉદ્ગારો અને લખાણોમાં વ્યક્ત થતી તેમની શિક્ષણ અંગેની દર્શનશક્તિથી પ્રાપ્ત થયું હતું; બીજી બાજુએ આ ક્ષેત્રોમાં પાછલા સૈકામાં તેનાં વિવિધ શાખા કેન્દ્રોમાં રામકૃષ્ણ મિશને જે વિકાસ સાધ્યો છે તેના પ્રાવીણ્યમાંથી મળ્યું હતું.
સ્વામીજીનું પાવનકારી નામ ધરાવતી આ યુનિવર્સિટીનું મુખ્ય લક્ષણ છે ગ્રામ્ય અને આદિવાસી જનસમૂહ પૈકીના અધિકાર વંચિત સામાન્ય માનવીને લાભાન્વિત કરવા પર ભાર મૂકવો.
સ્વામી વિવેકાનંદ જ્યાં રહ્યા અને મહાસમાધિ પામ્યા તે બેલુર મઠમાં વડુ મથક ધરાવતી યુનિવર્સિટી બેલુર મઠમાં અને દેશભરમાં ફેલાયેલાં રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રો દ્વારા કાર્યરત છે. જે પસંદગી પામેલા ‘ઉપેક્ષિત વિસ્તારો’ અને વિવિધ સ્થળોએ કાર્યાન્વિત છે તે નીચે મુજબ છે :
* ‘વિજ્ઞાન પુનર્વસન અને શારીરિક શિક્ષણશાળા’ના માધ્યમથી વિકલાંગતાનું વ્યવસ્થાપન અને ખાસ તાલીમ નીચે મુજબના વિભાગો સાથે ચાલે છે : (૧) વિકલાંગતા વ્યવસ્થાપન તથા ખાસ તાલીમ (૨) કોઈમ્બતુર તથા તામિલનાડુના રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રોમાં સામાન્ય તથા સ્વીકૃત શારીરિક શિક્ષણ અને યોગ.
* કૃષિશાળા અને ગ્રામ્ય વિકાસશાળા દ્વારા સંકલિત ગ્રામ્ય અને આદિવાસી વિકાસ નિર્દેશિત વિભાગો દ્વારા થઈ રહ્યો છે : (૧) સંકલિત ગ્રામ્ય વિકાસ અને વ્યવસ્થાપન બાયો ટેકનોલોજી વિભાગ (કૃષિ વિજ્ઞાન શાખા સાથે) રામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર, કોલકાતાનાં કેન્દ્રોમાં આવેલ છે. (૨) એ જ રીતે રામકૃષ્ણ મિશન, રાંચીમાં પણ આ વિભાગો કાર્યરત છે.
* ભારતીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો મૂલ્ય શિક્ષણ દ્વારા : ભારતીય વારસાની શાળા આ વિભાગો સાથે કાર્યરત છે : (૧) સંસ્કૃતનો અભ્યાસ. (ર) ભારતનો આધ્યાત્મિક વારસો. (૩) ભારતનો પૌરાણિક વૈજ્ઞાનિક વારસો. (૪) મૂલ્ય શિક્ષણ. બેલુરના પ્રાંગણમાં આ વિભાગો આવેલા છે. માનવતા તથા સામાજિક વિજ્ઞાનશાળામાં બંગાળી અભ્યાસ તથા દર્શનશાસ્ત્રનો અભ્યાસ પણ બેલુરના મુખ્ય પ્રાંગણમાં થાય છે.
* મૂળભૂત વિજ્ઞાન, શિક્ષણ અને સંશોધન : (૧) ગાણિતિક (ર) વિજ્ઞાન (૩) પદાર્થ વિજ્ઞાન (૪) કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ બેલુર મઠમાં તથા કોલકાતાના સ્વામી વિવેકાનંદના પૂર્વજોના મકાનમાં આવેલા ‘વિવેકાનંદ સંશોધન કેન્દ્ર’માં ચાલે છે.
* કૃષિ અને ગ્રામ્ય વિકાસશાળા દ્વારા પર્યાવરણ અને કુદરતી આફત નિવારણનો અભ્યાસ રામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર કેન્દ્રમાં થાય છે.
એવોર્ડ તથા માન્યતા
આ પશ્ચિમ બંગાળની એવી પ્રથમ ખાનગી યુનિવર્સિટી છે, જ્યાં સમર્પિત અને નિપુણ સંન્યાસીઓ શૈક્ષણિક કાર્ય, સંશોધન કાર્ય તથા સંચાલન સંભાળે છે. સ્વામીજીના આશીર્વાદથી આ યુનિવર્સિટી આશ્ચર્યજનક રીતે બહુ જ ટૂંકા ગાળામાં, ખાસ કરીને ગાણિતિક વિજ્ઞાનક્ષેત્રે સીમાચિહ્નરૂપ બની રહી છે. એ અત્યંત આનંદની વાત છે કે આપણા એક તેજસ્વી સંન્યાસી મહારાજને તેમના ગાણિતિક વિજ્ઞાન માટે પ્રતિષ્ઠિત શાંતિસ્વરૂપ ભટ્ટનાગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સૌ પ્રથમ વાર એવોર્ડના ઇતિહાસમાં પશ્ચિમ બંગાળની એક સંસ્થાના ગણિતજ્ઞે આ એવોર્ડ મેળવ્યો હોય એવું બન્યું છે. તેઓ ભારતના તાજેતરના ઇતિહાસમાં ઝળક્યા છે. સૌ પ્રથમ વાર એક સંન્યાસીને ગણિત જેવા વિષયમાં આવા વિશિષ્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હોય એ એક વિરલ ઘટના છે.
આગવી લાક્ષણિકતાઓ અને સમાજ પ્રત્યેની કટિબદ્ધતાને લીધે અમારી યુનિવર્સિટી વૈશ્વિક સ્તરે નવીનતાપૂર્ણ રીતે (Global University Network for Innovation – GUNI) યુરોપ આધારિત વૈશ્વિક જોડાણ ધરાવે છે તેથી જગતમાં તેની એક આગવી ઓળખ ઊભી થઈ છે. આ યુનિવર્સિટીએ શિક્ષણનાં ક્ષેત્રોમાં શારીરિક શિક્ષણને ‘યોગ’ તરીકે સ્વીકારીને યુનેસ્કોમાં પણ એક સ્થાન ઊભું કર્યું છે, જે સમગ્ર એશિયામાં ઉચ્ચતર શિક્ષણમાં સૌ પ્રથમ વાર બન્યું છે.
આગે કદમ
વિશિષ્ટ અધિકારથી વંચિત, બહુ જ અંતરિયાળ વિસ્તારના લોકોની સેવા માટે યુનિવર્સિટીએ આધુનિક તકનીકીની મદદથી ‘વિવેકદિશા’ નામે એક વિશિષ્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ સેટેલાઈટ અને ICT થી સુસજ્જ છે. ૧૪ જેટલાં (VRCs) ગ્રામ્ય સંપર્કકેન્દ્રો પશ્ચિમ બંગાળ તથા ઝારખંડના દૂરદૂરના વિસ્તારોમાં શિક્ષણ અને તબીબી સેવાઓ આપે છે.
એના વિસ્તરતી સેવાઓના ભાગરૂપે ‘વિવેકદિશા’ દ્વારા રવિવારે બાળકો માટે વિજ્ઞાનના વર્ગાેનું પણ આયોજન કરવામાં આવે છે. વિવેકદિશા પ્રોજેક્ટ દૂરંદેશી સેવાકેન્દ્રો ઊભાં કરીને શાળા તથા કોલેજ શિક્ષણની સેવાઓ વિસ્તારવા તત્પર છે.
એનો હેતુ બંગાળના દૂરસુદૂરના પછાત વિસ્તારોમાં શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓને Online અભ્યાસક્રમો, Internet દ્વારા સંપર્કવર્ગાે અને વિનામૂલ્યે વર્કશોપનું આયોજન કરવાનો છે. આ પ્રોજેક્ટ સ્વામીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે થશે. દૂરદૂરના ગ્રામ્ય વિસ્તારના હજારો ગરીબ વિદ્યાર્થીઓ હાલમાં વિવેકદિશા અંતર્ગત લાભ લઈ રહ્યા છે. તેમને આ પ્રોજેક્ટ દ્વારા વધુમાં વધુ તકો મળતી રહેશે એ નિ :શંક હકીકત છે.
સ્વામી વિવેકાનંદે સેવેલું બેલુર યુનિવર્સિટીનું સ્વપ્ન ક્રમશ : તબક્કાવાર વિકાસના પથ પર અગ્રેસર થતું જાય છે અને ચોતરફ તેની કીર્તિ પ્રસરાવે છે.
Your Content Goes Here




