સીધું હૃદયમાંથી જન્મેલું આ એક સંક્ષિપ્ત અને સુંદર ભાવઝરણ છે. પોતાનો જુદો ચોકો જમાવનારા, પુરાણા ‘મરજાદી’ અભિગમને સ્થાને, ખ્રિસ્તી ધર્મનો, ધાર્મિક વિવિધતાની ‘સ્વીકૃતિ’ની અર્વાચીન અભિગમ અહીં સાંપડે છે. આદરણીય લેખક સ્વિત્ઝરલેન્ડમાં વસે છે. – સં.

રામકૃષ્ણ મિશનની શતાબ્દિને પ્રસંગે, ‘પ્રબુદ્ધ ભારત’ દ્વારા અને કેટલાક સ્વામીઓના સીધા પરિચય દ્વારા હું જેને જાણતો થયો છું તે, સ્વામી વિવેકાનંદ સ્થાપિત રામકૃષ્ણ સંઘ પ્રત્યેની મારી આભારની લાગણી વ્યક્ત કરતાં હું આનંદ અનુભવું છું. રામકૃષ્ણ મિશનનું મહત્ત્વ મારી દૃષ્ટિએ શું છે અને, મારે માટે તથા અંશતઃ યુરોપીય વાચકો માટે, ભારતનો મહાન સંદેશ એ કેવી રીતે વ્યક્ત કરે છે તે, આ ટૂંકા લેખમાં, હું સમજાવવા ચાહું છું. એટલે, આ લખાણ અંગત સાહેદી જેવું થશે અને, ઔપચારિક લેખ લખવાને બદલે આમ કરવા બદલ હું ક્ષમા પ્રાર્થું છું.

સૅય્‌ન્ટ મોરિઝ (સ્વિત્ઝરલેન્ડ)માંના અમારા મઠના ફાધરોએ, ૧૯૪૭માં; પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં આવેલા કાલિમ્પોંગમાંના મિશનમાં કામે મોકલ્યો હતો. એ વેળાથી જ, રામકૃષ્ણ મિશનના સ્વામીઓ જોડે મારે થોડા સંપર્કો થયા હતા અને, ‘પ્રબુદ્ધ ભારત’નો હું નિયમિત વાચક બન્યો. મારી પ્રવૃત્તિના આરંભનાં વર્ષોથી જ ભારતીય આધ્યાત્મિકતાથી હું ખૂબ આકર્ષાયો હતો. કાલિમ્પોંગની અમારી સૅયન્ટ ઑગસ્ટાઈન શાળામાં ભણાવતાં અને હિમાલયના ડુંગરાળ પ્રદેશોમાંના ગામડાંઓમાં રહેતા લોકોને મળવા જતાં, ધાર્મિક શિક્ષણ આપતાં અને, પવિત્ર માસ (ઈસુના અંતિમ ભોજનનો પ્રસંગ)ના ઉત્સવ પ્રસંગે, હું ભારતીય સંસ્કૃતિ અને માનસમાં અવગાહન કરતો; આ માટે શંકર, રામાનુજ, ઉપનિષદો અને બીજી વિભૂતિઓનું તથા ભારતીય વિચારધારા અને દર્શનશાસ્ત્રનું વાચન કરતો. મારા જીવનનો આ ખંડ ભારતભૂમિમાં નિમજ્જનનો હતો, ભારત સાથેના જીવંત સંપર્કનો હતો અને એણે, મને એના આત્મા સાથેનો સંવાદ શક્ય કરી આપ્યો. અને ઘણાં વરસોથી હું યુરોપ પાછો આવી ગયો હોવા છતાં, એની એવી તો કાયમી અસર હેઠળ હું આવ્યો હતો કે એ હજી જળવાઈ રહી છે.

આમ, કાલિમ્પોંગ આસપાસની ટેકરીઓમાં પંદર વર્ષ ગાળ્યાં પછી, સંજોગવશ અમારા મઠમાં સ્વિત્ઝરલેન્ડ મારે પાછા આવવાનું થયું. પણ ભારતીય સંસ્કૃતિમાંનો મારો રસ કદી લુપ્ત થયો નહીં. એના જ્ઞાનના સંપર્કમાં હું સતત જ રહ્યો. મારે માટે, ભારત બીજી માતૃભૂમિ છે. આને લઇને ખ્રિસ્તી ધર્મમાંની મારી સંપૂર્ણ શ્રદ્ધાને કશી આંચ આવી નહીં અને પાશ્ચાત્ય જગતમાંનાં મારાં મૂળ પણ સુદૃઢ રહ્યાં. ઊલટું, આમ માનસિક રીતે પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય જગતમાં જીવવું એ ખૂબ રિસક અનુભવ છે.

ભારતીય આધ્યાત્મિકતાનો સંપર્ક, ઊભી થતી પરિસ્થિતિઓ પ્રત્યેનો ભારતીય અભિગમ અને કોયડાઓના ઉકેલની રીતે ખૂબ પ્રેરક અને ઉત્તેજક છે. આપણાં દૃષ્ટિબિંદુઓ વિશે પુનર્વિચારણા કરવા એ આપણને ફરજ પાડે છે અને બીજા તૃષ્ટિબિંદુઓ વડે તેમને સમૃદ્ધ કરે છે. અનિવાર્ય તનાવ છતાં બે ભિન્ન સંસ્કૃતિઓ અને ધર્મો વચ્ચેની આ ભેટ આપણા મન અને જીવનને ઊંડાણ આપતો આશીર્વાદ છે. આપણને ભાન થાય છે કે, લોકોની રાષ્ટ્રીયતા અને તેમનો ધર્મ ગમે તે હોય, ઈશ્વર જ સૌનું કેન્દ્ર, સૌનો સ્રોત અને સૌનું ધ્યેય છે અને, આપણે સૌ એનામાં એકત્ર થઈએ છીએ.

રામકૃષ્ણ મિશનની અને એના સામયિકની વાત પર પાછો આવું; દર મહિને આવતા ‘પ્રબુદ્ધ ભારત’નું વાચન, ભારતીય અભિગમના ઉપલક્ષમાં; ચિંતન અને પ્રવૃત્તિ માટે મૂલ્યવાન સહાય છે. એના વેદાન્ત વિષયક વિચારપ્રધાન લેખો, સંતો અને રહસ્યવાદીઓની એની રજુઆત, અર્વાચીન પ્રશ્નોનું એનું પૃથક્કરણ ઈ. બાબતો મને ખૂબ ગમે છે.

આધ્યાત્મિક અને બૌદ્ધિક સંશોધનો ઉપરાંત, રામકૃષ્ણ મિશનના કેટલાક સંન્યાસીઓના સંપર્કમાં પણ હું રહ્યો છું. જિનિવાના વેદાંત કેન્દ્રના નિયામક સ્વામી નિત્યબોધાનંદને હું મળ્યો હતો; એ થોડાં વર્ષો પૂર્વે અવસાન પામ્યા. એમનાં જ્ઞાન અને નમ્રતા માટે મને ઘણો આદર હતો. એમના અનુગામી સ્વામી અમરાનંદ સાથે મારે ખૂબ મૈત્રીભર્યા સંબંધો છે. શ્રીરામકૃષ્ણ જન્મ જંયતી પ્રસંગે તેમણે એક વાર બોલવાનું મને નિમંત્રણ પણ આપ્યું હતું. ‘એક ભક્તિવાન ખ્રિસ્તીની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ’ એ વિષય પર બોલવા મને તેમણે સૂચન કર્યું હતું. એ સભામાં બધા ભાગ લેનારાઓ વચ્ચે આદાન પ્રદાનનો સફળ સંબંધ ઊભો કર્યો હતો.

દક્ષિણેશ્વરના એ સંતમાં, ઈશ્વરના દોર્યા દોરાતા, ઈશ્વર પ્રત્યે આકર્ષણવાળા, ઈશ્વરના મુખનું દર્શન પામવાની અદમ્ય તૃષ્ણાથી પીડાતા માનવીનું દર્શન ખ્રિસ્તીઓને, ખરે જ, થાય. અમો ખ્રિસ્તીઓ માટે આ એક મહાન દૃષ્ટાન્ત છે. અમારું પાશ્ચાત્ય જગત ટૅકનૉલૉજીથી, ભૌતિક સુખ પાછળની દોડથી હરીફાઈ અને પ્રાવીણ્યના માનસથી એટલું છવાયેલું છે કે, પશ્ચિમના લોકો માનસિક ખાલીપાના ભોગ બની જીવનનો સાચો મર્મ ગુમાવે છે. દેવળોમાંથી અમારી પ્રાર્થનાઓમાં પણ, ઘણી વાર, વધારે પડતા શબ્દો અને સમજુતીઓ મન ઉપર ભાર દે છે અને કેવળ બૌદ્ધિક કક્ષાએ રમ્યા કરે છે એટલે, આધ્યાત્મિક અનુભૂતિ કઠિન થઇ જાય છે, આપણને વધારે શાંતિની અને ધ્યાનની જરૂર છે. ખ્રિસ્તી પરંપરામાં ઓલિયાઓનો અભાવ આનું કારણ નથી – એમની સંખ્યા મોટી છે પણ, મોટા ભાગના લોકો એમનાથી અજાણ છે. રણના ફાધરો, સંત ઑગસ્ટાઈન, બાઈઝૅન્ટાઈ હેસિચાસ્ટો, સંત જૉન ઓફ ધ ક્રૉસ, અને અવિલાના સંત ટેરેસા અને બીજાંઓની ફરી શોધ કરવાની જરૂર છે. શ્રીરામકૃષ્ણનું પ્રેરક દૃષ્ટાંત એ શોધ કરવા આપણને કદાચ ધક્કો મારે અને તે સાથે આપણા અર્વાચીન સંજોગોને અનુકૂળ ધ્યાનમય જીવન ભણી આપણને દોરે. એમની વિનમ્રતા, બીજાઓના પંથ પ્રત્યે આદર જેવાં, શ્રીરામકૃષ્ણના જીવનના બીજાં દૃષ્ટાન્તો દર્શાવે છે કે ખ્રિસ્તીઓ બાઈબલ અનુસારનું જીવન જીવવા પ્રેરાય.

એમના સંદેશને એક બીજું લક્ષણ પયગંબરી બનાવે છે; પોતાના જીવનકાળમાં તેમણે સાક્ષાત્કાર કર્યો કે મનુષ્ય કુટુંબ એક જ છે અને એક મજબુત ગાંઠ બધા ધર્મોને સાંકળે છે. જાત અનુભવથી ભારતની આધ્યાત્મિકતાના વિવિધ ફાંટાઓની અનુભૂતિ કરવા એમની આ શ્રદ્ધાએ એમને પ્રેર્યા એટલું જ નહીં પણ, ઈસ્લામ અને ખ્રિસ્તી પરંપરા ભણી પણ અંશતઃ વાળ્યા હતા. આજે, અમેરિકામાં અને બીજા કેટલાક દેશોમાં વેદાન્ત પ્રબોધ્યા પછી સ્વામી વિવેકાનંદના ભારતમાં પુનરાગમનની શતાબ્દી આપણે ઉજવી રહ્યાં છીએ ત્યારે, મનની આ ખુલ્લી સ્થિતિ ખૂબ અગત્યની છે. આંતર ધર્મ સંવાદને માટે એ આપણને ઉત્તેજન આપે છે જે, આજને કાળે વધારે ને વધારે અગત્ય ધારણ કરે છે.

એક કાળે ખ્રિસ્તી ધર્મમાં બીજા ધર્મો પ્રત્યે શંકા અને તેમનો તિરસ્કાર, નિયમ નહીં તો, મનનું સામાન્ય વલણ હતું. સદ્ભાગ્યે, ખાસ કરીને બીજી વૅટિકન કાઉન્સિલ પછીથી એ પૂરું થયું છે. ખ્રિસ્તી ધર્મમાંની અમારી શ્રદ્ધાને લેશ પણ છોડ્યા વિના, અમે સ્વીકારીએ છીએ કે, બધાં લોકોનાં હૃદયમાં ઈશ્વર વસી રહ્યો છે એટલું જ નહીં પણ, બધા ધર્મોના ગ્રંથોમાં એની જ અસર વ્યાપી રહી છે. પરસ્પર સ્વીકૃતિ, અનેકવિધતામાં મૈત્રી ભાવના, ઝડપથી એક થતા જગતમાં આવશ્યક અને આશીર્વાદરૂપ છે. બધી કક્ષાઓએ એથી સંવાદ સધાય છે; દૈનિક જીવનમાં અને સંપર્કોમાં, શૈક્ષણિક અને બૌદ્ધિક પરિસંવાદોમાં, વિકાસ માટેના સહકારમાં, શાંતિ માટે અને, એથીયે વધારે અગત્યની આધ્યાત્મિક કક્ષાએ. હકીકતે, જુદા જુદા ધર્મોના લોકો વચ્ચે, આધ્યાત્મિક અનુભૂતિ સાચી અને સૌથી ગહન સંવાદની ભૂમિકા છે.

કેટલાક દાયકાઓ સુધી જે. મૉશેનિન, એચ.લ.સો, બી. ગ્રિફિથ, ટૉમસ મર્ટન અને બીજા આરંભ કરનારાઓએ આવો આધ્યાત્મિક સંવાદ સ્થાપવા સારો પ્રયત્ન કર્યો હતો. એ ભાવના આસ્તે, આસ્તે, જગતભરના ખ્રિસ્તી મઠોમાં પ્રસરતી જાય છે. થોડા દાયકાઓ અગાઉ, બૅનિડિકટાઈન સાધુઓએ ‘આંતર-સાધુ સંવાદ’ની સ્થાપના કરી અગત્યનો ભાગ ભજવ્યો હતો. આજે એ આંદોલન આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગયું છે. આ આંદોલનને ઉત્તેજન આપતા રોમન ચર્ચના સત્તાધિશોના એક પાઠમાં છે :-

‘ગહનતર કક્ષાએ, પોતાની ધર્મ પંરપરામાં સુદૃઢ લોકો પ્રાર્થનાના, ધ્યાનના, નિષ્ઠાના અને ધર્મના પોતાના અનુભવો તેમજ, નિર્ગુણ પરમાત્માની ખોજ માટેના તેમના મંત્રો તથા માર્ગોની આપલે કરી શકે. આ પ્રકારનો સંવાદ પરસ્પરને સમૃદ્ધ કરતો, મનુષ્યનાં ઉત્કૃષ્ટ મૂલ્યોને અને આધ્યાત્મિક આદર્શોનું સંવર્ધન કરવા અને પ્રેરવા માટે સફલ સહકાર સ્થાપતો બની શકે. સ્વાભાવિક રીતે, પોતાની શ્રદ્ધાનું કારણ બીજાને જણાવવા તરફ એ લઈ જશે. ધર્મો વચ્ચેના કેટલાક મોટા તફાવતો આ સંવાદ અટકાવતા નથી. એ તફાવતો ઈશ્વરને શ્રદ્ધાથી અને નમ્રતાથી નિવેદિત કરવા જોઈએ; ‘ઈશ્વર આપણા હૃદય કરતાં મહાન છે’ (૧ જૉન. ૩.૨૦).

વિવિધ ધર્મોના સાધુઓનાં મિલનો નિયમિત રીતે થતાં હોય છે. આજના જગતમાં, પ્રાર્થના, મૈત્રી અને પરસ્પર સમભાવના વાતાવરણમાં થતા આ સંવાદો, આપણી શ્રદ્ધામાંથી ચલિત થયા વિના પણ, ખૂબ અગત્યના છે. સર્વત્ર જુદા જુદા દેશોના લોકો સાથે વસે છે, પોતાની સાંસ્કૃતિઓને અને ધાર્મિક પરંપરાઓને સંપર્કમાં આણે છે; હૃદયમાં આ સંવાદિતા સ્થપાયા વિના, રાજકીય અને આર્થિક સંવાદ છતાં, વૈશ્વિક એકતા સતત જોખમાયેલી જ રહેશે. ટૉમસ મર્ટન કહે છે :

‘વિવિધ રૂઢિઓ, અનુષ્ઠાન રીતિઓ અને ધર્મોના, ધ્યાન કરનારાઓ વચ્ચે ‘સંવાદ’ની અને ગંભીર આદાન-પ્રદાનની અગત્ય પર ભાર મૂકવાનો છે. ઇતિહાસના આજના કટોકટીને કાળે માનવવિકાસમાં આ ઘણો ફાળો આપી શકે. ખરે જ, આપણે જાતને વિકટ પરિસ્થિતિમાં, કઠિન વિકલ્પની ક્ષણમાં ભાળીએ છીએ. ધ્યાનીઓ અને મુનિઓની હજારો પેઢીઓએ કઠિનાઈઓ વેઠી એકત્ર કરેલા આધ્યાત્મિક વારસાને ગુમાવવાનો ગંભીર ખતરો આપણી સામે છે. આજના જગતમાં, ધ્યાનના એ વારસાને જીવંત રાખવાની વિશિષ્ટ ફરજ સાધુની છે અને પોતાની આંતરિક ગહરાઈઓ આજનો ટૅક્નૉલૉજિકલ માનવી પુનઃ પ્રાપ્ત કરે એ માટે સાધુએ રસ્તો ખુલ્લો રાખવાનો છે.”

એ આંતરધર્મ સંવાદમાં, મુશ્કેલીઓ અને અસ્પષ્ટતાઓ, ખાસ કરીને બૌદ્ધિક કક્ષાએ ચોક્કસ છે જ. પણ, આપણે બધાં ઈશ્વરની ભાવના માટે મુક્ત મને હોઈશું અને આપણી પ્રાર્થના સંનિષ્ઠ હશે તો, આપણે ખાતરી રાખીએ કે, એ જ આપણને ‘પૂર્ણ સત્યનું’ દર્શન કરાવશે (સર. જૉન ૧૬.૧૩) સત્ય, પ્રેમ અને શાંતિનું જગત ઘડવા માટે, સર્વપ્રજાઓનો ભર્તા, પ્રભુ પોતે જ, એ પ્રજાઓને પોતે આપેલી અદ્ભૂત અને તરેહ તરેહની ભેટોનો ઉપયોગ કરે એવી આશા આપણે રાખીએ.

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા
(‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી ૧૯૯૭માંથી સાભાર)

Total Views: 296

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.