કદી કોઈ સુંદર સ્ત્રી તમારી સામે આવે તો આપણે જેને દુર્ગા, ભવાની વગેરે નામોથી પૂજીએ છીએ તે પરમેશ્વરરૂપ દેવીનું ચિંતન કરવું જોઈએ. એ સુંદર સ્ત્રીને લોકમાતાનું જ એક સ્વરૂપ સમજીને એમ વિચારવું જોઈએ કે, તે અવશ્ય દેવીનો અવતાર છે, નહીં તો તેનામાં આવું સૌંદર્ય કેવી રીતે આવી શકે? તે જ વાત્સલ્યમય જનની પ્રસન્ન થઈને દર્શન દઈ રહી છે એમ સમજીને તમારી સામે ઊભેલી સ્ત્રીને પ્રણામ કરો. એ પછી મનમાં વિકાર રહેવો અસંભવિત છે.
શ્રીરામકૃષ્ણ પરમહંસ આવી જ યુક્તિ અજમાવતા હતા. તેમનો એ ઉપદેશ મનને કાબૂમાં રાખવા માટે નિ:સંદેહ સર્વોત્તમ સાધન છે.
સ્ત્રીમાત્રની ઘૃણા કરવી અનુચિત છે. સ્ત્રીઓને વિષે ખરાબ વાતો કહેવી અને તેમનું અપમાન કરવું એ ઇચ્છવાજોગ નથી. કદી પણ માતાની નિંદા કરી શકાય ખરી? કે માતાને આપણે ગાળ કેવી રીતે દઈ શકીએ? સ્ત્રી તો સર્વવ્યાપી પરમેશ્વરનું બીજું રૂપ મહાશક્તિમયી જગન્માતા છે, તે દેવીનો અવતાર છે. સ્ત્રીનું હાસ્ય સ્વાભાવિક હોય છે, મનોહારી હોય છે. તે વાત્સલ્યથી પ્રેરાઈને પ્રગટ થાય છે. દેવીને નમસ્કાર કરો, કામનું નામનિશાન પણ નહીં રહે.
પરમહંસના આ સદુપદેશનું પાલન કરીએ તો આપણે જોઈશું કે મન પવિત્ર થાય છે.
કોઈ સ્વરૂપવાન સ્ત્રીને જોઈને ચિત્ત ચંચળ થવા લાગે તો અશોક વૃક્ષ નીચે બેઠેલી ધ્યાનમગ્ન સીતાજીનું સ્મરણ કરો. રાક્ષસ બની જશો, કે હનુમાનની જેમ ક્ષમા માગીને પોતાનો મેલ દૂર કરવાનો પ્રયત્ન કરશો? સ્ત્રીના રૂપમાં જગન્માતા આવી છે, તે તમારી ભક્તિ ચાહે છે. તમે તેની કૃપાની માગણી કરો. એને બદલે તમે જો તમારામાં કામવિકાર ઉત્તેજિત કરવા લાગશો તો તમારા જેવો બેવકૂફ બીજો કોઈ નહીં હોય. જે મિથ્યા છે તેને સત્ય માનીને પતનને રસ્તે ન જાઓ.
મનની અંદર સારા કે નરસાની પ્રેરણાથી જ આપણે બધાં કામ કરીએ છીએ. મનને અશુદ્ધ રાખીને આપણે સારાં કામ નહીં કરી શકીએ. મારા મનની વાત બીજાઓ થોડા જ જાણવાના છે એમ વિચારીને મનને વળી વધુ ક્લુષિત ન કરો; નહીં તો તમારા જીવનનાં બધાં કાર્યો એટલાં બગડી જશે કે તમે તેને સુધારી નહીં શકો. જેમાંથી ગામના લોકો પીવાનું પાણી ભરી જાય છે એવા કૂવામાં જો આપણે ગંદી વસ્તુઓ નાખીએ તો આખા ગામનું આરોગ્ય બગડશે એ નિશ્ચિત છે. એ જ રીતે અશુદ્ધ વિચારવાળાઓનું જીવન બરબાદ થાય છે એ પણ એટલું જ નિશ્ચિત છે.
* * *
બે મિત્રો કશા હેતુ વિના શહેરની ગલીઓમાં લટાર મારતા હતા. તેમને કશું ખાસ કામ નહોતું. કોઈક ઘરમાં ભાગવતની કથા વંચાતી હતી. ત્યાં ઘણા લોકો એકઠા થતા હતા. બંને મિત્રો ત્યાં થઈને જતા હતા ત્યારે એકે કહ્યું, ચાલો, આપણે પણ કથા સાંભળીએ.
બીજાને એ સલાહ પસંદ ન પડી. તે બોલ્યો, ‘મને કથા-પુરાણમાં રસ નથી. એ લોકો સાચું જૂઠું ગમે તેવું બકબક કરે છે. વેશ્યાનું ઘર પાસે જ છે; ચાલો, આજની રાત ત્યાં મોજથી કાઢીએ. એક દિવસ જરા દિલ ખુશ કરી લઈએ તેમાં શું બગડી જવાનું છે?’
પહેલા મિત્રને એ વાત ન રુચી. તેણે વેશ્યાને ઘેર જવાની ના પાડી અને તે કથા સાંભળવા બેઠો. બીજો ગણિકાની શોધમાં નીકળ્યો. એને ઘેર તે પહોંચી પણ ગયો. પણ તેનું મન ઘણું જ બેચેન બની ગયું. તેને આખો વખત એમ જ લાગ્યા કર્યું કે હું પણ ભાગવત્ સાંભળવા રોકાઈ ગયો હોત તો કેવું સારું થાત? પાસે જ ચાર જણા પાનાં રમતા હતા, પણ તેમાંયે તેનું મન ચોંટ્યું નહીં.
ભાગવત્ સાંભળવાને બેઠો હતો તે મિત્રને આખો વખત આવા વિચારો જ આવ્યા કર્યા: ‘અહીંયાં રોકાઈ જઈને હું ખરો બેવકૂફ બન્યો. મારો મિત્ર આ વખતે કેવી મોજ ઉડાવતો હશે.’ કથામાં તેને જરાયે રસ ન આવ્યો. તેનું મન વેશ્યાના ઘર આગળથી ખસ્યું જ નહીં અને જે વેશ્યાને ઘેર બેઠો હતો તેનું મન હરિકથા તરફ જ ખેંચાતું રહ્યું.
સારા વિચારોને લીધે બૂરી સોબતમાં રહેવા છતાંયે તે પવિત્ર રહ્યો, જયારે તેનો મિત્ર કથા સાંભળતો હોવા છતાં ખરાબ વિચારોને લીધે પાપનો સંચય કરતો રહ્યો.
રસોઈ બનાવવા માટેનાં બધાં વાસણો તમારી પાસે હોય તેમ છતાં તમે ઊઠીને રસોઈ કરવા ન લાગી જાઓ તો ખાવાનું કેવી રીતે તૈયાર થશે? જાતે પ્રયત્ન કર્યા વિના કોઈ પણ કામ થઈ શકતું નથી. કેવળ ઉપદેશ સાંભળવાથી કશો લાભ નથી થતો. ભક્તિમાં મન સારી પેઠે પરોવો.
Your Content Goes Here




