ગતાંકથી આગળ
સુરેન્દ્રનાથે આપેલી આ રકમમાંથી રસોઈયાને મહિને ૬ રૂપિયા અને ઘરભાડું અપાતું. એક રૂપિયો ગંગાનું પાણી લાવવા માટે દર મહિને આપવો પડતો. બીજા પણ કેટલાક ખર્ચ થતા (ભક્ત માલિકા, ભાગ-૨, પૃ.૨૭૩-૭૪). કથામૃતના લેખકે સાચી રીતે લખ્યું છે: ‘સુરેન્દ્ર ધન્ય છે! આ મઠ તમારા હાથનું કાર્ય છે. તમારા નિષ્ઠાભર્યા ઈરાદાથી તે સ્થપાયો છે. શ્રીરામકૃષ્ણદેવના ‘કામિની-કાંચનના ત્યાગ’ના ઉપદેશને મૂર્ત સ્વરૂપ આપવા તમને નિમિત્ત બનાવ્યા છે. નરેન અને એના જેવા બીજા સર્વ ત્યાગી અને અત્યંત પવિત્ર પોતાના ભક્તો દ્વારા એમણે ‘સનાતન ધર્મ’ને ફરીથી જીવનશક્તિ અર્પી છે. ભાઈ, તમારું એ ઋણ કોણ ક્યારે ભૂલશે! મઠના અંતેવાસીઓ અનાથ બાળકોની જેમ રહે છે અને તમારા આગમનની રાહ જુએ છે. આજે ભાડું આપવામાં રકમનો છેલ્લો ભાગ ખર્ચાઈ જાય છે, આજે બધી ચીજવસ્તુઓ ખલાસ થઈ ગઈ છે; જ્યારે તમે આવશો, આ બધું જોશો અને તમે બધી વ્યવસ્થા કરી દેશો. તમારા આ ઉદાર પ્રેમને યાદ કરીને કોણ આંસું નહિ સારે?’ (શ્રીરામકૃષ્ણ કથામૃત, બંગાળી, પરિશિષ્ઠ, પૃ. ૨૪૫)
પોતાના શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તીને એક વખત સ્વામીજીએ કહ્યું: ‘તમે નિ:સંદેહ સુરેશબાબુનું નામ સાંભળ્યું હશે. તે જ વાસ્તવિક રીતે મઠના સ્થાપક હતા. એ જ એક એવી વ્યક્તિ હતી કે જે બારાનગર મઠનો બધો ખર્ચ ઉપાડી લેતા. એ દિવસોમાં આ સુરેશચંદ્ર મિત્ર મોટે ભાગે અમારી જ ચિંતા કરતા. એમની શ્રદ્ધાભક્તિ અનન્ય છે. (સી.ડબલ્યુ., વો.૭, પૃ.૨૪૯)
સ્વામી અખંડાનંદ સંસ્મરણોને વાગોળતાં કહે છે: ‘આ મહાન ભક્ત સુરેશ મિત્રના સલાહસૂચન અને આગ્રહથી જ બારાનગર મઠની સ્થાપના થઈ હતી.’ (‘હોલી વન્ડરિંગ ટુ સર્વિસ ઓફ ગોડ ટુ મેન’, રામકૃષ્ણ મઠ, મદ્રાસ, ૧૯૭૯, પૃ.૨૨)
સુરેન્દ્ર ઉપરાંત પ્રારંભકાળથી જ બલરામબાબુ, ગિરિશબાબુ અને માસ્ટર મહાશય પણ ઉત્સાહપૂર્વક આગળ આવ્યા અને કુલ ખર્ચનો કેટલોક હિસ્સો એમણે વહન કર્યો. લાટુ મહારાજે સંસ્મરણોમાં કહ્યું છે: ‘સ્વામીજી કહેશે, તમે આજે મઠ વગેરે જે કંઈ જુઓ છો તે સુરેશ મિત્રના પ્રયાસોને કારણે જ છે.’ (શ્રી શ્રીલાટુ મહારાજેર સ્મૃતિકથા, પૃ.૨૧૪)
પછીના દિવસોમાં ૧૮૯૫માં સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને આમ લખ્યું હતું: ‘યાદ રાખજો, હું ધારું છું, શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી બધાએ અમને સાવ નકામા, કંગાળ છોકરા તરીકે ત્યજી દીધા હતા. માત્ર બલરામ, સુરેશ, માસ્ટર અને ચૂનીબાબુ એ અમારી તાતી જરૂરતની પળે મિત્ર રૂપ હતા. એમનું ઋણ અમે ક્યારેય અદા ન કરી શકીએ. (સી.ડબલ્યુ., વો.૬, ૧૯૭૮ પૃ.૩૪૨)
૬ જુલાઈ, ૧૮૯૦ના રોજ એમણે સ્વામી શારદાનંદજીને ફરીથી આ પ્રમાણે લખ્યું હતું: ‘તો સુરેશબાબુ અને બલરામબાબુ બંને ચાલ્યા ગયા! જી. સી. ઘોષ મઠને ટેકો આપી રહ્યા છે.’ (બલરામબાબુ ૧૩ એપ્રિલ, ૧૮૯૦ના રોજ અને સુરેશબાબુ ૨૫, મે, ૧૮૯૦ના રોજ અવસાન પામ્યા હતા.) (સી.ડબલ્યુ., વો.૬, ૧૯૭૮ પૃ.૨૪૩)
પ્રારંભથી જ પશ્ચાદ્ભૂમાં રહીને શ્રીમા શારદાદેવી પોતાની મૂક સહાય, ગાઢ સહાનુભૂતિથી આ સર્વત્યાગી યુવાન મંડળીને પ્રેરતાં રહેતાં. શ્રીમાની અસીમ આતુરતા અને ખંત તેમજ સતત પ્રાર્થનાથી રામકૃષ્ણ સંઘ ધીમે ધીમે વિકસતો ગયો. ઘણા વર્ષો પછી સ્વામીજીએ પોતાના અમેરિકાના સંભાષણોમાંથી એક સંભાષણમાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા: ‘અમારે મિત્રો નથી. પોતાના તરંગી વિચારો સાથેના આવા છોકરાઓને સાંભળે પણ કોણ? કોઈ નહિ ભાઈ… લોકોને વધુ વિશાળ, મહાન આદર્શો અને વિચારોની વાત કરતા અને પોતાના જીવનમાં આ જ વિચારોને કાર્યન્વિત કરવા દૃઢનિશ્ચયી બન્યા હોવાનું કહેતા આ ડઝનબંધ છોકરાઓનો જરા વિચાર તો કરો! અરે ભાઈ, સૌ કોઈ હસ્યા! એ વ્યંગ હાસ્યથી એ બાબત વધારે ધીરગંભીર બની, અને તે એક ત્રાસપીડા બની. બીજી બાજુએ કોઈએ મારા પ્રત્યે સહાનુભૂતિ ન દાખવી. બીજાને ઘણું ઘણું સહન કરાવતી એ છોકરાની કલ્પનાઓ સાથે કોણ સહાનુભૂતિ દાખવી શકે? કોણ મને સહાનુભૂતિ આપી શકે? કોઈ નહિ ભાઈ, સિવાય કે એક!’ (સી.ડબલ્યુ., વો.૮, ૧૯૭૭ પૃ.૮૦-૮૧)
સહાનુભૂતિ બતાવનારી એક માત્ર વ્યક્તિ હતાં અવિરત મધુર ઉષ્મા પ્રેમભર્યાં વૈશ્વિક માતૃત્વના પ્રતિમૂર્તિ સમાં શ્રીશ્રી મા. આ મઠ તેમના એક માત્ર નિર્ણય અને હૃદયની પ્રાર્થનાને કારણે અસ્તિત્વમાં આવ્યો. બારાનગર મઠની સ્થાપના પછી અઢી વર્ષ બાદ બનેલ એક ઘટનાને અહીં આપવી એ વધારે સુયોગ્ય ગણાશે. (શ્રી શ્રીમા ૧૮૯૦ના માર્ચમાં બોધગયાની યાત્રાએ ગયા હતાં.) શ્રીમાએ પોતે જ આ વાત પોતાના ભક્તોને કહી હતી: ‘અરે! આના માટે મેં કેટકેટલાં આંસું સાર્યાં છે અને શ્રીઠાકુરને પ્રાર્થ્યા છે! અને ત્યાર પછી જ એમની કૃપાથી જ આજે મઠ અસ્તિત્વમાં આવ્યો છે. જ્યારે શ્રીઠાકુર આ ક્ષર દેહને છોડીને ચાલ્યા ગયા ત્યારે આ છોકરાઓ સંસારનો ત્યાગ કરીને થોડા દિવસો સુધી એક ભાડાના આશ્રય ઘરમાં રહ્યા. ત્યાર પછી તેઓ સ્વતંત્ર રીતે ભટકતા રહેતા અને અહીંતહીં ભમતા-ફરતા રહેતા. એ વખતે મને ખૂબ લાગી આવ્યું અને મેં શ્રીઠાકુરને આવી પ્રાર્થના કરી: ‘હે ઠાકુર તમે અવતર્યા આ થોડાઘણા લોકો સાથે તમે લીલા કરી અને પછી ચાલ્યા ગયા; અને શું ત્યારથી બધી બાબતો પૂરી થઈ એમ સમજવી? અને જો એમ હોય તો આવાં બધાં દુ:ખદર્દ વચ્ચે આપને અવતરવાની ક્યાં જરૂર હતી? મેં વારાણસી અને વૃંદાવનમાં ભિક્ષાથી અન્ન મેળવતા અને એક ઝાડથી બીજા ઝાડની છાયામાં પોતાનું આશ્રયસ્થાન મેળવતા ઘણા પવિત્ર સાધુઓને જોયા છે. આવા સાધુસંતોનો દુકાળ નથી. તમારા નામે ઘરબાર ત્યજનાર અને અનાજના એક કોળિયા માટે – ભિક્ષાન્ન માટે ભટકનાર મારા આ પુત્રોનું એ દુ:ખદ દૃશ્ય મારાથી કેમેય સહ્યું જતું નથી. મારી આપને આટલી જ પ્રાર્થના છે કે તમારે નામે જે આ સંસાર છોડે તેને પોતાના નિભાવ કે ગુજરાન માટે આવાં વલખાં ન મારવા પડે. તેઓ બધા તમારા સંદેશ અને આદર્શોને વળગી રહીને એક સાથે જીવતા રહેશે. દુનિયાની ચિંતાઓથી ઘેરાયેલા લોકો એમને શરણે જશે અને આપના વિશે સાંભળીને એમને સમાશ્વાસન સાંપડશે. આટલા માટે જ તમે આવ્યા હતા. એ છોકરાઓને આમ તેમ ભટકતા જોઈને મારું હૃદય ઉદ્વિગ્ન બની જાય છે.’ ત્યાર પછી નરેન (સ્વામી વિવેકાનંદ) ધીમે ધીમે આ બધું રચવા માંડ્યા. (હોલી મધર શ્રી શારદાદેવી, સ્વામી ગંભીરાનંદ, ૧૯૮૬, પૃ.૩૩૧)
‘ધન અને સુખસુવિધાનો જ્યાં અભાવ ન હતો એવા બોધગયાના મઠને જોઈને હું રડતી અને ઠાકુરને આમ વીનવતી. તમારા સંતાનોને રહેવા આશરોય નથી, પૂરતું ભોજનેય નથી મળતું. તેઓ સ્થળે સ્થળે ભટકતાં રહે છે. અરે! એમને રહેવાનું એક આશ્રયસ્થાન માત્ર મળી જાય તો કેવું!’ ત્યાર પછી શ્રીઠાકુરની કૃપાથી મઠ ઊભો થયો. (શ્રી શ્રીમાયેર કથા, વો.૨, પૃ.૪૮-૪૯)
શ્રી શ્રીમાના સાથી અને ભક્ત યોગીન માએ કહ્યું: ‘અત્યારે તમે અહીં – મઠ કે આશ્રમ વગેરે જે કંઈ જુઓ છો તે એમની (શ્રીશ્રીમાની) કૃપાથી જ છે. જ્યારે જ્યારે પ્રભુની મૂર્તિ કે છબિ જોતાં ત્યારે તેઓ રુદન સાથે પ્રાર્થના કરતાં: ‘હે પ્રભુ! મારા બાળકોને આશ્રયસ્થાન આપ. એને દરરોજનું ભોજન આપ.’ માની આ ઇચ્છા પરિપૂર્ણ થઈ હતી.’ (શ્રી શ્રીમાયેર સ્મૃત કથા, સ્વામી સારદેશાનંદ, પૃ.૨૦)
આ રીતે કેટલાક ભક્તોની આર્થિક સહાય અને ઉત્સાહપૂર્ણ ઇચ્છાથી તેમજ શ્રી શ્રીમાની હૃદયપૂર્વકની પ્રાર્થનાથી બારાનગર મઠ અસ્તિત્વમાં આવ્યો. અને આમ વિશ્વના ધર્મ-આંદોલનના ઇતિહાસમાં એક નવું પ્રકરણ શરૂ થયું.
(ક્રમશ:)
Your Content Goes Here




