(એપ્રિલ ૨૦૦૪થી આગળ)
સુયોગ્ય સ્થળની શોધખોળ શરૂ થઈ. નરેનના અંતરંગ, શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય, બારાનગરમાં રહેતા ભવનાથ ચટ્ટોપાધ્યાયના સંનિષ્ઠ પ્રયાસોથી ગંગાના કિનારે એક ખાલી સુમસામ મકાન મળ્યું. આ મકાન ભુવન દત્તનું હતું. તેનું માસિક ભાડું રૂપિયા ૧૧ હતું. (આધારભૂત નોંધ પ્રમાણે તેનું ભાડું ૧૧ રૂપિયા હતું પણ કેટલાંક પુસ્તકોમાં ૧૦ રૂપિયા ભાડું હતું એવું લખાણ પણ છે.) આ મકાનના વાસ્તવિક માલિક ટાકીના જમીનદાર કાલીનાથ મુનશી હતા. શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય નાનો ગોપાલ (તેનું પૂરું નામ ગોપાલચંદ્ર ઘોષ હતું. તેમણે શ્રીરામકૃષ્ણને કાશીપુરમાં જોયા હતા અને સ્વામીજી પ્રત્યે એમને ઘણી ભાવભક્તિ હતી. સ્વામીજી એને નાનો ગોપાલ એવું નામ આપ્યું હતું. એનું કારણ એ હતું કે તે કોઈનેય પૂર્વ સૂચના આપ્યા વિના એકાએક આવી જતા અને વળી પાછા એકાએક ચાલ્યા પણ જતા, સ્વામીજીની વિનંતીથી સુરેશબાબુએ એને પોતાની ઓફિસમાં નોકરી પર રાખ્યા હતા. ગોપાલની ઇચ્છા સંન્યાસ સંઘમાં જોડાવાની હતી પણ તેઓ એમ કરી ન શક્યા. તેને પોતાનાં વૃદ્ધ માતાની સારસંભાળ લેવી પડતી અને આર્થિક રીતે ઘસાઈ ગયેલાં કુટુંબીજનોની દેખરેખ પણ રાખવી પડતી. સ્વામી શ્રદ્ધાનંદના બંગાળી ગ્રંથ ‘અતીતેર સ્મૃતિ’ પૃ.૬૪, વૈકુંઠલાલ સંન્યાલ કૃત બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ લીલામૃત’, પૃ.૧૭૪ પ્રમાણે બેલૂર મઠની સ્થાપના પછી ગોપાલનાં લગ્ન થયાં અને તેમને એક પુત્રી પણ હતી.) આ સ્થળને સાફસૂફ કરતા અને તેમણે ત્યાં રહેવાનું શરૂ કર્યું. સુરેન્દ્રે શશી નામના એક રસોયાને પણ નીમી દીધો. તારક (સ્વામી શિવાનંદ) કે જે છેલ્લા બાર દિવસથી વૃંદાવનમાં હતા તેમને નરેને મઠમાં પાછા આવવા માટે તાર કરી દીધો. સંદેશો મળતાં જ તારક હાવરા સ્ટેશનેથી ઘોડાગાડીમાં સીધે સીધા બલરામના ઘરે પહોંચ્યા. ત્યાં નેરન અને રાખાલ મઠમાં રહેવાની વ્યવસ્થા વિશે ચર્ચા કરતા હતા. તારકે ભાડે કરેલી ઘોડાગાડીમાં જ તેઓ ત્રણેય મઠમાં પહોંચ્યા. સ્વામી શિવાનંદે કહ્યું : ‘મને જોઈને સ્વામીજીએ કહ્યું: ‘તારકદા, તમે અહીં છો એટલે મને ઘણો આનંદ થયો; હું તમારો જ વિચાર કરતો હતો. આપણે બારાનગરમાં ભાડાની જગ્યા લીધી છે; ચાલો આપણે ત્યાં જઈએ.’’ (સિકસે ઓફ ગોડ, પૃ.૨૪ ભાષાંતર – સ્વામી વિવિદિશાનંદ અને સ્વામી ગંભીરાનંદ, ૧૯૮૫, અદ્વૈત આશ્રમ, કોલકાતા)
તારક આ મઠના કાયમી નિવાસી બન્યા. આ સમાચાર સાંભળીને વૃદ્વ ગોપાલ એમની સાથે જોડાયા. સ્વામી પ્રભાનંદ આમ લખે છે : ‘અમે ધારણા કરી શકીએ કે શ્રીઠાકુર જેનો ઉપયોગ કરતા એવી પથારી, કપડાં અને બીજી વસ્તુઓ એ જ ઘોડાગાડીમાં બારાનગરના મકાનમાં લાવવામાં આવ્યાં. એમણે ઉપયોગમાં લીધેલ પથારી પરની શ્રીઠાકુરની છબિની દરરોજ પુષ્પ અને ધૂપદીપથી પૂજા થવા લાગી.’ (બંગાળી પુસ્તક ‘બ્રહ્માનંદ ચરિત’ પૃ.૯૦, લેખક : સ્વામી પ્રભાનંદ, ૧૯૮૨, ઉદ્બોધન, કોલકાતા)
સ્વામી તેજસાનંદજીએ પોતાના પુસ્તક ‘રામકૃષ્ણ મુવમેન્ટ : ઈટ્સ આઈડિયલ્સ એન્ડ એકિટવિટિઝ’માં કરેલી નોંધ પ્રમાણે બારાનગર મઠની સ્થાપનાનો નિશ્ચત દિન એટલે ૧૯ ઓક્ટોબર, ૧૮૮૬ અથવા બંગાળી પંચાંગ મુજબ ૧૨૯૩ની કાર્તિક તૃતીયા. સ્વામી પ્રભાનંદજીએ પોતાના પુસ્તક ‘બ્રહ્માનંદ્ર ચરિત’ના પૃ.૯૧ પર ઉપર્યુક્ત નોંધની પુષ્ટિ કરી છે.
તારક, નાનો ગોપાલ અને વૃદ્ધ ગોપાલ આ નવા મઠના કાયમી નિવાસી બન્યા. એ વરસના ડિસેમ્બર સુધી બીજા ભક્તજનોએ પણ આ મઠની અવારનવાર મુલાકાત લીધી હતી. એક નેતા તરીકે નરેને એ બધાને પ્રેર્યા હતા અને જ્યારે પોતાના પૈતૃક ઘરના કાયદાકીય કેસનો નિકાલ આવતા તેણે ઘરસંસારનો ત્યાગ કર્યો. તેણે કાયદાની પરીક્ષામાં બેસવાની ઇચ્છા પણ છોડી દીધી. શ્રીઠાકુરના આદર્શો અને એમના ત્યાગ સમર્પણની યુવાન સંન્યાસી ભક્તોને સ્વામીજી એમના ઘરે જઈને યાદ અપાવતા રહેતા. તેઓ એમને આ રીતે આગ્રહપૂર્વક કહેતા : ‘તમે બધા કુટુંબ જીવન જીવો તે માટે તમને શ્રીઠાકુર આટલા બધા ચાહતા હતા, શું તમે એમ માનો છો?’ (મૂળ બંગાળીમાં ‘શ્રી શ્રીલાટુ મહારાજેર સ્મૃતિકથા’ પૃ.૨૧૫, લેખક : ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય, ઉદ્બોધન, કોલકાતા, બંગાળી સંવત ૧૩૮૩) જેમના મનમાં ત્યાગ સમર્પણની ભાવના બળવત્તર હતી એવી એ યુવ મંડળીએ નરેનના હોઠેથી આ શબ્દો દિવસોના દિવસો સુધી સાંભળ્યા. નાના ગોપાલ પણ આ મંડળીને મઠમાં લાવવા માટે અવારનવાર મળતા. લાટુ મહારાજ (સ્વામી અદ્ભુતાનંદ) પોતાનાં સંસ્મરણો તાજાં કરીને કહે છે : ‘આવી રીતે ભાઈ લોરેન (નરેન)દ્વારા પ્રેરણા પામીને એ બધા એક પછી એક મઠમાં જોડાયા. જ્યારે જ્યારે ભાઈ લોરેન મઠમાં ન હોય ત્યારે જીવન સાવ નિસ્તેજ બની જતું. (મૂળ બંગાળીમાં ‘શ્રી શ્રીલાટુ મહારાજેર સ્મૃતિકથા’ પૃ.૨૧૫, લેખક : ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય, ઉદ્બોધન, કોલકાતા, બંગાળી સંવત ૧૩૮૩)
આપણને શ્રી ‘મ’ ના ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં જોવા મળે છે : ‘થોડા સમય પછી નરેન્દ્ર, રાખાલ, નિરંજન, શરત્, શશી, બાબુરામ, યોગીન, તારક, કાલી અને લાટુએ સંસારનો ત્યાગ હંમેશાંને માટે કર્યો. સારદાપ્રસન્ન અને સુબોધ થોડા સમય પછી એમના સાથે જોડાયા, શ્રી નરેન્દ્ર સાથે ખૂબ જ સંકળાયેલા ગંગાધર આ મઠની મુલાકાતે નિયમિત રીતે અવતા. થોડા સમયમાં તેઓ પણ આવીને મઠમાં રહ્યા. શરૂઆતમાં તો માત્ર મઠના એક મુલાકાતી હતા, એવા હરિએ પણ મઠના સંન્યાસીજીવનનો સ્વીકાર કર્યો અને આ રીતે શ્રીઠાકુરના સંન્યાસી શિષ્યોની યાદી પૂર્ણ થઈ. (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’, પૃ.૯૭૬, અંગ્રેજી અનુવાદક : સ્વામી નિખિલાનંદ, પ્રકાશક : રામકૃષ્ણ મઠ, મદ્રાસ, ૧૯૮૬) સ્વામી અભેદાનંદજીનાં સંસ્મરણોમાં આપણને આવું જોવા મળે છે: ‘એક દિવસ નરેને નાના ગોપાલને અને મને શરત્ (સ્વામી શારદાનંદ)ના ઘરે એમની સાથે આવવા કહ્યું. અમે એમની સાથે ગયા. ત્યાં જઈને અમે શરત્ને કાયમને માટે મઠમાં જોડાવા કહ્યું, શરત્ અમારી સાથે આવવા સહમત થયા. શશી (સ્વામી રામકૃષ્ણનંદ) પણ ત્યાં રહેતા. અમે એમને મઠમાં એક રાત માટે રહેવા આમંત્રણ આપ્યું. તેમણે આમંત્રણનો સ્વીકાર કર્યો. શરત્ અને શશીએ એ આખી રાત મઠમાં ગાળી. નરેને પણ એ આખી રાત મઠમાં વિતાવી. શશી એમના ઘરે પાછા જવા ઇચ્છતા ન હતા, તેઓ એ દિવસથી ત્યાં જ રહ્યા. જો કે શરત્ બીજે દિવસે ઘરે પાછા તો ગયા પણ થોડા દિવસોમાં જ તેણે ઘરને કાયમને માટે ત્યજી દીધું અને મઠમાં જોડાયા. ક્રમશ: નરેન્દ્રનાથ, યોગિન, નિરંજન, રાખાલ અને બીજા પણ મઠમાં રહેવા લાગ્યા, (મૂળ બંગાળીમાં સ્વામી અભેદાનંદજીએ લખેલ ‘અમર જીવનકથા’ના પૃ.૧૧૪, પ્રકાશક : રામકૃષ્ણ વેદાંત મઠ, કોલકાતા, ૧૯૮૩) આ રીતે શ્રીરામકૃષ્ણદેવના ૧૬ સંન્યાસી શિષ્યોમાંથી ૧૧ સંન્યાસી શિષ્યો ૧૮૮૬ના ડિસેમ્બરના અંતથી ૧૮૮૭ના જાન્યુઆરીના પ્રારંભમાં બારાનગર મઠના કાયમી અંતેવાસી બન્યા. જે ૧૧ સંન્યાસી શિષ્યો હતા તેમાં નરેન, રાખાલ, તારક, બાબુરામ, શશી, શરત્, વૃદ્ધ ગોપાલ, કાલી નિરંજન, શારદાપ્રસન્ન અને હરિનો સમાવેશ થાય છે. ગંગાધર, સુબોધ, લાટુ અને યોગીન પાછળથી આ મઠના અંતેવાસી બન્યા. હરિપ્રસન્ન એક જ માત્ર અપવાદ રૂપ હતા. સ્વામીજી પશ્ચિમની પોતાની પહેલી મુલાકાત પછી ૧૮૯૭માં ભારત પાછા ફર્યા ત્યાર પછી તેઓ આલામ બજાર મઠમાં જોડાયા હતા.
બારાનગર મઠનો સમયકાળ ૧૯ ઓક્ટોબર, ૧૮૮૬થી માંડીને ફેબ્રુઆરી ૧૮૯૨ સુધી એટલે કે પાંચ વર્ષ અને સાડા ત્રણ મહિનાનો હતો.
આ જ સ્થળે રામકૃષ્ણ સંઘની અતૂટ આધારશિલા નખાઈ હતી. આ મઠની સ્થાપનામાં સૌથી વધુ સહાય સુરેન્દ્ર (સુરેશચંદ્ર મિત્ર. શ્રીરામકૃષ્ણ એમને સુરેન્દર કે સુરેન્દ્ર કહેતા.) પાસેથી મળી હતી. એમણે ભાડું ચૂકવવાની અને ભોજન વ્યવસ્થાની આર્થિક જવાબદારી તો લીધી જ પણ સાથે ને સાથે મઠની બીજી બધી આર્થિક આવશ્યકતાઓની પણ તેઓ સારસંભાળ રાખતા. પહેલા બે મહિના સુધી તેઓ દર મહિને ત્રીસ રૂપિયા આપતા અને ત્યાર પછી મઠની સભ્યસંખ્યા વધતાં તેમનું દાન પણ ક્રમશ: મહિને ૧૦૦ રૂપિયા સુધી વધી ગયું.
(ક્રમશ:)
Your Content Goes Here




