શ્રીરામકૃષ્ણદેવનું અવતરણ

ભારતીય સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. હજારો વર્ષથી તે વિકસતી રહી છે. ગ્રીસ, રોમ, બેબીલોન, વગેરે પ્રાચીન સંસ્કૃતિઓ આજે અસ્તિત્વમાં નથી. આ બધી સંસ્કૃતિઓમાં રસ ધરાવનારે ઇતિહાસનાં પાનાં ઉથલાવવા પડે કે વારંવાર પુરાતત્ત્વ-સંગ્રહાલયની મુલાકાતે જવું પડે. ભારતીય સંસ્કૃતિનું એક અનન્ય પાસું આ છે : તેની પશ્ચાદ્‌ભૂમાં ધર્મ કે આધ્યાત્મિકતા રહેલ છે. આ આધ્યાત્મિકતાના પ્રત્યક્ષ અનુભવ માટે તેણે પોતાની બધી ઊર્જાઓને સંયત અને એકત્રિત કરેલી છે. આના પરિણામે યુગો યુગોથી ભારત આધ્યાત્મિકતાનો ખજાનો બન્યું છે. આ પવિત્ર ભૂમિ પર સમયાંતરે આધ્યાત્મિક વિભૂતિઓનો આવિર્ભાવ થયો છે એ જ કદાચ આ વાતનું સમર્થન કરે છે.

માનવીઓ વિષયાસક્તિના આનંદ તરફ વળે છે તેથી સમય જતાં આ આધ્યાત્મિક પ્રવાહ થંભી જાય છે. આવા સમયે અવતાર કે મહાન આત્મા કે મહાન ગુરુની આવશ્યકતા ઊભી થાય છે. એટલે જ શ્રીરામચંદ્ર, શ્રીકૃષ્ણ, શ્રીબુદ્ધ, શ્રીચૈતન્ય જેવા અવતારો ભિન્ન ભિન્ન સમયે ચોક્કસ યુગની આવશ્યકતાઓની પૂર્તિ કરવા અવતર્યા છે. હમણાં નજીકના ભૂતકાળનાં વર્ષોમાં, ૧૮મી સદીથી માંડીને ૧૯મી સદીના મધ્યભાગ સુધીના સમયગાળામાં  પશ્ચિમના ભૌતિકવાદે ભારતની પ્રાચીન પુરાણી અધ્યાત્મપ્રણાલીઓને પડકારી હતી, આ ભૌતિકવાદી આક્રમણને રોકવા માટે બ્રાહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ અને આર્યસમાજ જેવાં સંગઠનાત્મક આંદોલનો ઊભાં થયાં, એમને અંશત: સફળતા પણ મળી. પરંતુ તત્કાલીન યુગમાં નવી નવી આવેલ પશ્ચિમની સંસ્કૃતિના મુખ્યસ્થાન સમા કોલકાતાની નજીક આવેલા દક્ષિણેશ્વરમાં ભારતની આ બધી પ્રાચીન આધ્યાત્મિક ગૌરમ ગરિમાને એના પૂર્ણરૂપે કાળજીપૂર્વક જાળવી રાખવાનું એક આધ્યાત્મિક આંદોલન ઉજાગર થતું હતું. આ યુગના અવતારપુરુષ શ્રીરામકૃષ્ણદેવ આ આધ્યાત્મિક આંદોલનના મુખ્ય રાહબર હતા. શ્રીરામકૃષ્ણના અવતરણનું મહત્ત્વ સમજાવતાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આ યુગનો આ નૂતન અધ્યાત્મમાર્ગ સમગ્ર વિશ્વને માટે આશીર્વાદ રૂપ નીવડતું ફળપ્રદ સ્રોત છે, અને એમાંય ભારતને માટે વિશેષ; આ યુગના નૂતન ધર્મના સ્થાપક ભગવાન શ્રીરામકૃષ્ણદેવ ભૂતકાળના બધા ધર્મસંસ્થાપકોની પ્રાચીન અનુભૂતિઓનું એક નવતર રૂપ હતા.’

સુખ્યાત ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયન્બીએ લખ્યું છે: ‘આજે આપણે વિશ્વના ઇતિહાસના એક અલ્પકાલીન અધ્યાયકાળમાં જીવી રહ્યા છીએ, પરંતુ હવે એ વાત બરાબર સ્પષ્ટ થતી જાય છે કે જે અધ્યાયકાળને પશ્ચિમનો પ્રારંભ હતો તેને અંતે ભારતીય સાધનોનો માર્ગ લેવો પડશે. જો એનો અંત આવો નહિ આવે તો માનવજાતનું આત્મનિકંદન નીકળી જશે. પશ્ચિમની પૌદ્યોગિકી દ્વારા ભૌતિક ભૂમિકા પર આજનું વિશ્વ જોડાયેલું છે. પરંતુ પશ્ચિમના આ કૌશલ્યે ‘અંતરનું અંતર સમૂળગું દૂર’ નથી કર્યું. આ કૌશલ્યે એકીવખતે વિશ્વનો વિનાશ કરનારા શસ્ત્રોથી વિશ્વના લોકોને સજ્જ કર્યા છે; અને એકબીજાને જાણવા – ઓળખવા કે ચાહવાને બદલે તેમને બંદૂકની અણી સામે ધરી દીધા છે. માનવ ઇતિહાસની આ સૌથી વધુ ભયંકર પળે માનવજાતિની મુક્તિ માટેનો એકમાત્ર માર્ગ ભારતીય (આધ્યાત્મિક) માર્ગ છે. આ અણુયુગમાં આપણી જાતના સર્વવિનાશના વિકલ્પરૂપે ‘વસુધૈવ કુટુંબકમ્‌’ની જેમ એક કુટુંબમાં જીવવાની શક્યતા ઊભી કરતાં સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત અને શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં જીવી બતાવેલી સર્વધર્મોની એકતાના આ બે વલણો કે સદાચરણો આપણી પાસે છે.’  

રામકૃષ્ણ સંઘની સંસ્થાપના

દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવે વિવિધ ધર્મપથોની સાધના દ્વારા કરેલ સત્યની અનુભૂતિ પછી અને પોતાને દિવ્ય ભાવાવસ્થામાં પ્રસ્થાપિત કર્યા પછી ૧૮૮૧ અને ૧૮૮૫ની વચ્ચેના સમયગાળામાં શ્રીઠાકુરના ભક્તો જેવા કે રામચંદ્ર, સુરેશ, બલરામ, માસ્ટર મહાશય અને બીજા જુવાનિયાઓ જેવા કે નરેન, રાખાલ, લાટુ, બાબુરામ વગેરે ક્રમશ: દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા. એમણે યુવાશિષ્યોને પ્રેમના મજબૂત બંધનથી બાંધી દીધા કે જેથી તેઓ વિશાળ અને ઉદાત્ત ધર્મસંઘની સંસ્થાપના કરવા પરિપક્વ બને. એમણે નરેન્દ્રનાથની આ યુવાનોના નેતા રૂપે વરણી કરી, જેઓ પાછળથી સ્વામી વિવેકાનંદ (‘ઈશ્વરકોટિ’, પૂર્વ કર્મનાં બંધનોથી મુક્ત આત્મા; નારાયણ સ્વરૂપ અને સપ્તર્ષિઓમાંના એક)ના નામે જાણીતા બન્યા. 

શ્રીરામકૃષ્ણના નૂતન, ઉદાત્ત અને વિશાળ ધર્મપથનો જન્મ દક્ષિણેશ્વરમાં થયો હતો અને જ્યાં ૨, ઓક્ટોબર, ૧૮૮૫ના રોજ શ્રીઠાકુરને જીવલેણ કેન્સરની સારવાર માટે લાવવામાં આવ્યા હતા એવા કોલકાતાના શ્યામપુકુરમાં તેના અંકુર ફૂટ્યા હતા. (આ જ હેતુથી ભક્તજનો શ્રીરામકૃષ્ણને દુર્ગાચરણ મુખર્જીની શેરીમાં એક ભાડાના ઘરમાં લાવ્યા હતા. શ્રીરામકૃષ્ણને આ સ્થળ જરાય પસંદ ન પડતાં તેમને દૂર બલરામ બસુના ઘરે સાત દિવસ સુધી રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી ગોકુલ ભટ્ટાચાર્યની માલિકીના શ્યામપુકુરમાંના ઘરમાં લાવવામાં આવ્યા હતા.) આ સારવારના ખર્ચની આર્થિક જવાબદારી શ્રીરામચંદ્ર, શ્રીબલરામ, શ્રીગિરિશ, શ્રી સુરેશ, શ્રીમનમોહન અને શ્રીમાસ્ટર મહાશય અને બીજા સંસારી ભક્તોએ ઉપાડી લીધી. રાખાલ, શરત્‌, શશી, લાટુ, કાલી, વૃદ્ઘ ગોપાલ, બાબુરામ, યોગિન, નિરંજન અને નરેન જેવા યુવાન ભક્તશિષ્યોએ એમની સેવાશુશ્રૂષાની જવાબદારી હસતા મુખે સ્વીકારી. આ યુવાનોના નેતા, સંસારનો ત્યાગ કરનાર નરેન હતા. પશ્ચાદ્‌ભૂમાં રહીને શ્રી શ્રીમા શારદાદેવીએ સેવાની આ જ્યોત સદૈવ જલતી રહે એવી સુનિશ્ચિત કરી દીધી. શ્યામપુકુરના ૭૦ દિવસના નિવાસ પછી તેમના ચિકિત્સકોની સૂચના પ્રમાણે શ્રીરામકૃષ્ણને ગંગાની નજીક કાશીપુર (કોલકાતા)ના એક (શ્રીગોપાલ લાલની માલિકીના) ભાડાના મકાનમાં લાવવામાં આવ્યા. અહીં જ વાસ્તવિક રીતે રામકૃષ્ણ ભાવ-આંદોલનના બીજાંકુર ફૂટીને છોડ રૂપે પરિપક્વ બન્યા.  જેણે દુનિયાની – સંસારની બધી આસક્તિઓ છોડી દીધી હતી એવા દરેક યુવાન શિષ્યને તથા તેમના સંસારી ગૃહસ્થભક્તોને પોતપોતાના વ્યક્તિગત મનોવલણ પ્રમાણે પ્રારંભકાળથી જ શ્રીરામકૃષ્ણ તાલીમ આપવા લાગ્યા. કાશીપુરમાં આ તાલીમને તેમણે પોતાનો અંતિમ સ્પર્શ આપ્યો. ‘Sri Ramakrishna The Great Master’ના લેખક સ્વામી સારદાનંદજી લખે છે : ‘આ ઉપરાંત અહીં જ એમણે નરેન્દ્રનાથનું જીવનઘડતર કર્યું; અને નાની યુવાનવયના ભક્તશિષ્યવર્તુળનો હવાલો તેમને સોંપ્યો તેમજ એમને માર્ગદર્શન આપવા માટે વિગતવાર સૂચનાઓ પણ આપી.’

‘કુદરતી શક્તિસામર્થ્યયુક્ત’ નરેન્દ્રનાથના માર્ગદર્શન હેઠળ અને ‘જેમની ભીતર શ્રીરામકૃષ્ણ નિવાસ કરતા હતા’ એવાં શ્રી શ્રીમાના પ્રેમાળ સ્પર્શથી શ્રીરામકૃષ્ણદેવની આ સર્વત્યાગી શિષ્યમંડળીના બધા શિષ્યો શ્રીરામકૃષ્ણની સેવા કરતાં કરતાં કાશીપુરમાં સુગ્રથિત સમૂહ રૂપે સંગઠિત બન્યા. સેવાશુશ્રૂષા કરતાં કરતાં તેઓ નિત્યક્રમ રૂપે પવિત્ર મંત્રોચ્ચાર કરતા, શાસ્ત્રવાચન કરતા અને આધ્યાત્મિક ચર્ચાઓ કરતા. આ સ્થળની આર્થિક આવશ્યકતાઓની સંભાળ સંસારી ભક્તજનો લેતા. માંદગીના બીછાને પડેલા શ્રીરામકૃષ્ણદેવે આ યુવાનોને આધ્યાત્મિક સાધના કરતા કર્યા. આ આધ્યાત્મિક સાધના માટે તેઓ ક્યારેક નરેનને કે બીજાને દક્ષિણેશ્વર મોકલતા. આ સમયે તેઓ તેમને નજીકના ગામડામાં ‘માધુકરી’ કરવાનું કહેતા; (મધપૂડાને મધથી ભરપૂર કરવા જેમ મધમાખીઓ વિવિધ ફૂલો પરથી મધુ એકઠું કરે છે તેમ એક જ ઘર પર વધારે બોજો ન આવી પડે તે હેતુથી માગવામાં આવતી ભીક્ષાને ‘માધુકરી’ કહે છે.) અને તેઓ પોતે એમાંથી રાંધેલા અનાજનો એક કોળિયો લેતા. ભીક્ષા માગવા જતી વખતે એમને થયેલા વિચિત્ર અનુભવો તેઓ આતુરતા અને જિજ્ઞાસાથી સાંભળતા.

એક દિવસ વૃદ્ધ ગોપાલદાએ સમુદ્ર અને ગંગાના મિલનસ્થાન ગંગાસાગરમાં પવિત્ર સ્નાને જતા કેટલાક સંન્યાસીઓને ભગવાં વસ્ત્રો, રુદ્રાક્ષની માળા અને ચંદનકાષ્ટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. શ્રીરામકૃષ્ણને આ વાતનો ખ્યાલ આવ્યો અને એમણે વૃદ્ધ ગોપાલદાને સલાહ આપી કે તેમની સેવાશુશ્રૂષામાં રોકાયેલા આ યુવાનોથી વધુ સારા સંન્યાસી બીજે શોધવા જવું એ નિરર્થક છે અને આ છોકરાઓને આ વસ્તુઓ ભીક્ષા રૂપે આપીને તેમને વધુ સારું પુણ્ય મળશે એવી ખાતરી પણ આપી. એ પ્રમાણે ગોપાલદાએ શ્રીરામકૃષ્ણને બાર ભગવાં વસ્ત્રો આપ્યાં અને એમણે એ વસ્ત્રો આ સંસારનો ત્યાગ કરનાર અગિયાર યુવાન શિષ્યોને – નરેન, રાખાલ, બાબુરામ, નિરંજન, યોગિન, તારક, શરત્‌, કાલી, શશી, લાટુ અને વૃદ્ઘ ગોપાલદા – આપ્યાં. બારમું વસ્ત્ર શિવભૈરવ ભક્ત ગિરિશને આપવામાં આવ્યું. ખરેખર આ હતી રામકૃષ્ણ સંઘની સંસ્થાપના. 

‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ના લેખક શ્રી અક્ષયકુમાર સેને મધુર કાવ્ય પંક્તિમાં એનું વર્ણન કરતાં કહ્યું છે: ‘ગોપાલદા ભગવાં વસ્ત્રો અને રુદ્રાક્ષની માળા લાવ્યા. એ બધું એમણે શ્રીરામકૃષ્ણને ધરી દીધું. એમણે સંન્યાસ લેવાની જિજ્ઞાસાવાળા અગિયાર સુયોગ્ય ભક્તોને આ વસ્ત્રો અને રુદ્રાક્ષની માળા આપ્યાં. બીજે દિવસે ગિરિશ ઘોષને ભગવું વસ્ત્ર અને માળા આપવામાં આવ્યાં.

નરેન્દ્રનાથ સમાધિભાવમાં ડૂબ્યા રહેવા માગતા હતા. જો કે શ્રીરામકૃષ્ણે એ તરફ વધારે ધ્યાન ન આપવા કહીને સૂચવ્યું કે એમનું વાસ્તવિક જીવનકાર્ય સામાન્ય જનસમૂહના દુ:ખપીડાને દૂર કરવા માટે કાર્ય કરવાનું છે. જગજ્જનનીનાં દિવ્ય ચરણકમળોમાં શ્રીરામકૃષ્ણે નરેનને સમર્પિત કરી દીધા. (મ્યાનમાં રહેલા ખડગ સમા) નરેનના આ વિશેના બધા વાંધા વિરોધને શ્રીરામકૃષ્ણે એક બાજુ હડસેલી દીધા.

શ્રીરામકૃષ્ણનું પાર્થિવ અસ્તિત્વ હવે અંત તરફ જઈ રહ્યું હતું. ભક્તજનોને આ અંગે પૂરતાં સંકેતો મળ્યા હતા. મહાસમાધિ પહેલાં દરરોજ સાંજે શ્રીરામકૃષ્ણ નરેનને બોલાવતા અને બીજા બધાને ઓરડામાંથી બહાર જવા કહેતા; બંધ બારણે તેઓ નરેનને ઘણા દીર્ઘસમય સુધી ભવિષ્યના કાર્ય વિશે સલાહસૂચના આપતા. આ એ સમય હતો કે જ્યારે એમણે પોતાની બધી આધ્યાત્મિક શક્તિઓને નરેનમાં સંક્રમિત કરી દીધી. આના પછી શ્રીરામકૃષ્ણની આંખમાં આંસુ જોઈને તેના કારણ વિશે નરેને શ્રીઠાકુરને પૂછ્યું; તેના પ્રત્યુત્તરમાં શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘અરે નરેન! આજે મારી પાસે જે કંઈ છે તે બધું તને આપી દીધું છે અને હું એક ફકીર, અકિંચન ભીક્ષુક બન્યો છું.’ મેં તને આપેલી શક્તિઓના બળથી તું ભવિષ્યમાં મહાન કાર્યો કરી શકીશ; ત્યાર પછી જ તું જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો જઈશ.’

નરેન એવા ભાવવિભોર બની ગયા કે તેઓ એક નાના બાળકની જેમ આંસુ સારવા માંડ્યા. એ દિવસથી નરેન શ્રીરામકૃષ્ણની બધી આધ્યાત્મિક શક્તિઓના ધારક પાત્ર બન્યા. પોતાની અંતિમ વિદાયના બે દિવસ પહેલાં શ્રીઠાકુરે ફરીથી કહ્યું: ‘જો નરેન, હું તારા આશરે આ છોકરાઓને છોડી જઉં છું કારણ કે એ બધામાં તું શ્રેષ્ઠ સૂઝબૂઝવાળો અને મેધાવી છો. તેઓ પાછા પોતાના કુટુંબ સંસારમાં ન જાય એ તું જોજે અને તેઓ બધા એક જગ્યાએ સહજીવન જીવીને પૂર્ણ મનહૃદયે આધ્યાત્મિક સાધનાઓ કરતા રહે એ પણ જોજે.

લાંબા સમયે સ્વામીજીએ (૨૬-૫-૧૮૯૦ના) પત્રમાં લખ્યું છે: ‘એમનો મને આદેશ હતો કે એમણે સ્થાપેલા સંઘના બધા ત્યાગી શિષ્યોની સંભાળ-સેવામાં મારે મારી જાતને લગાડી દેવી જોઈએ અને આમ કરવા જતાં જે થવાનું હોય તે થાય; મને સ્વર્ગ મળે કે નરક, મુક્તિ મળે કે પછી બીજું કંઈ એ બધું હું સ્વીકારવા તૈયાર છું.’

પછીના દિવસોમાં પોતાના ગુરુબંધુઓને (૨૭-૪-૧૮૯૬માં) યાદ અપાવ્યું હતું : ‘એમણે તમારા બધાની જવાબદારી મને સોંપી છે, અને તમારે જગતના મહાન કલ્યાણ અને સુખાકારી માટે પ્રદાન આપવું પડશે – જો કે તમારામાંના મોટા ભાગના હજી આ વાતથી માહિતગાર નથી – તમને લખવાનું વિશેષ કારણ આ છે.’

સ્વામી અભેદાનંદજીએ તેમની આત્મકથામાં લખ્યું છે: ‘પોતાની મહાસમાધિની આગલી રાત્રીએ નરેનને શ્રીરામકૃષ્ણે પોતાની પાસે બોલાવ્યો હતો અને તેને કહ્યું હતું: ‘આ બધા યુવાનોને એકીસાથે રાખજે અને એ બધાની સંભાળ લેજે.’ એ વાત અમને બધાને યાદ છે. શ્રીરામકૃષ્ણની આ સૂચનાને અમે હંમેશાં યાદ રાખીને નરેનને અમારા નેતા માનતા અને એમની (નરેનનાં) સૂચનામાર્ગદર્શન પ્રમાણે ચાલતા.’

૧૬ ઓગસ્ટ ૧૮૮૬ના રોજ શ્રીરામકૃષ્ણે આ ધરતી પરની પોતાની યાત્રા પૂર્ણ કરી. અને બધા ભક્તજનોને વિષાદમાં ગરકાવ કરી દીધા. તેઓ પોતાની પાછળ એક અમરવારસો – એક અનન્ય સર્વગ્રાહી સર્વધર્મસમન્વયની ભાવનાવાળો સંઘ, એક નૂતન ધર્મક્રાંતિ મૂકી ગયા. સ્વામી શિવાનંદજીએ પછીથી કહ્યું હતું : ‘મેં તેમને (લેડી મિન્ટો)ને સમજાવ્યું કે આ માટે સ્વામીજી કે બીજો કોઈ શિષ્ય કારણભૂત ન હતા; એ માટે કારણભૂત હતા શ્રીરામકૃષ્ણદેવ પોતે કે જેમણે કાશીપુરમાં પોતાની અંતિમ માંદગી દરમિયાન આ સંઘનો પ્રારંભ કરી દીધો હતો. એ વખતે ગુરુદેવ સ્વામીજીને એક બાજુએ લઈ ગયા અને કેવી રીતે સંગઠન કરવું અને કાર્યો હાથ ધરવાં, ભાવિ સંન્યાસીસંઘના કેટલાંક રહસ્યો વિશે તેમને માર્ગદર્શન અને શીખ આપ્યાં હતાં. એ હતો મઠની સ્થાપનાનો મંગલ પ્રારંભ.’ ૧૦

કાશીપુરના ભાડાના ઉદ્યાનઘરમાં રામકૃષ્ણ સંઘનો પ્રારંભ થઈ ચૂક્યો હતો; ૧૮૮૬ના ઓગસ્ટની ૩૧મી તારીખે આ ભાડાની મુદ્દત પૂરી થતી હતી. ત્યાર પછી રામકૃષ્ણ મઠને કાશીપુરની નજીક આવેલા બારાનગરના બિસ્માર અને વેરાન ઘરમાં ફેરવવામાં આવ્યો. જો કે રામકૃષ્ણ સંઘની સ્થાપનાની સંકલ્પનાનો ઉદ્‌ભવ કાશીપુરમાં થયો હતો, પરંતુ બારાનગરમાં આ સંકલ્પનાને વાસ્તવિક રૂપ અપાયું એટલે બારાનગરને રામકૃષ્ણ મઠના પ્રથમ મઠ તરીકે ગણવો જોઈએ.

Total Views: 202

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.