(ફેબ્રુઆરીથી આગળ)
બારાનગર મઠનો પ્રારંભ
શ્રીરામકૃષ્ણદેવ પરની અટલ શ્રદ્ધાભક્તિવાળા ગણ્યાગાઠ્યા કોલેજના વિદ્યાર્થીઓએ (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ શિષ્યો) એક ઘણા જરીપુરાણા જર્જરિત અંધારિયા વેરાન મકાનમાં સંન્યાસીઓ માટે શ્રીરામકૃષ્ણ સંઘ (મઠ)ની સ્થાપના કરી. ગુરુદેવ (શ્રીરામકૃષ્ણ) જ્યારે જીવંત હતા અને જે આદર્શોને એમણે પુષ્ટ કર્યા હતા; જે આદર્શો શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી વધુ બળવતર બન્યા એ આદર્શોને ચરિતાર્થ કરવા તેઓ આતુર બન્યા હતા. શ્રીરામકૃષ્ણદેવે પ્રદર્શિત કરેલા સત્યની અનુભૂતિ કરવા માટેના તેમના પ્રયત્નોની ઉત્કટતા હવે વધુ ને વધુ તીવ્ર બની. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી સંપૂર્ણપણે સંસારનો ત્યાગ કરનાર આ યુવમંડળી થોડા વખત માટે અકિંચન અને માલમત્તા વિહોણી બની ગઈ. તેમને કોઈનો સાથ સહકાર ન હતો અને તેઓ અસહાય બની ગયા હતા.
શ્રીરામકૃષ્ણદેવના અગ્નિસંસ્કાર પછી તેમના ભસ્માવશેષને, એક તામ્રકળશમાં ભરીને તેને કાશીપુરમાં ઉદ્યાનઘરમાં જે પલંગનો ગુરુદેવ ઉપયોગ કરતા તેના પર રાખવામાં આવ્યા. તેઓ બધા શ્રીરામકૃષ્ણદેવના પાવનકારી જીવનની ચર્ચા કરવા માટે એકઠા થતા, તેમના ઊંડા ધ્યાનમાં લીન થતા અને તેમનામાંથી કેટલાક ત્યાં રાત્રી રોકાણ પણ કરતા. આ પહેલાં એ બધાએ એક મતિએ નક્કી કર્યું હતું કે શ્રીરામકૃષ્ણદેવના અસ્થિપુંજની ગંગાના કિનારે ખરીદવામાં આવનાર ભૂમિ પર રચાયેલા શ્રીરામકૃષ્ણ મંદિરમાં સેવા પૂજા માટે સંસ્થાપના કરવામાં આવે. પરંતુ આ પ્રયોજન માટે ઘણાં નાણાંની આવશ્યકતા તેમજ બીજા અનેક કારણોને લીધે ગૃહસ્થભક્તોએ આવી સહમતિથી પોતાની જાતને અલગ કરી લીધી. શ્રીઠાકુરના સાક્ષાત્ સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ ભક્તોના બે જૂથો વચ્ચે મતભેદ ઊભો થયો. શ્રીરામચંદ્ર દત્તની આગેવાની હેઠળના ગૃહસ્થ ભક્તોએ નિર્ણય કર્યો કે શ્રીઠાકુરના અસ્થિપુંજને કલકત્તાના કાકુડગાચ્છીમાં દૈનિક સેવાપૂજા માટે રાખવામાં આવે; જ્યારે બધા ત્યાગી ભક્તોએ બીજો જ નિર્ણય કર્યો. શશી (સ્વામી રામકૃષ્ણાનંદજી), નિરંજન (સ્વામી નિરંજનાનંદજી) અને બીજા યુવસંન્યાસીઓને રામચંદ્ર દત્તનો આ નિર્ણય પસંદ ન હતો. તેમણે આ અસ્થિપુંજને બાગબાજારમાંના બલરામ બોઝના ઘરે સેવાપૂજા માટે મોકલી આપ્યો. જો કે નરેન્દ્ર આવી હુંસાતુંસીના વિરુદ્ધમાં હતા છતાં એમણે શશી અને નિરંજનનો પક્ષ લીધો. તેમણે યુવાનોને કહ્યું: ‘ભાઈઓ, વિવેક રાખજો. આવી બાબતમાં હુંસાતુંસી કે ઝઘડા ન થવા જોઈએ; નહિ તો લોકો કહેશે કે શ્રીરામકૃષ્ણદેવના શિષ્યો તેમના અસ્થિપુંજ માટે લડે-ઝઘડે છે. વળી આપણે ક્યાં સ્થાયી રહીશું એનું પણ કંઈ નક્કી નથી. એટલે ભલે તેમની પાસે અસ્થિપુંજ રહે. છેવટે તો શ્રીરામબાબુ શ્રીરામકૃષ્ણના નામે એને ભક્તિભાવે સુરક્ષિત સ્થાને જાળવી રાખશે. શું આ સારું કામ નથી? આપણે સૌ પણ ત્યાં જઈશું અને શ્રીઠાકુરની પૂજા કરીશું. ચાલો આપણે સૌ શ્રીઠાકુરના ઉપદેશ પ્રમાણે આપણા જીવનને ઘડીએ. આપણે જો એમના આદર્શને સાચી રીતે જાણ્યા હોય અને આપણે એ આદર્શો પ્રમાણે જીવવા ઇચ્છતા હોઈએ તો આપણે આ અસ્થિપુંજની એક માત્ર પૂજા સિવાય બીજું ઘણું ઘણું કરવાનું રહેશે.’
નરેન અને એના યુવા ગુરુબંધુઓ શ્રીરામકૃષ્ણના અસ્થિપુંજને ‘શ્રીજી’ કહેતા. તેમને માટે આ અસ્થિપૂંજ -‘આત્મારામૈવ કૌટા – આત્મારામનો દાબડો’ બની ગયો. તેમને માટે ‘શ્રીજી’ જીવંત, સત્ય અને દિવ્યજ્યોતિ હતો. ‘શ્રીરામકૃષ્ણનો જય હો!’ના જયઘોષ સાથે નરેન્દ્ર આ ભસ્માવશેષમાંથી થોડો ભાગ ગળી ગયા. બીજા ગુરુબંધુઓ પણ એમને અનુસર્યા અને એમના પર જાણે કે આશીર્વાદની અમીવૃષ્ટિ થઈ હોય એવું અનુભવ્યું. ૨૩ ઓગસ્ટ, ૧૮૮૬ના પાવન દિવસે યોગોદ્યાનના કાકુડગાચ્છી (કોલકાતા)માં શ્રીરામકૃષ્ણદેવના અસ્થિપુંજને પધરાવતી વખતે શ્રીરામચંદ્ર દત્ત અને બીજા ભક્તજનોએ એક મહોત્સવનું આયોજન કર્યું. ચાંદ્ર પંચાંગ પ્રમાણે શ્રીરામકૃષ્ણદેવનો આ જન્મદિન હતો. સૌ ત્યાગી સંન્યાસી યુવમંડળી પણ આ મહોત્સવમાં સામેલ થઈ.
આ સમય દરમિયાન કાશીપુરમાં બે ઘટનાઓ બહાર આવી. એમાંથી પ્રથમ હતી નરેન અને હરીશને એક સાંજે થયેલા શ્રીરામકૃષ્ણનાં દર્શન. અને બીજી ઘટના હતી શ્રીરામકૃષ્ણે દર્શન આપીને શ્રી શ્રીમા શારદાદેવીને પોતાના હાથના કંગન ઉતારવાની કરેલી મના. શ્રી શ્રીમાના હાથ દબાવીને શ્રીઠાકુરે કહ્યું: ‘શું હું મૃત્યુ પામ્યો છું કે જેથી તમે સૌભાગ્યવતીનાં ચિહ્નોનો ત્યાગ કરી રહ્યા છો?’ દરેકે દરેકને ખાતરી થઈ કે શ્રીરામકૃષ્ણદેવ સૂક્ષ્મદેહે અસ્તિત્વ ધરાવે છે.
કાશીપુરના ભાડેના મકાનની મુદત પૂરી થવા આવી હતી. શ્રીઠાકુરની મહાસમાધિ પછીના ગ્લાનિ અને વિષાદમાંથી શ્રી શ્રીમા શારદાદેવીને બહાર લાવવા માટે ૧૫, ભાદ્રપદ, ૧૨૯૩(બંગાબ્દ વર્ષ)ના દિવસે લક્ષ્મીદીદી, ગોલાપ મા, માસ્ટર મહાશયનાં ધર્મપત્ની, લાટુ, યોગિન અને કાલી એમની સાથે વૃંદાવનની યાત્રાએ ગયાં. ૬, ભાદ્રપદના દિવસે શ્રી શ્રીમા અને બીજાએ કાશીપુરનું મકાન છોડ્યું અને બલરામના ઘરે આવ્યાં. આ બધું હોવા છતાં પણ આ બધા દિવસો દરમિયાન તેમણે શ્રીરામકૃષ્ણદેવની અવિરત સેવાપૂજા કરી. એ બધાની વચ્ચે એક અદ્ભુત ભ્રાતૃભાવનું સુદૃઢ અવિચ્છેદ્ય બંધન વિકસિત થયું. આ જ વિચાર એ બધાના મનમાં વમળાતો હતો : ‘આવા ત્યાગ અને અનુભૂતિના જીવંત દૃષ્ટાંત સમા-મહાપુરુષને જોયા અને સેવ્યા પછી આપણે કેવી રીતે સંસારી જીવન જીવી શકીએ? શું એમનો ઉપદેશ-સંદેશ કામિનીકાંચન ત્યાગનો ન હતો? શું આપણને સૌને આવતીકાલની ચિંતા ન કરવાનું એમણે શીખવ્યું ન હતું? અહીં પૈસાની કોને પડી છે? વૈરાગ્ય ભાવે, એક પરિવ્રાજક જીવન જીવતાં જીવતાં ઘરે ઘરે ફરીને આપણે ભીખ માગીને ખાઈશું. ગુરુદેવ ચોક્કસ આપણી સંભાળ લેશે.’
સંન્યાસી યુવા શિષ્યોમાંથી કેટલાકે સૌ પ્રથમ તો વિશ્વવિદ્યાલયની પરીક્ષા આપવાનું અને પછી સંન્યાસી જીવન માટે પરત આવવાનું નક્કી કર્યું. કેટલાક પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે પોતપોતાના ઘરે પાછા ગયા. આ યુવા મંડળીના નેતા નરેન થોડા સમય માટે અસહાય બનીને પોતાને ઘરે રહ્યા અને બીજા બધાને સંસારની નશ્વરતાની યાદ હંમેશાં અપાવતા રહ્યા. તારક (સ્વામી શિવાનંદ) પણ વૃંદાવન ગયા. પ્રારંભકાળથી જ બલરામ બોઝ, ગિરિશ, માસ્ટર મહાશય અને સુરેશ આ યુવાન સંન્યાસી જૂથની મઠસ્થાપનાની ઇચ્છાની સાથે ને સાથે રહ્યા.
આ સમય દરમિયાન બધી સમસ્યાઓ ચમત્કારિક રીતે ઉકલી ગઈ. શ્રીરામકૃષ્ણને ભાવતું ભોજન લાવી આપનાર સુરેન્દ્રને (સુરેશચંદ્ર મિત્ર – શ્રીરામકૃષ્ણ સુરેન્દર કે સુરેન્દ્ર કહીને બોલાવતા.) એક રાત્રે ઓફિસેથી પાછા ફર્યા પછી પોતાના મંદિરમાં હતા ત્યારે શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન થયાં. તરત જ તેઓ નરેન પાસે ગયા અને આંખમાં આંસુ સાથે કહ્યું: ‘નરેન, તું મને આ ચોક્કસ બાબતમાં મદદ કરી શકીશ?’ નરેને જવાબ આપ્યો: ‘જરૂર, તમે અમારી પાસેથી જે અપેક્ષા રાખશો એ બધું અમે કરવા તૈયાર છીએ. તમે આપણા ગુરુદેવ શ્રીરામકૃષ્ણની સેવા માટે કેટલું ઉદાર હાથે ખર્ચ કર્યું છે અને એમની તમે પોતે જાતે કેટલી સેવા કરી છે એનાથી કોણ અજાણ છે?’ સુરેન્દ્રે કહ્યું: ‘શ્રીરામકૃષ્ણ જાણે કે મને કહે છે: ‘સુરેન તું શું કરે છે? મારા સંન્યાસી શિષ્યો કે જેણે મારા માટે આટલું બધું કર્યું તેઓ અસહાય બનીને અહીંતહીં ભટકે છે. તેઓ બધા એક સાથે રહી શકે તે માટે તેમને સહાય કર. કે જેથી તેઓ તેમની શોધનામાં સફળ બની રહે.’ એટલે હું તને એવી વિનંતી કરું છું કે જેમણે શ્રીઠાકુરની સેવા કરી છે એવા યુવાન ભક્તોને એકરાગે રાખીને ભેગા કર. કલકત્તા અને દક્ષિણેશ્વરની વચ્ચેના કોઈ પણ સ્થળને પસંદ કરીને નીચા ભાડાની જગ્યા લઈને એમને બધાને એકીસાથે રાખ.’ નરેને જવાબ આપતાં કહ્યું: ‘આ થોડા દિવસો દરમિયાન હું પણ એ બધાને એક સાથે લાવવાનું સઘનરૂપે વિચારતો હતો. શ્રીઠાકુરની કૃપાથી તમે મને માર્ગ બતાવ્યો છે. હું આ આજે ને આજે જ કરીશ.’ સુરેન્દ્રે આર્થિક જરૂરતો પૂરી પાડવાનું વચન આપ્યું. તેણે કહ્યું: ‘કાશીપુરમાં જેમ હું આપતો હતો એમ ખર્ચની રકમ આપીશ.’ સુરેન્દ્રે પોતે આ સ્થળ સૂચવ્યું : ‘આ દુનિયા એ સંસારની ભઠ્ઠીમાં તપ્ત બનેલા દુર્ભાગી લોકોનું શીતળ સ્વર્ગ છે.’ આ ઘટનાનો ઉલ્લેખ કરતાં ઘણા લાંબા સમય પછી સ્વામી શિવાનંદજીએ બેલૂર મઠમાં કહ્યું: ‘જુઓ, કેવી છે શ્રીઠાકુરની અનંત કૃપા. સૂક્ષ્મદેહે એમણે આપણી રક્ષા કરી.’ એ સૌ ભક્તો પ્રત્યેના શ્રીરામકૃષ્ણના અસીમ પ્રેમનાં દર્શન પામીને આનંદોલ્લાસમાં આવી જઈને નરેન આંખમાં હર્ષાશ્રુ સાથે સુરેન્દ્રને ભેટી પડ્યા.
Your Content Goes Here




