રામકૃષ્ણ વેદાંત સોસાયટી, બોસ્ટનના અધ્યક્ષ સ્વામી ત્યાગાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન – સ્વામી વિવેકાનંદ્સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાંથી મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ‘રામકૃષ્ણ મિશન- એ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાયઝેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.
વૈશ્વિક જીવનનો આવતી અનેક સદી સુધી મહત્ત્વનો ભાગ ભજવનાર કોઈ ભાવ-આંદોલનનાં ૧૦૦ વર્ષ એ કંઈ બહુ મોટો સમયકાળ ન ગણાય. પરંતુ એ ભાવ આંદોલનના પ્રથમ સો વર્ષ નિશ્ચિતપણે વિશેષ બની રહે છે. એનું કારણ એ છે કે સામાન્ય રીતે આ ભાવ-આંદોલન એકરૂપતા ધારણ કરે એ માટેનો સુનિશ્ચિત સમયગાળો હોય છે. એ સમય દરમિયાન તેની દિશા વત્તા-ઓછા પ્રમાણમાં સ્થિર થાય છે, એના અગ્રતાક્રમો સુનિશ્ચિત થાય છે અને એનું દર્શન પણ વધુ અને વધુ સ્પષ્ટ થાય છે.
મિશનની એક સદી અને એનું ૨૧મી સદીમાં પગલું પડવું એ ગત ૧૦૦ વર્ષના કાર્યને હવે પછીના કાર્યથી અલગ કરનાર પ્રારંભભૂમિ જેવું છે. આ મહાપ્રસંગ ઉત્સવનો હોઈ શકે, પરંતુ ભૂતકાળમાં એક ડોકિયું કરવાની અને એમાંથી બોધપાઠ મેળવવાની; તેમજ વધુ આગળ નજર નાખવાની અને ભાવિ માટે આયોજન કરવાની એક મોટી તક છે. અને આ બધું વર્તમાનની વાસ્તવિકતાની અવગણના કર્યા વગર આટોપવું જોઈએ. ભાવ-આંદોલનના આદર્શો, એ આદર્શોને સિદ્ધ કરવા અપનાવેલી પદ્ધતિઓ અને આ પ્રક્રિયામાં ભાવધારાએ પ્રાપ્ત કરેલી તાદાત્મ્યતાની ફરીથી પરીક્ષા કરવાનો આ શતાબ્દિ અગત્યનો અને આદર્શ સમય છે. રામકૃષ્ણ ભાવધારાના ઇતિહાસમાં આ પળે ભાવધારાના તાદાત્મ્યના સ્વરૂપ તરફ એક નજર નાખી લેવી એ અગત્યનું છે. વાસ્તવિક રીતે રામકૃષ્ણ ભાવ-આંદોલન શું છે અને બીજા લોકો એને કેવી રીતે સ્વીકારે છે? આ પ્રસ્તુત નિબંધ આ પ્રશ્નોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન છે. એશિયાના દેશોમાં ભાવધારાને ‘રામકૃષ્ણ મિશન’ નામની સંસ્થા સાથે એકરૂપ ગણવામાં આવે છે અને પશ્ચિમના દેશોમાં રામકૃષ્ણ સંઘની વેદાંત સોસાયટી સાથે એની તાદાત્મ્યતા જોવાય છે. ‘ભાવધારા’ અને ‘મિશન’ આ બે શબ્દો લગભગ સમાનાર્થી શબ્દ રૂપે વપરાય છે.
કોઈ પણ વ્યક્તિ એમ વિચારે કે રામકૃષ્ણ મિશન એ આધ્યાત્મિક સંઘ છે, એ દેખીતી વાત છે. પણ ઘણાને માટે આ એટલું બધું દેખીતું નથી. આના માટે પણ એક કારણ છે. જે પ્રવૃત્તિઓ માટે આ સંસ્થા સુખ્યાત બની છે એની પ્રવૃત્તિઓનું ઉદાહરણ લો. રામકૃષ્ણ મિશન શું શું કરે છે? ભારતમાં મિશન શાળાઓ, મહાશાળાઓ ચલાવે છે; દવાખાનાં, ઇસ્પિતાલોનું સંચાલન કરે છે અને જાળવે છે; કુદરતી આપત્તિના સમયે રાહતસેવા કાર્યો કરે છે અને પુનર્વસનના પ્રકલ્પો પણ હાથ ધરે છે; ગ્રામવિકાસના સઘન કાર્યક્રમોની યોજનાઓની જવાબદારી લે છે, આદિવાસીઓનાં શ્રદ્ધા સંસ્કૃતિ અને પ્રણાલીઓને જરાય ખલેલ પહોંચાડ્યા વિના આદિવાસી લોકોનાં કાર્ય પણ કરે છે. ૧૦૦ વર્ષના એક ઉદાહરણ રૂપ ગણાય એવી વિલક્ષણ સેવાઓને લીધે રામકૃષ્ણ મિશનને સહજભાવે એક સામાજિક સેવા કરતી સંસ્થા રૂપે ભૂલથી ઓળખી લેવાય પણ ખરી.
અલબત્ત દરેકેદરેક વ્યક્તિ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓથી પૂરેપૂરી વાકેફ નથી. ભારતમાં અને એમાંય વિશેષ કરીને પશ્ચિમમાં આવો એક પ્રશ્ન અવારનવાર થતો રહે છે. તમે લોકો શું કરો છો? રામકૃષ્ણ ભાવ-આંદોલનનું કાર્ય અસરકારક તો છે પણ એ પૂરતા વ્યાપક પ્રમાણમાં જાણીતું નથી. મોટા ભાગનું એનું કાર્ય મૂક, શાંત અને કોઈ પણ જાતના વાદ-વિવાદના વંટોળથી મુક્ત હોય છે. આને લીધે જાહેર પ્રચાર-પ્રસારનાં માધ્યમોનું ધ્યાન એના પ્રત્યે આકર્ષાતું નથી. જાહેર પ્રજાની આંખે ચઢે એવો પ્રયત્ન પણ નથી હોતો. તદુપરાંત રામકૃષ્ણ ભાવધારા ક્યારેય સમાજના તત્કાલીન પ્રશ્ન કે સમસ્યાના પક્ષમાં કે વિરુદ્ધમાં ઊભી રહેતી નથી. કોઈ પણ અથડામણ કે સંઘર્ષમાં કોઈનો પક્ષ લેવો એ સરળ છે; પણ તટસ્થ રહેવું અને આ બાબતમાં ‘શું અને શા માટે’ એવા દરેક દૃષ્ટિબિંદુને સમજવાનો પ્રયત્ન કરવો એ કપરું છે. રામકૃષ્ણ ભાવધારાએ આ કઠિન પથ પસંદ કર્યો છે, કારણ કે આ એક જ માર્ગ સંપસુલેહ અને સુમેળ સાધવાનું, પુન: શાંતિ, સમભાવ અને પરસ્પરની સમજૂતી સાધવાનું સાધન બને છે. રામકૃષ્ણ ભાવધારા સમસંવાદિતાની આ ભૂમિકા ભજવી શકે અને આજે એ ભૂમિકા અદા પણ કરી રહી છે; એની પ્રશંસા કરવાને બદલે કેટલાક લોકો એવા ઉતાવળિયા નિર્ણય પર આવે છે કે આ ભાવધારા કાં તો સમાજની વાસ્તવિકતાના સ્પર્શવિહોણી છે કે એની સાથે એને કંઈ લેવા દેવા નથી.
રામકૃષ્ણ ભાવધારાએ જાગ્રત અને કાળજીપૂર્વક રાજકારણથી પોતાની જાતને દૂર રાખી છે; અને આજે તો વહેલો કે મોડો પણ મોટા ભાગના સામાજિક ઝઘડાઓ કે સમસ્યાઓ રાજકારણના રંગે રંગાઈ જાય છે અને એટલે જ સામાન્ય છાપ એવી છે કે રામકૃષ્ણ ભાવધારા એ સામાજિક રીતે અપ્રાસંગિક બનતી જાય છે. અલબત્ત રાહતસેવાકાર્ય અને શાળા વગેરેના સંચાલન માટે રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં સેવાઓ થાય એવી વિનંતીઓ અવારનવાર થતી રહે છે. આમ હોવા છતાં પણ રાષ્ટ્રની સામે જે સળગતી સમસ્યાઓ છે એના ઉકેલ માટે રામકૃષ્ણ મિશનની ભાગ્યે જ સલાહ લેવાય છે અને આવી સમસ્યાના ઉકેલ માટે મિશનનું સામેલ થવું આવશ્યક છે, એવું કોઈ અનુભવતું પણ નથી.
એટલે એક બાજુએ રામકૃષ્ણ ભાવધારા એક સામાજિક સેવાધારા કે આંદોલન જેવી દેખાય છે. જ્યારે બીજી બાજુએ આનાથી ઊલટું તે સમાજથી અલગ થઈ ગયેલી પણ લાગે છે. આ બંનેમાંથી એકેય દૃષ્ટિબિંદુ સાચું નથી. રામકૃષ્ણ ભાવધારા તો સમગ્રતયા એક આધ્યાત્મિક ભાવ-આંદોલન છે. આમ છતાં એની આધ્યાત્મિકતાએ દૈનંદિન જીવનની વાસ્તવિકતા સાથે પોતાનો છેડો ફાડી નાખ્યો નથી. આ સંસ્થાની સિદ્ધિઓમાંની શ્રેષ્ઠ સિદ્ધિ એટલે- ‘આ વિશ્વની પેલે પારની દુનિયા’ની જીજ્ઞાસા કે મુમુક્ષા અને ‘અહીંની અને આજની દુનિયા’ માટેની ચિંતા-એ બંને વચ્ચેના ક્લેશનું સમાધાન શોધવામાં મેળવેલી નોંધનીય સફળતા.
તથાકથિત આધ્યાત્મિકતા સાથે તથાકથિત વૈશ્વિકતાનો સુમેળ કરવો કે સમસંવાદિતા સાધવી એ કેવી રીતે સાંપડ્યું? રામકૃષ્ણ ભાવધારાએ કેવી રીતે સમાજમાં રહીને અને છતાંય એનાથી અલગ રહીને કામ કરવાનું ગોઠવ્યું? આ ભાવ-આંદોલન સમાજની વાસ્તવિકતાઓમાં ગૂંચવાયા વિના પણ કેવી રીતે એને સ્વીકારી શક્યું? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા આપણે રામકૃષ્ણ મિશન જે આધારભૂમિકા પર કાર્ય કરી રહ્યું છે એના કેટલાંક મૂળભૂત આધ્યાત્મિક સત્યો તરફ નજર નાખવી જોઈએ.
આધ્યાત્મિક સમાધાન
ઉકેલ વિનાની કોઈ સમસ્યા હોતી નથી. સમસ્યાઓ અનેક પ્રકારની હોય છે અને એ પ્રમાણે એના ઉકેલ પણ હોય છે. મોટા ભાગના ઉકેલ ત્વરિત ઉપાય જેવા હોય છે અને આ ત્વરિત ઉપાય વાસ્તવિક રીતે સમસ્યાઓનું સમાધાન કરતા નથી, પણ એ માત્ર એને દબાવી દે છે કે થોડા સમય પૂરતાં મુલતવી રાખે છે. કોઈ એવો ઉકેલ કે એવું સમાધાન છે કે જે સમસ્યાના મૂળમાં ઘા કરે અને તેને અફર-અટલ રહીને સમૂળગી દૂર કરે? હા, એ છે; અને તે છે આધ્યાત્મિક ઉકેલ કે સમાધાન.
દરેક સમસ્યાનો આધ્યાત્મિક ઉકેલ હોય છે; કારણ કે દરેક સમસ્યા મૂળભૂત રીતે આધ્યાત્મિક સમસ્યા હોય છે. વેદો જેને સત્-ચિત્-આનંદ કહે છે, તે જ બધું છે અને સર્વમાં તેનું અસ્તિત્વ રહેલું છે. એટલે જ કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. કોઈ પણ એ જાણતું નથી કે આ તત્ત્વ કેવી રીતે અદૃશ્ય થાય છે અને કેવી રીતે ઘણામાં પ્રતિબિંબિત થાય છે. આ અનંત-અદૃશ્ય તત્ત્વમાંથી આ ભૌતિક અને દેખીતું બ્રહ્માંડ ઊભર્યું છે. એટલે જ બધા પ્રકારની અને અસ્તિત્વની બધી કક્ષાઓની સમસ્યાઓ ઊભી થઈ. એટલે કે પાયાની સમસ્યા એ તત્ત્વને ભૌતિક માની લેવામાંથી જન્મે છે. જો આ સમસ્યાનું સમાધાન મળી શકે તો બીજી બધી સમસ્યાઓનું સમાધાન શોધવાની જરાય આવશ્યકતા રહેશે નહિ. એ તો કાયમને માટે ઓગળી-પીગળી જશે.
વેદાંત આ સમસ્યાના કારણને આપણા આધ્યાત્મિક સ્વરૂપની વિસ્મૃતિ કે એના અજ્ઞાનને નામે ઓળખાવે છે. માત્ર આત્મજ્ઞાનનો પ્રકાશ જ સ્વસ્વરૂપના અજ્ઞાનના અંધકારને દૂર કરી શકે.
ભૂખ્યે પેટે ધર્મનાં પિરસણાં ન ચાલે
જો કે પોતાના અસલ સ્વરૂપનું જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનની જ સૌથી વધારે આવશ્યકતા છે. અને સર્વપ્રથમ તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વભાવને અને પ્રકૃતિને હિતકર એવી કેટલીક આવશ્યકતાઓ પણ પૂરી થવી જોઈએ. આ આવશ્યકતાઓ કઈ છે? મૂળભૂત રીતે ત્રણ આવશ્યકતાઓ છે – અન્ન, વસ્ત્ર, આશ્રય. જ્યારે કોઈ પણ માણસ માટે પોતાના શરીરને ટકાવવા માટે આ પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ય બને ત્યારે તે માણસ આત્મજ્ઞાન મેળવવાની ઇચ્છા કેળવી શકે અને એ માટેનો સમય પણ કાઢી શકે.
પણ શરીરને ટકાવવાથી બધું પતી જતું નથી. તંદુરસ્તીભર્યા વિકાસ માટે માતપિતાનો પ્રેમ, કાળજીપૂર્વકનો ઉછેર, સારા મિત્રો-સાથીઓ અને આરોગ્યપ્રદ ટેવોની કોઈ પણ વ્યક્તિને આવશ્યકતા રહે છે. આ બધું સાથે મળે તો એક આદર્શ ભૂમિ તૈયાર થાય છે કે જેમાં જ્ઞાનનાં બીજ અંકુરિત થઈ શકે.
કૂતરાની પૂંછડી
વિશ્વ કંઈ એમ તત્કાલ રચાયું ન હતું. એને ઉત્ક્રાંત થતાં અબજો વર્ષ લાગ્યાં છે. જો કે આપણે બધા પ્રગતિ, સભ્યતા અને એવી બધી વાતો તો કરીએ છીએ, પણ ઉપરછલ્લી સપાટી સિવાય આ વિશ્વ વાસ્તવિક રીતે જરાય બદલ્યું નથી. આપણે જરાક ખોદીએ કે એ જ જૂની દુનિયા દેખાશે અને એ ભય, ઘૃણા, અસલામતી, ગૂંચવણો, ગુન્હાખોરી, લોભથી છલોછલ ભરેલી છે. અલબત્ત, કેટલેક અંશે આ બધાં દૂષણોનું હિંમત, પ્રેમ, શ્રદ્ધા, શક્તિ, પવિત્રતા અને શાંતિના ઘટનાપ્રસંગો દ્વારા સમતુલન થયું છે ખરું.
સમસ્યાઓ તો મોટે ભાગે એવી ને એવી રહી છે. અલબત્ત સમયે સમયે મહોરાં બદલ્યાં છે, બસ આટલું જ. પણ મૂળભૂત સમસ્યાઓએ તો પોતાનો આ ચહેરો-મહોરોય બદલ્યો નથી. ઉદાહરણ તરીકે પ્રારબ્ધ અને મૃત્યુની સમસ્યા, ખાલીપાની અને નિરર્થકતાની સમસ્યા, ગુન્હાખોરી અને દોષારોપણની વાત લો.
આ વિશ્વના અપરિવર્તિત સ્વરૂપમાં એક અંતર દૃષ્ટિ કરવાને લીધે સ્વામી વિવેકાનંદે એને કૂતરાની પૂંછડી સાથે સરખાવી છે. ભલે ને આપણે ગમે એટલીવાર એને સીધી કરવાનો પ્રયત્ન કરીએ પણ એ તો વાંકી ને વાંકી જ રહેવાની. તો પછી આ દુનિયાને સુધારવાના પ્રયત્નનો કોઈ ઉદ્દેશ્ય ખરો? આનો જવાબ ‘ના’ અને ‘હા’ બંને છે. ‘ના’નું કારણ એ છે કે આ દુનિયા પોતાની મૂળ પ્રકૃતિ બદલાવી શકે તેમ નથી. ‘હા’નું કારણ એ છે કે આ દુનિયાને સુધારવા જતાં આપણે પોતે જ ખરેખર સુધરી જઈએ છીએ. સ્વામી વિવેકાનંદે પણ કંઈક આવું જ કહ્યું છે. એમણે કહ્યું છે કે આ દુનિયા સારા-નરસાનું મિશ્રણ થવાનું જ ચાલુ રાખશે. જો આપણે ગહન નિરીક્ષણ કરીને જોઈએ તો આપણને જાણવા મળશે કે આ દુનિયાને આપણી સહાયની જરાય જરૂર નથી. આપણા વિના પણ તે બહુ સારી રીતે ચાલી શકે તેમ છે. આમ છતાં પણ આપણે આ દુનિયાને સહાય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે સ્વામીજીએ કહ્યું હતું: ‘આ દુનિયાને મદદ કરીને વાસ્તવિક રીતે તો આપણે આપણી જાતને જ સહાય કરીએ છીએ.’
જાણે આ દુનિયાને જરાય સુધારી ન શકાય, એવું નથી, એ થઈ શકે તેમ છે; પણ એક તો આવી સુધારણા હંમેશાં અલ્પકાલીન હોય છે અને બીજું આ સુધારણા હંમેશાં થોડા ચોક્કસ પ્રદેશો કે લોકો પૂરતી જ મર્યાદિત રહે છે. આપણે પેલી પૂંછડીને સીધી નહિ કરી શકીએ પણ સમયે સમયે એને માત્ર સુડોળ રાખી શકીએ. આવી રીતે પૂંછડીને સુડોળ રાખવાનું પણ કંઈક મૂલ્ય છે ખરું. ઓછામાં ઓછી તે પૂંછડીને વત્તાઓછા પ્રમાણમાં સુડોળ, તંદુરસ્ત રાખી શકે છે, એટલે એના વાંકાપણાને નજરઅંદાજ કરવું જોઈએ.
જીવંત પ્રભુ
જેમ કૂતરાની પૂંછડીને આપણે સીધી કરી શકતા નથી, કારણ કે તે કૂતરાની પૂંછડી છે; તેવી જ રીતે આ દુનિયાને પણ એ જ કારણે નિર્દોષ બનાવી શકતા નથી. જો આપણે માત્ર પૂંછડી તરફ જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે કૂતરાને જરાય ન જોઈ શકીએ; અને આ પૂંછડી તો એ કૂતરાનો નાનો એવો એક અવયવ છે; અને એ તે કંઈ એટલો બધો મહત્ત્વનો ભાગ પણ નથી. આવી જ રીતે જો આપણે દુનિયાને એકલીને જ ધ્યાનમાં રાખીએ તો આપણે ઈશ્વરને જોવાનું ગુમાવીશું. વેદો આપણને કહે છે કે આ વિશ્વ તો ઈશ્વરનો એક અંશ, અરે ઘણો નાનો અંશમાત્ર છે.
આપણી વર્તમાન બુદ્ધિશક્તિ કે સમજણને માટે ઈશ્વર ઘણો વિરાટ અને સૂક્ષ્મ પણ છે. આપણે પ્રતિસંકલ્પનાઓ અને પ્રતિમાઓ દ્વારા ઈશ્વર વિશેનો થોડોક ખ્યાલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રાર્થના, પૂજા, ધ્યાન દ્વારા એમની સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન કરી શકીએ. આ બધું ઉપયોગી તો છે છતાં પણ જો આપણે એને પાર્થિવ દૃષ્ટિએ જોઈ શકીએ, કંઈક વાસ્તવિક રૂપે જોઈ શકીએ કે આપણા મન અને ઈંદ્રિયોથી ગોચર થઈ શકે એવું બનાવી ન શકીએ તો એ બધું અમૂર્ત અને અવાસ્તવિક જેવું બની રહે છે.
સદ્ભાગ્યે અહીં અને અત્યારે જ આપણા માટે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો શક્ય છે. આ બ્રહ્માંડને વિસ્તારીએ તો ઈશ્વર તો તેના અણુયે અણુમાં પ્રવેશેલો છે એમ કહી શકાય. તે આપણા બધામાં પણ છે અને આપણી આજુબાજુ આપણે જે કંઈ જોઈએ છીએ તેમાં પણ તે જ છે. આપણે બધા દરેકેદરેક મૂર્તિ-છબિમાં નિર્જીવ પ્રભુને જોવા મથીએ છીએ કે પુસ્તકો દ્વારા એને સમજવા પ્રયત્ન કરીએ છીએ. પણ વાસ્તવિક રીતે જોતાં માનવરૂપે દરેકેદરેક વ્યક્તિ ‘જીવંત ઈશ્વર’ છે.
સૌની ભીતર અને બહાર આ જીવંત પ્રભુને જોવાથી આપણું ભીતરનું જીવન અને બાહ્ય જીવન અદ્ભુત પરિવર્તન પામે છે. સાથે ને સાથે આપણા પોતા પ્રત્યેના વલણ અને બીજા પ્રત્યેના વલણમાં પણ સુચારુ પરિવર્તન આવે છે. આથી આપણું દૈનંદિન જીવન આધ્યાત્મિકતાવાળું બની રહે છે. પરિણામે દરેકેદરેક શ્વાસ પ્રાર્થનામાં અને દરેક કાર્ય પૂજામાં ફેરવાઈ જાય છે. દરેકને ઈશ્વરનું મૂર્તિમંત સ્વરૂપ ગણવું અને જોવું એ આદર્શને પુનર્જીવિત કરનાર અને એને મહત્ત્વ આપનાર હતા શ્રીરામકૃષ્ણદેવ. આ આદર્શ આપણા સૌના આધ્યાત્મિક અને વૈશ્વિક જીવન વચ્ચેના, સાચી પ્રભુપૂજા અને કર્મ વચ્ચેના, આ દુનિયા અને પેલે પારના જગત વિશેના અનાવશ્યક ભેદભાવને દૂર કરે છે.
આપણે મહત્ત્વનાં ચાર આધ્યાત્મિક સત્યો જોયાં. આ સત્યોએ રામકૃષ્ણ મિશનના વિચારને આકાર આપ્યો છે અને એમના કાર્યને માર્ગદર્શન પણ આપ્યું છે. એમાંનું પહેલું છે – દરેકેદરેક સમસ્યાનો અંતે તો એક આધ્યાત્મિક ઉકેલ છે જ. બીજું – આ આધ્યાત્મિક ઉકેલ શોધવા આપણે શક્તિમાન બની શકીએ તે પહેલાં આપણું શારીરિક જીવન ટકાવવાની અને તંદુરસ્ત માનસિક વિકાસ માટેની કેટલીક મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવી જોઈએ. ત્રીજું – આ દુનિયાની સુધારણા અલ્પકાલીન છે, પરંતુ એ સુધારણા માટેના આપણા નિ:સ્વાર્થ પ્રયાસો દીર્ઘકાલીન ભીતરી સુધારણા લાવે છે. ચોથું – ઈશ્વરને અહીં અને અત્યારે દરેક જીવમાં જોઈ શકાય છે અને નિ:સ્વાર્થ સેવા દ્વારા એમની પૂજા પણ કરી શકાય.
કર્મમાં આધ્યાત્મિકતા
હવે રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ પર ફરીથી એક નજર નાખવાનું અને એના હેતુને વધુ સારી રીતે સમજવાનું સહજસરળ બની રહેશે. ચાલો આપણે પાછળ નજર નાખીએ. પ્રથમ તો આ જીવંત ઈશ્વર વિશેનું સત્ય. આ સત્ય રામકૃષ્ણ મિશનની ભાવધારામાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે? રામકૃષ્ણ ભાવધારા હેઠળ કરાયેલ કાર્ય તથાકથિત સામાજિક કાર્ય છે, પણ વાસ્તવિક રીતે તે આધ્યાત્મિક પ્રવૃત્તિ છે કારણ કે દરેકેદરેક જીવમાં અને પદાર્થમાં જીવંત ઈશ્વરને જોવા માટેના પ્રયત્નથી તે પ્રેરાય છે.
જે બધી સેવાઓ રામકૃષ્ણ મિશન કરે છે તે બધી જીવતા ઈશ્વરને પૂજવાના પ્રયાસરૂપે કરે છે. જ્યારે પ્રભુ ભૂખ્યાના રૂપે આવે છે ત્યારે તેની ભોજન આપીને પૂજા થાય છે; જ્યારે માંદાના રૂપે પ્રભુ આવે છે ત્યારે તેની દવા-ચિકિત્સાથી પૂજા થાય છે. નિરાશ્રિત બનેલા અને જુલમના કે સતામણીના ભોગ બનેલા લોકો પ્રભુ રૂપે આવે છે ત્યારે તેમને આશ્રય અને આરક્ષણ પણ અપાય છે. વિદ્યાર્થીદેવ માટે શાળાઓ, મહાશાળાઓ અને વ્યાવસાયિક શિક્ષણકેન્દ્રો ખોલવામાં આવે છે.
જે લોકો આ ભાવધારાના માર્ગદર્શક પ્રકાશસ્તંભો – શ્રીરામકૃષ્ણ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદથી – પરિચિત નથી એમને રામકૃષ્ણ મિશનનું કોઈ પણ કાર્ય એક સામાજિક કાર્ય જ લાગશે, અને એવું કાર્ય કરનારાને સામાજિક કાર્યકરો ગણશે; પણ આ ત્રિપુટીના પ્રકાશસ્તંભને જાણનારા તો આ સેવાકાર્યને વધુ સારી રીતે જાણે છે. તેઓ એ બરાબર જાણે છે કે શિવજ્ઞાને કરેલી જીવસેવા આધ્યાત્મિક અભ્યાસનો મહત્ત્વનો અને અનિવાર્ય ભાગ છે.
બીજું, આ દુનિયાનું અપરિવર્તનશીલ સ્વરૂપ. આ સત્યની જાણ કે જાગૃતિ હોવી એ સૌથી વધુ સહાયક બને છે. આ દુનિયા તો કૂતરાની પૂંછડી જેવી છે, એમ જાણવા છતાં પણ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ કરનારા વધુ ઉત્સાહ, શક્તિ અને આનંદથી બીજાનાં સેવાકાર્ય કરે છે. તેઓ સંપૂર્ણપણે જાણે છે કે આ દુનિયાને સાવ સીધી કરી શકાય તેમ નથી. પરંતુ તેઓ એ જાણે છે કે તેને સીધી કરવાના તેમના પ્રયત્નોથી તેઓ પોતે તો સીધા થશે; અને પોતાના હૃદયની બધી વિકૃતિઓ નિ:શેષ થશે. જેમ હૃદય વધારે ને વધારે નિર્મળ બને તેમ તેમ આ જીવંત ઈશ્વરને નિહાળવાની અને એમની સેવાપૂજા સહજ બની જાય છે. એક વખત આ હૃદય પૂર્ણપણે નિર્મળ અને પવિત્ર બને તો ઈશ્વરનાં દર્શન અનાયાસે મળી રહે. આ તબક્કે બધી સમસ્યાઓ કાયમને માટે ઉકેલાઈ જાય છે.
વળી આ દિવ્યાનંદભરી અવસ્થાને મેળવવા થતો પ્રયત્ન પણ એક મજાનું સાહસ છે; આ અનુભૂતિ દુનિયાનું દીર્ઘકાલીન સ્થૂળ પરિવર્તન ન કરીને પણ વત્તાઓછા પ્રમાણમાં લોકોને ધર્મઝનૂન, હતાશા, નિરાશામાંથી રક્ષશે. એ અનુભૂતિ બીજી એક દિશા તરફ અંગુલિનિર્દેશ કરે છે કે જ્યાં સાચું પરિવર્તન શક્ય છે અને એ સ્થળ છે ભીતર. આ છે સાચું રહસ્ય – જેવો હું આ દુનિયાને પરિવર્તિત કરું છું કે તેની સાથે મારા માટે પણ હું પરિવર્તનો નિહાળું છું. એટલે જ આ દુનિયાને વધુ સારું સ્થાન બનાવવા માટે મારે મારી જાતને વધુ સારી બનાવવી જોઈએ.
જે માણસ સેવા કરે છે કે આપે છે તેનું તો કલ્યાણ થાય જ છે ઉપરાંત જે સેવાનો લાભ લે છે તેમનું પણ કલ્યાણ થાય છે. રામકૃષ્ણ મિશન રોજગાર પૂરું પાડવાની તથા સ્વાવલંબી બનવાની પ્રવૃત્તિઓ યોજે છે, જેથી જે તે વ્યક્તિ ‘ધર્મ’ને ગ્રહણ કરવા માટે મનની સુયોગ્ય પરિસ્થિતિ કેળવે છે. જરૂરતમંદ માનવીની પ્રાથમિક જરૂરિયાતો – અન્ન, વસ્ત્ર અને રહેઠાણ – આપીને અને શિક્ષણની સુવિધાઓ પૂરી પાડીને રામકૃષ્ણ મિશન એવી ખાતરી કરાવે છે કે આવા લોકોને – વાસ્તવિક રીતે હું કોણ છું? મારા જન્મનો કે અસ્તિત્વનો હેતુ શો છે? હું ક્યાંથી અને ક્યારે આવ્યો? હું ક્યાં જવાનો છું? – જેવા વધુ પાયાના પ્રશ્નોને હલ કરવા માટેની ક્ષમતા અને પૂરતો સમય આપશે.
આવા પ્રશ્નોનું સમાધાન શોધવા મથતા લોકોને રામકૃષ્ણ ભાવધારા વિવિધ દર્શનનાં વિપુલ પુસ્તકો, ધ્યાન અને પ્રાર્થનાનો અભ્યાસ કરવાની સુવિધાઓ, એમાંય સૌથી વધારે અગત્યનું વ્યક્તિગત માર્ગદર્શન અને આધ્યાત્મિક સલાહસૂચન દ્વારા આધારભૂત સહાયતા પૂરી પાડે છે.
આ ભાવધારાનું આધ્યાત્મિક કાર્ય તરફ લોકોનું ભાગ્યે જ ધ્યાન જાય છે અને વાસ્તવિક રીતે એની સાચી સ્વીકૃતિ માટે તે પૂરેપૂરી લાયક છે. ઈશ્વરને સાચી રીતે ઝંખનારાઓ ‘આધ્યાત્મિક ઉકેલ’ની શોધમાં પડી જવા પ્રેરાય છે. રામકૃષ્ણ ભાવધારાએ પૂરાં પાડેલાં આધ્યાત્મિક, નૈતિક પોષણને પરિણામે આખા જગતમાં અસંખ્ય લોકો શાંતિ, આનંદ અને સંતુષ્ટિનું જીવન જીવી રહ્યા છે.
શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે ઈશ્વરનું જ અસ્તિત્વ છે. જો કે બીજા બધા પદાર્થો અસ્તિત્વ ધરાવતા દેખાય છે પણ તેઓ આજે અહીં છે અને કાલે ક્યાંય ચાલ્યા જવાના. ઈશ્વર સદૈવ રહે છે. એટલે જ જીવનનું અંતિમ લક્ષ્ય ઈશ્વરની કે આપણા પવિત્ર, પૂર્ણ, અજન્મા અને અનંત મૂળ સ્વરૂપની જ અનુભૂતિ હોઈ શકે. આ કંઈ એટલો બધો નવો ઉપદેશ નથી, એ વાત સાચી; આ ઉપદેશને વધુ શક્તિશાળી અને પ્રભાવક બનાવે છે તે વાત એ છે કે શ્રીરામકૃષ્ણે પોતે જ આ ઉપદેશનું જીવનમાં આચરણ કરી બતાવ્યું છે અને આપણને એ પણ બતાવ્યું છે કે આપણે એ આદર્શ પર આપણું જીવન કેમ જીવી શકીએ. એમનું નામ ધારણ કરતી આ રામકૃષ્ણ ભાવધારા કે રામકૃષ્ણ મિશન ભૌતિક દુનિયામાં જીવતા લોકોમાં શ્રીઠાકુરના આધ્યાત્મિક દૃષ્ટિકોણને આચરણમાં ઊતારવા અને એમને જાગ્રત કરવા પ્રયત્ન કરે છે.
Your Content Goes Here




