સારાપણાનો આધાર વસ્તુની પુરાતનતા કે અદ્યતનતા પર હોઈ ન શકે. વિવેકશીલ જનો બન્નેનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને યોગ્ય વસ્તુને અપનાવે છે. એટલે સારગ્રાહકો જૂની-નવી કેળવણીનું તારતમ્ય કરી શકે એ હેતુથી આ લેખનો ઉપક્રમ થયો છે.

પ્રાચીન ભારતમાં ઋષિમુનિઓ, ઉપાધ્યાયો, આચાર્યો, ગુરુઓ વગેરે સમગ્ર ભારતમાં એક સ્થળેથી બીજે સ્થળે ભ્રમણ કરીને પોતાના શૈક્ષણિક પ્રયોગો અને ઉપદેશો દ્વારા આ વિશાળ ભારતીય ઉપખંડના લોકોમાં આવશ્યક સાંસ્કૃતિક પરિવર્તન લાવતા. આવા સાંસ્કૃતિક શિક્ષણનું મહત્ત્વ ખૂબ પ્રાચીન સમયથી ભારતના લોકો સમજતા આવ્યા છે. અને એવા શિક્ષણને ‘શિક્ષણ ખાતર જ શિક્ષણ’ એટલે કે ‘જ્ઞાન માટે જ જ્ઞાન’ ગણીને એના ઉપર ખૂબ જ ભાર મૂકતા આવ્યા છે. આ ઉપરાંત પ્રાચીન ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ ઘણી હતી. ગુરુકુળો, આશ્રમો, વિહારો વગેરે વિવિધ પ્રકારની સંસ્થાઓ વિવિધ પ્રકારનું શિક્ષણ આપતી; પણ એનું સાદામાં સાદું પ્રચલિત સ્વરૂપ તો એ હતું કે શિષ્ય કે શિષ્યો ગુરુગૃહે નિવાસ કરીને શિક્ષણ પ્રાપ્ત કરતા. ત્યાં તેઓ ગુરુના કુટુંબના સભ્ય તરીકે જ રહેતા. શિષ્યો ગુરુ તેમજ ગુરુપત્નીની સારસંભાળ તેમને માતપિતા સમાન ગણીને રાખતા. ગુરુ પાસેથી લીધેલ શિક્ષણની દક્ષિણા જુદી જુદી રીતે લેવાતી. કેટલીકવાર તો શિક્ષણ પૂરું કર્યા પછી ગુરુ શિષ્ય પાસેથી તે જે સ્વેચ્છાથી આપે તે સિવાય કશું ન પણ લેતા. તો વળી કેટલીકવાર શિક્ષણની શરૂઆતમાં પણ ધનિક માતાપિતાનાં સંતાનો ગુરુને ગુરુદક્ષિણામાં કેટલીક ભેટસોગાદો આપતાં હતાં તો ગરીબ વિદ્યાર્થીઓ ગુરુના ઘરના શારીરિક શ્રમથી કામકાજના રૂપે પોતાની ગુરુદક્ષિણા આપતા.

શાસ્ત્રીય આદર્શ પ્રમાણે બ્રહ્મચારીઓનું – વિદ્યાર્થીઓનું – શિક્ષણ કોઈક બ્રાહ્મણ ગુરુને ઘરે નિવાસ કરીને મેળવાતું. કેટલાંક પ્રાચીન પ્રમાણો અનુસાર એ ગુરુ કોઈક ગરીબ તપસ્વી બ્રાહ્મણ રહેતા અને શિષ્યની ગુરુને માટે ખોરાક મેળવવાની જવાબદારી પણ બીજાં ઘરકામ સાથે રહેતી. પણ આ નિયમ કંઈ બધે જ ઠેકાણે લાગુ પડતો દેખાતો નથી. આ બધાનું તાત્પર્ય ફક્ત એટલું જ ફલિત થાય છે કે પ્રાચીન કાળનો શિષ્ય ગુરુ પ્રત્યે અત્યંત સન્માન રાખતો. ગુરુની બધી જરૂરતો એ પૂરી કરતો, અને ગુરુના આદેશનું નિષ્ઠાપૂર્વક પાલન કરતો. ‘આચાર્યદેવો ભવ’ એ શિષ્યનો સાંસ્કૃતિક આદર્શ હતો.

પ્રાચીન શિક્ષણપ્રક્રિયા ત્રણ હેતુવાળી હતી: (૧) જ્ઞાનપ્રાપ્તિ, (૨) સામાજિક ફરજો અને ધાર્મિક વિધિઓનું ગ્રહણ અને (૩) ચારિત્ર્ય ઘડતર. આ ત્રણેય હેતુ મુખ્ય હતા; પણ સૌથી મહત્ત્વનો હેતુ ચારિત્ર્ય ઘડતરનો હતો. ‘ભોગલાલસા વગેરેથી કલુષિત મનવાળો ચારિત્ર્યહીન મનુષ્ય ભલે ગમે તેટલાં વેદાધ્યયન, તપ, વ્રત, કરે તો પણ એનું ફળ એને મળતું નથી’ એમ બ્રાહ્મણધર્મના પ્રબળ સમર્થકો સ્પષ્ટ રીતે કહે છે. મનુષ્યનો ઇન્દ્રિયસંયમ સંપૂર્ણ હોવો જોઈએ. કારણ કે કોઈ એક ઈંદ્રિય પણ જો કાબૂ બહાર ચાલી જાય છે ત્યારે માણસની સમજણ પણ એની સાથે ચાલી જાય છે. આ ઉચ્ચ આદર્શ પામવા પૂર્ણ ઈંદ્રિયસંયમ, પૂર્ણ અનુશાસન, વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય ગણાયાં હતાં. એણે ઈંદ્રિયસુખોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એણે સામાન્ય તપસ્વીજીવન જીવવું જોઈએ, એવું નિર્દેશાયું છે. જે ગુરુ સાથે આત્મીયતાના ગાઢ સંબંધથી રહેતો અને જેના આચરણમાંથી અને ઉપદેશથી એ સામાજિક અને નૈતિક મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારતો, તે શિષ્યને ગુરુ ઉચ્ચતમ આદર્શ તરફ પ્રેરતા રહેતા અને સાથોસાથ એના હૃદયની કોમળ સંવેદનાઓને પણ પોષતા રહેતા. તેમજ ગુરુપુત્રો અને ગુરુપત્નીના મીઠાશભર્યા સંબંધોને લીધે શિષ્યની ઘરની રહેણીકરણીના ગુણો પણ વિકાસ પામતા રહેતા.

વિહારમાં રહેતા લોકો અને વિદ્યાર્થીઓ માટે બૌદ્ધોના વિનયપિટકમાં જણાવાયું છે કે ગુરુએ શિષ્યને પોતાના પુત્ર સમાન માનવો જોઈએ અને શિષ્યે પણ ગુરુને પિતા તુલ્ય માનવા જોઈએ. આમ સમૂહજીવનમાં પરસ્પરનો આદર અને આમન્યા વિકાસ અને અનુશાસનની કેળવણી આપે છે. બૌદ્ધોએ બતાવેલો આ ગુરુશિષ્ય સંબંધ ભારતમાં બ્રાહ્મણગ્રંથો અને અન્ય વૈદિક સાહિત્યમાં પણ બરાબર એ જ પ્રકારનો બધે જોવા મળે છે. ચીની યાત્રી ઇત્સીંગે લખ્યું છે કે ‘શિષ્ય અહીં વહેલી સવારે સૌ પ્રથમ તેમજ છેલ્લીવાર રાત્રે ગુરુનાં દર્શન કરવા જતો. શિષ્ય ત્યારે પોતાના ગુરુને ચાહતો, એના શરીરની સેવા કરતો, એનાં કપડાં સંકેલતો અને કોઈકવાર ગુરુનું ઘરઆંગણું વાળતો પણ ખરો. વળી પાણીમાં કશાં જીવજંતુઓ છે કે નહિ, તે પણ જોતો અને એ સ્વચ્છ પાણી ગુરુને આપતો.’

‘આ બધું ગુરુ પ્રત્યે શિષ્યનું વર્તન, સન્માન વગેરે બતાવે છે. આ સિવાય શિષ્યે પોતાના અધ્યયનકાળ દરમિયાન કેટલાંક બીજાં પણ કામો કરવાનાં રહેતાં. શિષ્યે પોતાના વિનયગુણને કેળવવા માટે ગુરુથી અલગ રહેવું પડતું. પહેલાં પાંચ ગ્રીષ્મો (વર્ષો) મુખ્ય ગુરુ પાસે રહ્યા પછીનાં દસ વર્ષો (દસ ગ્રીષ્મો) પોતાના ઉપગુરુ (ઉપાધ્યાય)ના વાલીપણા નીચે ગાળવાનાં રહેતાં અને આમ છતાં પણ જો એ વિનયગુણને યોગ્ય રીતે ન કેળવી શક્યો હોય તો એણે વળી અન્ય ઉપગુરુ પાસે જઈને પુનરાવર્તન કરવું પડતું. આમ જ્યાં સુધી એ વિનયગુણની સિદ્ધિ ન થાય ત્યાં સુધી કરવું પડતું.’

આ રીતે ચીની યાત્રી ઇત્સીંગે બૌદ્ધવિહારોમાં અપાતા ખાસ શિક્ષણ વિશે લખ્યું છે. વળી તે ત્યાં અપાતા શિક્ષણ પૈકી સામાન્ય લોકો માટેના શિક્ષણના બે વર્ગોનો પણ ઉલ્લેખ કરે છે. નવશિખાઉ સામાન્ય જનો માટે ત્યાં બે વર્ગો ચાલતા. એમાંનો પહેલો વર્ગ મુખ્યત્વે ભાવિ જીવનમાં રોજ ત્યાગીઓને પાઠ કરવાના એકમ તરીકે ગણાયેલાં બૌદ્ધ શાસ્ત્રો શીખવવા માટે ચાલતો અને બીજો વર્ગ એવા કોઈ સાંપ્રદાયિક ઈરાદા વગર જ ગૃહસ્થ થવા માગતા બ્રહ્મચારીઓ – શિષ્યો માટે ભૌતિક જ્ઞાનનો ચાલતો. આ બીજા પ્રકારના વર્ગમાં પહેલા પ્રકારના સંઘપ્રવેશ માટે તૈયાર થતા શિખાઉ સંસારત્યાગ વાંછુ લોકો માટેના શાસ્ત્રપાઠો શીખવાતા નહિ. બૌદ્ધ વિહારોમાં આવા બીજા વર્ગના સામાન્ય વિદ્યાર્થીઓને પોતાનો ખર્ચ પોતે વેંઢારવો પડતો.

ગુપ્તકાળના ઉત્તરાર્ધમાં મગધની (હાલ બિહારમાં) નાલંદા સિવાયની બીજી એવી કોઈ વિહારવિદ્યાપીઠની પ્રખ્યાતિ દેખાતી નથી. એ વિદ્યાપીઠ પોતાની ભવ્યતા, વિશાળતા અને સ્થિરતાની સાથોસાથ પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના બૌદ્ધિક સ્તર અને નૈતિકતાની ઉચ્ચ કક્ષા માટે સુવિખ્યાત હતી. ગુપ્તરાજાઓની છ છ પેઢી દર પેઢી દ્વારા અનુદાન મેળવવાને લીધે હજારો લોકો ત્યાંના મકાનોમાં રહેતા. એ વિદ્યાપીઠના જતન માટે સેંકડો ગામડાઓની ઉપજ એને ખાસ ફાળવવામાં આવી હતી. ત્યાં રહેતા બૌદ્ધ સાધુઓ કેવળ પોતાની વિદ્વત્તાને કારણે જ નહિ, પણ પોતાના ઉચ્ચ ચારિત્ર્યને કારણે અત્યંત સમ્માનિત થતા હતા. એ સાધુઓને ભારતમાં જીવનના એક નમૂના તરીકે લેખવામાં આવતા. એમની કીર્તિને કારણે દેશવિદેશના અનેક છાત્રોનું નાલંદા વિદ્યાપીઠ મોટું આકર્ષણ બની રહી પણ ત્યાં પ્રવેશ મેળવવો ઘણો કપરો હતો. એની કસોટી એવી કઠિન હતી કે દસ પ્રવેશાર્થીઓમાંથી માંડ બે કે ત્રણ જ પ્રવેશ પામી શકતા. સાધુઓ પોતાનો આખો વખત અધ્યયનમાં અને શાસ્ત્રચર્ચામાં પસાર કરતા. આ વિદ્યાપીઠ કેટકેટલા વિશિષ્ટ મઠોની જન્મદાત્રી હતી! ભારતમાં ઈ.સ.ની સાતમી સદીમાં નાલંદા વિદ્યાપીઠની હરિફાઈ કરી શકે તેવી એક માત્ર વિદ્યાપીઠ સૌરાષ્ટ્રમાં (ગુજરાતમાં) આવેલી વલભી વિદ્યાપીઠ જ હતી. ભારત આખામાં એ વખતે એ બે જ શિક્ષણ કેન્દ્રો – નાલંદા અને વલભી – એવાં હતાં કે જ્યાં વિદ્યાર્થી પોતાનું ઉચ્ચતમ શિક્ષણ પૂરું કરી શકતો. આ બે સ્થળે જ વિખ્યાત મનીષીઓનાં ટોળાં ઉમટતાં અને સિદ્ધાંતોની યોગ્યાયોગ્યતા વિશે પરામર્શ અને વિદ્વાનો પાસે પોતાના મતનું પરીક્ષણ કરાવતા અને પોતાની વિદ્વત્તાખ્યાતિ વધારતા. ત્યાં કરાવાતા અધ્યયન વિષયોના પાઠ્યક્રમની લાંબી યાદી આપણને મળે છે. એમાં ભૌતિક તેમજ આધ્યાત્મિક અનેક વિષયો સમાવાયા છે. ચાર વેદો, ઇતિહાસ, પુરાણથી માંડીને સર્વવિદ્યા, જાદુગરી, સંગીત, નૃત્ય વગેરે એમાં સમાવાયેલા છે. કેટલાંક પ્રમાણોથી આવી વિદ્યાઓની સંખ્યા ચૌદ હતી તો કેટલાકને મતે અઢાર હતી. અઢાર વિદ્યાશાખાઓવાળાના મતે ૪ વેદો, ૬ વેદાંગો, પુરાણો, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, ધનુર્વિદ્યા, ગંધર્વવિદ્યા અને અર્થશાસ્ત્રના વિષયો હતા. ગુપ્તકાળના દસ્તાવેજી પુરાવાઓ એ સાબિત કરે છે કે એ ૧૪ કે ૧૮ વિદ્યાઓ વિદ્વાન બ્રાહ્મણોની ક્ષમતા બહારની ન હતી. વળી વિદ્યાઓની લાંબી વિસ્તૃત યાદીમાં તો અભિનયકલા, ચિત્રકલા, અશ્વવિદ્યા, ભવિષ્યકથન, રાજનીતિવિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, વ્યાકરણ, ગણિત, આત્મજ્ઞાન વગેરે જેવા અનેક વિષયો પણ સમાવાય છે. સાતમી સદીના ચીનના બૌદ્ધ યાત્રિકોના દસ્તાવેજો, તે સમયના બૌદ્ધો તેમજ બ્રાહ્મણના સમાજમાં ચાલી રહેલા પાઠ્યક્રમો ઉપર ઘણો મૂલ્યવાન પ્રકાશ પાડી જાય છે.

હ્યુ-એન-સંગ નામનો બીજો એક ચીની યાત્રી હતો. એણે કરેલી સામાન્ય નોંધ કહે છે કે ભારતમાં બાળકો પહેલાં બાર પાઠો શીખી લે પછી સાતમે વરસે એમને પાંચ વિજ્ઞાનો-વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે: વ્યાકરણ, કલાકારીગરી, ઔષધ, તર્ક અને સદ્‌ગુણ – આ પાંચ વિજ્ઞાન શીખવાય છે. આ જ યાત્રિક વળી એક અન્ય સ્થળે લખે છે કે એના સમયમાં ભારતમાં વ્યાકરણ વિષયમાં પાણિનિસૂત્રોનો અને એ સૂત્રોની સંક્ષિપ્ત સંકલનાઓનો ઉપયોગ થતો હતો. એ સંક્ષિપ્ત સંકલના દક્ષિણના બ્રાહ્મણોએ કરી હતી. એને ‘મંડક’ નામ અપાતું. આપણને હ્યુ-એન-સંગ અને એના પછીના ચીની યાત્રિકોની નોંધો પરથી તે સમયના શિક્ષણ વિશે વધારે વિસ્તૃત અને વધારે ચોકસાઈભરી માહિતીઓ સાંપડી શકે છે.

એ વખતે બાળકો છઠ્ઠે વરસે લખવા-વાંચવાનું ભણતર શરૂ કરતા એને ‘સિદ્ધ’ નામ અપાતું.એ કામ તેઓ છ માસમાં પૂરું કરતા. ત્યાર પછી આઠમા વરસથી તેઓ પાણિનિસૂત્રો અને ધાતુપાઠનું ભણતર શરૂ કરતા. એનો સમયગાળો આઠ માસનો રહેતો. ત્યાર પછી દસમે વરસે તેઓ ત્રણ વરસના પાઠ્યક્રમમાં પ્રવેશતા અને તેમાં નામોનાં રૂપાખ્યાનો, ક્રિયાપદના કાળ-અર્થનાં રૂપો, પતંજલિનું મહાભાષ્ય, ભર્તૃહરિની વ્યાખ્યાઓ વગેરે શીખતા અને ત્યાર પછી અભિધર્મ- હેતુવિદ્યા વગેરે શીખતા. જ્યારે સાધુ લોકો આ ઉપરાંત સૂત્રપિટક, વિનયપિટક અને અન્ય શાસ્ત્રો ભણતા. આ નોંધો એટલું સ્પષ્ટ કહી જાય છે કે ઈ.સ.ની સાતમી સદીના એ પ્રાચીન સમયમાં ભણતરનો મોટો ભાગ વ્યાકરણનો વિષય રોકી લેતો હતો.

એ જ જમાનામાં મગધની નાલંદા વિદ્યાપીઠે અને કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર-ગુજરાત)ની વલભી વિદ્યાપીઠે કેટલાક વિશિષ્ટ અને આગળપડતા અભ્યાસક્રમો શરૂ કર્યા. વિહારની આ બંને વિદ્યાપીઠોએ નવા પાઠ્યક્રમોમાં એની પહેલાંના બૌદ્ધ પરંપરાના શિક્ષણ ઉપરાંત વેદો, તર્કશાસ્ત્ર, વ્યાકરણ ચિકિત્સાવિદ્યા, અથર્વવિદ્યા (સાંખ્યવિદ્યા) વગેરેનો સમાવેશ થતો હતો.

અલબત્ત, આ વિશિષ્ટ વિષયોના અભ્યાસક્રમો સ્પષ્ટ રીતે ઉચ્ચતર બૌદ્ધિક સ્તરવાળાઓ માટે જ નક્કી કરાયા હતા. એટલે એનો વ્યાપ પણ મોટો જ હતો. આ વિષયો એની પહેલાં જ રજૂ કરાયેલા કૃષિ વિદ્યા કે વેપારવણજના વિશિષ્ટ પાઠ્યક્રમ કરતાં જરાય ઊતરતી કક્ષાના ન હતા. કૃષિવિદો અને વેપારીઓ માટે વળી એક નવો પાઠ્યક્રમ પણ ઘડી કઢાયો કે જેથી વૈશ્ય લોકો હીરામોતી, ધાતુ, અત્તર પરવાળાં, મરીમસાલા વગેરેની કિંમત આંકી શકે. તેમજ જમીનની પરખ, બીજ વાવવાની રીત, વેપારીનાં વિવિધ તોલમાપ, સંભવિત નફોતોટો, માલ મોકલવાનો ખર્ચ, શ્રમિકોનો વેતનખર્ચ, પશુ ઉછેર ખર્ચ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે.

બૌદ્ધોનો એક બીજો ગ્રંથ ‘દિવ્યવદન’ નામનો છે. એની રચના ચોથી સદીમાં થઈ છે. એમાં બે કથાઓ છે. એ કથાઓમાં એ જમાનામાં વેપારીના પુત્રે કયા વિષયો શીખવા જોઈએ એનું બયાન છે. એ યાદીમાં લેખનવાચન, ગણિત અને સાથે મુદ્રા, થાપણ, કરજ, હીરામોતીની પરખ, હાથી-ઘોડાની પરીક્ષા, યુવાન યુવતિઓની જાણકારી વગેરે વિષયો આવરી લેવામાં આવ્યા છે. અર્થશાસ્ત્રનો વિકાસ તો યુવરાજને નજરમાં રાખીને પહેલેથી જ કરવામાં આવ્યો છે. કારણ કે રાજકીય કૂટનીતિનો એ પાયાનો પથ્થર છે. યુવરાજની વિવિધ ફરજો અર્થશાસ્ત્રમાં અને સ્મૃતિઓમાં વિસ્તારથી વર્ણવી છે. નૈતિક અનુશાસન સાથેની આ બૌદ્ધિક તાલીમ છે. રાજવાહનના ન્યાયમંદિરમાં યુવરાજો દ્વારા શીખાતા આ વિષયમાં સાંગવેદો, કાવ્ય, અભિનયકલા, કાનૂન, નાટક, ખગોળશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, મીમાંસા, કૂટનીતિ, ઔષધવિદ્યા, કાવ્યશાસ્ત્ર, યુદ્ધવિદ્યા અને દ્યુતવિદ્યાનો સમાવેશ કરાયો છે. યુવરાજ ચંદ્રગુપ્તને એના પિતાએ છ વરસની ઉંમરે જ એક ખાસ બંધાવેલા શાળા માટેના મકાનમાં શિક્ષકોની ખાસ દેખરેખ નીચે મોકલી દીધો હતો. એ વિદ્યામંદિર શહેરની બહાર હતું. ત્યાં એ બધા વિષયોમાં પાવરધા શિક્ષકોની દેખરેખ નીચે દસ વરસ રહ્યો! આ વાર્તાના લેખકે આ વર્ણન પોતાની કપોલ કલ્પનાથી જ કર્યું હોય એમ જ ગણવું જોઈએ કારણ કે કોઈ રાજકુમાર પોતાના અધ્યયનકાળમાં વ્યાકરણ, મીમાંસા, તર્કશાસ્ત્ર, કાનૂન, રાજનીતિ, શસ્ત્ર વિદ્યા, સંગીત, લિપિજ્ઞાન, યંત્રવિદ્યા, વેદો અને એવી એવી અનેક વિદ્યાઓમાં પારંગત બની જાય એ તો મોટી શંકાની વાત છે! – એ અશક્ય જ છે!

એ વખતે અધ્યયનવિષયો વિસ્તૃત હતા. ધાર્મિક અને ભૌતિક શાસ્ત્રો સાંગોપાંગ શીખવાતા. વ્યાકરણ, કાવ્ય, અલંકાર, તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન ઉપરાંત યંત્રવિદ્યા, ભૌતિક વિજ્ઞાન, ઔષધવિજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષ, ગણિત, અર્થશાસ્ત્ર વળી, ભવિષ્ય કથનવિદ્યા, જાદુગરી, પ્રૌદ્યોગિકી આદિ અનેકાનેક વિષયો સાંગોપાંગ શીખવાતા. જીવકની કથા દ્વારા વિજ્ઞાનના પ્રાયોગિક શિક્ષણનું તત્કાલીન ઉદાહરણ પ્રાપ્ત થાય છે. તક્ષશિલાની વિદ્યાપીઠમાં એણે સાત વર્ષ સુધી આયુર્વેદનું અધ્યયન કર્યા પછી એના ગુરુએ એના મેળવેલા જ્ઞાનની પરીક્ષા કરી. ગુરુએ એને એક કોદાળી આપીને કહ્યું: ‘જા અને તક્ષશિલાની ચારે બાજુ એક યોજન સુધી બરાબર તપાસ કર અને એટલા વિસ્તારમાં તને કોઈ એવી વનસ્પતિ મળે કે જેનો ઔષધ તરીકે કશો ઉપયોગ ન થઈ શકે, તેને ખોદીને મારી પાસે લાવ.’ જીવક તો એ કોદાળી લઈને તક્ષશિલાનગરની ચારે બાજુએ ગુરુના કહ્યા પ્રમાણે ઘૂમવા અને જોવા લાગ્યો પણ એકેય વનસ્પતિ એને ઔષધીય ઉપયોગ વગરની ન લાગી. પાછા આવીને તેણે જ્યારે આ વાત ગુરુને કહી ત્યારે ગુરુને પોતાના એ શિષ્યના જ્ઞાનથી સંતોષ થયો અને એને ઘેર જવાની રજા આપી. એટલે ગુપ્તકાળની પહેલાં અને ગુપ્તકાળના શાસન દરમિયાન પણ આવા પ્રકારની પરીક્ષાઓ લેવાતી.

તક્ષશિલા ભારતની (હાલના અફઘાનિસ્તાનમાં) સુવિખ્યાત વિદ્યાપીઠ હતી. પાંચમીસદી સુધી જ્યાં સુધી નાલંદા ઊભરી ન હતી ત્યાં સુધી એની ખ્યાતિ દૂર-સુદૂર પહોંચી હતી. ત્યાં અનેક સમર્થ અધ્યાપકો અને અનેક આકર્ષિત છાત્રો હતા. દુનિયાભરના છાત્રો ત્યાં ભણતા એ કાળમાં કાશી, વારાણસી, કાંચી, વગેરે સ્થળો પણ તક્ષશિલા પેઠે મહત્ત્વના વિદ્યાધામો ગણાતા. આ શહેરોમાં પણ કોઈવાર સેંકડો છાત્રો ગુરુની આસપાસ ભેગા થતા. એનો ખર્ચ લોકો વેંઢારતા. કેટલાક કિસ્સાઓમાં અધ્યાપકોને આસપાસનું વાતાવરણ શિક્ષણ માટે અવરોધક લાગતું તો તેઓ કોઈ એકાંતસ્થળે જઈ રહેતા. અધ્યાપકો ત્યાં પોતાના શિષ્યો સાથે સાદી ઝૂંપડીઓમાં રહેતા. અને પોતાના કુટુંબકબીલા સાથે જોખમી જિંદગી પણ જીવતા; પણ જેમ જેમ અધ્યાપકની ખ્યાતિ દેશવિદેશમાં વધતી જતી તેમ તેમ લોકો એને ઊંચું સ્થાન આપતા જતા. ધીમે ધીમે નાલંદા જેવું વિશ્વવિદ્યાલય ઊભું થયું આખા એશિયામાંનું આમ એ અનન્ય અધ્યયન કેન્દ્ર બન્યું.

સમયના આ લાંબા ગાળામાં આ વિખ્યાત વિશ્વવિદ્યાલયની સિદ્ધિ અને સ્થિતિને સમજવી એ આપણે માટે કઠિન છે. એશિયાના વિવિધ ભાગોમાંથી ઉચ્ચસ્તરના છાત્રો પોતાનું શિક્ષણ પૂરું કરવા અહીં ટોળે મળતા. શિક્ષણની દુનિયામાં નાલંદાની પદવી વગર કોઈ ખાસ ગણતરી લેવાતું નહિ. મધ્યકાળમાં નાલંદા સંપૂર્ણ વિશ્વ વિદ્યાલય બની ગયું. નાલંદાના દૈનંદિન કાર્યકલાપનું આપણું જ્ઞાન હ્યુ-એન-સંગે કરેલાં વર્ણનો ઉપર આધાર રાખે છે. એણે નોંધ્યું છે કે સાતમી સદીમાં આ મઠ બૌદ્ધિક કાર્યક્રમોથી ભરચક્ક રહેતો. આ નાલંદામાં મઠના બૌદ્ધ સાધુઓનું પ્રભુત્વ હોવા છતાં એ માત્ર શિખાઉ બૌદ્ધધર્મીઓને ભણાવવા પૂરતો જ મર્યાદિત રહ્યો ન હતો. અહીં બીજા પણ અનેક વિષયો શીખવાતા. આ ચીની યાત્રિકે નાલંદામાં ભણવા માટે ઘણાં વરસો ગાળ્યાં હતાં અને એ પોતાની પાછળ નાલંદાની ભવ્યતાનો ટૂંકો પણ અસરકારક અહેવાલ મૂકતો ગયો છે. તે નોંધે છે કે તે વખતે ભારતમાં આવી હજારો શિક્ષણસંસ્થાઓ હતી પણ એમાં નાલંદાની તોલે આવે એવી ભવ્ય એક પણ ન હતી. અહીં દસ હજાર વિદ્યાર્થીઓ ભણતા. કેવળ બૌદ્ધ સાહિત્ય જ નહિ, પણ વેદો, તર્કશાસ્ત્ર, આયુર્વેદ, સાંખ્યતત્ત્વજ્ઞાન, અને અન્ય ધાર્મિક શાસ્ત્રો પણ શીખવાતાં. નાલંદામાં વ્યાપી રહેલ આભ્યાસિક વાતાવરણથી હ્યુ-એન-સંગ ભારે પ્રભાવિત થયો હતો. ઉત્તમ પ્રશ્નો અને ઉત્તરો વગરનો કોઈ દિવસ ખાલી ન જતો. દિનરાત ચર્ચાવિચારણાઓ ચાલતી. વૃદ્ધો અને યુવાનો પરસ્પર એકબીજાને મદદ કરતા. નાલંદા વિદ્યાપીઠ ઉચ્ચ શિક્ષણ જ આપતી. અહીં દાખલ થવા ઇચ્છનારાએ ઘણી અઘરી પ્રાથમિક કસોટીઓમાંથી પસાર થવું પડતું. અહીંના અધ્યાપકો અને છાત્રો ઉચ્ચતમ બૌદ્ધિક ક્ષમતાવાળા હતા. તેમની કીર્તિ ઝડપથી ક્યાંય સુધી ફેલાયેલી હતી. વિવિધ શહેરોના વિદ્વાનો બહુ સંખ્યામાં પોતાની શંકાનું સમાધાન કરવા અહીં આવતા. નાલંદાના છાત્રો જ્યાં જતા ત્યાં અચૂક માન પામતા. ટૂંકમાં નાલંદા વિશ્વ-વિદ્યાલય શિક્ષણના ઉચ્ચ આદર્શનું મૂર્ત સ્વરૂપ હતું. ભારતવર્ષે ભજવેલો એશિયાના ગુરુ તરીકેનો ભાગ એમાં એક દૃશ્ય સ્મૃતિરૂપે દેખાય છે.

મહત્ત્વના વિદ્યાકેન્દ્ર તરીકે નાલંદા વિદ્યાપીઠ ઠેઠ ઈસ્લામના ભારતપ્રવેશ પર્યંત ચાલુ રહી હતી. આ આખાયે સમયગાળા દરમિયાન વિક્રમશીલા જેવી વિદ્યાપીઠો અને બીજાં હજારો નાનાં મોટાં શિક્ષણકેન્દ્રો આખા ભારતમાં વિકસી ચૂક્યાં હતાં અને બધી વિદ્યાશાખાઓનું જ્ઞાન પીરસી રહ્યાં હતાં. આ બધાં કાં તો દાનથી અથવા તો કોઈકવાર લોકો દ્વારા નભાવવામાં આવતાં કારણ કે ભારતીય લોકો કદી શિક્ષણ માટે ધન ખર્ચતાં અચકાતા નહિ. આવાં વિદ્યાકેન્દ્રોમાં ભણેલા કેટલાક લોકોના જીવન બદલી જતાં. આવા પરિવર્તન પામેલ લોકોનું વર્ણન હ્યુ-એન-સંગ આ પ્રમાણે કરે છે : ‘લોકો પોતાનું શિક્ષણ ત્રીસ વરસની વયે પૂરું કરીને પોતાનું ચારિત્ર્યઘડતર કરીને પોતાનું જ્ઞાન પરિપક્વ કરતા. આમાંથી કેટલાક પ્રાચીન ઇતિહાસમાં પારંગત લોકો એનું આકર્ષક પરિશીલન કરવા માટે દુનિયાથી દૂર (એકાંતમાં) રહે છે અને પોતાના ચારિત્ર્યની સરળતા જાળવે છે. તેઓ ભૌતિક સ્તરથી ઉપર ઊઠી જાય છે; યશ અને એવા સાંસારિક પ્રલોભનોની ઉપેક્ષા કરે છે. પણ પછીથી એમનો યશ ફેલાતાં રાજામહારાજાઓ પણ એમને ખૂબ સન્માને છે પણ તેમને રાજદરબારમાં લાવી શકાતા નથી. રાજ્યનો અધિપતિ તેમના જ્ઞાનને બિરદાવતો. લોકો એવાઓની યશોગાથા આખા જગતમાં ફેલાવતા. એવા લોકો શ્રમને અવગણીને શાણપણ કેળવવા માટે કલા અને વિજ્ઞાનમાં નૈપુણ્ય મેળવતા. જ્ઞાનપ્રાપ્તિ માટે ૧૫૦ માઈલનું અંતર પણ તેમને મન કશી વિસાતમાં ન હતું. પોતાનું કુટુંબ ધનિક હોવા છતાંયે આવા લોકો પરિવ્રાજક બનીને ભિક્ષાથી પોતાનું ગુજરાન ચલાવતા. તેમની પાસે સત્યજ્ઞાનનું સન્માનભાથું હતું. એમને ભિક્ષુકપણું અશોભન નહોતું લાગતું.’

ચીની યાત્રીએ વર્ણવેલ આ ઉપરની સ્થિતિ સહેલી નથી. ભારત સિવાય કોઈ પણ રાષ્ટ્ર આવી શિક્ષણ પ્રણાલી માટે ગૌરવ ન લઈ શકે. પ્રાચીન ભારતમાં આવી શિક્ષણ પ્રણાલીની ભારે અસર વરતાય છે. અને એ પણ સામાન્ય જન કરતાં ઉચ્ચ સ્તરીય લોકોમાં વધારે છે.

આ મુદ્દાનું અત્યંત વિશુદ્ધ સત્પ્રમાણ તો પશ્ચિમથી અવારનવાર ભારતની મુલાકાતે આવતા યાત્રિકોએ પૂરું પાડ્યું છે. ઈ.સ.પૂર્વે ત્રીજી સદીમાં મૌર્યકાળમાં ભારતની યાત્રાએ આવેલા મેગેસ્થેનિસે આ વિષયમાં પૂરતા દાખલાઓ પૂરા પાડ્યા છે. ત્યારથી માંડીને છેક ઈ.સ.ની સાતમી સદીમાં આવેલ યાત્રી હ્યુ-એન-સંગ સુધી આવી શિક્ષણ પરંપરા ચાલુ જ રહી હતી. (લગભગ ૧૧૦૦ વર્ષ) હ્યુ-એન-સંગ કહે છે કે ‘ક્ષત્રિયો અને બ્રાહ્મણો કશા દંભ વગરના અને પ્રામાણિક હતા. જીવનમાં શુદ્ધ, સાદા અને કરકસરીઆ હતા. તેઓ સ્વેચ્છાથી જ આવા હતા, કોઈના દબાણથી નહિ. સામાન્યજનો તરફ તેઓ આનંદથી અને એમનું માન જાળવીને રહેતા. ધનની બાબતે તેઓ ચાલાકી વગરના અને ન્યાય તોળવામાં ઉદાર હતા. વર્તનમાં તેઓ વિશ્વાસઘાતી કે છેતરનારા ન હતા. પોતાના સોગંદ અને સરકારને વફાદાર હતા. તેમની સરકારી કાનૂનમાં વિશિષ્ટ સખ્તાઈ હતી. છતાં તેમના વર્તનમાં નમ્રતા અને મધુરતા હતી.’ આમ પૂર્વ-પશ્ચિમ બંને ધોરણે ભારતીય ચારિત્ર્ય ઊંચું અને સન્માન્ય હતું. નિ:શંક રીતે આ બધું પેલી શિક્ષણ પ્રણાલીનું જ પરિણામ હતું. અને એને લીધે જ અત્યંત વ્યાપક સાહિત્ય અને શ્રેષ્ઠ માનવોનું નિર્માણ થયું છે.

દેશમાંના ઘણા બૌદ્ધ મઠો અને જૈન ઉપાશ્રયોએ પૂર્વ અને પશ્ચિમ ભારતમાં વિદ્યાધામોની ગરજ સારી છે. મધ્યકાલીન હિન્દુ મઠો અને સંઘો પણ વિદ્યાધામો જ હતાં. મુસ્લિમ આક્રમણ પહેલાં તો પૂર્વની શિક્ષણ પ્રણાલીમાં નોંધવાલાયક કશો ફેરફાર થયો જ ન હતો. મુસ્લિમ આક્રમણ પહેલાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની પદ્ધતિ અને સિદ્ધાંતોની વાત કરીએ તો આપણે કહી શકીએ કે ગામડાનો કોઈ શિક્ષક માત્ર લખવા-વાંચવા માટે ગામઠી શાળા ચલાવતો અને ગામડાના ભલાભોળા વાતાવરણમાં ગામડાના લોકોએ આપેલા સામાન્ય પગારથી પોતાની આજીવિકા ચલાવતો.

લોકશિક્ષણ-સમૂહશિક્ષણ આપણાં મહાકાવ્યોના જાહેર ગાન દ્વારા વ્યવસાયી કથાકારો આપતા. મહાકાવ્યો, પુરાણો વગેરેની આ કથાઓ હલકી જાતિના ગણાતા લોકો પણ જાણી-માણી-નાણી શકતા. બાળકને ઉપવીત (જનોઈ) આપ્યા પછી ઉચ્ચતર શિક્ષણના ત્રણ વર્ગો માટેની વ્યાપક પદ્ધતિ ધાર્મિક શાસ્ત્રોમાં વર્ણવેલી છે. અધ્યયનના સમયગાળાની બાબતમાં ગૃહસ્થાશ્રમાર્થી છાત્ર કરતાં આજીવન વિદ્યાર્થીને અલગ પાડવામાં આવ્યો છે. આ કાળમાં પણ છાત્રોની પૂર્વોક્ત ફરજોમાં કશો નોંધપાત્ર ફેરફાર જોવા મળતો નથી. પણ છાત્રોએ પોતાની જાળવણી માટે કેટલાક નવા નિયમો અપનાવ્યાનું જણાય છે. જેમ કે છાત્રે પવિત્ર બ્રાહ્મણ ગૃહસ્થ પાસેથી કે પોતાના જ્ઞાતિજન પાસેથી જ પ્રથમ ભિક્ષા લેવી. એ ન બને તો ક્ષત્રિય કે વૈશ્ય પાસેથી લેવી, પણ શૂદ્ર પાસેથી કદી લેવી નહિ. આ પાછળના નિયમો છે. ગુરુશિષ્યના પૂર્વોક્ત સંબંધો આ સમયમાં પણ અકબંધ જળવાઈ રહ્યા જોવાય છે.

પ્રૌદ્યોગિકી શિક્ષણ – કારીગરીની તાલીમ સૈદ્ધાંતિક ભણતરની સાથોસાથ વધારાના શિક્ષણ રૂપે આપવાનું પછીના કાળમાં શરૂ થયું. દક્ષિણ ભારતમાં આ પદ્ધતિ વધુ પ્રમાણમાં પ્રચલિત થઈ જણાય છે. દક્ષિણના કેટલાક શિલાલેખોમાં આપણને જુદી જુદી જ્ઞાતિઓના પાઠ્યક્રમો કોતરેલા મળે છે.

પ્રાથમિક શિક્ષણનાં તત્કાલીન સિદ્ધાંતો અને પદ્ધતિઓની રસપ્રદ ઝાંખી આપણને ‘મનસુલ્લાહાસા’ જેવા પાઠ્ય પુસ્તકોમાં જોવા મળે છે.

પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિનો અન્ય મહત્ત્વનો ઉત્સાહજનક વિકાસ ખાનગી તેમજ જાહેર દાનથી થયો છે. આ બાબતમાં માત્ર રાજાઓ અને ઉમરાવો જ નહિ, પણ સામાન્ય જનો અને સ્ત્રીઓ પણ શિક્ષણ વધારવા દાન દેતાં. આવો હતો પ્રાચીન કાળ! દાતાઓની યાદીઓમાં છઠ્ઠા વિક્રમાદિત્યની રાણી, ચૌલ રાજાઓના સેનાપતિ તેમજ કપ્તાનનાં નામો છે. તેમણે ગણિતના શિક્ષણ માટે તેમજ ખગોળ વિદ્યા અને જ્યોતિષ વિદ્યા માટે દાન આપ્યું હતું.

Total Views: 1,357

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.