ભારતના ઐતિહાસિક પ્રાચીન ધર્મનગરી જૂનાગઢમાં અનેક દેવદેવીઓ, અનેક સંપ્રદાયોનાં ધામ છે. અહીંના ગરવા ગિરનારની યાત્રાએ પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ આવ્યા હતા. ત્યાર પછી તેમણે જૂનાગઢમાં ૪-૫ વખત આવનજાવન કરી હતી. શ્રીરામકૃષ્ણદેવના કેટલાક સાક્ષાત્ પાર્ષદોએ પણ જૂનાગઢની ભૂમિને પોતાની પદરજથી પાવન કરી છે. આવા પવિત્ર નગર જૂનાગઢમાં કનુભાઈ માંડવીયા પરિવાર અને એમના તત્કાલીન સાથી મિત્રોએ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર કેન્દ્રનું બીજ વાવ્યું હતું. આજે આ બીજમાંથી એક નાના વૃક્ષ રૂપે સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર જૂનાગઢના હૃદયસમા વિસ્તારમાં, તળાવ દરવાજા પાસે ચાલે છે.
૧૯૮૧માં રામકૃષ્ણ સંઘના ૧૦મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસેથી દીક્ષા મેળવીને આ શહેરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચારનું એક કેન્દ્ર ઊભું થાય તેવી મનમાં સંકલ્પના કરી. રામકૃષ્ણ સંઘના સાધુસંન્યાસીઓ જૂનાગઢમાં આવે ત્યારે એમની સેવાની જવાબદારી ભક્તો ઉપાડી લેતા. ૧૯૮૨-૮૩ની પૂર હોનારત સમયે આણંદપર, પાતાપર, મેવાસામાં થયેલા પુનર્વસન કાર્ય વખતે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓને સહાયરૂપ થવા અહીંના ભક્ત કાર્યકરોએ પ્રયત્ન કર્યો હતો. આ પૂરરાહત પછી પણ ભક્તોએ રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યનો પ્રચાર વિવિધ પુસ્તકોના વેંચાણ દ્વારા કર્યો.
૨૮ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તત્કાલીન અધ્યક્ષ જૂનાગઢમાં પ્રવચન આપવા આવ્યા ત્યારે સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમા મૂકવાનું સૂચન થયું. ભક્તોએ આ કાર્ય સહર્ષ સ્વીકાર્યું. પાંચ દિક્ષીત સભ્યનું ટ્રસ્ટ બન્યું અને રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની પ્રેરણા અને સૂચનાથી એનું નામ સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર પડ્યું. શરૂઆતમાં દાતાર રોડ પરની શ્યામ ચેમ્બરમાં આ કેન્દ્ર ચાલતું. ૧૯૯૪ના એપ્રિલમાં તળાવ દરવાજાના રેલવે ક્રોસિંગ પાસે જૂનાગઢ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરે ૧૧૭૨ ચો. વાર જમીન આ કેન્દ્ર માટે ફાળવી. આ માટે સ્વ. સરમણ મારુના પ્રયાસો પ્રશંસનીય રહ્યા. એ જગ્યાએ બગીચો બનાવી તેમાં સ્વામીજીની કાંસ્ય પ્રતિમા રાખવાની મંજૂરી પણ મેળવી.
૪ જૂન, ૧૯૯૪ના દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા માટે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને સંસદ સભ્ય શ્રીમતી ભાવનાબહેન ચિખલિયા, ધારાસભ્ય મોહનભાઈ પટેલ વગેરેની હાજરીમાં એક મિટિંગ ટાઉનહોલમાં યોજાઈ. ૫ જૂન, ૧૯૯૪ના દિવસે કેન્દ્રની હાલની જગ્યા પર ભૂમિ પૂજન થયું. એ વખતે ઉપર્યુક્ત મહાનુભાવો અને જૂનાગઢના ધારાસભ્ય શ્રી મહેન્દ્ર મશરુ ઉપસ્થિત હતા.
રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તત્કાલીન અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદની ૯ ફૂટ ઊંચી, ૩ ટન વજનની કાંસ્ય પ્રતિમા ગજાનંદ સેવાસંસ્થાન, સેગાઁવના શિલ્પકાર સુધાકરજી પાસે કરાવવાનું નક્કી થયું. રૂપિયા એકલાખ અને ચાલીસ હજારમાં તૈયાર થયેલ સ્વામી વિવેકાનંદની આ કાંસ્ય પ્રતિમાનો અનાવરણ વિધિ ૧૧ સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ રામકૃષ્ણ મઠ મિશનના તત્કાલીન ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્ હસ્તે થયો હતો.
ધીમે ધીમે કેન્દ્રની પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો અને થોડા સમયમાં જ ૩ ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્ હસ્તે એ જગ્યાએ બંધાયેલા હોલમાં શ્રીઠાકુર, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીની છબિઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ઉપર્યુક્ત પ્રસંગે રામકૃષ્ણ મઠના અનેક સંન્યાસીઓ, ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિરમાં નિત્ય સેવાપૂજા થાય છે.
લંડનના શ્રી છગનભાઈ કેશવાળાના દાનથી ઉપર્યુક્ત હોલ પર બીજો માળ બંધાયો. એમાં પ્રાર્થનાહોલ, ગર્ભમંદિર અને પૂજારીના ઓરડાનું બાંધકામ સામેલ હતું. આષાઢી બીજ ૨૦૦૬ના પવિત્ર દિવસે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ અને અન્ય સંન્યાસીઓએ ઉપલા માળે નવા મંદિરમાં શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની છબિઓની પુન: સ્થાપના કરી. દરરોજ સવારે મંગલ આરતી-સંધ્યા આરતી, પ્રાર્થના ભજન, એકાદશીના દિવસે રામનામ સંકીર્તન, શ્રીઠાકુર-શ્રીમા અને સ્વામીજીની જન્મજયંતીની ઉજવણી, ૧૨મી જાન્યુઆરી-રાષ્ટ્રિય યુવદિનની ઉજવણી, આધ્યાત્મિક શિબિર અને રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના પ્રવચનોનું આયોજન થાય છે. સ્વામી વિવેકાનંદ જીવનદર્શન પ્રદર્શન શાળા-મહાશાળામાં યોજાય છે.
નીચેના હોલમાં સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય શરૂ થયું. અત્યારે શ્રીમા સારદા સિવણ વર્ગ, સ્વામી વિવેકાનંદ બાળસંસ્કાર કેન્દ્ર, પુસ્તકાલય, વાંચનાલય, નિ:શુલ્ક સંગીતના વર્ગો ચાલે છે. ઉદ્યાન સંકુલમાં નિ:શુલ્ક એલોપથી, આયુર્વેદ અને હોમિયોપથી દવાખાનું ચાલે છે. રોગનિદાન કેમ્પનું આયોજન થાય છે. પાણીનું પરબ પણ છે. આયુર્વેદિક ફૂલછોડનું વિતરણ પણ થાય છે. જરૂરતમંદ લોકોમાં કપડાં-અનાજનું વિતરણ થાય છે. ખેડૂત સલાહમંડળ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાય છે. વૃદ્ધાશ્રમ, અપંગ-અનાથ અને બહેરામૂંગાઓની સંસ્થાઓમાં જઈને ત્યાંના લોકોને સહાય કરવી. રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય વેંચાણ કેન્દ્ર આ સંસ્થા ચલાવે છે. અવારનવાર રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં આધ્યાત્મિક પ્રવચનો અને ક્યારેક આધ્યાત્મિક શિબિરનું આયોજન થાય છે. આ કેન્દ્રનું ટ્રસ્ટ ચેરિટી કમિશ્નરમાં રજિસ્ટર થયેલું છે અને ૮૦(જી)નું પ્રમાણપત્ર ધરાવે છે. આ બધા સેવાકાર્યોમાં સંસ્થાના ટ્રસ્ટીઓ અને અન્ય સેવાભાવી કાર્યકરો પોતાની સેવાઓ આપે છે.
Your Content Goes Here




