શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના મુખ્ય સંવાહક અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી શ્રીમત્‌ સ્વામી શિવમયાનંદજી તથા રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી ભજનાનંદજી મહારાજે ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન – સ્વામી વિવેકાનંદ્‌સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’માં મૂળ અંગ્રેજી પુસ્તકમાં લખેલ ‘રોલ ઑફ નોન-એફિલયેટેડ સેન્ટર્સ ઈન રામકૃષ્ણ મુવમેન્ટ’ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

૧૮૭૦ ના અંતિમ ભાગથી શ્રીરામકૃષ્ણદેવની આસપાસ શિષ્યો એક પછી એક આવવા લાગ્યા એવું આપણને એમના જીવનમાંથી જોવા મળે છે. એ પ્રારંભનાં વર્ષોમાં પણ આટલું સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે આ શિષ્યો બે ચોક્કસ વર્તુળ-જૂથના હતા. એક જૂથમાં કેટલાક અપરિણીત અને મોટે ભાગે શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા જુવાનિયાઓ હતા. બીજા જૂથના ભક્તો જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાંથી આવતા ગૃહસ્થો હતા. શ્રીરામકૃષ્ણદેવે આ બંને જૂથને અલગ અલગ રીતે કેળવ્યા હતા. આમાંના પહેલા જૂથના જુવાનિયાઓને એમણે આ સંસારનો ત્યાગ કરીને સંન્યાસી બનવા માટે કેળવ્યા.

શ્રીરામકૃષ્ણદેવના શ્યામપુકુર અને કાશીપુર ઉદ્યાનગૃહની છેલ્લી માંદગી વખતે આ બંને જૂથનો ભેદ વધુ સ્પષ્ટપણે દેખાવા લાગ્યો. પ્રથમ જૂથના યુવાનોએ ગુરુદેવની દિવસરાત સેવાચાકરી કરવાની જવાબદારી ઉપાડી લીધી. ગૃહસ્થ ભક્તોએ આર્થિક સહાયતા પૂરી પાડી. શ્રીરામકૃષ્ણે આ બંને જૂથને પોતાના શાશ્વત પ્રેમના અતૂટ બંધનથી એકસાથે બાંધી દીધા. શ્રીઠાકુરના લીલાસંવરણ પછી પણ આ શાશ્વત પ્રેમનું બંધન જળવાઈ રહ્યું. જુવાનિયાઓએ સંન્યાસી સંઘની રચના કરી અને એ પછીથી રામકૃષ્ણ મઠ બન્યો અને ગૃહસ્થ ભક્તો આ યુવાન સંન્યાસીઓને સહાય કરતા રહ્યા.

રામકૃષ્ણ ભાવધારામાં ગૃહસ્થભક્તોનું સ્થાન

અહીં એ નોંધવું જરૂરી છે કે આ બંને જૂથે વિલક્ષણ આધ્યાત્મિક પ્રતિભા સર્જી છે. શ્રીઠાકુરના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યોના વૃંદમાંનો દરેક આધ્યાત્મિક પ્રબુદ્ધતાનું પ્રોજ્જ્વળ ઉદાહરણ હતો. ગૃહસ્થ ભક્તોના જૂથે સાધુ નાગમહાશય, બલરામ બાબુ, રામચંદ્ર દત્ત અને મહેન્દ્રનાથ દત્ત જેવા આધ્યાત્મિક મહાપુરુષો આપ્યા. બેલૂર મઠના પ્રારંભના દિવસોમાં શ્રીઠાકુરના સાક્ષાત્‌ શિષ્યોએ – એમાંય વિશેષ કરીને સ્વામી પ્રેમાનંદજીએ ગૃહસ્થ ભક્તોની સેવાકાળજી લેવાનું તથા એમને મઠ સાથે નિકટના નાતે રાખવાનું કષ્ટ ઉઠાવ્યું હતું. ગૃહસ્થ ભક્તોએ પણ પોતાના પક્ષેથી એમના પર મુકાયેલા આ વિશ્વાસનો પ્રતિભાવ રામકૃષ્ણ મઠ અને મિશનને મક્કમ મનની સહાય આપીને તેમજ મઠ-મિશનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈને આપ્યો હતો. સ્વામી પ્રેમાનંદજીએ પોતાના એક પત્રમાં ગૃહસ્થ ભક્તોને આ શબ્દોમાં બિરદાવ્યા હતા :

‘પ્રભુના ભક્તો જ આપણા એક માત્ર સન્મિત્ર, સગાં-સંબંધી, સંતાનો અને સર્વકંઈ છે. દુ:ખકષ્ટ કે સુખના અવસરે તમે જ અમારા પોતાના સ્વજન છો. એમાં જરાય આશ્ચર્યની વાત નથી કે તમે પણ ભલે સંસારમાં હો તો પણ શ્રીરામકૃષ્ણદેવની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવા ઝંખો છો. બીજા સામાન્ય લોકોની રીતભાત તરફ નજર નાખો! તેમાંથી મોટા ભાગના તો ઉત્તાપિયા, સમૃદ્ધિ-યશ-શિક્ષણ કે જ્ઞાનના ગર્વથી મદાંધ બનેલા છે. આ વિશ્વના ભયંકર વેરાન રણમાં પ્રભુ જ એક માત્ર શાંતિ અને આનંદનો સ્રોત છે.’

શ્રી શ્રીમાએ આ ગૃહસ્થ ભક્તોને શ્રીરામકૃષ્ણ ભાવધારા સાથે નિકટથી જકડી રાખવા માટે આપેલા પ્રદાનને શ્રીરામકૃષ્ણે પોતે કરેલા આ કાર્ય સાથે જ સરખાવી શકાય. શ્રી શ્રીમા બીજા કોઈ પણ કરતાં ગૃહસ્થ ભક્તોની મુશ્કેલીઓ અને દુ:ખપીડાને વધુ સારી રીતે સમજ્યાં હતાં. ગૃહસ્થ ભક્તો પ્રત્યેના એમનાં પ્રેમ અને કરુણાને કોઈ સીમા ન હતી; અને તેઓ આ બધાંથી ઉપરવટ પણ જતાં; આ ભક્તોમાંથી કેટલાકે આપેલા સંતાપોને પણ શાંત મને સહીને શ્રીમા તેમને મદદ કરતાં. એમના મહાન માતૃહૃદયમાંથી સ્વયંભૂ સરી પડેલ સુપ્રસિદ્ધ કથનના શબ્દો આ છે : ‘જેમ શરત્‌ (સ્વામી સારદાનંદ) મારો પુત્ર છે, એવી જ રીતે અમજદ (ડાકુ) પણ મારો પુત્ર છે.’ આ શબ્દોમાં માનવની સર્વોત્કૃષ્ટતાવાળી સમાનતાની આર્ષદૃષ્ટિ અને સર્વપ્રત્યેના પ્રેમભાવનો સાર સમાયેલો છે. 

મુખ્ય વહેણ

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન એમના આધ્યાત્મિક શક્તિ અને સંદેશના પ્રચાર-પ્રસારના મુખ્ય માધ્યમ રૂપે સેવા આપવા અસ્તિત્વમાં આવ્યા છે. બેલૂર મઠનું ૯ ડિસેમ્બર, ૧૮૯૮ના રોજ શિલાન્યાસવિધિ રૂપે પ્રતિ સ્થાપન કરતી વખતે સ્વામીજીએ આવી આર્ષવાણી ઉચ્ચારી હતી:

‘આ વૈશ્વિક સહિષ્ણુતાના કેન્દ્રમાંથી શુભભાવના, શાંતિ અને સર્વધર્મસમન્વયનો સમગ્ર વિશ્વમાં છવાઈ જતો પ્રોજ્જ્વલ સંદેશ સતતપણે વહેતો રહેશે.’ સ્વામી વિવેકાનંદનું આ કથન સત્ય રૂપે સાકાર થતું જાય છે. મુખ્ય કેન્દ્ર બેલૂર મઠ સાથે સંલગ્ન રહીને ભારતના અને વિશ્વના વિવિધ પ્રદેશોમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં ૧૬૦ થી વધુ કેન્દ્રો દ્વારા શ્રીરામકૃષ્ણ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીનો સંદેશ પ્રસરી રહ્યો છે.

અલબત્ત આ પવિત્ર ત્રિપુટીનાં શક્તિ અને સંદેશના પ્રચાર-પ્રસારનાં કાર્યમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન એ બે સંસ્થાઓ મુખ્ય માધ્યમ રહી છે, એ વાત નિર્વિવાદ છે. વળી, આ બંને સંસ્થાઓ માત્ર માધ્યમ જ બની રહે એ સંભવ નથી, એ પણ દેખીતું અને સ્પષ્ટ છે. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીનો સંદેશ એટલો બધો વૈશ્વિક, પ્રબળ અને પ્રભાવક હોવાને લીધે એને એક માત્ર માધ્યમ, એક જ પરંપરા કે એક જ સંસ્થામાં બાંધી રાખી ન શકાય. ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ વિધવિધ સમાજ અને માનવ પ્રકૃતિઓની આવશ્યકતાઓને સંતોષે એ માટે વિવિધ માધ્યમોની આવશ્યકતા રહે છે. આવશ્યકતાના આ વિશાળ વ્યાપને સંતોષવા આવાં નાનાં મોટાં સેંકડો આશ્રમ, અભ્યાસવર્તુળ કેન્દ્રો અને બીજી પ્રકારની સંસ્થાઓ સમગ્ર ભારતવર્ષમાં ઉદ્‌ભવી છે, એમાંય વિશેષ કરીને બંગાળમાં. આ બધી સંસ્થાઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વહીવટી નિયમનથી સ્વતંત્ર રહીને પોતપોતાનાં માનવ કલ્યાણકારી કાર્યો કરે છે.

આ ‘રામકૃષ્ણ ભાવધારાનાં અનૌપચારિક કેન્દ્રો’ને ક્યારેક ખાનગી કેન્દ્રો પણ કહેવાય છે. આવાં કેન્દ્રો ભારતના દરેક રાજ્યમાં જોવા મળે છે. કેરળ જેવા નાના એવા રાજ્યમાં ૩૦ કરતાં પણ વધુ ખાનગી કેન્દ્રો છે. જ્યાંથી મોટા ભાગના હિંદુઓ નાસી છૂટ્યા છે એવા કાશ્મીરમાં પણ ઝંઝાવાતી પવનના પ્રદેશમાં ઝોલાં ખાતાં દીવડાના પ્રકાશની જેમ અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં મહામુશ્કેલીએ ટકી રહીને પણ પોતાના જ્ઞાનપ્રકાશને પાથરવાનું કાર્ય ત્યાંના નાના રામકૃષ્ણ આશ્રમ દ્વારા થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં આવાં કેન્દ્રોની સંખ્યા હજારથી પણ વધુ હોવાનું અનુમાન છે. તામીલનાડુમાં ૧૬૦ થી વધારે અનૌપચારિક કેન્દ્રો છે. આંધ્રપ્રદેશ ૧૦૭ જેટલાં કેન્દ્રો ધરાવે છે. કર્ણાટકમાં આશરે ૬૭ અને ત્રિપુરામાં ૪૦ કરતાં પણ વધુ સંખ્યામાં અનૌપચારિક કેન્દ્રો સાર્વત્રિક માનવસેવાનું કાર્ય કરે છે. બીજા રાજ્યોમાં આના કરતાં નાની સંખ્યામાં આવાં કેન્દ્રો છે.

અનૌપચારિક કેન્દ્રોનું મૂળ ઉદ્‌ગમસ્થાન

અનૌપચારિક કેન્દ્રો વિવિધ રીતે અસ્તિત્વમાં આવ્યાં છે. સ્વામી વિવેકાનંદનાં ભાષણો અને લેખો દ્વારા કે રામકૃષ્ણદેવના ગ્રંથો દ્વારા પ્રેરાયેલ સ્થાનિક ભક્તોના સમૂહ દ્વારા આવાં કેન્દ્રો ઉદ્‌ભવે એ એક સર્વસામાન્ય રીત છે. આવાં કેન્દ્રોના મોટા ભાગના ભક્તો રામકૃષ્ણ મઠ અને મિશનના સંપર્કમાં આવી ગયાં હશે અને એમાંથી કેટલાંકે રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ કે પરમાધ્યક્ષ પાસેથી મંત્રદીક્ષા પણ લીધી હશે. રામકૃષ્ણ ભાવધારાના પ્રારંભનાં વર્ષોમાં શ્રીમા સારદાદેવી, સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ અને શ્રીઠાકુરના બીજા સાક્ષાત્‌ શિષ્યો પાસેથી મંત્રદીક્ષા મેળેવલા ભક્તોએ આવાં અનેક કેન્દ્રોનો પ્રારંભ કર્યો હતો. વારાણસીમાં સેવાશ્રમ કે હૉમ ઑફ સર્વિસની સ્થાપના થઈ. અનૌપચારિક કેન્દ્રો કેવી રીતે શરૂ થયાં એનું આ સુખ્યાત ઉદાહરણ છે. ચારુચંદ્ર દાસ (જેઓ પાછળથી સંન્યાસ લઈ સ્વામી શુભાનંદ બન્યા), કેદારનાથ મૌલિક (જેઓ પાછળથી સંન્યાસ લઈ સ્વામી અચલાનંદ બન્યા), જામિનીરંજન મજૂમદાર જેવા યુવાનોના નેતૃત્વ હેઠળ બીજા કેટલાક ભક્તોએ સાથે મળીને ‘પુઅર મેન્સ રિલિફ એશોસિયેશન – ગરીબોના પુનરુદ્ધારની સંસ્થા’ને નામે એક સંસ્થાની સ્થાપના કરી. આ માટે એમણે વારાણસીના રામપુરા ક્વાર્ટર્સમાં ૫ રૂપિયાના ભાડે એક મકાન લીધું. આ બધા ભક્તો ભગવાન શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક સંદેશ અને સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ ‘શિવભાવે જીવસેવા’ના આદર્શથી પ્રેરાયા હતા. આ સંસ્થા દ્વારા જુવાનિયાઓએ ‘પોતાના અત્યંત મર્યાદિત સાધનો દ્વારા શેરીઓમાં કે શહેરના ઘાટ પર માંદા પડેલ અસહાય વિધવાઓ, નિરાશ્રિત યાત્રાળુઓ, વૃદ્ધજનોને ભોજન, આશ્રય અને દાક્તરી અને દવાઓ આપવાનો’ અતૂટ પ્રયત્ન કર્યો. થોડા દિવસો પછી જામિનીરંજન નામના નિર્ધન, બીજાના દાન-ધર્માદે જીવન ગુજારતા સંસ્કૃતના વિદ્યાર્થી એવા એક યુવાનનું હૃદય રસ્તાની એક બાજુએ અસહાય અને ઉપેક્ષિત એક નારીને જોઈને હચમચી ઊઠ્યું. રસ્તે પસાર થતા એક ગૃહસ્થ પાસેથી ચાર આનાની ભીખ માગીને તેણે એ વૃદ્ધ નારીને હોસ્પિટલમાં દાખલ કર્યાં. જામિનીરંજનને ચારુચંદ્ર અને બીજાનો સહકાર મળતાં દશાશ્વમેધઘાટ પર એક નાની હોસ્પિટલ શરૂ કરી. આ હોસ્પિટલને પછીથી વારાણસીના રામપુરા વિસ્તારમાં ખસેડવામાં આવી હતી. આ જ સમયે સ્વામીજીએ વારાણસીની મુલાકાતે ગયા. આ જુવાનિયાના ખંત અને ઉત્સાહ જોઈને સ્વામીજી ખૂબ ખુશ થયા. એમણે આ જુવાનિયાઓને આશીર્વાદ આપ્યા અને આ સંસ્થાના પહેલા અહેવાલમાં સહાયભૂત થવા માટે એમણે અપીલ (દાનની અપીલ) પણ લખી આપી. થોડાં વર્ષો પછી આ સંસ્થાનો હવાલો રામકૃષ્ણ મિશને લીધો અને ત્યાર પછી એને ‘રામકૃષ્ણ મિશન સેવાશ્રમ કે હોમ ઓફ સર્વિસ’ એવું નામ મળ્યું.

રામકૃષ્ણ ભાવધારાના પ્રારંભનાં વર્ષોમાં રામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોના પ્રભાવ હેઠળ ઘણાં અનૌપચારિક કેન્દ્રો શરૂ થયાં. આ સાક્ષાત્‌ શિષ્યોએ કેન્દ્રોનાં સ્થળોની મુલાકાત લીધી હતી અને ત્યાંના લોકોને આવી મંડળી રચીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવા પ્રેર્યા હતા. સ્વામીજી, સ્વામી સારદાનંદ, સ્વામી પ્રેમાનંદ અને સ્વામી સુબોધાનંદની પૂર્વ બંગાળ (હાલના બાંગ્લાદેશ)નાં કેટલાંક સ્થળોની મુલાકાતે ત્યાંના લોકોના મનમાં મોટો પ્રભાવ પાડ્યો હતો. જ્યાં જ્યાં આ મહાન આત્માઓ ગયા હતા, ત્યાં ત્યાં તેમણે એક મહાન ભાવઆંદોલન ઊભું કર્યું. એમના પ્રભાવ હેઠળ ઢાકા, બારીસાલ અને બીજા સ્થળે કેટલાંય કેન્દ્રો શરૂ થયાં. આમાંનાં કેટલાંક કેન્દ્રો રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સાથે જોડાઈ ગયાં.

સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ)નું દક્ષિણ ભારતમાં ઉપદેશ કાર્ય એ રામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોના મહાન પ્રભાવનો એક નોંધનીય પ્રસંગ છે. મદ્રાસ (ચેન્નઈ)માં રામકૃષ્ણ મઠનું કેન્દ્ર સ્થાપીને તેઓ દક્ષિણ ભારતના બર્માનાં ઘણાં સ્થળોની મુલાકાતે ગયા હતા. અલ્સુર (કર્ણાટક), ત્રિવેન્દ્રમ્‌ (કેરાળ)માં એમણે ઘણાં વ્યાખ્યાનો આપ્યાં. સાથેને સાથે બર્મામાં તેઓ ગયા અને આ બધા સ્થળે ‘અભ્યાસ વર્તુળો’ની સ્થાપના કરી. આ બધાં અભ્યાસ વર્તુળો પછીથી રામકૃષ્ણ મઠનાં શાખા કેન્દ્ર રૂપે જોડાયાં હતાં.

રામકૃષ્ણ મઠનાં ૮ મુખ્ય શાખા કેન્દ્રો અને કેરળનાં ૩૦થી પણ વધુ અનૌપચારિક કેન્દ્રોમાંનાં મોટાંભાગનાં કેન્દ્રો સ્વામી નિર્મલાનંદના પ્રભાવથી શરૂ થયાં હતાં.

અહીં આટલી નોંધ કરવી આવશ્યક છે કે, રામકૃષ્ણ સંઘના કેટલાક સંન્યાસીઓએ ગમે તે કારણે સંઘ છોડ્યો અને પોતપોતાની રીતે સ્વતંત્ર કેન્દ્રો શરૂ કર્યાં. પશ્ચિમ બંગાળના નીમપીઠની જેમ એમાંના કેટલાક ઘણાં મોટાં કેન્દ્રો બન્યાં છે.

અનૌપચારિક કેન્દ્રોનું મહત્ત્વ

શ્રીશ્રીરામકૃષ્ણદેવ, મા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદના સંદેશને પ્રસરાવવાની ઘણી તાતી આવશ્યકતા અને અવસર હોવા છતાં પણ પોતાની પાસે ઘણી ઓછી અને મર્યાદિત સંખ્યામાં સંન્યાસીઓ હોવાને લીધે કેટલાંય સ્થળે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં શાખા કેન્દ્ર સ્થાપવાની આવશ્યકતાને સંતોષી શકતા નથી. આવાં અનેક સ્થળે આ આવશ્યકતાની પૂર્તિ અનૌપચારિક કેન્દ્રો જ કરી શકે. વાસ્તવિક રીતે આવાં કેટલાંય સ્થળોના સ્થાનિક ભક્તજનોએ એકસાથે મળીને આવાં અનૌપચારિક કેન્દ્રોની સ્થાપના કરી છે. આ કેન્દ્રો આ પવિત્ર ત્રિપુટીના સંદેશનો પ્રચાર-પ્રસાર કરવાનું અને અનેક રીતે સમાજની વિવિધ સેવા કરવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યાં છે.

આનો અર્થ એવો નથી થતો કે અનૌપચારિક કેન્દ્રોએ માત્ર પ્રાથમિક કાર્યો કરવાનાં છે. વાસ્તવિક રીતે તો અનૌપચારિક કેન્દ્રનું પોતપોતાની રીતે ઘણું મોટું મહત્ત્વ છે. આવાં અનૌપચારિક કેન્દ્રોનાં મહત્ત્વનાં મુખ્ય કાર્યમાંનું એક છે સંન્યાસીઓ દ્વારા થતાં કાર્યોની સમતુલા જાળવવાનું. જો આધ્યાત્મિક આદર્શ કે સંદેશ પથ પર સંન્યાસીઓનો એકાધિકાર હોય; અને મઠો કે સંઘોમાં જ આધ્યાત્મિક શક્તિ માત્ર કેન્દ્રિત બની રહે તો આધ્યાત્મિક ભાવધારામાં અસમતુલા ઊભી થશે અને એ થોડા જ સમયમાં નબળી અને અસ્થાયી બની જાય.

ભારતમાં બૌદ્ધધર્મના ઇતિહાસે આ જ બોધપાઠ ભણાવ્યો છે. સ્વામી વિવેકાનંદે દર્શાવ્યું છે તેમ પ્રારંભના બૌદ્ધધર્મનો એક દોષ એ હતો કે તેણે ગમે તેને સંન્યાસી કે સાધ્વી બનાવવાનો પ્રયત્ન કર્યો. સંન્યાસીઓ ધર્મસંદેશનાં શક્તિ અને પવિત્રતાનું રક્ષણ કરે છે અને ધર્મનાં ભાવ-આંદોલનને આગળ ધપાવે છે. સાથે ને સાથે ગૃહસ્થાશ્રમ એને સહાય અને ભૂમિકા પૂરી પાડે છે. જેમ જેમ રામકૃષ્ણ ભાવ-આંદોલન પ્રસરતું જશે અને વિસ્તરતું જશે તેમ તેમ ગૃહસ્થ ભક્તોએ પોતાનું વધારે ને વધારે માત્રામાં પ્રદાન કરવા આગળ આવવું પડશે. એટલે જ ગૃહસ્થ ભક્તો દ્વારા ચલાવાતાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં અનૌપચારિક કેન્દ્રોએ રામકૃષ્ણ ભાવ-આંદોલનના સુદીર્ઘ કાલીન વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવવો પડશે.

ઔપચારિક કેન્દ્રોએ કરેલ કાર્ય

‘આત્મનો મોક્ષાર્થં જગત હિતાય ચ – સ્વની મુક્તિ અને વિશ્વના ક્ષેમકલ્યાણ માટે’ આવો આદર્શ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનને સ્વામી વિવેકાનંદે આપ્યો છે. પરંતુ એમણે આ આદર્શ માત્ર સંન્યાસીઓને જ નથી આપ્યો પણ રામકૃષ્ણ ભાવધારાના ગૃહસ્થ ભક્તોને માટે પણ આપ્યો છે. વાસ્તવિક રીતે ઉપર્યુક્ત આદર્શ અને ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શથી પ્રેરાઈને ગૃહસ્થ ભક્તોએ મોટા ભાગનાં અનૌપચારિક કેન્દ્રો શરૂ કર્યાં છે. એટલે જ આ વાત સ્વાભાવિક છે કે આ બધાં અનૌપચારિક કેન્દ્રો પણ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની જેમ જ વિવિધ સેવાપ્રવૃત્તિઓ હાથ ધરે છે. અનૌપચારિક કેન્દ્રોની મુખ્ય પ્રવૃત્તિઓ સંક્ષેપમાં આ પ્રમાણે છે :

(૧) મોટા ભાગનાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણ મંદિર કે અલગ નાનું મંદિર અને પ્રાર્થનાખંડ છે. આ મંદિરોમાં શ્રીરામકૃષ્ણને ઈષ્ટદેવતા માનીને એમની સાથે શ્રીમા સારદાદેવી અને સ્વામીજીની સેવાપૂજા થાય છે. ઘણાં કેન્દ્રોમાં નિયમિત રીતે વિધિવિધાનોપૂર્વક શ્રીરામકૃષ્ણદેવની પૂજાની વ્યવસ્થા છે. લગભગ બધાં કેન્દ્રો સંધ્યા સમયે આરતી અને ભજનનો કાર્યક્રમ યોજે છે. કેટલાંક કેન્દ્રોમાં એકાદશીના દિવસે શ્રીરામનામ સંકીર્તન પણ હોય છે. મોટા ભાગનાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીના જન્મજયંતી મહોત્સવ મોટા પાયે ઉજવાય છે.

(૨) મોટા ભાગનાં અનૌપચારિક કેન્દ્રોમાં દરરોજ કે અઠવાડિયામાં એક કે બે વાર રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય અને શાસ્ત્રો પર વર્ગો, ચર્ચા અને વાચનના કાર્યક્રમ હોય છે. એમાંનાં મોટા ભાગનાં કેન્દ્રોમાં પુસ્તકાલય, પુસ્તક વેંચાણ કેન્દ્ર છે. આ બધાં કેન્દ્રોમાં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓને વ્યાખ્યાન આપવા માટે નિમંત્રવામાં આવે છે. આવાં ઘણાં કેન્દ્રોમાં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના ઉપયોગ માટે અલગ ખંડની વ્યવસ્થા પણ છે. 

(૩) ઘણાં અનૌપચારિક કેન્દ્રોમાં હોમિયોપથિ કે એલોપથિના નિ:શૂલ્ક દવાખાનાની વ્યવસ્થા છે. કેટલાંક કેન્દ્રો પાસે હરતાં ફરતાં દવાખાનાના વાહનની વ્યવસ્થા છે અને એના દ્વારા અઠવાડિયામાં એક કે વધુ વખત આજુબાજુનાં ગામડાંમાં આરોગ્ય ચિકિત્સા સેવાનો લાભ આપાય છે. આવાં કેન્દ્રો નેત્રચિકિત્સા કેમ્પ, દંતચિકિત્સા કેમ્પ જેવા આરોગ્યચિકિત્સા કેમ્પ યોજે છે.

(૪) આમાંનાં કેટલાંક કેન્દ્રો શાળાઓ (પ્રાથમિક) અને છોકરા-છોકરીઓ માટેના વિદ્યાર્થીમંદિરની વ્યવસ્થા કરે છે. ઘણાં કેન્દ્રો અભ્યાસ સહાયક વર્ગ અને અનાથ બાળકો માટે અનૌપચારિક શિક્ષણના વર્ગો ચલાવે છે; વ્યાવસાયિક તાલીમ, હસ્તકલા કારીગરીની તાલીમ, મૂલ્યશિક્ષણ જેવા વ્યાવસાયિક-શૈક્ષણિક કાર્યક્રમો યોજે છે.

(૫) વાવાઝોડાં, ધરતીકંપ, અતિવૃષ્ટિ જેવા આપત્તિકાળે મોટાભાગનાં અનૌપચારિક કેન્દ્રો સ્વતંત્ર રીતે રાહતસેવાકાર્યો હાથ ધરે છે કે રામકૃષ્ણ મિશનના રાહતસેવાકાર્ય વિભાગ સાથે સંલગ્ન રહીને સેવાકાર્યો કરે છે. આવી પ્રાકૃતિક આપત્તિ ન હોય ત્યારે પણ ઘણાં કેન્દ્રો અસહાય લોકોમાં ભોજન, કપડાં વગેરેનું વિતરણ સેવાકાર્ય કરે છે. 

ભાવપ્રચાર પરિષદો

આપણે કરેલ ઉપર્યુક્ત ચર્ચામાં જોયું છે કે અનૌપચારિક કેન્દ્રોનાં સેવાપ્રવૃત્તિઓ, આદર્શ અને રીતભાત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં શાખાકેન્દ્રો જેવાં છે. કેથોલિક ચર્ચમાં આવાં અનૌપચારિક કેન્દ્રોને એક ત્રીજી વ્યવસ્થા કે ત્રીજા મંડળ રૂપે ઓળખવામાં આવે છે. (પહેલું મંડળ સંન્યાસીઓનું, બીજું મંડળ સાધ્વીઓનું અને ત્રીજું અનૌપચારિક કેન્દ્રોનું).

ગમે તેમ પણ આ અનૌપચારિક કેન્દ્રોને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની નિકટતમ લાવવા અને એના દ્વારા રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-આંદોલનના આધ્યાત્મિક વૈચારિક અને સામાજિક સેવાપ્રવાહને સમન્વિત કરવાનો વિચાર રામકૃષ્ણ સંઘના ઘણા વરિષ્ઠ સંન્યાસીઓના મનમાં ઘોળાતો હતો. ૧૯૮૦ના રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા સામાન્ય સંમેલનના અંતે બેલૂર મઠના સંવાહકો દ્વારા એક અંતિમ નિર્ણય લેવાયો. આ નિર્ણય પ્રમાણે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સર્વાંગી માર્ગદર્શન હેઠળ બધાં રાજ્યોમાં અનૌપચારિક કેન્દ્રોનું સંકલન કરવા એક ભાવ પ્રચાર પરિષદની રચના કરવી. 

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી પોતાના હોદ્દાના રુએ અધ્યક્ષ રૂપે રહે અને કેટલાક વરિષ્ઠ સંન્યાસીઓ તેના સભ્યો બને અને એક વરિષ્ઠ સંન્યાસી તેના સંવાહક બને એવી ભાવપ્રચાર પ્રવર સમિતિની રચના થઈ. આ પ્રવર સમિતિના માર્ગદર્શન હેઠળ એમની સાથે સંકલન કરતી ભાવપ્રચાર પરિષદો – જેવી સમિતિઓ પણ રચવામાં આવી. આવી ભાવપ્રચાર પરિષદની સંખ્યાનો આધાર જે તે વિસ્તારમાંના અનૌપચારિક કેન્દ્રોની સંખ્યા પર રહે છે. પશ્ચિમ બંગાળમાં આવાં અનૌપચારિક કેન્દ્રોની સંખ્યા ઘણી મોટી છે એટલે પશ્ચિમ બંગાળને દસ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. દરેક વિભાગમાં એક પરિષદ હોય છે. કેટલાંક રાજ્યોમાં આવાં અનૌપચારિક કેન્દ્રોની સંખ્યા ઘણી ગણીગાંઠી હોય છે, ત્યાં એક પરિષદ બે કે ત્રણ રાજ્યોનો કાર્યભાર સંભાળે છે. હવે આપણે દરેક રાજ્યની ભાવ પરિષદ અને એના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં અનૌપચારિક કેન્દ્રોની સંખ્યાની વિગત જોઈએ. (તામીલનાડુ-કર્ણાટક-કેરળમાં આવી ભાવપરિષદ નથી.)

દરેક રાજ્યવાર એક ભાવ પરિષદ હેઠળનાં કેન્દ્ર સંખ્યા ()માં દર્શાવી છે.

આંધ્રપ્રદેશમાં (૯૬); બિહાર અને ઝારખંડમાં (૨૦); ગુજરાતમાં (૯); મધ્ય પ્રદેશમાં (૧૫); મહારાષ્ટ્રમાં (૨૨); ઓરિસ્સામાં (૧૮) રાજસ્થાનમાં (૭); ત્રિપુરામાં (૪૦); ઉત્તરાંચલમાં (૪) ઉત્તર પશ્ચિમાંચલ (પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, જમ્મુ કશ્મીર)માં (૬); ઉત્તર પૂર્વાંચલ (આસામ, મેઘાલય, અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર)માં (૫૨); ઉત્તરપ્રદેશમાં (૧૧); પશ્ચિમબંગાળ – વર્ધમાન, બાંકુરા અને પુરુલિયામાં (૫૩); પશ્ચિમ બંગાળ-હુગલીમાં (૬૮); પશ્ચિમ બંગાળ-હાવરામાં (૨૭); પશ્ચિમ બંગાળ-કોલકાતા મેટ્રોમાં (૨૨); પશ્ચિમ બંગાળ – મધ્યબંગમાં (૪૯); પશ્ચિમ બંગાળ-મેદિનીપુર પૂર્વપશ્ચિમમાં (૪૬); પશ્ચિમ બંગાળ – ઉત્તર ચોવીસ પરગણામાં (૫૨); પશ્ચિમ બંગાળ – દક્ષિણ ચોવીસ પરગણામાં (૨૨); પશ્ચિમ બંગાળ – સુંદરવનમાં (૨૪); પશ્ચિમ બંગાળ – ઉત્તરાંચલમાં (૩૮). 

આમ સમગ્ર ભારતવર્ષની જુદાં જુદાં રાજ્યોની ૨૨ ભાવપ્રચાર પરિષદ હેઠળ ૭૦૧ જેટલાં અનૌપચારિક આશ્રમ કેન્દ્રો ચાલે છે.

દરેક ભાવપ્રચાર પરિષદ એના કાર્યભાર હેઠળ આવતાં પેટા કેન્દ્રોના બબ્બે પ્રતિનિધિઓથી રચાય છે. જો પરિષદની હેઠળ દસ સભ્યકેન્દ્ર હોય તો પરિષદ વીસ સભ્યોની બને. દરેક પરિષદને એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ હોય છે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના મહાસચિવ દ્વારા નિયુક્ત થયેલ સંન્યાસીઓ આ હોદ્દા પર રહે છે. પરિષદનો બધો નાણાકીય વ્યવહાર પરિષદના સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવનાર કન્વિનર દ્વારા થાય છે. આ કન્વિનરને એક કે બે સંયુક્ત કન્વિનરો સહાય કરે છે. આ કન્વિનર અને સહાયક કન્વિનરો સભ્ય કેન્દ્રો દ્વારા બે વર્ષની મુદ્દત માટે જે તે પરિષદમાં નિયુક્તિ પામે છે. દરેક ભાવપ્રચાર પરિષદનું નિયંત્રણ અને સંચાલન રામકૃષ્ણ મઠના વડામથકની પ્રવર ભાવપ્રચાર સમિતિની મંજુરીની મહોરવાળા બંધારણ મુજબ થાય છે. પ્રવર ભાવપ્રચાર સમિતિએ સુનિશ્ચિત કરેલ દસ મુદ્દાની માર્ગદર્શક સૂચનાઓનું અનુસરણ કરીને અનૌપચારિક કેન્દ્રો ભાવપ્રચાર પરિષદના સભ્યો બની શકે છે.

દસ મુદ્દાની માર્ગદર્શક સૂચનાઓ

૧. પ્રાઈવેટ કેન્દ્રનું સોસાયટી રેગ્યુલેશન એક્ટ મુજબ ધાર્મિક ટ્રસ્ટ તરીકે નામનોંધણી કરાવવી પડશે. આ સંસ્થાએ રામકૃષ્ણ મઠ-મિશનના નૈતિક અને આધ્યાત્મિક આદર્શોને અનુસરવા પડશે અને મઠ-મિશનની જેમ પ્રવૃત્તિઓનું સંચાલન કરવું પડશે.

૨. આ સંસ્થાએ મઠ-મિશન સાથે નજીકનો અને સૌહાર્દપૂર્ણ સંબંધ રાખવાનો રહેશે અને એમના પ્રત્યે વફાદારીપૂર્વકનાં સંબંધ-વ્યવહાર રાખવા પડશે.

૩. પ્રાઈવેટ કેન્દ્ર (પછી ભલે કોઈ પણ નામે ઓળખાતી હોય) કે તેના મેનેજિંગ કમિટિના સભ્યો રાજકારણ કે રાજકીય પક્ષ સાથે સંબંધ રાખી શકશે નહિ અને મઠ-મિશને માન્યતા ન આપી હોય તેવાં મંડળો-સમુદાયો કે સંસ્થાઓ સાથે સંબંધ રાખી શકશે નહિ.

૪. (સ્વાસ્થ્યના કારણો સિવાય) કોઈ પણ સંન્યાસીએ રામકૃષ્ણ સંઘ છોડ્યો હોય એવા સંન્યાસી સાથે ઘનિષ્ઠ સંબંધ રાખી શકાશે નહિ કે સંસ્થામાં તેને રહેવાની છૂટ આપી શકાશે નહિ.

૫. સંસ્થાએ પોતાના આર્થિક લેતી-દેતીના નાણાકીય હિસાબો રાખવા-જાળવવા પડશે. અને ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા તેમનું નિયમિત ઓડિટ કરાવવાનું રહેશે.

૬. અન્ય પ્રવૃત્તિઓ ઉપરાંત સંસ્થાએ આજુબાજુના ગરીબોનાં દુ:ખના નિર્મૂલન કે એને અટકાવવા માટે સેવાકાર્ય કરવાં પડશે.

૭. સંસ્થાએ ગ્રામ્ય વિસ્તારના લોકો, પછાતવર્ગના લોકો, આદિવાસી લોકો માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવી પડશે.

૮. સંસ્થા પોતાના સ્થાનિક વિસ્તારના યુવાનો માટે ખાસ ધ્યાન આપશે. સાપ્તાહિક કે પખવાડિક સ્ટડી સર્કલ જેવી પ્રવૃત્તિઓ તેમજ નિબંધ, મુખપાઠ, સંગીત, વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરશે. પુખ્તવયનાં યુવા ભાઈઓ અને બહેનોનાં અલગ અલગ સ્ટડી સર્કલ રાખવાં. સ્વામી વિવેકાનંદના જન્મદિવસ ૧૨ જાન્યુઆરીને ભારત સરકારે રાષ્ટ્રિય યુવા દિન તરીકે ઘોષિત કર્યો છે. પ્રત્યેક પ્રાઈવેટ કેન્દ્રોએ એને અચૂક ઉજવવો પડશે.

૯. ધર્મશાસ્ત્રોના વર્ગના સંચાલન ઉપરાંત સંસ્થાએ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું વેચાણ કરવાનું રહેશે અને પ્રેરણાદાયક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરવાનું રહેશે.

૧૦. જ્યારે જ્યારે જરૂર ઊભી થાય ત્યારે સંસ્થાએ આપત્તિગ્રસ્ત વિસ્તારનાં પીડિતો માટે રાહત-સેવા કાર્ય સ્વતંત્ર રીતે કે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની રાહબરી હેઠળ હાથ ધરવાનાં રહેશે.

ભાવ પરિષદ હઠળનાં કેન્દ્રોએ સંયુક્ત રૂપે વાર્ષિક મહોત્સવ યોજવો જોઈએ. આમાંનાં આગળ પડતાં કેન્દ્રો વારાફરતી આવા વાર્ષિક કાર્યક્રમના આયોજનની જવાબદારી લઈ શકે છે. પરંપરાગત પૂજા, આરતી ઉપરાંત પ્રસાદવિતરણ, ધાર્મિક વાર્તાલાપ કે પરિચર્ચા તેમજ એક દિવસ યુવાનો અને બાળકો માટે ફાળવવો જોઈએ. જુદાં જુદાં કેન્દ્રોમાં યોજાતી મુખપાઠ, વક્તૃત્વ, સંગીત જેવી સ્પર્ધાઓની અહીં સમાપ્તિ થવી જોઈએ. જ્યાં આવો મહોત્સવ યોજાય ત્યાં એક દિવસ સવારે ભક્તજનો અને સ્થાનિક શાળા-મહાશાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોની એક શોભાયાત્રા સમગ્ર શહેર કે ગામની શેરીઓમાં કાઢવી જોઈએ. આ શોભાયાત્રા પછી એક નાની જાહેરસભાનું પણ આયોજન કરવું જોઈએ.

ભાવપ્રચાર પરિષદનાં કાર્યો

ભાવપ્રચાર પરિષદનાં મુખ્ય ત્રણ કાર્યો છે. સર્વ પ્રથમ તો એણે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વડા મથક સાથે તેમજ નોંધાયેલા દરેક અનૌપચારિક કેન્દ્રો સાથે એક જોડતી કડીનું કાર્ય કરવાનું છે. રામકૃષ્ણ સંઘના વડા મથક દ્વારા મળેલ સૂચનાઓ અને માર્ગદર્શન મળે તે સ્થાનિક કેન્દ્રોને પહોંચાડવાનાં હોય છે. રામકૃષ્ણ મઠ-મિશનના મુખ્ય પ્રવાહ સાથે એકતા જળવાઈ રહે તેવી સમજણ દરેક સભ્યને પરિષદે આપવાની રહે છે.

બીજું, ભાવ પ્રચાર પરિષદ પોતાની સાથે જોડાયેલ અનૌપચારિક કેન્દ્રોનાં કાર્યો પર અને દસ મુદ્દાની સૂચના પ્રમાણે બધું થાય છે કે કેમ તેના પર નજર રાખે છે. અહીં એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે દરેક અનૌપચારિક કેન્દ્ર સ્વતંત્ર, સર્વસત્તા સંસ્થા છે. ભાવ પ્રચાર પરિષદ એના પર વહીવટી નિયમન લાદી ન શકે. આ રીતે પોતાની સાથે જોડાયેલ અનૌપચારિક કેન્દ્રો માટે ભાવ પ્રચાર પરિષદે માત્ર એક નિરીક્ષક અને માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની છે. 

ત્રીજું, અને સૌથી મહત્ત્વનું ભાવ પ્રચાર પરિષદનું કાર્ય અનૌપચારિક સભ્ય કેન્દ્રોને વ્યક્તિગત રીતે સુસંયોજિત રાખવાનું છે. સાથે ને સાથે એણે પરસ્પરના દૃષ્ટિબિંદુ તેમજ ચર્ચા વિચારણા માટેનું એક ફોરમ પૂરું પાડવાનું છે, એટલે કે એણે આ માટે માધ્યમ બનવાનું છે. પરિષદની અવારનવાર મળતી સભાઓ દ્વારા આવું સુસંકલન અને વિચારોની આપલે થઈ શકે.

પરિષદના કન્વિનરે કે સેક્રેટરીએ બોલાવેલી મીટીંગોમાં દરેક સભ્ય કેન્દ્રના બે સભ્યોએ હાજર રહેવું જોઈએ. રામકૃષ્ણ સંઘના સંન્યાસી અને આ પરિષદના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ પણ આ સભામાં ભાગ લે છે. આ સભાની કાર્યવાહીની નોંધ ભાવ પ્રચાર સમિતિના કન્વિનર અને બેલુર મઠના વડા મથકને પહોંચાડવામાં આવે છે.

ભક્ત સંમેલન

ભક્તોનું આ સંમેલન સામાન્ય રીતે ગૃહસ્થ ભક્તો દ્વારા યોજાય છે. જો કે અવારનવાર પ્રસંગોપાત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણનાં કેન્દ્રો પણ ભક્તસંમેલન યોજે છે. રાજ્યભરના ભક્તો આ સંમેલન દ્વારા એકઠા મળે છે. આવા સંમેલનનો મુખ્ય હેતુ શ્રીરામકૃષ્ણ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજી તથા તેમના સંદેશ સાથે એકનિષ્ઠા દર્શાવવાનો તેમજ તેમની સંસ્થાઓમાં દૃઢ વિશ્વાસની ભાવના વ્યક્ત કરવાનો છે. આના દ્વારા ભક્તો એક બીજા સાથે આધ્યાત્મિક ચર્ચા અને વિચારોની આપલે કરી શકે છે અને આધ્યાત્મિક ભાવ અને ભજન વગેરેનો લાભ મેળવે છે. આવા સંમેલનોમાં જ્યારે ભક્તજનો આનંદ, આધ્યાત્મિક ભ્રાતૃભાવના અને આધ્યાત્મિકતાની ઉન્નતિનો અનુભવ કરે છે ત્યારે તે એક આનંદનો અવસર બની રહે છે.

ભક્તસંમેલન અને આધ્યાત્મિક શિબિર વચ્ચે ગૂંચવાડો ઊભો ન થવો જોઈએ. આધ્યાત્મિક શિબિર ઓછી સંખ્યાના સંનિષ્ઠ જિજ્ઞાસુ ભક્તો માટેની હોય છે અને તેનો હેતુ આધ્યાત્મિક જીવનને વધુ સઘન બનાવવાનો હોય છે. આવી આધ્યાત્મિક શિબિરનાં બીજ ૧૬મી સદીના કેથલિક સંત જેસુ ઈટ સંઘના સ્થાપક ઇજ્ઞેશ્યસ લોયલાએ વાવ્યાં છે. ત્યારથી માંડીને આવા ખ્રિસ્તીઓ વૈશ્વિક પ્રવૃત્તિઓમાં પોતાની જાતને જોડતા આવ્યા છે. ઇજ્ઞેશ્યસ લોયલા એવો આગ્રહ રાખતા કે દરેક જેસુ ઈટ પાદરીએ કોઈ એકાંત અને પવિત્ર સ્થળે દર વર્ષે એક માસ સુધી કઠિન આધ્યાત્મિક સાધના કરવી જોઈએ. આવી રીતે વૈશ્વિક પ્રવૃત્તિઓના જીવનમાંથી પોતાની જાતને ખેંચી લઈને આંતરજીવનના સઘનત્વ માટે મથવું એટલે આધ્યાત્મિક શિબિર. મૂળ તો આ આધ્યાત્મિક શિબિર સંન્યાસીઓ માટે રહેતી, પણ પછીથી એને ગૃહસ્થ ભક્તો સુધી વિસ્તારવામાં આવી. રામકૃષ્ણ મઠમાં આવી શિબિરો સામાન્ય રીતે ગૃહસ્થ ભક્ત માટે યોજાય છે.

વધતું જતું મહત્ત્વ

ઉપર્યુક્ત ચર્ચા પરથી આટલું તો સ્પષ્ટ થાય છે કે રામકૃષ્ણ ભાવધારાના પ્રારંભથી જ ગૃહસ્થ ભક્તો અને સંન્યાસીઓ વચ્ચે એક ભાવાત્મક માનસિક એકતા હતી. અનૌપચારિક કેન્દ્રોએ શ્રીરામકૃષ્ણ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીના સંદેશની સરળસહજ પ્રાપ્તિ અને એની પ્રમાણભૂતતા સામાન્ય જનોમાં અને વિશેષ કરીને અત્યંત ગરીબ અને અવગણાયેલા ગ્રામ્ય સમાજના લોકોમાં પ્રસ્થાપિત કરવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સ્વામી વિવેકાનંદ આ દેશને સંન્યાસીઓના સમૂહથી ભરી દેવા ક્યારેય ઇચ્છતા ન હતા. ઊલટાનું સંખ્યાની દૃષ્ટિએ તેમજ કાર્ય અને વ્યવહારની દૃષ્ટિએ ગૃહસ્થ ભક્તો અને સંન્યાસીઓ વચ્ચે આરોગ્યપ્રદ સમતુલા જળવાઈ રહે તેમ તેઓ ઇચ્છતા હતા. પોતે જીવંત હતા ત્યારે શ્રીરામકૃષ્ણે પણ નાગ મહાશય જેવા મહાન ગૃહસ્થ ભક્તને સંસાર ત્યાગ કરવા કહ્યું ન હતું. તેનાથી ઊલટું ઈશ્વરની શરણાગતિનો અભ્યાસ કરતાં કરતાં અનાસક્તભાવે આ જીવનની ફરજો નિભાવવા માટે એમણે બધા ગૃહસ્થભક્તોને પ્રેર્યા હતા. ગૃહસ્થ ભક્તો પણ પ્રભુકૃપાથી મુક્તિ મેળવી શકે છે એવી ખાતરી પણ એમણે ઉચ્ચારી હતી.

આપણે અત્યંત ત્વરિત ગતિએ પરિવર્તન પામતાં વિશ્વમાં જીવીએ છીએ. આ પરિવર્તનશીલ વિશ્વમાં વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, સામાજિક જીવન અને મૂલ્યોમાં પણ આમૂલ પરિવર્તનો આવી રહ્યાં છે. વર્તમાન ચિહ્‌નો એવાં જણાય છે કે આવતા દસકાઓમાં રામકૃષ્ણ ભાવધારાના વિસ્તારની વધુ માગ ઊભી થશે અને આ કાર્યમાં ગૃહસ્થ ભક્તોએ તેમજ અનૌપચારિક કેન્દ્રોએ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવવાની રહેશે.

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.