જગતના ઇતિહાસ તરફ એક નજર નાખીએ તો આપણને આટલું સ્પષ્ટપણે જાણવા મળે છે કે જ્યારે જ્યારે કોઈ અવતારપુરુષ કે પયગંબર આ વિશ્વમાં અવતરે છે ત્યારે ત્યારે એ અવતારપુરુષની પરિધિમાં કલા, સંસ્કૃતિ, દર્શન, જ્ઞાનવિજ્ઞાનમાં પણ દૂરગામી પરિવર્તનો પણ આવે છે; ઉપર્યુક્ત ક્ષેત્રોમાં નવા નવા મંગલકારી પ્રયાણો પણ મંડાય છે. ક્રમશ: આ નવપરિવર્તનો અને પ્રયાણો વૈશ્વિક પણ બની જાય છે.

ભગવાન બુદ્ધના આવિર્ભાવ પછી ભારતમાં ગુપ્ત સામ્રાજ્યમાં કળાનો વિકાસ, નાલંદા જેવાં વિશ્વવિખ્યાત વિદ્યાધામોની સ્થાપના, સંગીત, નૃત્ય અને માનવ જીવનને સ્પર્શતા વિજ્ઞાનોનો વિકાસ થયો અને તે પછીથી સમગ્ર એશિયામાં પ્રસરી ગયો. ઈશુના જન્મ પછી ગ્રીસ-રોમમાં પણ આવાં જ નવ પરિવર્તનો આપણને જોવા મળે છે. પછીથી આ પરિવર્તનોનો પવન સમગ્ર યુરોપમાં ફુંકાયો.

જે કાળે સમગ્ર યુરોપમાં અને વિશ્વમાં વિજ્ઞાનનો પ્રબળ પ્રભાવ જોવા મળતો હતો એ સમયે, એ સંક્રાંતિકાળે ભારતના એક દૂરસુદૂરના ગામડે એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં શ્રીરામકૃષ્ણનો જન્મ થયો. શ્રીરામકૃષ્ણ કંઈ ઝાઝું ભણ્યા ન હતા, લગભગ નિરક્ષર જ કહી શકાય તેવા હતા. આમ છતાં પણ ધર્મના ક્ષેત્રનો એમનો સાર્વત્રિક અભિગમ હંમેશાં આધુનિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિસંપન્ન હતો. તેમણે પોતે કરેલી ધર્માનુભૂતિઓને એમ ને એમ અનુસરવાનું કે એમના પર શ્રદ્ધા-વિશ્વાસ રાખીને નિરાંતે બેસી રહેવાનું કહ્યું નથી, પણ સાધકે કે શિષ્યે તે બધાંને પોતાની અનુભૂતિની સરાણે ચઢાવવાનું કહ્યું છે. આ જ સાચી વૈજ્ઞાનિક દૃષ્ટિ છે. વૈજ્ઞાનિક અભિગમ પ્રમાણે જે વાત કે હકીકત એક વ્યક્તિ-પદાર્થ કે વસ્તુ માટે સાચી હોય તે બધાં માટે વૈશ્વિકસ્તરે સાચી હોય જ.

ધર્મ અને ધર્માનુભૂતિના ક્ષેત્રે શ્રીરામકૃષ્ણના આગમનથી એક વૈજ્ઞાનિક અભિગમ તો આવ્યો. આ જ અભિગમને પશ્ચિમની કેળવણીમાં કેળવાયેલ એમના શિષ્ય સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વધર્મપરિષદ અને ત્યાર પછી સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કર્યો. આ વાત નિર્વિવાદ છે. વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીના ક્ષેત્રમાં ભારતના લોકોને સૌ પ્રથમવાર પ્રેરણા આપવામાં શ્રીરામકૃષ્ણદેવ અને ત્યાર પછી તેમના સંદેશવાહક સ્વામી વિવેકાનંદ એક યંત્રરૂપ બન્યા એ વાત આપણામાંના કેટલા લોકો જાણે છે?

ડો. મહેન્દ્રલાલ સરકાર (૧૮૩૩ થી ૧૯૦૪) ને ભારતમાં વૈજ્ઞાનિક આંદોલનના પ્રણેતા ગણવામાં આવે છે. ૧૮૭૬માં એમણે શરૂ કરેલ ‘ઈંડિયન એસોશિયેસન ઓફ ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ’ (આઈ.એ.સી.એસ)માં ડો. સી.વી. રામને અનેક વૈજ્ઞાનિક સંશોધનો કરીને ભારતીય વૈજ્ઞાનિક તરીકે સૌ પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા બન્યા હતા. સર જગદીશચંદ્ર બોઝના અનેક સંશોધનોમાં ડો. સરકાર અને એમની ઉપર્યુક્ત સંસ્થાએ ઘણું મહત્ત્વનું પ્રદાન પ્રોત્સાહન આપ્યું છે. શ્રીરામકૃષ્ણ સાથે ડો. સરકારને સંભવત: ૧૮૭૦માં દક્ષિણેશ્વરમાં મળ્યા હશે. ડો. સરકાર દક્ષિણશ્વર મંદિરસંકુલના રચયિતા રાણી રાસમણિ અને તેમના જમાઈ મથુરબાબુના કુટુંબના ડોક્ટર તરીકે અવારનવાર જતા. ડો. સરકારે લખેલી રોજનીશી પ્રમાણે ૧૮૭૫ની ૩૧મી માર્ચે મથુરબાબુના પુત્ર દ્વારિકાનાથે એમને આઈ.એ.સી.એસને એ સમયે ૧૦૦૦ રૂપિયા જેટલી માતબર રકમ દાનમાં આપી. ૧૦ વર્ષ પછી ૧૮૮૫માં શ્રીરામકૃષ્ણદેવને ગળાના કેન્સરની સારવાર અને તપાસણી માટે ડો.સરકારના દવાખાને લઈ જવામાં આવ્યા. ડો.સરકારના પુત્ર અમૃતલાલ સરકારની રોજનીશીની નોંધ પ્રમાણે આ પહેલાં શ્રીરામકૃષ્ણ અને ડો. સરકાર શ્રીઠાકુરના ભક્ત શ્રીરામચંદ્ર દત્ત કરેલ પહેલના પરિણામે ૧૮૮૪ની ૨૬ જુલાઈ અને ૯મી ઓગસ્ટે મળ્યા હતા.

ડો. મહેન્દ્રલાલ સરકારનો જન્મ ૨ નવેમ્બર, ૧૮૩૩ના રોજ કોલકાતા પાસેના પાઈકપાડાના એક ગરીબ પરિવારમાં થયો હતો. મહેન્દ્રલાલે પોતાના બાળપણથી જ પોતાના પરિવારની અત્યંત ગરીબાઈને જોઈ-જાણી હતી. પોતે અનુભવેલ દુ:ખદારિદ્ર્યથી બીજા લોકોને દૂર રાખવા એ એમણે પાછળથી સ્થાપેલી વિજ્ઞાનસભા પાછળનો મૂળ હેતુ હતો, એ વાત નિ:સંદેહ છે. બાલ્યકાળથી જ મહેન્દ્રલાલ નિડર અને સ્પષ્ટ વક્તા હતા. અપ્રિય સત્ય કહેતાં તેમને જરાય ક્ષોભ ન થતો. એને લીધે એ ઘણાને કઠોર -કટુ લાગતા. પણ એમની ભીતર ડોકિયું કરનારને અમૃતમય પરદુ:ખભંજન વૃત્તિ, વિનય, નમ્રતા વગેરે ગુણો જોવા મળતા.

વિષમ આર્થિક પરિસ્થિતિમાં હેયર સ્કૂલ અને પછી હિંદુ કોલેજમાં એમણે પોતાની પ્રારંભની કેળવણી મેળવી. કોલકાતાની મેડિકલ કોલજમાં વિજ્ઞાન શિક્ષણની વધુ સુવિધાઓ હતી એટલે પોતાના કેટલાક મિત્રોના મત-અભિપ્રાયને અવગણીને એમણે હિંદુ કોલેજ છોડી અને મેડિકલ કોલેજમાં આરોગ્યવિજ્ઞાન, ચિકિત્સા વિજ્ઞાન સાથે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્રમાં પ્રાવીણ્ય મેળવ્યું. ૧૮૬૦માં તેઓ સ્નાતક બન્યા અને ત્રણ વર્ષ પછી ૧૮૬૩માં કોલકાતા યુનિવર્સિટીના બીજા એમ.ડી. થયા. ૧૮૬૩માં બ્રિટિશ મેડિકલ એસોશિએશનની બંગાળની શાખાની એક સભામાં ‘નવોદિત ચિકિત્સાશાસ્ત્ર હોમિયોપથી’ની એમણે ટીકા કરી હતી. પરંતુ કોલકાતાના તત્કાલીન સુખ્યાત હોમિયોપથીના ચિકિત્સક અને નિષ્ણાત ડો. રાજેન્દ્ર દત્તના સંપર્કમાં આવ્યા પછી પોતાના ઉપર્યુક્ત મતમાં પરિવર્તન કર્યું. તેઓ હોમિયોપથી ચિકિત્સા શાસ્ત્રના એક મહાન નિષ્ણાત અને અનુયાયી બન્યા. આને લીધે બ્રિટિશ મેડિકલ એસોશિએશનમાંથી એમની હકાલપટ્ટી થઈ. ડો. સરકાર પોતાના નિર્ણયને મક્કમપણે વળગી રહ્યા. ચિકિત્સાના ક્ષેત્રમાં એમને માટે મહર્ષિ ચરકના વૈશ્વિક ઉપદેશ મૂળ મંત્ર જેવો બની ગયો હતો, અને એ છે ‘સ ચૈવ ભિષજાં શ્રેષ્ઠાં રોગેભ્યો ય: પ્રમોચયેત્‌ – ગમે તે ચિકિત્સા પદ્ધતિનું અનુકરણ કરીને જે રોગમાંથી મુક્ત કરે તે જ શ્રેષ્ઠ વૈદ્ય છે.’ ડો. સરકારને એવી ખાતરી થઈ કે એલોપથી ચિકિત્સા કરતાં હોમિયોપથી ચિકિત્સા ઘણે અંશે શ્રેષ્ઠ છે ત્યારે પોતાની આર્થિક ઉન્નતિમાં નુકશાન વેઠીને પણ એમણે એલોપથી ચિકિત્સાનો ત્યાગ કર્યો. 

૧૮૬૮માં એમણે ‘કોલકાતા જર્નલ ઓફ મેડિસિન’ શરૂ કર્યું. એમને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી ગયો કે ભારતીય લોકો માત્ર રાજકીય રીતે જ પરાધીન નથી પરંતુ વૈચારિક ક્ષેત્રમાં પણ તેઓ ગુલામીનું માનસ સેવે છે. પોતાના ઉપર્યુક્ત માસિકપત્રના ઓગસ્ટ, ૧૮૬૯ના અંકમાં ‘ભારતીયો દ્વારા ભૌતિક વિજ્ઞાનના વિકાસ માટેની તાતી આવશ્યકતાઓ’ વિશે એક વિદ્વત્તાપૂર્ણ લેખ લખ્યો. એમાં એમણે એક વૈજ્ઞાનિક સંશોધનો માટેની આઈ.એ. સી.એસ. નામની સંસ્થાની સ્થાપનાની આવશ્યકતા વિશે લોકોને ઢંઢોળ્યા હતા. આપણે એ પણ યાદ રાખવો જોઈએ કે ૪૬ વર્ષ પહેલાં ૧૮૮૩માં રાજા રામમોહન રાયે એક પત્રમાં ભારતમાં પશ્ચિમીઢબની વૈજ્ઞાનિક કેળવણીની આવશ્યકતા માટે આવી જ વાત કરી હતી. પરંતુ દુ:ખની વાત એ છે કે એ સમયે તેઓ કંઈ કરી શક્યા ન હતા.

ડો. મહેન્દ્રલાલ સરકારે આઈ.એ.સી.એસ.ની યોજના ૩જી જાન્યુઆરી, ૧૮૭૦ના સુખ્યાત દૈનિક ‘હિંદુ પેટ્રિએટ’માં પ્રસિદ્ધ કરી. એ માટે આવશ્યક નાણાભંડોળ માટે સખત પ્રયત્નો પણ શરૂ થયા. ૧૮૭૫ સુધીમાં એમણે દાન રૂપે ૮૦ હજાર રૂપિયા જેવું માતબર ફંડ એકઠું કર્યું. ૧૩ માર્ચ, ૧૮૭૬ના રોજ આઈ.એ.સી.એસ.ના વ્યાખ્યાનખંડનો શિલાન્યાસવિધિ થયો અને ૨૧૦, બોવબજાર સ્ટ્રીટ, કોલકાતામાં ૨૯ જુલાઈ, ૧૮૭૬ના રોજ સર રિચાર્ડ ટેમ્પલ દ્વારા એનું વિધિવત્‌ ઉદ્‌ઘાટન થયું હતું. ભારતીય વિજ્ઞાન અનુસંધાન સંસ્થાઓમાં આ સર્વપ્રથમ સંસ્થા હતી. એના અનુસંધાને આજે આપણા દેશમાં આવી અનેક રાષ્ટ્રિય અનુસંધાન પ્રયોગશાળાઓ કાર્યરત છે. એ વખતે ટેકનિકલ એજ્યુકેશન માટે પણ ડોક્ટરને બીજા કેટલાક મિત્રોએ ભલામણ કરી હતી. પરંતુ એમણે સ્પષ્ટપણે કહ્યું કે વિજ્ઞાનના સિદ્ધાંતોનું શિક્ષણ પહેલાં થવું જોઈએ અને ત્યાર પછી જ તેમના પ્રાયોગિક વિભાગનું શિક્ષણ અપાવું જોઈએ. આ સંસ્થામાં ક્રમશ: સારી એવી ઉન્નતિ થઈ અને ઘણી સાધન સામગ્રી પણ વસાવી હતી. સર જગદીશચંદ્ર બોઝ, ડો. આશુતોષ મુખર્જી જેવા સંશોધકો અને વૈજ્ઞાનિકો ભૌતિક વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, રસાયણવિજ્ઞાન, ભૂમિવિદ્યા અને જીવવિજ્ઞાનનાં વ્યાખ્યાનો આપવા માટે આગળ આવ્યા. પણ પૂર્ણ સમયના કાયમી વ્યાખ્યાતા કે સંશોધક-અધ્યાપકની નિમણૂક કરવા પૂરતું નાણાભંડોળ ન હતું. મનમાં આ એક અસંતોષ રાખીને ડો. સરકાર ૧૯૦૪માં અવસાન પામ્યા.

એમણે સ્થાપેલી આઈ.એ.સી. એસ. વિજ્ઞાનસભાની ઉન્નતિ માટે એમના જીવનના શેષ ૨૭ વર્ષ ખર્ચી નાખ્યાં હતાં. આપણા પરાધીન દેશને ઉન્નત બનાવવાનું દૂરગામી આ વિજ્ઞાનસભાનું ધ્યેય અને આયોજન હતું. તેઓ જાણતા હતા કે માત્ર પૂર્વજોના ગુણસંસ્કારોની પ્રશંસા કરવાથી જ આપણા દેશનાં દુ:ખકષ્ટ અને અન્નસમસ્યા દૂર થવાનાં નથી. જો ભારતવર્ષને ફરીથી ઉન્નત બનવું હોય તો તે માત્ર અવિરત પરિશ્રમથી જ થવાનું છે. અને આ પરિશ્રમ પણ ઉદ્દેશ્યવિહીન હોય તો તે પરિશ્રમ વ્યર્થ જ જવાનો. સાચો પરિશ્રમી એક દીપશીખાની જેમ પોતાના મૂળ હેતુને પોતાની નજર સમક્ષ રાખે છે, એનાથી જ એમને મહત્‌ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ભારતવર્ષની ઉન્નતિ માટે આવિષ્કૃત વૈજ્ઞાનિક સત્યોને સામાન્યજનમાં પ્રચારિત કરવાની તાતી આવશ્યકતા છે. ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકામાં પ્રકાશિત એમના એક પત્ર દ્વારા રામકૃષ્ણ મિશનના સભ્યોને ઉપર્યુક્ત પ્રચાર-પ્રસારનું કાર્ય હાથ ધરવા વિશેષ વિનંતી કરી હતી એ વાત જાણવા મળે છે. એમણે પાશ્ચાત્ય વિજ્ઞાનના મુખ્ય મુખ્ય વૈજ્ઞાનિક તથ્યોને સામાન્ય જનસમૂહ સમજી શકે તેવી ભાષામાં રજૂ કરવા તેમજ વ્યાખ્યાનો અને નિદર્શન કરવા પણ સલાહ આપી હતી. સચિત્ર નિદર્શન પ્રયોગો અને સાદાં-સરળ યંત્રોના ઉપયોગ કરીને વ્યાખ્યાનો આપવાથી સામાન્ય જન માટે એ વધુ આકર્ષક અને અસરકારક બની રહેશે એમ તેઓ સ્પષ્ટપણે માનતા. ડો. સરકારે પણ પોતાની સંસ્થા દ્વારા સ્વામીજીના આ સ્વપ્નને સાકાર કરવા પોતાની આગવી રીતે પ્રયત્ન કર્યા હતા.

ડો. સરકારની શ્રીરામકૃષ્ણ સાથેની મુલાકાત વિશે આ અગાઉ આપણે ઉલ્લેખ કર્યો છે. એ બંને વચ્ચે થયેલા સંપર્ક-સંબંધ અને વાર્તાલાપ ૧૯મી સદીના પરિપ્રેક્ષ્યમાં વિજ્ઞાન અને ધર્મ વિશેના સંવાદસમા છે. ધર્મના ક્ષેત્રમાં શ્રીરામકૃષ્ણદેવે અપનાવેલ વૈજ્ઞાનિક અભિગમને પશ્ચિમના વિજ્ઞાનના પ્રશિક્ષણથી કેળવાયેલા ડો. સરકારના મને કેવી રીતે પ્રશંસ્યો અને અપનાવ્યો; તેમજ ભવિષ્યના ભારતને અને વિશ્વને માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો સુભગ સમન્વય રજૂ કર્યો, એ વાત એ બંને વચ્ચે થયેલા વાર્તાલાપ પરથી જાણવા મળે છે.

૧૫ ઓક્ટોબર, ૧૮૮૫ના રોજ શ્રીરામકૃષ્ણદેવ ગહન સમાધિભાવમાં સરી પડ્યા. કેન્સરથી પીડાતા પોતાના આ દર્દીની તપાસ અને સારવાર કરવા ડો. સરકારે આ બધું નજરે જોયું. એમણે શ્રીરામકૃષ્ણની શારીરિક ચકાસણી કરી અને જાણવા મળ્યું કે હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા, એમની આંખમાં આંગળીના સ્પર્શથી પણ કોઈ પ્રકાશનું પરાવર્તન ન થયું, એટલે કે એ બધાં મૃત્યુનાં લક્ષણો જીવંત અને સમાધિભાવવાળી અવસ્થામાં જોવાં મળ્યાં. આ સમાધિભાવવાળી અનન્ય અવસ્થા એમના વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા મનને થોડું આશ્ચર્યકારક અને અસંભવ જેવું લાગ્યું. પણ ૧૦ દિવસ પછી એટલે કે ૨૫ ઓક્ટોબરે શ્રીરામકૃષ્ણના કેટલાક શિષ્યોને પણ ભક્તિભાવ ભર્યા કીર્તનના પરિણામે ભાવસમાધિમાં આવી જતાં જોયા ત્યારે ડો. સરકાર એનાથી એટલા બધા પ્રભાવિત થયા કે આ ઘટના એ કોઈ અંધધારણા કે છેતરામણી ઘટના નથી, એવું એમને સ્પષ્ટ જણાયું.

ડો. સરકારને મૂર્તિપૂજા કે અવતારવાદમાં જરાય શ્રદ્ધા ન હતી. શ્રીરામકૃષ્ણે ૨૨ ઓક્ટોબર ૧૮૮૫ના રોજ એક વૈજ્ઞાનિકની ઢબે આ અવતારતત્ત્વનું એક સુંદર મજાનું દૃષ્ટાંત આપ્યું કે જેથી ડો. સરકાર મુગ્ધ બની ગયા હતા. શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે ભક્તિની શીતળતાના પ્રભાવે અખંડ સચ્ચિદાનંદ સાગરના કેટલાક અંશો જાણે કે બરફ બની જાય છે – એ જ સાકાર બ્રહ્મ કે અવતાર કે મૂર્ત સ્વરૂપ ઈશ્વર. પણ જ્ઞાનનો સૂર્ય ઊગતાં આ બરફ ઓળગી જાય અને ફરીથી નિરાકાર સચ્ચિદાનંદ સાગર બની જાય – એ જ નિરાકાર બ્રહ્મ.

અવતારવાદ અને મૂર્તિપૂજા વિશે ડો. સરકારને શ્રીરામકૃષ્ણ સાથે મતભેદ હોવા છતાં બંને એકબીજાને ખૂબ ચાહતા અને માનસન્માન જાળવતા. શ્રીરામકૃષ્ણ કથામૃતના વાચકોને એ જાણતા જ હશે કે ડો. સરકાર શ્રીઠાકુરનાં સંતપ્રકૃતિ અને શિશુસહજ સ્વભાવથી ખૂબ આકર્ષાયા હતા. આ પરમહંસની ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થાને જોઈને તેમના મન-હૃદયમાં ઘણો આદરભાવ જાગ્યો હતો. ડો. સરકારનાં સત્યનિષ્ઠા, હેતુની પવિત્રતા, પ્રામાણિકતા, સાદગી, સ્પષ્ટવક્તાપણું અને ગહન પ્રતિભા તેમજ વિજ્ઞાન માટે એમણે આપેલાં સર્વોત્કૃષ્ટ ત્યાગની ભાવનાના શ્રીરામકૃષ્ણ અને તેમના શિષ્યો પણ પ્રશંસક હતા.

શ્રીરામકૃષ્ણે આધ્યાત્મિક જગતનાં સર્વોચ્ચ શિખરો સર કર્યાં હતાં પણ એમને મળેલી આધ્યાત્મિક શક્તિનો પ્રાકૃતિક કે દૈહિક પીડાઓના ઉન્મૂલન માટે ઉપયોગ કરવાનું યોગ્ય ગણ્યું ન હતું. ગળાના કેન્સરથી શ્રીરામકૃષ્ણને અસહ્ય પીડા થતી હતી. એ પીડામાંથી મુક્ત થવા એમના ભક્તોએ એમને પોતાની આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કરવા વિનંતી કરી. એના પ્રત્યુત્તર રૂપે નરેન (સ્વામી વિવેકાનંદ) ને એકવાર આમ કહેલું: ‘જે મન શ્રીમાનાં શ્રીચરણોમાં સમર્પિત કરી દીધું છે, એ મનને ત્યાંથી ખસેડીને આ હાડમાંસના દેહમાં કેવી રીતે લગાડવું?’ બીજી વખત એમણે ભક્તોને કહ્યું કે દવા વિના હું નિરોગી બનીશ એ ભાવ અહંકારીભાવ છે. ૧૮૮૪ની ૨૩મી માર્ચે શ્રીરામકૃષ્ણે આ પ્રમાણે કહ્યું હતું: ‘ઈશ્વર પોતે જ રોગચિકિત્સકો બન્યા છે. એટલે સૌએ એ બધામાં શ્રદ્ધા રાખવી જોઈએ.’ આ વાર્તાલાપ દરમિયાન એમના શિષ્ય અને જાણીતા કેમિસ્ટ શ્રીરામચંદ્ર દત્તે દવાની ગુણવત્તા અને અસરકારકતા વિશે ટીકા કરતાં કહ્યું: ‘દવા પોતે કંઈ સારું કરી દેતી નથી. જો કે તે પ્રકૃતિને ઘણી મદદરૂપ બને છે.’ શ્રીરામકૃષ્ણ એની સાથે અસહમત થયા અને તેની સામે દલીલ કરતાં કહ્યું: ‘જો એવું જ હોય તો અફીણથી કબજિયાત કેમ થાય છે?’ આવી રીતે શ્રીરામકૃષ્ણે પોતાની એ વાતને સાબિત કરી કે પ્રકૃતિના કાર્યકારણ સાથે આધ્યાત્મિકતાને આડખીલીરૂપ બનવા ન દેવી જોઈએ.

શ્રીરામકૃષ્ણદેવે આધ્યાત્મિક શક્તિને ભૌતિક શક્તિઓથી વધુ પ્રભુત્વવાળી બતાવી છે, પરંતુ તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી અને દૈનંદિન જીવનમાં આ નવા જ્ઞાનના ઉપયોગીતાના વિરોધી ન હતા. શ્રીરામકૃષ્ણદેવના ઇજનેર શિષ્ય હરિપ્રસન્ન ચટ્ટોપાધ્યાય એટલે કે સ્વામી વિજ્ઞાનાનંદજીએ કહ્યું હતું: ‘શ્રીરામકૃષ્ણે ભૂતાત્મવાદ (ભૌતિકવાદ)ની સાવ ઉપેક્ષા કરી ન હતી, પણ એને ભક્તિના એક સાધન રૂપે પવિત્ર અને ઉન્નત બનાવી હતી. એમણે ભૂત (ભૌતિક જગત)ને આત્મા (આધ્યાત્મિકતા)ના પૂજક તરીકે ગણ્યું હતું. શ્રીરામકૃષ્ણ કલા, હસ્તકલા કૌશલ્ય, ઔદ્યોગિક કુશળતાને પણ પ્રશંસતા અને પ્રોત્સાહન આપતા એટલું જ નહિ પણ કોઈ આધુનિક યંત્ર કે એનાં સાધનોના ઊર્જાબળને જોઈને એક નાના બાળકની જેમ તેઓ આનંદઘેલા બની જતા.’

જીવનના કોઈ પણ ક્ષેત્રમાં, આધ્યાત્મિક કે ભૌતિક ક્ષેત્રમાં શ્રીરામકૃષ્ણદેવ પૂરતાં નિરીક્ષણ-પરીક્ષણ કરીને જ કોઈ પણ સિદ્ધાંતને સ્વીકારવાનું કહેતા, આંધળી શ્રદ્ધા એમને પસંદ ન હતી. એકવાર શ્રીરામકૃષ્ણ ઈશ્વરની અનુગ્રહ શક્તિ વિશે વાત કરી રહ્યા હતા. એમાં એક ભક્ત તેની વિરુદ્ધમાં બોલી ગયો. એટલે બીજો ભક્ત ગુસ્સે થઈને એને કહેવા લાગ્યો: ‘તેઓ કહે છે એ તમે શા માટે નથી સ્વીકારતા?’ શ્રીરામકૃષ્ણે એને ઠપકો આપતાં કડક શબ્દોમાં કહ્યું: ‘અરે ભાઈ! તમે તે કેવા માણસ? કોઈ પણ જાતની સંકલ્પના વિના કોઈ શબ્દ કે વાણીને સ્વીકારી લેવી!’

એ સમયે ડો. સરકારના પ્રયત્નોથી કોલકાતાના લોકોમાં આધુનિક વિજ્ઞાન પ્રત્યે રસરુચિ જાગી ઊઠ્યાં હતાં. ૧૮૮૫ની ૨૭મી ઓક્ટોબરે શ્યામપુકુરબાટીમાં છોટા નરેને (નરેન્દ્રનાથ મિત્રે) શ્રીરામકૃષ્ણદેવ સમક્ષ વિદ્યુતશક્તિના સ્વરૂપ વિશે એક યંત્ર દ્વારા નિદર્શન કરીને સમજાવ્યું. મહેન્દ્રનાથ ગુપ્ત ‘શ્રીમ’ની રોજનીશીની ૪, નવેમ્બરની નોંધ પ્રમાણે તે દિવસે સાંજે શ્રીરામકૃષ્ણે ડો. સરકારે સ્થાપેલ વિજ્ઞાન સંસ્થા આઈ.એ.સી.એસ. જોવા જવાની ઇચ્છા વ્યક્ત કરી. ડો. સરકારે ‘હું તમને ભગવાનની અદ્‌ભુત અને ચમત્કારિક શક્તિનું દર્શન મારી પ્રયોગશાળામાં કરાવીશ’ એમ કહીને ૪થી નવેમ્બરે ડો. સરકારે ભક્તો સાથે શ્રીરામકૃષ્ણના પ્રયોગશાળા નિદર્શનની વ્યવસ્થા કરી હતી.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પહેલાંના થોડા સમય પૂર્વે ૬ નવેમ્બર, ૧૮૮૫ કાલીપૂજાના દિવસે તેમણે શ્રી મ.ને શ્રીરામપ્રસાદ અને શ્રી કમલાકાંતનાં કાલીકીર્તનોનાં બે પુસ્તકો લઈ આવવા કહ્યું. ૨ વાગે ડો. સરકાર શ્રીઠાકુરને તપાસવા આવ્યા ત્યારે શ્રીઠાકુરે તેમને આ બે પુસ્તકો ભેટ આપ્યાં. એમણે તે પ્રેમપૂર્વક સ્વીકારી.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી પણ સ્વામી વિવેકાનંદ અને એમના શિષ્યો સાથે ડો. સરકારનો સંપર્ક રહ્યો હતો. ગિરિશચંદ્ર ઘોષ, મહેન્દ્રનાથ દત્ત (સ્વામી વિવેકાનંદના નાનાભાઈ) શ્રી મ. અને શ્રીરામચંદ્ર દત્ત જેવા શ્રીરામકૃષ્ણના ભક્તો અવારનવાર આઈ.એ.સી.એસ.માં વિજ્ઞાન વિશેનાં વ્યાખ્યાનો અને નિદર્શનો સાંભળવા-જોવા જતા. પશ્ચિમના જગતમાં વેદાંતનો અને ભારતીય આધ્યાત્મિકતાનો ઘોષધ્વનિ સંભળાવીને સ્વામી વિવેકાનંદ ભારત પાછા આવ્યા. કોલકાતાના સ્ટાર થિયેટરમાં ૪ માર્ચ, ૧૮૯૭ના રોજ એમનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો. આ સમારંભમાં ડો. સરકારે સ્વામી વિવેકાનંદનું ‘ધ વેદાંત ઈન ઓલ ઈટ્‌સ ફેઈસીસ’ રસપૂર્વક માણ્યું હતું. ૧૮૯૮ના પૂર્વાર્ધમાં સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી શારદાનંદજી શ્રીમતી ઓલેબુલ, જોસેફાઈન મેક્લાઉડ, માર્ગારેટ નોબલ (ભગિની નિવેદિતા) સાથે ભારત આવ્યા. સ્ટાર થિયેટરમાં ૧૧ માર્ચ, ૧૮૯૮ના રોજ ભગિની નિવેદિતાએ ‘ઈંગ્લેન્ડમાં ભારતના આધ્યાત્મિક આદર્શો કે વિચારોનો પ્રભાવ’ એ વિશે અને ૧૮ માર્ચ, ૧૮૯૮ના રોજ સ્વામી શારદાનંદજીએ ‘અમેરિકામાં અમારું જીવનકાર્ય’ એ વિશે પ્રવચનો આપ્યાં હતાં. આ બંને પ્રવચનોમાં ડો. સરકાર અને સર જગદીશચંદ્ર બોઝ જેવા વૈજ્ઞાનિકો હાજર હતા. ૨૧ માર્ચ, ૧૮૯૮ના રોજ આઈ. એ.સી.એસ.ની ૨૧મી સામાન્ય સભામાં ડો. સરકારે સ્વામી વિવેકાનંદ, સ્વામી શારદાનંદજી અને પશ્ચિમથી આવેલાં મહિલા શિષ્યોને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એ દિવસે સામાન્ય સભામાં સ્વામી વિવેકાનંદે અને ડો. સરકારે પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં. ડો. સરકારે પોતાના પ્રવચનમાં ભારતમાં આધુનિક વિજ્ઞાનના વિકાસની આવશ્યકતા અને એના દ્વારા લોકોના મનમાં વૈજ્ઞાનિક ટેવોનું આરોપણ કરી શકાય અને દેશમાં વારંવાર દુષ્કાળ જેવા કે કુદરતી આપત્તિ જેવી સમસ્યાઓના નિવારણનો ઉપાય પણ શોધી શકાય એ વિશે વિગતે વાત કરી હતી. એ વખતે જગદીશચંદ્ર બોઝ, પ્રફૂલ્લચંદ્ર રે, જ્યોતિભૂષણ ભાદૂરી જેવાએ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણી મોટી ખ્યાતિ મેળવી હતી. ડો. સરકારને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતના લોકોની પ્રતિભા પ્રત્યે ઊંડી શ્રદ્ધા હતી.

વિજ્ઞાન અને ધર્મને એક બીજા સાથે સાંકળી શકાય, જોડી શકાય એ વિશે ડો. સરકાર અને સ્વામીજીના મંતવ્યો એક સમાન હતા. મઠમાં નવો પ્રવેશ મેળવનારા બ્રહ્મચારી અને સંન્યાસીઓને સ્વામીજીએ એમની તાલીમમાં વિજ્ઞાનના વર્ગો પણ રહેવા જોઈએ તેવો આદેશ આપ્યો. સ્વામી વિજ્ઞાનાનંદજી ભૌતિક શાસ્ત્ર પર અને ભગિની નિવેદિતા જીવવિજ્ઞાન વિશે પ્રવચનો આપતાં. સ્વામીજી દૃઢપણે માનતા કે ધર્મના ક્ષેત્રમાં પણ વિજ્ઞાનનો અભ્યાસ અને વિજ્ઞાનનો તાર્કિક અભિગમ અત્યંત આવશ્યક છે. એમણે ઈંગ્લેન્ડમાં ‘બુદ્ધિ અને ધર્મ’ વિશે આપેલા પ્રવચનમાં આ પ્રમાણે પોતાનું મંતવ્ય જણાવ્યું હતું: 

‘બીજા વિજ્ઞાનો જેમ બુદ્ધિની શોધથી પોતાની વસ્તુ સાબિત કરે છે તેમ ધર્મે પણ શું તેવી રીતે કરવાનું રહે છે? વિજ્ઞાન કે બહારના જ્ઞાન માટે શોધની જે રીતો આપણે અજમાવીએ છીએ તે ધર્મના વિજ્ઞાનને પણ લાગુ કરવાની છે? મારા અભિપ્રાય પ્રમાણે આમ થવું જ જોઈએ, અને એ જેમ વહેલું થાય તેમ વધારે સારું, એમ પણ હું માનું છું. આવી શોધથી જો ધર્મનો નાશ થતો હોય તો એ ધર્મ સદૈવ નકામો અને અયોગ્ય વહેમ જેવો જ હતો, અને એવો ધર્મ જેમ વહેલો જાય તેમ સારું, એવી મારી દૃઢ માન્યતા છે. એવા ધર્મનો નાશ થાય તે જ સારામાં સારી બાબત ગણાય, એ વિશે મારી ખાતરી છે. એવી શોધથી ધર્મમાં જે કંઈ ભેળસેળ હશે તે અવશ્ય કાઢી નાખવામાં આવશે. પરંતુ તેનાં મુખ્ય તત્ત્વો જ્વલંત રૂપે બહાર આવશે. એથી જે અર્થમાં ભૌતિક શાસ્ત્ર કે રસાયણ શાસ્ત્રના નિર્ણયો વૈજ્ઞાનિક બને છે તે અર્થમાં ધર્મ વૈજ્ઞાનિક બનશે જ, એટલું જ નહિ પણ વિજ્ઞાન કરતાં વધારે શક્તિશાળી બનશે. કેમ કે ધર્મના સત્યને અંતરના અવાજનો જે ટેકો છે તે ભૌતિક શાસ્ત્ર કે રસાયણ શાસ્ત્રને નથી.’ (સ્વા.વિ. ગ્રં. – ૩.૩૦૦)

૧૮૯૬નો નવેમ્બર માસ બે મહત્ત્વની ઘટનાઓ માટે જાણીતો છે. ૧૩મી નવેમ્બર, ૧૮૯૮ના રોજ કાલીપૂજાના દિવસે ભગિની નિવેદિતા બાગબાજારની કન્યાશાળાનું ઉદ્‌ઘાટન શ્રીમા શારદાદેવીએ પોતે કર્યું હતું. જેમને સ્વામીજીએ ભારતના ત્વરિત ઔદ્યોગિક વિકાસના ભગીરથ કાર્ય માટે પ્રેર્યા હતા એવા સર જમશેદજી તાતાએ ૨૩મી નવેમ્બર, ૧૮૯૮ના રોજ ‘ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’ ની પરિયોજનાની જાહેરાત કરી. આ યોજનામાં એમણે રૂપિયા ૩૦ લાખનું માતબર દાન આપવાની દરખાસ્ત પણ કરી. સ્વામીજીને આશીર્વાદ આપવા અને આ સંસ્થાના નિયામક બનવાની વિનંતી કરી હતી . એપ્રિલ ૧૮૯૯ના પ્રબુદ્ધ ભારતના અંકમાં તાતાની આ ભવ્ય યોજનાને મક્કમ ટેકો આપતો એક સંક્ષિપ્ત લેખ આપવાની વ્યવસ્થા કરી. એ લેખના અંતમાં સ્વામીજીના વિજ્ઞાન અને ટેક્નોલોજીની ઉન્નતિ માટેના આ પ્રકલ્પ વિશેના વિચારોને આ શબ્દોમાં વ્યક્ત કર્યો હતો: ‘આધુનિક ભારતના ઉજ્જ્વળ ભવિષ્ય માટે આનાથી વધુ પ્રબળ વિચાર અને સારી પરિકલ્પના આ પહેલાં ક્યારેય સૂઝ્યાં ન હતાં.’ સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાએ આ યોજનાને સફળ બનાવવામાં કરેલા મહાન પ્રદાન વિશે આપણે હવે પછીના સંપાદકીયમાં વિગતે વાત કરીશું.

તાતાની પરિકલ્પના પૂર્વે ડો. સરકારે પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ માટે આઈ.એ.સી. એસ.ની સ્થાપના કરી હતી. પણ એ બંને યોજના વચ્ચે થોડા પાયાના તફાવતો હતા. જેના લીધે ડો. સરકારની પરિકલ્પના તાતાની જેમ પૂરેપૂરી સાકાર ન થઈ. ૧૮૯૮માં જમશેદજી તાતાની ‘ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’ની પરિકલ્પનામાં પોતે ૩૦ લાખ રૂપિયાના પ્રદાનની જાહેરાત કરી, અને તત્કાલીન બ્રિટિશ સરકારને અનુદાન તેમજ બીજી માળખાકીય સુવિધાઓ માટે વિનંતી કરી. લોર્ડ કર્ઝને આ યોજનાને અવ્યવહારુ ગણીને સહાય ન કરી. તાતા પોતાની સંસ્થામાં વિદેશી વિજ્ઞાન તજ્‌જ્ઞોને રાખવા તૈયાર થઈ ગયા પણ ડો. સરકાર આ સંસ્થા ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ચાલે એમ દૃઢપણે માનતા હતા. સંસ્થાની સ્વાયત્તતાને ભોગે તેઓ સરકાર પાસેથી એક પૈસો મેળવવા ઇચ્છતા ન હતા. અલબત્ત એમને તાતાની આ પરિકલ્પનાને આવકારી અને શુભેચ્છા પણ પાઠવી અને એના અંતરમાં ઊંડે ઊંડે આ દુ:ખ એમને કોરી ખાતું હતું કે ભારતની બ્રિટિશ સરકારે તેમજ ભારતના બીજા ધનાઢ્યોએ એમની ૨૦ વર્ષ જૂની વિજ્ઞાન સંસ્થાને કોઈ પણ પ્રકારની સહાય ન કરી. ભારતમાં ડો. સરકારની દૃષ્ટિએ સોના-ચાંદી અને ધનસંપત્તિના અખૂટ ભંડાર ભર્યા હતા અને એ ધનભંડારો ભારતની ખીલવા માગતી અને વણ વાપરી-પડી રહેલી પ્રતિભાનો પૂર્ણ વિકાસ કરવા માટે ઉપયોગ થાત તો આ દેશ ક્યારેય પરાધીન ન બનત. પણ આવી સહાય ક્યાંયથી સાંપડી નહિ. આ દુ:ખના ભારથી જ તેઓ ભાંગી પડ્યા હતા અને વિષાદ સાથે જ તેમનું મૃત્યુ થયું. વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિચારધારાનો ભારતીય લોકોના સાર્વત્રિક કલ્યાણ માટેના ઉપયોગ વિશે એમની સંસ્થા દ્વારા એમણે કરેલા પ્રયાસો એળે ન ગયા. તાતા જેવી વિજ્ઞાન-ટેક્નોલોજીના વિકાસ માટે સ્થપાયેલી બીજી સંસ્થાઓ માટે ડો. સરકારની સંસ્થા અને એમના પ્રયાસો ખરેખર અનન્ય પ્રેરણારૂપ બની રહ્યાં છે.

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.