(શ્રી શિબકુમાર પટનાયકે ભારતીય નૌસેનામાં કેપ્ટન તરીકે પોતાની ફરજ બજાવી છે અને તેઓ રાષ્ટ્રપતિના વિશેષ પુરસ્કારથી સન્માનિત છે. ભારતે વિકસાવેલી ‘ન્યુક્લિયર સબમરિન’ના નિર્માણમાં તેમની અગત્યની ભૂમિકા હતી.તેમણે રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બની રહેલ ભારત વિશે લખેલ લેખ પ્રજાસત્તાક દિનની ઉજવણીના પ્રસંગે અહીં પ્રસ્તુત છે. આ અંગ્રેજી લેખનું સંપાદન શ્રીમતી મંજૂષા લાલ દ્વારા થયું છે.– સં.)

ખરું કહો તો શરમાં વસે છે દીપ્તિ વિનયની;
સંધિવચન છે માન્ય તેનું જેમાં શક્તિ વિજયની.

એ વાત તો બધા જાણે છે કે ધર્મરાજ યુધિષ્ઠિર સહનશીલ, વિનમ્ર અને દયાળુ સ્વભાવના હતા, તેમના આ ગુણોને કારણે જ દુર્યોધન તેમને અને બીજા પાંડવોને પણ બલહીન સમજતો હતો. ભીમ આ વાતથી ઉદ્વિગ્ન થયા અને તેમણે ધર્મરાજ યુધિષ્ઠિરને ઠપકો આપતાં કહ્યું કે વિનમ્રતા, સહનશીલતા, દયા જેવા જે માનવીય ગુણો છે તેનું મહત્ત્વ ત્યાં સુધી જ છે, જ્યાં સુધી તેની પાછળ કોઈ શક્તિનો પ્રભાવ હોય. તેમણે ઉદાહરણ પણ આપ્યું કે ભગવાન શ્રીરામચંદ્રે પણ ત્રણ દિવસ સુધી અતિ વિનમ્રભાવે સમુદ્રદેવ પાસે લંકાગમન માટે રસ્તો માગ્યો હતો, છતાં સમુદ્રે રસ્તો આપ્યો ન હતો. પરંતુ જેવું તેમણે સમુદ્રની સામે શરસંધાન (તીર ચડાવ્યું) કર્યું કે તરત જ વરુણદેવ તેમની સામે પ્રગટ થયા. એટલે જ કહું છું કે ક્યારેક પોતાનો હક મેળવવા માટે શક્તિનું પ્રદર્શન કરવું આવશ્યક થઈ પડે છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો જ્યારે ભારતના બંને પાડોશી દેશો પરમાણુશક્તિથી સંપન્ન છે ત્યારે ભારત માટે પણ અનિવાર્ય છે કે તે પણ રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બને. એ સિવાય ભારત વિશ્વમાં ગૌરવશાળી બની શકશે નહીં. આત્મનિર્ભર એટલે સ્વયં પર આધારિત, પોતાના પગ પર ઊભા રહેવું, એટલે કે સ્વાવલંબન. સ્વાવલંબી બનવાથી માત્ર આર્થિક નિર્ભરતા જ સિદ્ધ થતી નથી, પરંતુ જીવનમાં આવનારી કપરી પરિસ્થિતિઓમાં રક્ષણ પણ મેળવી શકાય છે.

‘આત્મનિર્ભર ભારત-અભિયાન’થી પ્રેરિત થઈને આજે સમગ્ર દેશ દરેક ક્ષેત્રમાં વિકસિત થઈને સ્વાવલંબી બનવા જઈ રહ્યો છે. સ્વાશ્રયી દેશ જ વૈશ્વિક સ્તરે પોતાનું સન્માન જાળવી શકે છે. ‘આત્મનિર્ભર ભારત-અભિયાન’નો અર્થ છે, દેશની આર્થિક વ્યવસ્થાને સુદૃઢ બનાવીને ભારતે આત્મનિર્ભર બનવું અને દેશને પ્રગતિના પંથે લઈ જવો. ભારતની આત્મસન્માનની ભાવનાને સાકાર કરવા માટે જ ‘કોરોના’ના કપરા કાળમાં વડાપ્રધાનશ્રીએ ‘આત્મનિર્ભર અભિયાન’નો પ્રારંભ કર્યો, કે જેથી દરેક રાષ્ટ્રવાસી સ્વતંત્ર અને સ્વાશ્રયી બને.

‘સંરક્ષણ ક્ષેત્ર’ ભારતીય અર્થવ્યવસ્થામાં સૌથી વધુ ખર્ચાળ ક્ષેત્રોમાંનું એક છે. એક તો ભારતની ભૌગોલિક સ્થિતિ અને બીજી તો ૧૫,૦૦૦ કિ.મી. સુધી ફેલાયેલી તથા ૭ દેશોને જોડતી સીમા-રેખા—આ બંને ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે વિશેષ પડકારરૂપ છે.

કોઈ પણ દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે તે દેશની સીમા-સરહદો સુરક્ષિત હોવી આવશ્યક છે. નહીં તો કોઈ પણ દેશ લાંબા સમય સુધી પોતાના નાગરિકોને બાહ્ય આક્રમણોથી સુરક્ષિત રાખી શકે નહીં, માટે જ જે તે દેશે પોતાના સંરક્ષણ માટે આત્મનિર્ભર હોવું ઘટે. એટલા માટે સ્વદેશી તકનીકો અને આત્મનિર્ભરતા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, નક્કર સંરક્ષણનીતિ અત્યંત આવશ્યક છે. આમ થાય તો ભારત યુદ્ધક્ષેત્રે સ્વાયત્ત બની શકે અને સંરક્ષણ ક્ષેત્રનાં ઉપકરણોમાં સ્વાવલંબી બની શકે.

૨૦૨૨માં સંરક્ષણ ક્ષેત્રને લગતા એક વેબીનારમાં સંબોધન કરતી વખતે વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે ભારત સંરક્ષણક્ષેત્રે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે. વિદેશથી શસ્ત્રો આયાત કરવાની પ્રક્રિયા જટિલ છે, તેનું સમાધાન છે ‘મેક ઇન ઇિન્ડયા’. ૨૦૨૨ના સંરક્ષણ-મંત્રાલયના બજેટસત્રમાં તેમણે આ વાત દોહરાવતાં કહ્યું હતું કે સંશોધનો, ડિઝાઈન અને પ્રારંભ લઈને નિર્માણ સુધીની એક પરિકલ્પના કરવામાં આવી છે.

ભારત આ નવીન પહેલથી પોતાના માટે તો ખરું જ પરંતુ આવાં શસ્ત્રોની નિકાસની વૃદ્ધિમાં પણ યોગદાન આપતું થયું છે. આનાથી દેશને અનેક લાભ થયા છે. શત્રુ-દેશોની સામે લડત કરવા માટે આ બધામાં વૃદ્ધિ જરૂરી છે. શસ્ત્રોના ઉત્પાદનને કારણે અન્ય આનુષંગિક ઉદ્યોગોને પણ આર્થિક લાભ થવાથી રોજગારીની તકો પણ ઊભી થઈ છે અને આર્થિક વિકાસ પણ ગતિમાન થયો છે.

‘મેક ઇન ઇન્ડિયા’ દ્વારા અનેક દેશોમાં ભારત પોતાની મહત્તા પ્રગટ કરી રહ્યું છે. ‘મેક ઇન ઇન્ડિયા’ની સફળતા બાદ હવે ‘મેક ઇન વર્લ્ડ’નો પ્રકલ્પ હાથ ધરવાનો સંકલ્પ છે, જેને કારણે હાલના ઉત્પાદનમાં વધારો થઈ શકે અને વધુ ને વધુ રોજગારી મળી શકે.

આ ઉપરાંત ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ઘણાં નક્કર પગલાં લીધાં છે.  જેમ કે સેનાની ત્રણેય પાંખોના વડાઓ વચ્ચે સુસંકલન સાધી શકાય તે માટે નવા હોદ્દેદારો નિમ્યા છે. દરેકને પોતપોતાની ફરજો બજાવવામાં સ્વાયત્તતા અપાઈ છે, જેથી ત્રણેય સેનાઓની આવશ્યકતાઓની રૂપરેખા તૈયાર થઈ શકે.

બીજું મહત્ત્વનું પગલું Foreign Direct Investment સંસ્થાની રચના. જેને કારણે દેશ-વિદેશના રોકાણકારો સંરક્ષણ ક્ષેત્રે પોતાનો ફાળો આપી શકે અને પરિણામે ભારતનો સમુચિત વિકાસ થાય. ત્રીજું પગલું, કેટલાંક શસ્ત્રોની આયાત પર પ્રતિબંધ મૂક્યો. તેનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવ્યું. આ બધા પ્રયાસોથી પહેલાં ભારત શસ્ત્રોની આયાત કરતું હતું, તે હવે શસ્ત્રોની નિકાસ કરતા દેશ તરીકે ઊભરી રહ્યું છે.

નવાં ઉત્પાદનક્ષેત્રો ઊભાં થતાં તમિલનાડુ અને ઉત્તરપ્રદેશનાં અનેક શહેરના લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે. સંરક્ષણ શસ્ત્રોને લગતી ઉપયોગી નવી તકનીકી યંત્રસામગ્રી પૂરી પાડતા અનેક નાના-મોટા ઉત્પાદન એકમોની શરૂઆત થઈ ગઈ છે. સંરક્ષણ-ક્ષેત્રનાં સેવાદળો પણ ઊંચાઈનાં શિખરો  સર કરી રહ્યાં છે. ભારતને સ્વાશ્રયી બનાવવામાં સુદીર્ઘ વર્ષોનો પ્રયાસ રહ્યો છે. આમ, ભારત વિશ્વભરમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે.

સંક્ષિપ્તમાં આત્મનિર્ભરતા આત્મરક્ષા માટે છે, નહીં કે હિંસા માટે; કારણ કે આપણે પોતાની પરંપરાનો ત્યાગ કરી શકતા નથી. આપણી પરંપરા તો ‘વસુધૈવ કુટુંબકમ્‌’ની છે. અહીં શહીદ ભગતસિંહનું કથન ટાંકવું સાર્થક છે:

“કોમળ અને માનવીય બની રહેવું એ મારો સ્વભાવ છે, પરંતુ યાદ રાખો કે જ્યારે દેશની રક્ષાનો પ્રશ્ન હોય છે ત્યારે હું સૌથી ઘાતક અને શક્તિશાળી છું.”

કવિવર શ્રી રામધારીસિંહ ‘દિનકર’ની પંક્તિઓ સાથે આ લેખનું સમાપન યોગ્ય ગણાશે:

“सहनशीलता, क्षमा, दया को  तभी पूजता जग है।
बल का दर्प चमकता उसके  पीछे जब जगमग है।”

 

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.