પંદર વર્ષનો એક તરુણ પોતાના હસ્તે લખાયેલી પ્રતો લઈને પોતાની મા પાસે જાય છે. મા પ્રતો વાંચે છે. વાંચીને એ તો સ્તબ્ધ બની જાય છે. દીકરાને પાસે બેસાડી શાંતિથી કહે છે, “બેટા, આ તો હજુ કાચી કેરી છે એને પાકવા દે.” દીકરો હસ્તપ્રતો લઈ એને સાચવીને મૂકી દે છે. આ જ હસ્તપ્રતો જ્યારે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે ત્યારે જગતને એક મહાન પુસ્તકની ભેટ મળે છે. પુસ્તકનું નામ ‘પ્રોફેટ’. અને આ અદ્ભુત, મનનીય પુસ્તકનો લેખક હતો – પેલો તરુણ – ખલિલ જિબ્રાન. અને ‘કાચી કેરી પાકવા દે’ કહેનાર માતા હતી કામિલા.

પ્રાફેટનો આ તરુણ લેખક કહે છે, “જ્યારે હું પ્રૉફેટ લખી રહ્યો હતો, ત્યારે પ્રૉફૅટ મને લખી રહ્યો હતો.” પ્રૉફૅટના પયગંબરી પાત્ર અલમુસ્તફા સાથે લેખકનું તાદાત્મ્ય તો નહીં હોય આ!

જિબ્રાનને એક બહેન મળવા આવ્યાં. એ બહેનના કોઈ સંબંધીએ એક પુસ્તક વિશે માહિતી મગાવી હતી પણ પુસ્તકનું નામઠામ કશું જ જાણે નહિ. માત્ર એ પુસ્તકનું એક વાક્ય એમની પાસે લખેલું હતું. “તમારાં દુ:ખ દર્દો, એ સમજશક્તિને પોતામાં છુપાવી રાખતી છીપને તોડવા માટેની કૃપાપ્રસાદી જ છે.” “Your pain is the breaking of the shell that encloses your understanding.” આ વાક્ય વાંચી જિબ્રાન તરત ઊભા થઈ ગયા. અંદર જઈ ‘પ્રૉફૅટ’ લઈ આવ્યા. બહેનને એ પુસ્તક આપ્યું. એ બહેને એ પુસ્તક એકી બેઠકે જ પૂરું કર્યું. બીજા એક વાચકે આ પુસ્તકને ‘સંજીવ’ની કહ્યું છે. થાકેલા, હારેલા, ભીંસાયેલા લોકો માટે ‘પ્રૉફૅટ’ પયગંબરી ગ્રંથ સમાન છે. શ્રી મશરૂવાળાએ ‘પ્રૉફૅટ’નો અનુવાદ ‘વિદાય વેળાએ’ આપીને ગુજરાતની મહાન સેવા કરી છે. ‘પ્રૉફૅટ’માં જિબ્રાન લખે છે, “તમે પરસ્પર પ્રેમ જરૂર રાખો પણ એ પ્રેમ બંધન ન બનવો જોઈએ.” એમાં જ આગળ લખે છે, “તમારું જીવન એક મંદિર છે, ધર્મ છે.”

રહસ્યવાદી કવિ, મહાન કલાકાર, જબરા ચિંતક, ફિલસૂફ અને ગદ્યસ્વામી જિબ્રાનનો જન્મ ઈ.સ. ૧૮૮૩માં લૅબૅનૉનમાં થયેલો. ધીર, ગંભીર પ્રકૃતિ ધરાવતા જિબ્રાનને બચપણથી જ વાચનનો શોખ હતો. ચિત્રકામમાં પણ ખૂબ રસ. એમની માતા કામિલા, જિબ્રાનને હંમેશાં સંતોની, મહાત્માઓની વાતો કહેતી. કામિલા અનેક ભાષાઓ જાણતી. પરિણામે જિબ્રાનને પણ અનેક ભાષા શીખવાનો શોખ જાગ્યો. ખૂબ જ નાની ઉંમરે એમણે લેખન કાર્ય શરૂ કર્યું અને વિશ્વના તખતા ઉપર રહસ્યવાદી સાહિત્યકાર તરીકે નામના કાઢી. વિશ્વભરમાં જિબ્રાન સાહિત્ય વાચનારાઓનો એક બહોળો વર્ગ ઊભો થયો.

અરબી ભાષામાં કામિલાનો અર્થ થાય છે પૂર્ણ. કામિલા ખરા અર્થમાં પૂર્ણત્વને પામેલ વંદનીય સન્નારી હતાં. જિબ્રાનના જીવન ઘડતરમાં આ સંસ્કારદાત્રી નારીનો વિશેષ ફાળો રહ્યો. કામિલા વિશે પુત્ર જિબ્રાને લખ્યું છે, “મારી માતા અગણિત કાવ્યો જીવ્યાં પણ એક પણ કાવ્ય લખ્યું નહિ.” કામિલાના આંતરજીવનમાં વહેતો કવિતાનો આ પ્રવાહ જિબ્રાને ઝીલ્યો અને લોકોને ઉચ્ચ કોટિની કવિતા પ્રાપ્ત થઈ.

ખલિલનો અર્થ અરબી ભાષામાં ‘વહાલો’, ‘પસંદગી પામેલો’ કે ‘પરમ મિત્ર’ એવો થાય છે. જિબ્રાનનો અર્થ થાય છે ‘ઉદ્ધારક’. ખલિલ જિબ્રાનમાં નામ પ્રમાણે ગુણ હતા. પણ સ્વભાવથી ગંભીર ખરા. કોઈ વાર તો એમનું વર્તન એટલું બધું રહસ્યમય બની જતું કે કામિલા પરેશાન થઈ જતાં. તેઓ કહેતાં, “મારો પુત્ર દેહ અને મનથી પરના પ્રદેશમાં જીવે છે. એમની વાતચીત, હલનચલન, ઊઠવુંબેસવું બધું જ રહસ્યમય છે.”

કવિતામાં સર્વોચ્ચ શિખર પ્રાપ્ત કરનાર જિબ્રાને, ચિત્રકામમાં પણ અજોડ સિદ્ધિ પ્રાપ્ત કરી. એમનાં કાવ્યો જેમ ગૂઢ બન્યાં છે એમ એમનાં ચિત્રો રહસ્યમય બન્યાં છે. કોઈએ જિબ્રાનને પ્રશ્ન કર્યો, “તમારી દૃષ્ટિએ, તમારાં કાવ્યો વધુ ચઢીયાતાં ગણાય કે ચિત્રો?” મર્માળુ હસતાં જિબ્રાને જવાબ આપ્યો, “જે માતાના પેટે જોડકાં અવતરે એ માને બેમાંથી ક્યું બાળક વિશેષ પ્યારું લાગે?” પ્રશ્ન પૂછનાર વ્યક્તિ પણ હસીને ચાલી ગઈ. આપણે ત્યાં બાઉલ સંતોનાં ભજનોમાં, ટાગોરનાં કાવ્યોમાં, રહસ્યવાદી કવિઓમાં ગૂઢવાદના સ્પષ્ટ દર્શન થાય છે. દેહાતીત, મનોતીત, પ્રદેશના અનુભવો, કાર્ય-કારણથી પરની દિવ્ય અનુભૂતિઓ, આંતર ચક્ષુઓ સમક્ષ ખુલ્લાં થતાં પરમ સત્યો, પરાવાણી અને અપૌરુષેય લખાણો રહસ્યવાદની દેન છે.

કોઈપણ ધર્મ સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કરે અથવા તો બંધિયાર બની બેસે તો એ ધર્મ પ્રત્યે જિબ્રાનને જરાપણ માન નહોતું, ‘સેન્ડ ઍન્ડ ફોમ’માં જિબ્રાન લખે છે. ‘નઝરથના જિસસ, દેવળના જિસસને મળે છે. બન્ને વચ્ચે ખૂબ ચર્ચા થાય છે. થાકીને નઝરથના જિસસ, દેવળના જિસસને કહે છે, “મિત્ર, મને લાગે છે કે આપણે ક્યારેય સંમતિ સાધી શકીશું નહિ.” ધર્મ એ તો જીવવાની બાબત છે, વ્યક્તિગત અનુભૂતિનો વિષય છે. સાંપ્રદાયિકતાની સાંકડી દીવાલો વચ્ચે ધર્મનું ખરું દર્શન મુશ્કેલ છે. આ વાતને નઝરથના જિસસ અને દેવળના જિસસના દૃષ્ટાંત દ્વારા કેટલી સરળતાથી સમજાવી દીધી! જિબ્રાનની કલમની કમાલ જ એમાં છે. એમની શૈલી ક્યારેય ભારેખમ કે ક્લિષ્ટ ન બની.

‘સ્પીરીટ રીબેલીઅસ’ નામના જિબ્રાનના પુસ્તકે રાજકીય અને સામાજિક ક્ષેત્રે હલચલ પેદા કરી દીધી. સત્તાધીશો, સમાજના વડાઓ, ધર્મધુરંધરો બધાંને માટે આ પુસ્તક પડકાર રૂપ બન્યું. રાજ્યે આ પુસ્તકની નકલોની જાહેરમાં હોળી કરી. જૂના પુરાણા રીતરિવાજો, જીર્ણશીર્ણ પ્રણાલિકાઓનાં મૂળ આ પુસ્તકે હચમચાવી દીધાં. નવજાગૃતિનો પવન ફુંકાયો, બંધનોની બેડીમાંથી મુક્ત થવા બુંગિયો વાગ્યો. રાજ્યની આંખ લાલ થઈ. રાજ્યને મન આ પુસ્તક ભયાનક તિકારી અને ઝેર ફેલાવનારું બની રહ્યું. જિબ્રાનને પોતાના પુસ્તકની હોળી થઈ રહ્યાના સમાચાર મળ્યા ત્યારે ટાઢે કોઠે બોલ્યા, “આ પુસ્તકની બીજી આવૃત્તિની સરકારે જ વ્યવસ્થા કરી દીધી.” ધૂમકેતુએ આ જ પુસ્તકનો અનુવાદ ‘વિદ્રોહી આત્મા’ નામે કર્યો છે.

જિબ્રાન-સાહિત્ય વિશેના અધિકારી વ્યક્તિ હતાં બાર્બેરાયંગ. તેઓ જિબ્રાનના ખૂબ જ નજીકનાં મિત્ર હતાં. અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ પ્રતિભા ધરાવનાર બાર્બેરાયંગ, નોટબુક અને પેન સાથે જિબ્રાન પાસે તૈયાર જ રહેતાં. જિબ્રાનને જયારે પ્રેરણા થતી ત્યારે તેઓ બોલતા અને બાર્બેરાયંગ ટપકાવી લેતાં. એમ કહેવાય છે કે કોઈ દિવ્યશક્તિ જિબ્રાનને પ્રેરણા કરતી. જિબ્રાનની આંખોમાં ચમક આવી જતી, એમનો ચહેરો દિવ્યપ્રકાશી ઝળહળી ઊઠતો અને એમની દિવ્ય વાણીનો પ્રવાહ શરૂ થઈ જતો. બાર્બેરાયંગે એ દિવ્ય પ્રવાહ ઝીલ્યો અને જગતને જિબ્રાન-સાહિત્ય પ્રાપ્ત થયું.

આત્માની અનંત શક્તિમાં જિબ્રાનને અપાર શ્રદ્ધા હતી. પુનર્જન્મની ફિલસૂફીમાં એમને દૃઢ વિશ્વાસ હતો. એમણે એમના નજીકના મિત્રો અને ખાસ કરીને બાર્બેરાયંગને કહેલું, “આ જન્મ પહેલાં અનેક જન્મોમાં આપણે મળેલાં અને ભવિષ્યમાં પણ અનેક જન્મોમાં મળીશું.” વળી આત્મા વિશે જિબ્રાન લખે છે, “આત્મા દિક્-કાળથી મહાન છે, મહાસાગરથી ઊંડો છે અને આકાશીએ ક્યાંયે ઊંચો છે.” બુદ્ધની જાતક કથાઓ, ગીતાજીના જન્મ-પુનર્જન્મ વિશેના વિચારો અને પરમહંસ શ્રીરામકૃષ્ણદેવની જન્મ-પુનર્જન્મ વિશેની વાતોની ખૂબ જ નજીક જિબ્રાન આવી જાય છે. આત્મા એ જ પરમાત્મામાં અટલ વિશ્વાસ રાખનાર જિબ્રાન આધ્યાત્મિક દૃષ્ટિએ તો આપણને ભારતમાતાનું જ સંતાન લાગે. એમની આધ્યાત્મિક અનુભૂતિઓ પણ ઉચ્ચ ભૂમિકા પરની અનુભૂતિઓ હતી. ‘મેન ફ્રોમ લૅબૅનૉન’ નામના બાર્બેરાયંગે લખેલા પુસ્તકમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જિબ્રાનને લગભગ ત્રણથી ચાર વાર જિસસનાં દર્શન થયેલાં, દર્શનની એ અનુભૂતિ એટલી તો પ્રબળ હતી કે એ વજ્રલેપ બની જતી. જિબ્રાન જયારે એ ઉચ્ચ ભૂમિકા પરથી સામાન્ય ભૂમિકા ઉપર આવતા ત્યારે કહેતા, “હવે ઈશુ ભગવાનનું ચિત્ર હું આબેહૂબ દોરી શકું.” દિવ્ય શક્તિની પ્રેરણા પ્રમાણે તેઓ જીવન જીવતા. જિબ્રાનનાં જીવન અને કવનમાં ઈશુપ્રભુનું સક્રિય સંચાલન રહેતું. પરિણામે એમનાં લખાણો સત્ત્વશીલ રહ્યાં, ક્યારેય કરમાયાં નહિ, ચિત્રો ક્યારેય ધૂળ ચાટતાં ન થયાં.

પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને થતી દિવ્ય અનુભૂતિઓ પણ એટલી જ પ્રબળ અને સઘન રહેતી. અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રાએ ગયેલા સ્વામી શ્રી વિવેકાનંદને પણ જગદંબાની અનુભૂતિઓનો કોઈ પાર નહતો. એ ટીઅર ઍન્ડ એ સ્માઈલ’ એ જિબ્રાનનું છપ્પન કૃતિઓ ધરાવતું પુસ્તક છે. એમાં કાવ્યો છે, દંતકથા છે, વાર્તાઓ છે અને લઘુકથાઓ પણ છે. વૈયક્તિક જીવન, સામાજિક જીવન, આધ્યાત્મિક જીવનને સ્પર્શતી આ કૃતિઓ છેવટે તો આપણને ઊર્ધ્વના પ્રવાસી બનવાનું જ સૂચન કરે છે. ‘ધી ફ્રોગ્ઝ’ નામની એમની વાર્તા ઘણી ચોટદાર બની છે. એક દેડકો બીજા દેડકાને કહે છે: રાતે નીરવ શાંતિમાં આપણો મહાકાય મિત્ર દેડકો, શાંતિથી પોઢેલા માનમિત્રને ડ્રાઉં-ડ્રાઉ અવાજથી કેટલી ખલેલ પહોંચાડે છે? બીજો દેડકો જવાબ આપે છે: દિવસે જ્યારે આપણે ઊંઘમાં પોઢ્યાં હોઈએ છીએ ત્યારે અત્યારના રાજકારણીઓ, ધર્મ – ગુરુઓ, વૈજ્ઞાનિકો પોતાના બસૂરા અવાજથી વાતા વરણને કેવું વિસંવાદી બનાવે છે!

વિવેકભ્રષ્ટ પ્રજાનો વિનિપાત સો મુખે થાય છે એ મુજબ પતનભ્રષ્ટ રાષ્ટ્ર ઉપર જિબ્રાને એક વેધક કાવ્ય લખ્યું “NINE PITIES”. આ કાવ્યમાં દેશના અધ:પતન વિશેનો હૂબહૂ ચિતાર આપવામાં આવ્યો છે. શ્રી મકરન્દ દવેએ, આ કાવ્યનો ગુજરાતી અનુવાદ કર્યો છે એની એક ઝલક:

દોસ્તો, સફરના સાથીઓ એ દેશની ખાજો દયા.
લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ કૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરામાં ફીસીયારી કરે,
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા… દોસ્તો.

ઈ. સ. ૧૮૮૩માં લૅબૅનૉનમાં જન્મેલા જિબ્રાનનું ઈ. સ. ૧૯૩૧માં, અમેરિકામાં અવસાન થયું. પૂરા પચાસ વર્ષ પણ તેઓ ન જીવ્યા. પણ એટલા ટૂંકા ગાળામાં એમની સિદ્ધિઓ અપાર હતી. એમની વિદાય વેળાએ કરોડો લોકોએ એમને અશ્રુભીની અંજલિ આપી. સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં તેઓ અજોડ બની રહ્યા.

જિબ્રાનની સાહિત્યકૃતિઓ અને કલાકૃતિઓને બીરદાવતા ક્લાઉડે બ્રેગડાન લખે છે: “આધ્યાત્મિક જીવનની પરમ પવિત્ર ગંગોત્રીમાંથી એમની શક્તિનો સ્રોત પ્રકટ થતો કારણ કે એ સિવાય તો એ સ્રોત એટલો સાર્વત્રિક અને સત્ત્વશીલ બની જ ન શકે. પરંતુ જે વૈભવ અને અસબાબથી એમણે ભાષાને શણગારી છે એ તો એમની મૌલિકતા હતી.”

“His power came from some great reservoir of spiritual life else it could not have been so universal and potent, but the majesty and beauty with which he clothed it were all his own.”

cloude bragdon

જિબ્રાનની સાથે પ્રેમનો નાતો બાંધી, ચાલો આપણું જીવન ભર્યું ભર્યું બનાવીએ.

Total Views: 81

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.