“एकमेवाद्वितीयम। एकोऽहं बहुस्याम् प्रजायेय ।”

તેઓ તને અનેક નામે સંબોધે છે, તું તો એક જ છે.

પ્રવક્તા : આપણી માનવજાતના એક પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદમાં ભગવાન કે સત્ય વિશે એવું લખ્યું છે કે લોકો એને અનેકવિધ નામે સંબોધે છે પરંતુ તે તો એક જ છે.

આ ભાવનાના પડઘા લગભગ બીજા બધા જ ધર્મોમાં પણ સંભળાય છે. સંત થૉમસ ઍકિવનસે કહ્યું છે કે “આ બધાં નામોનાં ઘણાં બધાં લક્ષણો કંઇ ખાલીખમ કે નકામાં નથી. કારણ કે એ બધાં એક જ – કેવળ એક જ સત્ તત્ત્વ સાથે સંવાદિતા ધરાવે છે.” એ જ રીતે ઇસ્લામમાં પણ કહ્યું છે : “મારું હૃદય એના દરેકે દરેક સ્વરૂપને માટે સમર્થ બન્યું છે. ખ્રિસ્તી સાધુઓ માટે એ દેવળમાં છે, મૂર્તિપૂજકો માટે એ મંદિરમાં છે, એ મક્કાની હજયાત્રામાં છે, તોરાહમાં છે, કુરાનમાં છે, હું તો અલ્લાહનો ઊંટ, મને જે માર્ગે લઇ જાય તે પ્રેમના, ધર્મના માર્ગનું અનુસરણ કરું છું.”

બધા જ ધર્મોના આ પાયાના વલણ- એકતાના વલણને માટે કોઇ ઉદાહરણ જોઇતું હોય તો એ માટે અવશ્ય જ શ્રીરામકૃષ્ણ પરમહંસનો જ દાખલો આપવો જોઇએ. તેમણે પોતાના જીવનમાં ખૂબ સફળતાથી અને અત્યંત સુંદર રીતે આ વાત પ્રદર્શિત કરી છે.

શ્રીરામકૃષ્ણ : મેં હિન્દુ ધર્મ, ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ વગેરે બધા ધર્મોની સાધના કરી છે. હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયોની સાધના પણ મેં કરી છે. ભગવાન સંબંધી વિચાર એક તળાવના વિચાર જેવો છે. એક સરોવરને ઘણા ઘાટ હોય છે. એક ઘાટ પર હિન્દુ ઘડામાં પાણી ભરે છે અને એને ‘જલ’ એવું નામ આપે છે; બીજે ઘાટે મુસલમાન ચામડાની કોથળીમાં એ ભરે છે અને એને ‘પાણી’ કહે છે. તો વળી ત્રીજે ઘાટે ખ્રિસ્તી એ પીએ છે અને એને ‘વાટર’ કહે છે. અને અન્ય સ્થળે કાંઇ બીજો એ લે છે અને એને ‘ઍકવા’ કહે છે. એ જ રીતે ઇશ્વર તો એક જ છે પણ વિદ્વાનો અને વિવિધ નામોથી સંબોધે છે.

પ્રવક્તા : વેદોના ભાષાંતરકાર મહાપંડિત મૅક્સમૂલરે લખેલ શ્રીરામકૃષ્ણના જીવનચરિત્રમાં લખ્યું છે કે પ્રકૃતિમાં અને માનવ આત્મામાં દિવ્યતાની સાચી સ્પષ્ટ હસ્તી તીવ્રતર સ્વરૂપે અને વૈશ્વિક સ્વરૂપે ભારતવર્ષ સિવાય બીજે ક્યાંય પણ અનુભવાઇ નથી. અને ભગવત્પ્રેમની ગરિમા, અરે, ભગવાનમાં ભારોભાર ભળી જવાની ભાવસંપત્તિ, શ્રીરામકૃષ્ણનાં વચનો સિવાય બીજે ક્યાંય પણ એટલી સ્પષ્ટતા અને એટલી તીવ્રતાથી અભિવ્યક્ત થઇ નથી.

શ્રીરામકૃષ્ણ : દીવો જેમ તેલ વગર જલી શકતો નથી. તેવી રીતે મનુષ્ય ઇશ્વર વગર જીવી શકતો નથી.

પ્રવક્તા : પરંતુ શ્રીરામકૃષ્ણ તો દુનિયાદારીના સામાન્ય ખ્યાલ પ્રમાણે કંઇ ભણ્યા ગણ્યા તો ન હતા. એટલે એમણે ઘરગથ્થુ દાખલાઓ આપીને સત્ય ઉપદેશ્યું હતું.

શ્રીરામકૃષ્ણ : તમે સાકાર ઇશ્વ૨માં માનો છો કે નિરાકારમાં?

શિષ્ય : (સ્વગત) જો કોઇ નિરાકારમાં માનતો હોય તો એ ભલા સાકારમાં કેવી રીતે માની શકે? એક સાથે બે વિરોધી વાતો રહી શકે ખરી કે? – બન્ને વિરોધી વાતો સાચી હોઇ શકે ખરી કે? ધોળું દૂધ કાળું હોઇ શકે ખરું? (શ્રીરામકૃષ્ણ પ્રતિ -) ગુરુદેવ, મને તો નિરાકાર ઇશ્વરનો વિચાર ગમે.

શ્રીરામકૃષ્ણ : સરસ. બંનેમાંથી ગમે તે એક ઉપરની શ્રદ્ધા પૂરતી છે. તમે નિરાકારમાં માનો છો ભલે માનો, પણ ક્યારેય એક ક્ષણભર પણ એવું ન વિચારશો કે તમે માનો છો તે જ માત્ર સાચું છે અને બીજું બધું ખોટું છે. યાદ રાખો કે ઇશ્વર જેટલો નિરાકારરૂપે સાચો છે તેટલો જ સાકારરૂપે પણ સાચો છે. પરંતુ તમે તો તમારી ધારણાને વળગી જ રહેજો.

શિષ્ય : પરંતુ ગુરુદેવ, જેઓ માટીની મૂર્તિઓને પૂજે છે, તેમને એ મૂર્તિઓ ઇશ્વર નથી, એવું સમજાવવું તો જોઇએ ને?

શ્રીરામકૃષ્ણ : મોટાં શહેરોમાં રહેતા તમારા લોકોને એક આદત પડી ગઇ છે કે બસ, ભાષણો આપ્યે રાખવાં અને બીજાઓને જ્ઞાન આપ્યા કરવું. તે મૂર્તિઓ ભલા માટી જ શા માટે છે? એ તો ચૈતન્ય મૂર્તિ છે! અને ધારી લો કે માટીની મૂર્તિ પૂજવામાં કંઇક ભૂલ થાય છે, તો એ મૂર્તિની પૂજા દ્વારા પોતાનું જ આવાહ્ન થઇ રહ્યું છે એવું ઇશ્વર નથી જાણતો શું? એ તો એવી પૂજાથી પ્રસન્ન થશે જ ને? તમારે એમાં શા માટે માથાકૂટ કરવી જોઇએ?

શિષ્ય : હા, આ તો તેમણે સાચું કહ્યું – શું મેં ઇશ્વરને પિછાણ્યો છે ખરો? મારે વળી બીજાઓને સમજાવવાની જરૂરેય શી છે? આ કંઇ ગણિત કે ઇતિહાસ નથી. આ તો ઇશ્વરનું ગહનતમ રહસ્ય છે!

શ્રીરામકૃષ્ણ : મૂર્તિ ભલે માટીની બનાવેલી હોય. એ પ્રકારની પૂજાની આવશ્યકતા છે. વિશ્વનિયંતા પરમેશ્વરે જ આ બધાં સ્વરૂપો, જ્ઞાનની વિવિધ કક્ષાએ ઊભેલા વિવિધ માનવીઓ માટે બંધબેસતાં થાય એટલા માટે ગોઠવ્યાં છે.

માતા પોતાનાં જુદાં જુદાં બાળકોની હોજરીને માફક આવે એવી જુદી જુદી વાનગીઓ બનાવે છે.

પ્રવક્તા : તેમનાં આવાં સીધાં – સાદાં વચનોનું એક અનોખું સૌન્દર્ય છે. એમાં હૃદય સોંસરવાં ઊતરી જાય, તેવાં રૂપકો હોય છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તેમનાં બધાં જ નિરીક્ષણો અને તારણો સંપૂર્ણ રીતે તેમણે જાતે કરેલા અનુભવોના પાયા પર આધારિત છે, જુઓને! જ્યારે નરેન્દ્રનાથ દત્તે તેમને પ્રશ્ન પૂછ્યો હતો ત્યારની વાત! નરેન્દ્રનાથ આ પહેલાંય આ પ્રશ્ન ઘણાયને પૂછી વળ્યા હતા :

“મહાશય, આપ ભગવાનમાં માનો છો?”

“હા”

“મહાશય, તમે એ સિદ્ધ કરી બતાવી શકો છો?”

“હા”

“અત્યારે જ?”

શ્રીરામકૃષ્ણ : હા, કારણ કે જેમ હું તને અહીં જોઉં છું તેવી જ રીતે તેને પણ અહીં નિહાળી રહ્યો છું, એટલું નહિ, વધારે સ્પષ્ટતાથી જોઇ રહ્યો છું (ક્ષણભર અટકે છે) અને તમે જો તેને જોવા માગતા હો, તો હું તમને બતાવી પણ શકું છું.

નરેન : (સ્વગત) આ તો ઘણી અસરકારક વાત! મને તો આવો માણસ પહેલી વાર જ મળ્યો કે જે પોતે ઇશ્વર જોયો છે એમ કહેવાની હિંમત કરતો હોય! અને એમ જણાવતો હોય કે ધર્મ અનુભવવા યોગ્ય વાસ્તવિકતા છે! અને આપણે જેટલી સ્પષ્ટતાથી આ જગતનો અનુભવ કરીએ છીએ, તેના કરતાં પણ વધારે સ્પષ્ટતા અને તીવ્રતાથી એનો અનુભવ થઇ શકે છે! મેં બુદ્ધ, ઇસુ ખ્રિસ્ત અને મહંમદ વિશે વાંચ્યું છે. પ્રાચીન સમયના બધા જ જુદા જુદા પ્રભાવક તેજસ્વી મહાપુરુષો ઊઠીને કહેતા હોય કે ‘તું પૂર્ણ થઇ જા’ – અને માનવમાં પૂર્ણતા પુંજીભૂત થઇ ઊઠી હોય, એવું ય વાંચ્યું તો છે.

શ્રીરામકૃષ્ણ : જગતમાં ધર્મનું આદાન-પ્રદાન, બીજી કોઈ વસ્તુના આદાન-પ્રદાન કરતાં પણ વધુ અસરકારક રીતે અને વધુ વાસ્તવિક રીતે થઇ શકે છે. પણ એમાં ગૃહીત સિદ્ધાંતોની, પૂર્વગ્રહોની, કોઈ મંદિર – મસ્જિદ – ચર્ચની કે કોઇ સંપ્રદાયની કશી પરવા રાખવી જોઇએ નહિ. એ બધાં તો માનવ માત્રમાં રહેલા અસ્તિત્વના સારભૂત આધ્યાત્મિક તત્ત્વની સરખામણીમાં સાવ તુચ્છ જ છે. તમારા જીવન દ્વારા તમે એ બતાવી આપો કે ધર્મ એ કંઇ શબ્દોનાં ખાલી ખોખાં નથી, એને કોઇ નામ કે સંપ્રદાય સાથે નિસ્બત નથી. પણ ધર્મ તો આધ્યાત્મિક અનુભૂતિ છે. ધર્મ વિશાળ આમ્રવૃક્ષ સમો છે. તમારે એની શાખાઓ અને પાંદડાંઓ ગણવામાં પડવું ન જોઇએ. તમે ત્યાં જાઓ, સ્વાદિષ્ટ આમ્રફળ ખાઓ અને આનંદ માણો. તમારે ભલા સિદ્ધાંતોમાં અને પ્રતીકોના ઝઘડામાં શા માટે પડવું જોઇએ? જેમને અનુભૂતિ થઇ હોય તેઓ જ આ સમજી શકે.

પ્રવક્તા : વર્ણ, જાતિ કે સંપ્રદાયના કશા જ ભેદભાવ વગર બધાં જ માનવોમાં શ્રીરામકૃષ્ણે દિવ્યતાની હસ્તી નિહાળી હતી. ખાસ કરીને બધી મહિલાઓમાં તેમણે દિવ્ય જગદંબાનાં વિવિધ સ્વરૂપોનાં દર્શન કર્યાં હતાં. તેમના પ્રથમ ગુરુ એક નારી હતાં, એણે એમને તંત્રગત આધ્યાત્મિકતાની સાધનામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમનાં પ્રથમ શિષ્ય પણ એક નારી હતાં. એ તો તેમનાં પત્ની જ હતાં. પોતાની આધ્યાત્મિક સાધનાને અંતે એક વાર તેમણે પોતાનાં પત્નીની ખરેખરી પૂજા કરી હતી. અને એ રીતે એમને કાલીમાતાનું સાક્ષાત્ સ્વરૂપ માન્યાં હતાં. ખરી રીતે તો તેઓ ચૈતન્યની અલિંગતાને જ માનતા હતા. અને વિવિધ લિંગ ભેદ પર આધારિત દ્વૈતમાંથી સંપૂર્ણ છૂટકારો પામવા માગતા હતા. એ માટે કેટલાય વખત સુધી તો તેમણે મહિલાઓની જ વચ્ચે રહીને, મહિલાની જ વેશભૂષા ધારણ કરીને અને મહિલા જેવી જ મનોભાવના રાખીને સાધના કરી હતી.

નારી માત્ર પ્રત્યે દિવ્ય જગદંબાભાવથી જોવાની શ્રીરામકૃષ્ણની આ દૃષ્ટિને લીધે તેમના પર આ આક્ષેપ મૂકાય છે કે તેઓ વેશ્યાઓ માટે પૂરતી નૈતિક ઘૃણા દર્શાવી શક્યા નથી. આ આક્ષેપ સામે પ્રૉ. મૅક્સમૂલરનો ઉત્તર પૂરેપૂરું સમાધાન કરી દે છે. એમણે કહ્યું છે કે આ આક્ષેપમાં શ્રીરામકૃષ્ણ કંઇ એકલા જ આવતા નથી, બધા જ ધર્મસંસ્થાપકો માટે આ વાત તો લાગુ પડે છે!

નરેન : કેટલા મધુર છે આ શબ્દો! મને આમ્રપાલી યાદ આવે છે. ભગવાન બુદ્ધની દિવ્ય કૃપાનું એ પાત્ર! અને યાદ આવે છે પેલી સૅમૅરિટન મહિલા, ભગવાન જિસસ ક્રાઇસ્ટની કૃપાને વરેલી!

શ્રીરામકૃષ્ણ : (વેશ્યાઓ તરફ જોઇને) મા, મા, એક સ્વરૂપે તું શેરીમાં ઊભી છે અને બીજે સ્વરૂપે તું જગત સ્વરૂપે વિલસે છે. તને પ્રણામ કરું છું મા, તને પ્રણામ કરું છું.

પ્રવક્તા : શ્રીરામકૃષ્ણે કેવળ નર-નારીમાં જ અભેદ ભાખ્યો હતો એટલું જ બસ નથી. તેમને તો સર્વપ્રાણીઓમાં દિવ્યતાનાં દર્શન થતાં. અને આપ છતાં તેઓ કંઇ કેવળ પ્રખર સાધક જ ન હતા. તેઓ નરસાઇને પણ સારી રીતે સમજી શકતા હતા. આ બાબતમાં તેઓ પોતાના મુદ્દાને સ્પષ્ટ કરવા માટે જે રસપ્રદ વારતાઓ કહેતા તેમાંની બે પ્રખ્યાત વારતાઓ જોઇએઃ

શિષ્ય : ભગવાને દુષ્ટ લોકોને શા માટે બનાવ્યા હશે?

શ્રીરામકૃષ્ણ : એવી એમની ઇચ્છા! એ એમની લીલા છે. તેમની માયામાં વિદ્યા અને અવિદ્યા બંને હસ્તી ધરાવે છે. તમસ્‌ની પણ જરૂર છે ભાઇ! કારણ કે એ પ્રકાશની ભવ્યતાને વધુ ઉદ્ઘાટિત કરે છે.

શિષ્ય : ગુરુદેવ, દુષ્ટ માણસ જો આપણું કશું નુકસાન કરવા તૈયાર થાય તો ત્યારે આપણે શું શાન્ત જ રહેવું જોઇએ?

શ્રીરામકૃષ્ણ : એ વખતે સમાજમાં રહેતા માણસે દુષ્ટ માણસથી પોતાનું રક્ષણ કરવા માટે ‘તમસ્’નો દેખાવ કરવો જોઇએ. હું તમને એક વારતા કહ્યું : એક વખત ભરવાડના કેટલાક છોકરાઓને બીડના ઘાસમાં રહેતો એક ઝેરી સાપ ડરાવ્યા કરતી હતો. એક વાર એક સાધુપુરુષ એ માર્ગે જઇ રહ્યા હતા, એ જોઇને છોકરાઓ તેમની પાસે દોડી ગયા અને કહેવા લાગ્યા કે ‘મહારાજ, કૃપા કરી એ માર્ગે જશો નહિ, ત્યાં તો ભયંકર કાળોતરો નાગ રહે છે.’ પણ સાધુપુરુષ તો નિર્ભય હતા. એ તો ચાલતા રહ્યા અને જ્યારે પેલો ઝેરી સાપ સામે મળ્યો ત્યારે એમણે મંત્ર જાપ શરૂ કર્યો એટલે સાપ તો ધરતીના કીડાની પેઠે નરમઘેંશ જેવો થઇ ગયો. પછી સાધુપુરુષે એને પૂછ્યું : “તું બીજાનું બહુ આ પવિત્ર મંત્રથી તને પ્રભુપ્રેમની પ્રાપ્તિ થશે અને તું ઇશ્વરનાં દર્શન કરી શકશે.” આમ કહીને તે સાધુપુરુષે સાપને પવિત્ર મંત્ર આપ્યો. એને આધ્યાત્મિક જીવનની દીક્ષા આપી. પછી પોતાને માર્ગે આગળ વધતી વખતે સાધુએ સાપને કહ્યું કે “હવેથી કોઇને ઇજા પહોંચાડીશ નહિ, હું તને ફરી વખત મળવા આવીશ.”

થોડા વખત પછી પેલા ભરવાડના છોકરાઓએ જોયું કે સાપ હવે તેમને હેરાન કરતો નથી. એટલે તેમણે તેના પર પથ્થર મારવાનું શરૂ કર્યું. તેમનામાંના એકે તો એને પકડ્યો ય ખરો અને વારંવાર પથ્થર પર પછાડ્યો ય ખરો! એ ત્યાં સુધી કે બિચારો સાપ બેભાન બની ગયો.

ઘણાં અઠવાડિયાં પછી સાધુ પાછા આવ્યા. સાપમાં થયેલો ફેરફાર જોવાની એમને મરજી થઇ. પણ પેલા છોકરાઓએ તેમને કહ્યું કે સાપ તો મરી ગયો છે. સાધુને આ વાતમાં વિશ્વાસ ન બેઠો કારણ કે સાધુએ એને પાવનમંત્ર આપ્યો હતો. એટલે સાધુએ તો એનું નામ લઇ એને પોકાર્યો. સાપ ધીરે ધીરે બહાર આવ્યો. તે સાવ ફિકો પાતળો અને નિર્બળ બની ગયો હતો.

“તને કેમ છે?”… “ગુરુદેવ, હું મજામાં છું”… “તો પછી તું આવો પાતળો કેમ થઇ ગયો?”… “આપનો કોઇને પણ હેરાન ન કરવાનો ઉપદેશ પામીને હું હવે કેવળ પાંદડાંથી અને ઝાડ પરથી નીચે પડેલાં ફળોથી જ જીવનનિર્વાહ ચલાવી રહ્યો છું એટલે આવું થયું.”

દેખીતી રીતે જ સાપે સત્ત્વગુણની ઊંચી કક્ષા પ્રાપ્ત કરી હતી. હવે એ ક્રોધ કરી શકતો ન હતો તેમજ છોકરાઓએ તેને કરેલી હેરાનગતિને લક્ષમાં રાખી શકતો ન હતો.

સાધુએ એને કહ્યું : “તું આવો દુર્બળ બની રહે, એ તો સારું ન કહેવાય. ફરી વખત કંઇક વિચાર કર.” સાપને યાદ આવ્યું એટલે એણે સાધુને કહ્યું કે છોકરાઓએ એને લગભગ મારી જ નાખ્યો હતો, અને વધારામાં ઉમેર્યું: “તેઓ તો અજ્ઞાની છે તેઓ જાણતા નથી કે તેમણે મને નુકસાન ન પહોંચાડવું જોઇએ.”

“કેટલી શરમજનક વાત!” સાધુ બરાડી ઊઠ્યા : “તું મૂર્ખ છે. તને તારું પોતાનું રક્ષણ કરતાંય આવડતું નથી! મેં તો તને કોઇને કરડવાની મનાઇ કરી હતી. કંઇ ફૂંફાડો મારવાની મનાઇ તો નહોતી ફ૨માવી! તો તે ફૂંફાડો મારીને છોકરાઓને દૂર ભગાડ્યા કેમ નહિ?”…. “એટલે તને હેરાન કરવા માગતા લોકો સામે તારે ફૂંફાડો તો મારવો જ જોઈએ. ભલે તારે એમને દંશ ક્યારેય ન દેવો. કોઇએ બીજાને નુકસાન ન પહોંચાડવું. બસ!”

શિષ્ય : પરંતુ દુષ્ટ માણસો પણ ભગવાનની પ્રતિકૃતિરૂપે બન્યા નથી શું?

શ્રીરામકૃષ્ણ : લો, હું તમને બીજી વારતા કહ્યું : એક ગુરુએ પોતાના બધા શિષ્યોને કહ્યું કે ભગવાન બધાં પ્રાણીઓમાં રહેલો છે. એટલે માણસે બધાં પ્રાણીઓમાં ભગવાનનાં દર્શન કરતાં શીખવું જોઇએ. અને તેમને વંદન કરવું જોઇએ. એક વાર જંગલમાં એના એક શિષ્યે બૂમ સાંભળી કે દૂર હટી જાઓ, રસ્તા પરથી ખસી જાઓ, એક ગાંડો હાથી આવી રહ્યો છે. આ સાંભળીને આ શિષ્ય સિવાયના બીજા બધા તો ભાગી છૂટ્યા. ફકત આ શિષ્ય જ સ્થિર ઊભો રહ્યો. એણે વિચાર્યું કે જો હાથી પણ ઇશ્વરનું જ એક સ્વરૂપ હોય તો મારે અહીંથી શા માટે હટવું જોઈએ? હાથીનો મહાવત ‘ભાગો ભાગો’ની બૂમો પાડતો રહ્યો. તો પણ એ તો હલ્યોચલ્યો નહિ. ક્રોધથી ધુઆંફૂવાં થયેલા પાગલ હાથીએ એને પકડ્યો અને એક બાજુ ફેંકી દીધો. એને ખૂબ ઇજા થઇ. એ બેભાન બની ગયો. ત્યાં તેના ગુરુ અને ગુરુભાઇઓ એની મદદે આવી પહોંચ્યા. જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે ગુરુએ એને ઠપકો આપતાં કહ્યું કે “હાથી આવી રહ્યો છે એવું જાણવા છતાં તું એ જગ્યાએથી ખસ્યો કેમ નહિ?” પણ શિષ્ય તો સામો લેતો પડ્યો કે “આપે તો અમને શીખવ્યું છે ને કે સર્વપ્રાણીઓમાં ઇશ્વર વસે છે! એટલે મેં માન્યું કે હાથી સ્વરૂપે ઇશ્વર આવી રહ્યા છે! એટલે હું તો ભાગ્યો નહિ.” – આ સાંભળીને ગુરુએ કહ્યું : “હા, બેટા હાથી નારાયણ તો આવી રહ્યા હતા, પણ મહાવત નારાયણે ય તને ચેતવણી તો આપી જ રહ્યા હતા ને! એણે તો તને ત્યાં ઊભા રહેવાની ના પાડી હતીને! જો બધાં જ પ્રાણીઓ પરમાત્માનાં સ્વરૂપો છે તો પછી મહાવતના શબ્દો પર તે વિશ્વાસ કેમ ન રાખ્યો? એ પર ધ્યાન કેમ ન દીધું? તું ભાગી કેમ ન ગયો?”

પ્રવક્તા : સંસ્કૃતિના ઇતિહાસમાં બહુ જ થોડા માણસોમાં શ્રીરામકૃષ્ણ જેવી સ્પષ્ટ સૂઝ જોવા મળે છે. તેમણે કોઇ માટે કઠોર શબ્દ વાપર્યો નથી અને નાત, જાત, સંપ્રદાય કે કોમના વિચારથી તો તેઓ સાવ જ રહિત હતાં. ખરી રીતે તો તેઓ કોઇને માટે ખરાબ વિચાર કરવામાં અશક્ત હતા. તેમની આ વિશુદ્ધ નજર અને ઇશ્વરપરાયણતાને એમની આ રસપ્રદ વારતા બરાબર રીતે વર્ણવી જાય છે.

શ્રીરામકૃષ્ણ : એક વાર એક સાધુ જમીનદારને ઘેર ભિક્ષા માગવા ગયો. એને ચોર સમજીને જમીનદારે એને ખૂબ જ માર્યો. એટલામાં એના શિષ્યોએ આવીને એને બચાવ્યો. શિષ્યોએ એને એની કુટિરે પહોંચાડ્યો. અને ચમચીથી થોડું દૂધ પાયું તે ભાનમાં છે કે કેમ, ને તપાસવા એક શિષ્યે એને પૂછ્યું : “તમે મને ઓળખો છો કે?” સાધુએ જવાબ આપ્યો : “હા,” વળી પાછી ચોકસાઇ કરવા પૂછ્યું : ‘તમને કોણે દૂધ પાયું છે તે જાણો છો?” સાધુએ કહ્યું : “હા, જેણે મને પહેલાં માર્યો હતો, તે જ અત્યારે મને દૂધ પીવડાવી રહ્યો છે!”

પ્રવક્તા : એટલે જ તો નરેન્દ્રનાથ દત્તે, સ્વામી વિવેકાનંદ બન્યા પછી આજથી સો વરસ પહેલાં દૂર દેશના શિકાગોમાં જ્યારે વૈશ્વિક માનવતા અને સર્વધર્મસમન્વયના આદર્શોનો ઉપદેશ આપ્યો, ત્યારે તેમને ભવ્ય સન્માન અને પ્રતિસાદ મળ્યાં, એની કશી નવાઇ લાગતી નથી. સ્વામી વિવેકાનંદ તો શ્રીરામકૃષ્ણના એક નમ્ર શિષ્ય હતા. તેમણે વાસ્તવિક રીતે જ પોતાના ગુરુની શક્તિની વારસદારી મેળવી હતી. ભલે તે બંનેની વચ્ચે મહત્ત્વના ઘણા ઘણા ભેદો હતા… પોતાની નવલકથાઓ માટેનું નૉબેલ પારિતોષિક મેળવનાર, મહાત્મા ગાંધીનું પણ જીવનચરિત્ર લખના૨ અને સાથોસાથ આ બન્ને મહાનુભાવોના પણ જીવન ચરિત્રના લેખક શ્રી રોમાં રોલાએ લખ્યું છેઃ “તેમના ગર્વિષ્ઠ શિષ્યને તેમની સ્પર્ધામાં મૂકાય નહિ. તેમના દિવ્ય ગુરુદેવે તો પોતાનું સમગ્ર જીવન દિવ્ય પ્રેમમી પરમાત્મ સ્વરૂપા જંગદંબાને ચરણે જ વિતાવ્યું હતું. જગજ્જનનીને પામ્યા પછી તો તેઓ વૈશ્વિક પરમાનંદની શાન્ત પૂર્ણતામાં જ વિહર્યા હતા. અને સ્વામી વિવેકાનંદ તો વાવાઝોડાની વચ્ચે જોરદાર કૂદકાઓ મારીને જ એકદમ એટલી ઊંચી કક્ષાએ પહોંચી શક્યા હતા. એમની આરામની ક્ષણોમાં પણ એ સૂસવાટા મારતા પવનો એમના વહાણના સઢોને હચમચાવતા રહેતા હતા. આ ધરતીનાં રુદનો અને આ જુગજૂની પીડાઓ અકરાંતિયાં ગીધડાંની માફક તેમની આસપાસ ઘૂમરાતાં રહેતાં. તેઓ તો શક્તિના જીવતા જાગતા સ્વરૂપ સમા હતા. ‘કર્મ, બસ કર્મ’ એ જ તેમનો માનવજાતને સંદેશ હતો. તેમનું શરીરગઠન શ્રીરામકૃષ્ણના કોમળ અને દુર્બળ દેહનું વિરોધી હતું. વળી, શ્રીરામકૃષ્ણ તો એક ગરીબ બ્રાહ્મણને ઘેર જન્મ્યા હતા, જ્યારે વિવેકાનંદ તો જન્મજાત રાજવી હતા. ભારતમાં કે અમેરિકામાં તેમનું અભિવંદન કર્યા વગર કોઇ પણ તેમની પાસે જઇ શકતું નહિ.

જુઓ તો ખરા, એક જ પ્રકારનો ઉપદેશ આપતી વખતે પણ તે બંનેની અભિવ્યક્તિ કેટલી જુદી પડતી હતી!

શ્રીરામકૃષ્ણ : એક વખત કેટલાક શીખ ભક્તોએ મને કહ્યું : “ભગવાન તો કરુણામય છે.” મેં કહ્યું : “પણ આપણે એને દયાળુ શા માટે કહીએ? એ આપણો સર્જક છે અને તે આપણા પર દયા રાખે તેમાં નવાઇ શી છે? માતા પિતા તો પોતાનાં સંતાનોને પાળે પોષે છે જ ને! શું તમે એમને દયાળુ કહો છો કે? આપણે તો આપણી માગણીઓ પૂરી કરવા એના પર દબાણ લાવવું જોઇએ. બાળક માતા પાસે થોડા પૈસા માગે અને વારંવાર કહે કે ‘મા, મને બે પૈસા આપ. હું તને ઘૂંટણિયે પડીને માગું છું,’ તો મા એની આતુરતા જોઇને વધારે વખત એના આજીજીભર્યા તલસાટને સહન ન કરવાથી એને પૈસા આપી જ દે છે.”

સ્વામી વિવેકાનંદ : ભય ન જ હોવો જોઇએ, માગણવૃત્તિ પણ ન હોવી જોઇએ. મેળવવાની મહેચ્છા હોવી જોઇએ. સર્વોત્તમ વસ્તુ મેળવવાની ઇચ્છા! જગદંબાના સાચા ભક્તો તો સિંહ જેવા કઠોર, દૃઢ અને નિર્ભય જ હોય છે. આખી દુનિયા એકાએક તેમના ચરણો આગળ ધૂળ ભેગી ભળી જાય તો યે તેઓ અસ્વસ્થ થતા નથી. તમે જગદંબાને સાદ કરો. તમારો એકેય પોકાર સંભળાયા વગરનો નહિ રહે. યાદ રાખો, જગદંબા તો સર્વ શક્તિમયી છે એ તો પથ્થરોમાંથી પણ નેતાઓનું નિર્માણ કરી શકે છે.

પ્રવક્તા : શ્રીરામકૃષ્ણની બધા જ ધર્મોની સમાનતાની અને દરેક ધર્મ ઇશ્વર તરફ દોરી જાય છે એ વાતની સ્વામીજીએ પૂરી અનુભૂતિ કરી હતી. અલબત્ત આ વાતને તેમણે પોતાની અનોખી રીતે જ બતાવી છે.

સ્વામી વિવેકાનંદ : મસ્જિદોમાં થતી મુસલમાનોની બંદગી – નમાજમાં, પારસીઓની અગ્નિપૂજામાં, ખ્રિસ્તીઓના ક્રૂસ સમક્ષ ઘૂંટણિયે પડવામાં – બધે જ સ્થળે પરમાત્માની પ્રાપ્તિ અને પૂર્ણતાની અનુભૂતિ માટેના માનવ આત્માના પ્રયત્નો જ છે અને દરેકને પોતાના જન્મની પરિસ્થિતિ અને સંબંધોના સંદર્ભમાં એ ધર્મ પ્રાપ્ત થાય છે અને દરેક પ્રગતિને માર્ગે જાય છે, એવું જાણી સમજીને હિન્દુઓ તો દરેકેદરેક ઘર્મને સ્વીકારે છે.

જો કોઇ વૈશ્વિક ધર્મ હશે, તો એને સ્થળકાળનાં કોઇ બંધન હોય જ નહિ. એ તો ઇશ્વરની પેઠે સર્વવ્યાપક જ હશે, એનો સંદેશો સર્વવ્યાપક હશે, એનો સૂરજ કૃષ્ણ કે ક્રાઇસ્ટના અનુયાયીઓ ઉપર પ્રકાશતો રહેશે. સંતો અને પાપીઓ ઉપર એ પ્રકાશ સમાન હશે. એ માત્ર બ્રાહ્મણ, બૌદ્ધ, ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મ નહિ હોય, પણ આ બધાનો સરવાળો હશે. અને છતાંય પૂર્ણ વિકાસ માટેની ઘણી તકો અને બાજુઓ એમાં હશે. એની ઉદારતાની વિશાળ ભુજાઓમાં બધાં જ માનવો સમાશે. એ એવો ધર્મ હશે કે જેમાં ધર્મદ્રોહની સજા કે અસહિષ્ણુતાને ક્યાંય સ્થાન જ નહિ હોય. એ ધર્મ દરેક નર-નારીમાં રહેલી દિવ્યતાને પિછાણતો હશે.

પ્રવક્તા આમ, સ્વામી વિવેકાનંદે માનવને જ કેન્દ્રમાં મૂક્યો. કોઇ ગુરુ ને કે ધાર્મિક વડાને નહિ પણ દરેકે દરેક માનવને જ.

સ્વામી વિવેકાનંદ : જુનો ધર્મ કહેતો હતો કે જે ભગવાનને નથી માનતો તે નાસ્તિક છે. પણ નવો ધર્મ કહે છે કે જે માણસ ખુદને માનતો નથી, તે નાસ્તિક છે. મેં ઉપનિષદો સિવાય કોઇને ટાંક્યા નથી. અને ઉપનિષદોમાંથી પણ ફક્ત એ જ વિચાર લીધો છે – શક્તિ. વેદોનું અને વેદાન્તનું સારતત્ત્વ! બસ, આ એક શબ્દમાં બધું જ આવી જાય છે.

પ્રવક્તા : આ બધાંમાંથી જ વિશ્વવિખ્યાત શિકાગો પ્રવચન નીપજ્યું હતું.

શ્રીરામકૃષ્ણ : તમારાં ભાંડુઓ માટે પ્રેમની માત્ર વાતો જ ન કરો, પણ એનો અનુભવ કરો. ધર્મ અને સિદ્ધાંતો વિષે દલીલબાજી ન કરો. ધર્મ તો એક જ છે. બધી નદીઓ સાગરને જ મળે છે. તમે એ તરફ વહો અને બીજાને વહેવા દો, મોટું ઝરણું પોતાની રીતે વળાંક લે છે. પોતાની યાત્રામાં આવતા ઢાળ પ્રમાણે એ વહે છે. તેવી જ રીતે જાતિ, સમય, પ્રકૃતિ વગેરે પોતાનાં જુદાં જુદાં હોય છે. પણ એ બધું છે તો એક જ પાણી… બસ, આગળ વધો. આગળ તરફ ધસી રહો!

સ્વામી વિવેકાનંદ : અમેરિકાનાં મારો ભાઇઓ અને બહેનો! તમે મને આપેલા ઉષ્માભર્યા અને ભવ્ય સન્માનનો જવાબ આપવા મારી પાસે શબ્દો નથી. મારું હૃદય આનંદથી ઉભરાઇ રહ્યું છે. ધર્મોની જનેતા ભારતભૂમિને નામે અને કરોડો હિન્દુઓ – બધા જ વર્ગના અને બધા જ ધર્મના હિન્દુ લોકો વતી હું આપનો આભાર માનું છું. દુનિયાભરને સહિષ્ણુતાના અને વૈશ્વિક સ્વીકારના પાઠ શીખવનાર ધર્મનો હું પ્રતિનિધિ છું એનું મને ગૌરવ છે. અમે વૈશ્વિક સહિષ્ણુતામાં માનીએ છીએ, એટલું જ નહિ, અમે બધા જ ધર્મોને સાચા પણ માનીએ છીએ. મારા બાળપણની શરૂઆતથી જ જેને હું યાદ કરતો આવ્યો છું તેવી કેટલીક પંક્તિઓ આ માટે હું કહીશ; એ પંક્તિઓનું મેં શરૂઆતથી જ રટણ કર્યા કર્યું છે અને એ પંક્તિઓનું લાખો માનવોએ રોજબરોજ રટણ કર્યા કર્યું છે. જેવી રીતે જુદા જુદા જગ્યાએથી નીકળતાં જુદાં જુદાં ઝરણાં પોતાનું જળ સાગરમાં જ ભેળવી દે છે, તેવી જ રીતે હે પ્રભુ! વિવિધ વિચારો, વિવિધ વલણો દ્વારા માનવો વિવિધ વાંકાચૂંકા માર્ગે ભલે ચાલતા જણાતા હોય પણ છેવટે તો એ તને જ પામે છે.”

એક નાનકડી વારતા આ વિવિધતાના કારણનું ઉદાહરણ પૂરું પાડે છે : એક દેડકો એક કૂવામાં રહેતો હતો. એક વખત સાગરમાં રહેતો કોઈ બીજો દેડકો ક્યાંકથી આવીને તે કૂવામાં પડ્યો.

“તું ક્યાંથી આવે છે?”

“હું સાગરમાંથી આવું છું.”

“હેં? સાગર? એ કેવડોક મોટો છે? શું એ મારા આ કૂવા જેવડો મોટો હશે કે?” પહેલા દેડકાએ પૂછ્યું.

“મારા દોસ્ત, મહાસાગરને તે વળી તું તારા આ નાનકડા કૂવા સાથે તે કેમ સરખાવી શકે?”

“ઠીક ત્યારે”, કૂવામાંના દેડકાએ કહ્યું, “મારા કૂવા કરતાં તો કશું વધારે મોટું હોઇ શકે જ નહિ, આનાથી મોટું તે વળી શું હોય? આ તો જૂઠો છે! કાઢી મૂકો એને અહીંથી.”

હું હિન્દુ છું. હું મારા નાનકડા કૂવામાં બેસીને વિચારું છું કે આખી દુનિયા આ મારો નાનકડો કૂવો જ છે. ખ્રિસ્તી પણ પોતાના નાનકડા કૂવામાં જ છે અને મુસલમાન પણ પોતાના નાનકડા કૂવામાં જ છે. આપણી સંકુચિત દુનિયાની ભેદભાવવાળી દીવાલોને ભાંગી નાખવાના તમારા આ મહાન પ્રયત્નો માટે મારે તમારો આભાર માનવો જોઇએ. આજની આ પરિષદ પોતે જ ભગવદ્‌ગીતામાં નિરૂપાયેલા ભવ્ય ઉપદેશનું પ્રત્યક્ષ પ્રમાણ છે : “ગમે તે માણસ ગમે તે રૂપે મારી પાસે આવે તો પણ હું તેની પાસે પહોંચું છું. વિવિધ માર્ગે સર્વ માનવો મને મેળવવા મથામણ કરે છે. અને એ બધા જ છેવટે મને પામે છે.

સંપ્રદાયવાદ, પૂર્વગ્રહો અને એમાંથી જન્મતું ભયંકર ઝનૂન – આ બધું આ સુરમ્ય ધરતી પર લાંબા કાળથી ચાલ્યું આવે છે. એણે આ પૃથ્વીને હિંસાથી ભરી દીધી છે, એને વારંવાર લોહી નીંગળતી કરી મૂકી છે, એણે સંસ્કૃતિનો સર્વનાશ કરી દીધો છે. અને બધાં રાષ્ટ્રોને હતાશ કરી દીધાં છે. આ ભયંકર રાક્ષસો જો પેદા ન થયા હોત તો દુનિયાએ આજે જે વિકાસ કર્યો છે એના કરતાં અનેકગણો વિકાસ સાધી લીધો હોત.

હું ઉત્સુકતાભરી આશા સેવું છું કે આ પરિષદના માનમાં આજે સવારે વાગેલો ઘંટનાદ, બધા જ પૂર્વગ્રહો, બધાં જ ઝનૂનો, તલવારને જોરે કે કલમના જોરે થતા બધા જ ધાર્મિક હત્યાકાંડોનો મૃત્યુઘંટ બની રહો! એક જ લક્ષ્ય તરફ પોતાની રીતે ચાલતા સર્વ માનવોની દુર્ભાવનાઓ ખતમ થઇ જાઓ! ધરતીને ખૂણે ખૂણે આ ઉદ્ઘોષિત કરવાનું કાર્ય આપ માટે અનામત રખાયું છે કે, દરેક દરેક ધર્મમાં ઇશ્વર છે. અને લોકો એને વિવિધ નામે પોકારે છે, એ પોતે તો એક જ છે.

એ હિન્દુઓનું ‘બ્રહ્મ’ હોય, પારસીઓનો ‘અહુરમઝ્દ’ હોય, બૌદ્ધોના ‘બુદ્ધ’ હોય, યહૂદીઓના ‘યહોવા’ હોય, મુસલમાનોના ‘અલ્લાહ’ હોય, ખ્રિસ્તીઓના ‘સ્વર્ગમાં રહેતા પિતા’ હોય – ગમે તે હોય – તે તમને શક્તિ આપો કે જેથી તમે તમારા ઉમદા આદર્શોનો વિકાસ કરી રહો.

ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.