‘Complete works of Sister Nivedita’ Vol. 4, Pg. No. 295’પરથી આ લખાણ લીધું છે. શ્રી દુષ્યંત પંડ્યાનું આ ગુજરાતી અનુસર્જન સૌ ભારતવાસીઓને સાચી દેશદાઝ માટે પ્રેરશે — સં.
ભારતમાં યુગ પછી યુગ આવે છે અને, નવાં નવેદ્યો સાથે, નવાં ગૌરવો સાથે પોતાની પૂજા કરવા. મા ભારતી પોતાનાં સંતાનોને આહ્વાન કરે છે. આજે એ રાષ્ટ્રીયતાનું નૈવેદ્ય માગે છે. જે વીર પુત્રોનું એ જનનીએ પાલનપોષણ કર્યું છે તેમની પાસેથી એ ગૃહિણી આજે પુરુષાતન અને અજિંક્ય બળ માગે છે. આપણે એની સમક્ષ ખાંડાના ખેલ ખેલીએ એમ એ ઇચ્છે છે. આજે એ વીર જાતિની જનેતા બનવા ઝંખે છે. ‘હું ભૂખી છું’, એમ એ આજે રુદન કરે છે અને, લોકોના નૃપાલોનાં જીવનથી અને રક્તથી જ એનો ગઢ બચાવી શકાશે.
આવો મુકુટધારી નૃપાલો, આવો! ઊઠ, મહાપ્રજા, ભાવિના રાષ્ટ્ર, ઊઠ! તને બાંધી રાખતા કફનવસ્ત્રને ફગાવી દે.
એક માણસ લોકોને દોરે તે યુગ ભારતમાં પૂરો થઈ ગયો છે. અર્વાચીન જગતમાં આજે એવી સ્થિતિ પ્રવર્તે છે કે, સૌએ એક વિચારને નમવું ઘટે. જૂના જગતમાં એક રાજાને અનેક પ્રજાજનો નમતા. નવા જગતે દરેક વ્યક્તિને રાજવી બનાવેલ છે. પરંતુ રાજાની જવાબદારી સાથે, ભવિષ્યને ઘડવાની એની સત્તા સાથે, આજનો મનુષ્ય સિંહાસનોને ડોલાવે તેવો એક વિચાર, રાજમુકુટનું પતન અને ઉત્થાન કરનાર એક કાનૂન આજનો મનુષ્ય શીખે એ આવશ્યક છે. એ કાનૂન છે દેશના અને લોકોના કલ્યાણના વિચારનો.
રાષ્ટ્રીયતાનું આહ્વાન આમ જન્મ્યું છે. આપણી પ્રજાના વડવાઓએ, આપણી ભૂમિના દેવોએ પંખીઓના કૂજનને આ આહ્વાન આપ્યું હતું, આજના કાળમાં સમગ્ર પ્રજાને એ આપે છે.
અમારી સંગમાં રહેજે, અમે તારી વરણી કરી છે,
ઊભો રહેજે સુદૃઢ અને અડગ,
બધા લોકો તારી જ ઇચ્છા કરો,
તમને જકડી રાખતાં બંધનો તમે તોડો!
કફનને ફેંકી દો – મૃત્યુ બંધને તોડો – ઊઠો!
જેને મૃત્યુ પામ્યે દીર્ઘકાળ વીત્યો છે તેનો સળવળાટ શબનું આચ્છાદન આઘું કરીને જુઓ. સમય થથરે છે. સંધ્યા પોતે મૂંગી, ભયભીત ઊભી છે. યુગો પૂર્વે વિલીન થઈ ગયેલાં રાષ્ટ્રો પોતાની નિદ્રામાં ડૂસકાં ભરતાં રડે છે. આપણી ચોમેર દરેક દિશાએથી ભૂતકાળના સાદ સંભળાય છે. ‘ઊઠો! જાગો!’
ચૂપ! મૃતકોના આ ઉદ્યાનમાં સૂર્યાસ્તનાં અંતિમ લાંબાં કિરણો ઉષ:કાળનાં પ્રથમ કિરણોમાં પરિવર્તિત થઈ રહ્યાં છે. સૂર્યાસ્તની વેળા તો ક્યારનીયે વીતી ગઈ છે. આપણો શોક પૂરો થયો છે. દિવસ ઊગી રહ્યો છે. નવયુગ ઊઘડી રહ્યો છે અને, માને સ્વમુખેથી જ આપણે રાજાને અપાતાં વૈદિક આશીર્વચન સાંભળીએ:
‘તારા રાજ્યનું પતન ન થાઓ,
અહીં સુદૃઢ રહે અને તારું પતન ન થાઓ,
અડગ પર્વત સમો તું બન,
ઇન્દ્રની માફક અહીં સુદૃઢ થા,
અને તારા રાજ્ય પર તારી આણ પ્રવર્તો.’
પ્રજા સાર્વભૌમ બને, પ્રજાની આણ વર્તે એ રાષ્ટ્રવાદનો સાદ છે.
Your Content Goes Here




