. શ્રીરામકૃષ્ણ નિર્દેશ અનુસાર વ્રત પૂરું કરતાં સંઘ સ્થાપીને કામ કરવાનો વિચાર ક્યારે સ્વામી વિવેકાનંદ પાસેથી ખુલ્લી રીતે જાણવા મળેલો?

૧૮૯૪-૯૫ની સાલથી.

. કેવી રીતે સ્વામી વિવેકાનંદના વિચારોની જાણ થયેલી?

અમેરિકા-ઇંગ્લેંડમાંથી ગુરુભાઈઓ ઉપર, તેમ જ આલાસિંગા, કિડિ વગેરે મદ્રાસી શિષ્યો ઉપર સ્વામીજીએ લખેલા પત્રોમાંથી આ જાણવા મળેલું.

. સ્વામીજીએ ક્યારે અને ક્યાં રામકૃષ્ણ મિશનની પ્રતિષ્ઠા કરેલી?

૧૮૯૭ની સાલ ૧લી મેએ કલકત્તામાં શ્રીરામકૃષ્ણના ભક્ત બલરામ બસુના ઘરમાં, બીજા માળના હૉલમાં.

. બલરામ બસુના ઘરનું લોકોમાં પ્રચલિત નામ અને હાલનું ઠેકાણું શું છે?

બલરામમંદિર. ૭, ગિરિશ ઍવન્યુ, બાગબજાર, કલકત્તા ૭૦૦૦૦૩.

. સંસ્થા સ્થાપવામાં આવી ત્યારે કોણ કોણ ત્યાં હાજર હતું?

સ્વામી બ્રહ્માનંદ, સ્વામી યોગાનંદ, સ્વામી પ્રેમાનંદ પ્રમુખ, શ્રીરામકૃષ્ણના અનુયાયીઓનો વૃંદ, ગિરિશ ઘોષ, માસ્ટાર મશાય, અને શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્યો ત્યાં હાજર હતા.

. ‘ઘણા દેશોમાં ફર્યા બાદ હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે સંઘ વિના કોઈ મોટું કામ કરવું શક્ય નથી. જેને નામે આપણે સંન્યાસી થયા છીએ, જેમને તમે જીવનનો આદર્શ માની સંસારમાં રહીને પણ કાર્યક્ષેત્રમાં જોડાયેલા છો, જેમના મૃત્યુ પછી ૨૦ વર્ષમાં પૂર્વ અને પશ્ચિમના દેશોમાં જેમનું પુણ્ય નામ અને અદ્‌ભુત જીવનનું આશ્ચર્ય સઘળે પ્રસાર થયું છે, સંઘ તેમને નામે સ્થાપવામાં આવશે. આપણે પ્રભુના દાસ છીએ. તમે કામમાં સહાયતા આપશો.’ કોણે કહ્યું હતું અને ક્યારે?

રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ ત્યારે સ્વામી વિવેકાનંદે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

. ‘શ્રી શ્રી મા રામકૃષ્ણદેવનાં સહધર્મિણી હતાં તેથી તમે એમને ગુરુપત્ની તરીકે માનો છો? પરંતુ તેઓ ફક્ત તે નથી, આપણો જે સંઘ બનવાનો છે, તેના તે રક્ષાકર્ત્રી, પાલનકારિણીતે આપણા સંઘની જનની છે.’ શબ્દો કોણે, ક્યારે, કોને કહેલા?

સ્વામી વિવેકાનંદે બલરામ મંદિરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ તે દિવસે ત્યાં ઉપસ્થિત સંન્યાસી અને ગૃહસ્થ ભક્તો સમક્ષ આ કહેલું.

. રામકૃષ્ણ મિશનનો આદર્શ શું છે?

‘શિવજ્ઞાન દ્વારા જીવની સેવા’ તેમ જ ‘આત્મનો મોક્ષાર્થ જગદ્ધિતાય ચ’

. રામકૃષ્ણ મિશનની કાર્યપ્રણાલી ક્યારે ગ્રહણ કરવામાં આવેલી?

૧૮૯૭ની સાલમાં ૫મી મેએ મિશનની ત્યાર પછીની સભામાં.

૧૦. રામકૃષ્ણ મિશનનો ઉદ્દેશ શું છે?

મનુષ્યના હિત માટે શ્રીરામકૃષ્ણે જે બધાં તત્ત્વોની વ્યાખ્યા આપેલી અને પોતાના કર્મો દ્વારા જીવનમાં તેનું પ્રતિપાદન કરેલું, તેનો પ્રચાર અને તે ઉપરાંત મનુષ્યની દૈહિક, માનસિક અને પારમાર્થિક ઉન્નતિ માટે તે તત્ત્વોનો પ્રયોગ કરવામાં આવે – આમાં મદદરૂપ બનવું એ જ રામકૃષ્ણના મિશનનો ઉદ્દેશ છે.

૧૧. રામકૃષ્ણ મિશનનું વ્રત શું છે?

જગતના સઘળા ધર્મમતોને એક શાશ્વત સનાતન ધર્મના રૂપાન્તરમાત્રના જ્ઞાનથી બધાજ ધર્માવલંબન કરનારાઓ વચ્ચે આત્મીયતા સ્થાપવા માટે શ્રીરામકૃષ્ણે જે પ્રારંભિક પ્રયાસ કરેલો, તેનું પરિચાલન કરવું એ જ છે મિશનનું વ્રત.

૧૨. મિશનની સામાન્ય કાર્યપ્રણાલી શું છે?

મનુષ્યની સાંસારિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે વિદ્યાદાન કરી શકે એવી લાયક વ્યક્તિઓને શિક્ષણ આપવું, શિલ્પ અને શ્રમ દ્વારા જીવનનિર્વાહ કરવા ઉત્સાહ પ્રેરવો, તેમ જ વેદાન્ત અને બીજી જે ધર્મભાવનાઓ શ્રીરામકૃષ્ણ પોતાના જીવનમાં વ્યક્ત કરેલી તેનો જનસમાજમાં પ્રચાર કરવો.

૧૩. મિશનની ભારતમાં કાર્યપ્રણાલી શું છે?

પ્રત્યેક શહેરમાં આચાર્યના વ્રત લેવા ઈચ્છતા ગૃહસ્થ અથવા સંન્યાસીઓને શિક્ષણ આપવા આશ્રમની સ્થાપના કરવી, તથા જેથી તેઓ દેશ વિદેશ જઈ લોકોને શિક્ષણ આપી શકે તેનો માર્ગ શોધવો.

૧૪. મિશનની વિદેશમાં કાર્યપ્રણાલી શું છે?

વ્રતધારીઓને પરદેશ મોકલવા અને જે દેશોમાં આશ્રમની સ્થાપના થઈ છે તે આશ્રમો સાથે ભારતના આશ્રમ સમૂહની ઘનિષ્ટતા તથા સહાનુભૂતિમાં વધારો કરવો, અને સાથે સાથે નવા આશ્રમોની સ્થાપના કરવી.

૧૫. રામકૃષ્ણ મિશન ઍસોસિયેશનની સ્થાપના થઈ તે દિવસે બીજા ક્યા પ્રસ્તાવો ગ્રહણ કરવામાં આવેલા?

બીજા બે પ્રસ્તાવો ગ્રહણ કરવામાં આવેલા : (૧) મિશનનું લક્ષ્ય અને આદર્શ કેવળ માત્ર આધ્યાત્મિક અને સેવાનો ભાવ છે, તેથી રાજકારણ સાથે તે કોઈ પ્રકારનો સંબંધ નહિ રાખે. (૨) આ ઉદ્દેશો સાથે જેઓ સહાનુભૂતિ ધરાવે, અથવા તો જેઓ વિશ્વાસ રાખે છે કે શ્રીરામકૃષ્ણદેવનો જગતમાં કોઈ વિશેષ કાર્ય કરવા આવિર્ભાવ થયો હતો, તેઓ આ મિશનના સભ્ય બની શકે છે.

૧૬. ઍસોસિયેશનના પ્રથમ પ્રમુખ કોણ હતા?

સ્વામી વિવેકાનંદ.

૧૭. ઍસોસિયેશનના પ્રારંભમાં પરિચાલકવૃન્દમાં કોણ કોણ હતા?

કલકત્તા કેન્દ્રના પ્રમુખ સ્વામી બ્રહ્માનંદ અને ઉપપ્રમુખ સ્વામી યોગાનંદ, સંપાદક નરેન્દ્રનાથ મિત્ર, સહસંપાદક ડૉ. શશીભૂષણ ઘોષ અને શરત્‌ચંદ્ર સરકાર, શાસ્ત્ર પાઠ કરનાર શરત્‌ચંદ્ર ચકવર્તી.

૧૮. રામકૃષ્ણ મિશનની પ્રથમ સામાન્ય સભાનું ક્યારે અને ક્યાં અનુષ્ઠાન થયેલું? સભાના પ્રમુખ કોણ હતા?

૧૮૯૭ની સાલમાં ૯મી મેએ બાગબાજારમાં, બલરામમંદિરમાં. સ્વામી બ્રહ્માનંદ.

૧૯. પહેલાં ત્રણ વર્ષ રામકૃષ્ણ મિશનની સભા ક્યાં મળતી હતી?

બલરામ મંદિરમાં.

૨૦. રામકૃષ્ણ મિશનના પ્રથમ કાર્યાલયની સ્થાપના ક્યાં, ક્યારે અને કોણે કરેલી?

બેલુર મઠ; ૧૮૯૮ની સાલમાં ૯મી ડિસેમ્બરે. સ્વામી વિવેકાનંદ.

૨૧. રામકૃષ્ણ મિશનને ક્યા કાયદા હેઠળ ક્યારે રજિસ્ટર કરવામાં આવેલું?

વેસ્ટ બેંગોલ સૉસાયટીઝ રજિસ્ટ્રેશન ઍક્ટ ૧૮૬૦ હેઠળ રામકૃષ્ણ મિશનને રજિસ્ટર્ડ કરવામાં આવેલું. ૧૯૦૯ની સાલમાં ચોથી મેએ.

૨૨. રામકૃષ્ણ મિશનનું રજિસ્ટ્રેશન થયું ત્યારે પ્રથમ કાર્યવાહક સમિતિના કેટલા સભ્યો હતા? તેઓનાં નામ આપો.

૨૦ જણ : (૧) સ્વામી બ્રહ્માનંદ (૨) અદ્વૈતાનંદ, (૩) શારદાનંદ, (૪) પ્રેમાનંદ, (૫) શિવાનંદ, (૬) અખંડાનંદ, (૭) ત્રિગુણાતીતાનંદ, (૮) સુબોધાનંદ, (૯) અભેદાનંદ, (૧૦) તુરીયાનંદ, (૧૧) શુદ્ધાનંદ, (૧૨) બોધાનંદ, (૧૩) આત્માનંદ, (૧૪) સચ્ચિદાનંદ, (૧૫) વિરજાનંદ, (૧૬) અચલાનંદ, (૧૭) મહિમાનંદ, (૧૮) શંકરાનંદ, (૧૯) ધીરાનંદ, (૨૦) નિર્ભયાનંદ.

૨૩. રજિસ્ટ્રેશન થયા બાદ રામકૃષ્ણ મિશનના પ્રથમઑફિસ બૅરરકોણ કોણ હતા?

અધ્યક્ષ – સ્વામી બ્રહ્માનંદ, ઉપાધ્યક્ષ – સ્વામી અદ્વૈતાનંદ, જનરલ સૅક્રેટરી – સ્વામી શારદાનંદ, કોષાધ્યક્ષ – સ્વામી પ્રેમાનંદ, હિસાબરક્ષક – સ્વામી શુદ્ધાનંદ

૨૪. રામકૃષ્ણ મિશનનું પ્રથમ રાહત સેવાકાર્ય કોણે, ક્યારે અને ક્યાં કર્યું હતું?

સ્વામીજીના ગુરુભાઈ સ્વામી અખંડાનંદે ૧૮૯૭ની સાલમાં ૧૫મી મેએ મુર્શિદાબાદ જિલ્લાના મહૂવા ગામમાં.

૨૫. સ્વામી વિવેકાનંદે મદ્રાસની શાખા માટે કોને મોકલ્યા હતા? તેમની સાથે કોણ હતું?

મદ્રાસમાં આઇસ રોડ ઉપર એક ભાડાના મકાનમાં શાખા કેન્દ્રની સ્થાપના કરવા, સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુભાઇ સ્વામી રામકૃષ્ણાનંદને ૧૮૯૭ની સાલમાં માર્ચ મહિનામાં મોકલ્યા હતા. તેમની સાથે હતા સ્વામીજીના શિષ્ય સ્વામી સદાનંદ.

૨૬. મદ્રાસના શાખા કેન્દ્રનું પહેલાં શું નામ હતું, અને હાલમાં તેનું નામ શું છે?

પહેલાં હતું – રામકૃષ્ણ હોમ. પછીથી તેનું નામ પડ્યું શ્રીરામકૃષ્ણ મઠ, મયલાપુર, મદ્રાસ.

૨૭. રામકૃષ્ણ મિશનનું પ્રથમ શાખા કેન્દ્ર કોણે, ક્યાં, તેમ ક્યારે સ્થાપેલું? પછીથી તેનું સ્થળાન્તર કરી તેની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?

મુર્શિદાબાદમાં મહૂવા ગામમાં ૧૮૯૭ની સાલમાં, ઑગસ્ટ મહિનામાં. સ્વામી અખંડાનંદે તેની સ્થાપના કરેલી. હવે તે છે સારગાછીમાં.

૨૮. રામકૃષ્ણ મિશનની પ્રથમ અંગ્રેજી માસિક પત્રિકાનું નામ શું હતું? તેના પ્રથમ સંન્યાસીસંપાદક કોણ હતા?

‘પ્રબુદ્ધ ભારત’. સ્વામીજીના શિષ્ય સ્વામી સ્વરૂપાનંદ

૨૯. ‘પ્રબુદ્ધ ભારતક્યાં, ક્યારે, કોની દેખરેખ નીચે અને કોના સંપાદન કાર્ય હેઠળ પ્રથમ પ્રકાશિત થયેલું? અત્યારે કેટલા સમયથી, અને ક્યાંથી પ્રકાશિત થાય છે?

મદ્રાસમાં ૧૮૯૬ની સાલના જુલાઈ માસમાં ડૉ. નાન્જુન્દા રાવના તત્ત્વાવધાન હેઠળ તેમ જ બી.આર.રાજમ આયરના સંપાદન હેઠળ તેનું પ્રકાશન થયું હતું. ૧૮૯૮ની સાલથી માયાવતી અદ્વૈત આશ્રમમાંથી તેનું પ્રકાશન થાય છે.

૩૦. ‘પ્રબુદ્ધ ભારતપહેલાં સ્વામીજીએ ક્યારે, કઈ અંગ્રેજી પત્રિકાનું પ્રકાશન કરેલું? પત્રિકાની સઘળી જવાબદારી કોની હતી?

૧૮૯૫માં ‘બ્રહ્મવાદિન’ પત્રિકા મદ્રાસના શિષ્ય, આલાસિંગા પેરૂમલની જવાબદારી હેઠળ પ્રકાશિત થતું હતું.

૩૧. રામકૃષ્ણ મિશનનું પ્રથમ બંગાળી માસિક, તેમ તેના સંપાદકનું નામ શું હતું? ક્યારે અને ક્યે સ્થળેથી તે પ્રકાશિત થયું હતું?

‘ઉદ્‌બોધન’, સ્વામી ત્રિગુણાતીતાનંદ. ૧૮૯૯ની સાલમાં જાન્યુઆરી માસમાં. ૧૪, રામચન્દ્ર મિત્ર લેન, કમ્બુલિતલા, કલકત્તા.

૩૨. ‘ઉદ્બોધનઅનેપ્રબુદ્ધ ભારતઉપરાંત રામકૃષ્ણ મિશનની બીજી કઈ પત્રિકાઓ છે? તેનાં નામ શું છે?

તેર પત્રિકાઓ.

(૧) વેદાન્ત કેસરી (૨) બુલેટિન ઑફ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયુટ ઑફ કલ્ચર (૩) વેદાન્ત ફૉર ઈસ્ટ ઍન્ડ વેસ્ટ (૪) ગ્લોબલ વેદાન્ત (૫) નિર્વાણ (૬) વિવેક જ્યોતિ (૭) સમાજ શિક્ષા (૮) શ્રીરામકૃષ્ણ વિજયમ્ (૯) રામકૃષ્ણ પ્રભા (૧૦) પ્રબુદ્ધ કેરલમ (૧૧) વેદાન્ત (૧૨) જીવન વિકાસ (૧૩) શ્રીરામકૃષ્ણ જ્યોત.

૩૩. પત્રિકાઓ કઈ કઈ ભાષામાં પ્રકાશિત થાય છે?

અંગ્રેજી, હિન્દી, બંગાળી, તામિલ, તેલુગુ, મલયાલમ, મરાઠી, ફ્રેન્ચ, ગુજરાતી.

૩૪. કઈ કઈ જગ્યાએથી પત્રિકાઓ પ્રકાશિત થાય છે?

મદ્રાસ, કલકત્તા, લંડન, વૉશિંગ્ટન, સિંગાપુર, રાયપુર, નરેન્દ્રપુર, ત્રિચુર, નાગપુર, પૅરિસ, રાજકોટ.

૩૫. રામકૃષ્ણ મિશનનું પ્લેગને લગતું પ્રથમ રાહત કાર્ય કઈ સાલમાં, કોના નેતૃત્વ હેઠળ થયેલું?

૧૮૯૯માં ૩૧મી માર્ચે. ભગિની નિવેદિતાના નેતૃત્વ હેઠળ કલકત્તાના બાગબજારમાં.

૩૬. રામકૃષ્ણ મિશનનું પ્રથમ શિક્ષણ પ્રતિષ્ઠાનનું ક્યારે, કોણે અને ક્યાં ઉદ્ઘાટન કરેલું?

૧૮૯૮ની સાલમાં, ૧૩મી નવેમ્બરે, કલકત્તાના બાગબજારમાં. શ્રીમા શારદાદેવીએ.

૩૭. શિક્ષણ સંસ્થાનના ઉદ્ઘાટનને દિવસે કોણ કોણ હાજર હતાં?

સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શારદાનંદ, ભગિની નિવેદિતા.

૩૮. પ્રથમ શિક્ષણની સંસ્થાનું નામ શું હતું? પ્રથમ સંસ્થાનું કાર્ય ચલાવનાર કોણ હતાં? પછીથી સંસ્થાને ક્યું નામ આપવામાં આવેલું? હાલમાં કોણે સંસ્થા ચલાવવાની જવાબદારી ઉઠાવી છે?

રામકૃષ્ણ વિદ્યાલય ફૉર ગર્લ્સ. ભગિની નિવેદિતા. રામકૃષ્ણ મિશન ભગિની નિવેદિતા ગર્લ્સ સ્કૂલ. હાલમાં દક્ષિણેશ્વર રામકૃષ્ણ શારદા મિશન તેનું સંચાલન કરે છે.

૩૯. રામકૃષ્ણ મઠમિશનમાં હાલમાં શિક્ષણને લગતી કેટલી સંસ્થાઓ છે?

૨,૯૫૯, જેમાં ૨,૬૩૯ અનૌપચારિક શિક્ષણ કેન્દ્રો છે.

૪૦. રામકૃષ્ણ મઠમિશનના ક્યાં ક્યાં મુખ્ય મુખ્ય પ્રકાશન કેન્દ્રો છે? કઈ કઈ ભાષાઓમાં પ્રકાશનો થાય છે?

કલકત્તા અદ્વૈત આશ્રમ, ઈન્સ્ટિટયુટ ઑફ કલ્ચર, ગોલપાર્ક, ઉદ્‌બોધન, નરેન્દ્રપુર, બેલધરિયા કલકત્તા વિદ્યાર્થી આશ્રમ દ્વારા બંગાળી, અંગ્રેજી, હિન્દી, અને મદ્રાસ – રામકૃષ્ણ મઠ, મયલાપુર – દ્વારા અંગ્રેજી, તામિલ, તેલુગુ ઓરિસ્સા – ભુવનેશ્વર – ઉડિયા. ગુજરાત – રાજકોટ – ગુજરાતી. મહારાષ્ટ્ર – નાગપુર – મરાઠી. કેરાલા – ત્રિચુર – મલયાલમ. કર્ણાટક – બેંગલોર – કન્નડ. ફ્રાન્સ – ગ્રેટ્સ – પૅરિસ – ફ્રેન્ચ. આર્જેન્ટિના – બુયનસ – આયરેસ. અમૅરિકા – ન્યુયૉર્ક, હૉલિવુડ, સૅન્ટ લુઈ – અંગ્રેજી.

૪૧. રામકૃષ્ણ મિશનમઠમાં કુલ કેટલા ગ્રંથાગારો છે.

૧૦૦થી પણ અધિક.

૪૨. રામકૃષ્ણ મઠમિશનની કેટલી ઈસ્પિતાલો છે? તેમાં કેટલી પથારીઓની વ્યવસ્થા છે, અને ધર્માદાના દવાખાનાની સંખ્યા કેટલી છે?

૧૪ હૉસ્પિટલોમાં, પથારીઓની સંખ્યા ૨૦૬૧ છે. ૭૮ ધર્માદાનાં દવાખાનાં છે.

૪૩. આદિવાસીઓ માટે તેમ ગ્રામ્યસેવા માટે, રામકૃષ્ણમિશન મઠનાં હરતાં ફરતાં દવાખાનાં કેટલાં છે?

૨૫.

૪૪. રામકૃષ્ણ મિશનનું નર્સો માટેનું ટ્રેનિંગ સૅન્ટર તેમજ રિસર્ચ સૅન્ટર ક્યાં આવેલું છે?

કલકત્તામાં સેવા પ્રતિષ્ઠાનમાં, ઉત્તરપ્રદેશમાં લખનૌમાં, વૃન્દાવનમાં, અરુણાચલમાં ઈટાનગરમાં; કેરલમાં ત્રિવેન્દ્રમમાં, ‘વિવેકાનંદ ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ’ નામે રિસર્ચ સૅન્ટર (કેન્દ્ર) છે.

૪૫. રામકૃષ્ણ મિશનની ટી.બી. હૉસ્પિટલ ક્યાં છે?

રાંચીમાં. ન્યુ દિલ્હીમાં પણ ટી.બી. કિ્લનિક છે.

૪૬. રામકૃષ્ણ મિશનના મુખ્યત્વે ક્યાં ક્યાં કેન્દ્રો ગામડાંઓમાં તેમ આદિવાસી વિસ્તારોમાં સેવા બજાવી રહેલાં છે?

અરુણાચલમાં – ઈટાનગર, અલંગ તેમ જ નરોત્તમનગરમાં. મેઘાલયમાં – શિલાઁગ તેમ જ ચેરાપુંજિમાં. બિહારમાં – દેવધર, જમશેદપુર, મોરાબાદી રાંચીમાં. મધ્યપ્રદેશમાં – નારાયણપુર તામિલનાડુમાં -કોઈમ્બતુર, મદ્રાસ સ્ટુડન્ટસ હોમ, ચિંગલપટુ, નટરામપલ્લી. કેરાલામાં – કાલાડી, ત્રિચુર. કર્ણાટકમાં – માઈસોર, બેંગલોર. ગુજરાતમાં – રાજકોટ, મહારાષ્ટ્રમાં મુંબઇ- સાકોવાર, ઓરિસ્સામાં – ભુવનેશ્વર, પુરી. ત્રિપુરામાં – આમતલી. આન્ધ્રપ્રદેશમાં – વિશાખાપટનમ્. ચંડીગઢ. પશ્ચિમ બંગાળમાં – નરેન્દ્રપુર, શારદાપીઠ, રામહરિપુર, સારગાછી, પુરૂલિયા, કામારપુકુર, જયરામવાટી, મનસાદ્વીપ, સરિષા, ચંડીપુર.

૪૭. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં રામકૃષ્ણ મઠમિશનના બહુમુખી સેવાકાર્યોની સંખ્યા કેટલી છે?

મહાવિદ્યાલય-૨; શિક્ષક શિક્ષણ કેન્દ્ર-ર, ઉચ્ચ અને માધ્યમિક વિદ્યાલય – ૧૭, ઈન્સ્ટિટયુટ ઑફ ઍગ્રિકલ્ચર – ૪, અન્ધજન માટે વિદ્યાલય – ૧, વૉકેશનલ ટ્રેનિંગ સૅન્ટર – ૧૬, છાત્રાલય – ૪૪, નૉન ફૉર્મલ શિક્ષણ કેન્દ્ર, રાતે ચાલતી નિશાળો વગેરે – ૨,૬૧૮, જુદી જુદી જાતની સંસ્થાઓ – ૮૯, ઈસ્પિતાલો – ૬, ધર્માદાના દવાખાનાં – ૩૯, ‘મોબાઈલ’ દવાખાનાં – ૨૫, ગ્રન્થાગાર – ૫૪, ઑડિઓ વિઝયુઅલ યુનિટ- ૧૧, સસ્તાં – ભાડાનાં મકાનો – ૩૮.

૪૮. આખી દુનિયામાં રામકૃષ્ણ મઠ અને મિશનની કેટલી શાખાઓ છે?

૧૩૭.

૪૯. પરદેશમાં રામકૃષ્ણ મઠમિશનની સંખ્યા કેટલી છે? ક્યા ક્યા દેશોમાં તે છે?

૩૪. બાંગ્લાદેશ, શ્રીલંકા, જાપાન, સિંગાપુર, ફિજી, મોરિશિયસ, સ્વીટ્ઝરલૅન્ડ, કૅનૅડા, આર્જેન્ટિના, ફ્રાન્સ, નૅધરલૅન્ડ, રશિયા, ઇંગ્લેંડ, અમેરિકા.

૫૦. રામકૃષ્ણ મિશનના ક્યાં ક્યાં કેન્દ્રોમાં સ્ત્રીઓ માટે પણ પ્રવૃત્તિઓ ચાલે છે?

સેવા પ્રતિષ્ઠાન, (કલકત્તા) વૃન્દાવન, ત્રિવેન્દ્રમ્, ઈટાનગર, ખેતડી, વારાણસી સેવાશ્રમ, મદ્રાસ શારદા વિદ્યાલય, જમશેદપુર, સરિષા, મદ્રાસ મઠ. તે ઉપરાંત ઘણાં કેન્દ્રોનાં વિદ્યાલયોમાં સહશિક્ષણની પણ વ્યવસ્થા છે. કુલ વિદ્યાર્થિનીઓની સંખ્યા ૬૦,૩૩૮ છે તે સિવાય રાહત કાર્યમાં, ઈસ્પિતાલોમાં, ધર્માદાના દવાખાનાંઓમાં, ગામડાના ઉદ્ધારના કાર્યમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ ભાગ લે છે.

૫૧. રામકૃષ્ણ મઠમિશનના પ્રતીક (emblem)નું વર્ણન કરો.

દરિયાના મોજાંઓ કર્મની વ્યાખ્યા કરે છે; કમળનું ફૂલ ભક્તિની; ઉગતો સૂર્ય જ્ઞાન પ્રકાશક છે; સાપ યોગ અને જાગ્રત કુન્ડલિની શક્તિનો પરિચય આપે છે; હંસ પરમાત્માનું પ્રતીક છે; કર્મ ભક્તિ, જ્ઞાન, અને યોગના મિલન દ્વારા પરમાત્માનાં દર્શન મળે છે.

૫૨. શું રામકૃષ્ણ મિશન એક સમાજસેવી સંસ્થા છે?

ના, રામકૃષ્ણ મિશન સંપૂર્ણરૂપે એક આધ્યાત્મિક સંસ્થા છે. બધી સેવાઓ ‘શિવજ્ઞાનથી જીવ સેવા’ના આદર્શથી કરવામાં આવે છે.

૫૩. ક્યા ક્યા વિષયોમાં રામકૃષ્ણ મિશને ભારતમાં કામ કરેલું છે?

(૧) રાહત અને પુનર્વસવાટ, (૨) લોકશિક્ષણ (Mass Education) (૩) યન્ત્ર શિક્ષણ (Technical education) (૪) તદ્દન ભારતીય રીતે સ્ત્રીશિક્ષણ (૫) સ્ત્રીઓ માટે જુદી સંન્યાસિની સંસ્થાઓ તેમ જ સ્ત્રીઓને સંન્યાસ વ્રતદાન કરવાનું કાર્ય (૬) પતિતા અભિનેત્રીઓને સન્માન આપવાનું (૭) અસ્પૃશ્યતા નિવારણ (૮) આદિવાસીઓનો ઉદ્ધાર (૯) ગામડાંઓનો ઉદ્ધાર (૧૦) અનાથ આશ્રમ (ભારતની રીતિ અનુસાર) (૧૧) ઝુંપડપટ્ટીઓમાં સુધારા કરવા (૧૨) ઉપનિષદ અને શાસ્ત્રોના ગ્રંથોનો અંગ્રેજી તથા જુદી જુદી ભાષાઓમાં અનુવાદ, (૧૩) બંગાળી સાહિત્યમાં વ્યવહારની ભાષાનો પ્રયોગ (૧૪) માતાઓ માટે સેવાસદન પ્રસૂતિ ગૃહ (૧૫) ખેતી સુધારવા યંત્રોનો પદ્ધતિસર ઉપયોગ થાય તે માટે પ્રયોગ કરવા (૧૬) શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદના પુસ્તકો ધાર્મિક પુસ્તકો છે તેમ છતાં તેને સાહિત્યિક પુસ્તકોનું સ્થાન-અપાવવું (૧૦) મનુષ્યની સેવા માટે અસંખ્ય સેવા- સંસ્થાઓની સ્થાપના તેમ જ તેઓને પ્રેરણા આપવાનું (૧૮) યુવા શક્તિને ભારતની ઉન્નતિ તેમ જ જનસાધારણની સંર્વાંગી ઉન્નતિ માટે આહ્‌વાન (૧૯) મૂર્તિશિલ્પ અને ચિત્રકળામાં ભારતની પરંપરાને પ્રોત્સાહન આપવું (૨૦) પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે મિલનનો સેતુ રચવો.

૫૪. રામકૃષ્ણ મિશનમાં કેટલાં, ક્યારે અને ક્યાં મહાસમ્મેલનો અને યુવા સમ્મેલનો થયાં હતાં?

બે. ૧૯૨૬ અને ૧૯૮૦માં ભક્તો અને અનુગામીઓનું મહાસમ્મેલન. ૧૯૮૫ની સાલમાં યુવકોનું મહાસમ્મેલન, બેલુર મઠમાં.

૫૫. રજિસ્ટર્ડ થયા પછી મિશનમાં અત્યાર સુધી કેટલા અધ્યક્ષ થઈ ગયા છે? તેઓનાં નામ આપો.

(૧) સ્વામી બ્રહ્માનંદ (૨) સ્વામી શિવાનંદ (૩) સ્વામી અખંડાનંદ (૪) સ્વામી વિજ્ઞાનાનંદ (૫) સ્વામી શુદ્ધાનંદ (૬) સ્વામી વિરજાનંદ (૭) સ્વામી શંકરાનંદ (૮) સ્વામી વિશુદ્ધાનંદ (૯) સ્વામી માધવાનંદ (૧૦) સ્વામી વીરેશ્વરાનંદ (૧૧) સ્વામી ગંભીરાનંદ (૧૨) હાલમાં સ્વામી ભૂતેશાનંદ.

૫૬. શરૂઆતથી અત્યાર સુધી મિશનના જનરલ સૅક્રેટરી કેટલા હતા? તેમનાં નામ આપો.

(૧) સ્વામી શારદાનંદ (૨) સ્વામી શુદ્ધાનંદ (૩) સ્વામી વિરજાનંદ (૪) સ્વામી માધવાનંદ (૫) સ્વામી વીરેશ્વરાનંદ (૬) સ્વામી ગંભીરાનંદ (૭) સ્વામી વન્દનાનંદ (૮) સ્વામી હિરણ્મયાનંદ (૯) સ્વામી ગહનાનંદ (૧૦) સ્વામી આત્મસ્થાનંદ (૧૧) હાલ સ્વામી સ્મરણાનંદ.

૫૭. અત્યારે મિશનના ઉપાધ્યક્ષો કેટલા છે? તેમનાં નામ આપો.

ત્રણ. સ્વામી રંગનાથાનંદ, સ્વામી ગહનાનંદ અને સ્વામી આત્મસ્થાનંદ.

૫૮. અત્યારે મિશનની કાર્યવાહક સમિતિ (Governing Body) માં કેટલા સદસ્યો છે?

૨૦.

ભાષાંતર : ઉમા રાંદેરિયા

Total Views: 405

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.