૧૩૭. એક દિવસ કેશવચંદ્ર સેન દક્ષિણેશ્વરને મંદિરે શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘ધાર્મિક ગ્રંથોનો ભંડાર આખો વાંચી કાઢ્યો હોવા છતાં, આધ્યાત્મિક જીવનમાં અગત્યની બધી બાબતોથી જ્ઞાનીઓ આટલા અજાણ કેમ જોવા મળે છે?’ શ્રીરામકૃષ્ણે ઉત્તર વાળ્યો, ‘સમડી અને ગીધ હવામાં ખૂબ ઊંચે ઊંડે પણ, બધો વખત એમની દૃષ્ટિ ઉકરડાના ઢગ પર પડેલાં જાનવરોનાં શબ પર મંડાયેલી રહે છે; એ જ રીતે, ધાર્મિક બાબતોના એમના જ્ઞાન છતાં, આ કહેવાતા જ્ઞાનીઓનાં મન, સંસારી પદાર્થોને વળગેલાં રહે છે ને તેથી, તે લોકો સાચું જ્ઞાન પામી શકતા નથી.’

૧૩૮. મનહૃદયને વિશુદ્ધ કરે તે જ સાચું જ્ઞાન. બીજું બધું અજ્ઞાન.

૧૩૯. કેવળ પોથીશાનથી શું વળે? પંડિતો ઘણા શાસ્ત્રગ્રંથો અને શ્લોકો જાણતા હોય પણ, એના પોપટપાઠથી શું વળે? શાસ્ત્રોમાં મૂર્ત થયેલાં સત્યોનો સાક્ષાત્કાર પોતાના જીવનમાં કરવો જોઈએ. આપણે સંસારને વળગેલા છીએ ત્યાં સુધી, કામિની-કાંચનનું આકર્ષણ છે ત્યાં સુધી, માત્ર વાચન જ્ઞાન કે મોક્ષ આપી શકે નહીં.

૧૪૦. આપણા કહેવાતા પંડિતો વાતો મોટી કરે છે. એ બ્રહ્મ, ઈશ્વર, નિર્ગુણ બ્રહ્મ, જ્ઞાનયોગ, ફિલસૂફી અને તત્ત્વદર્શન અને એવી બીજી અનેક બાબતો વિશે તેઓ વાત કરે છે. પણ પોતે જે કહેતા હોય છે તેનો સાક્ષાત્કાર કર્યો હોય એવા બહુ થોડા હોય છે. બીજા સૌ લુખ્ખા ને સૂકા છે અને નકામા છે.

૧૪૧. ‘સા,રે,ગ,મ,પ,ધ,નિ,’ મોંએથી બોલવું સહેલું છે પણ, એક વાજિંત્ર ઉપર તે સ્વર કાઢવા કઠણ છે. એમ‌ જ ધર્મ વિશે વાત કરવી સરળ છે, એનું આચરણ કઠિન છે. 

૧૪૨. પોપટ આખો દિવસ ‘રાધાકૃષ્ણ’ રટ્યા કરે છે પણ, જેવો બિલાડીથી પકડાયો કે ‘કેં, કેં’ ક૨વા લાગે છે ને પોતાનો મૂળ સ્વભાવ પ્રગટ કરી દે છે. સંસારી લોકો ઘણી વાર ‘હરિ-હરિ’ બોલતા હોય છે અને સંસારી લાભની આશાએ ધર્મ-દયાનાં કામ કરે છે પરંતુ દુર્ભાગ્ય, વિપત્તિ, ગરીબાઈ અને મૃત્યુના પંજામાં ફસાય છે ત્યારે ઈશ્વરને અને આવાં બધાં કાર્યને ભૂલી જાય છે.

૧૪૩. ધર્મગ્રંથો વાંચીને પ્રભુપ્રેમ પ્રાપ્ત કરી શકાય? પંચાંગમાં લખ્યું હોય છે કે અમુક દિવસે આટલો વરસાદ વરસશે પણ પંચાંગને નીચોવો તો એક ટીપુંયે પડવાનું નથી! એ જ રીતે, ધર્મગ્રંથોમાં ઘણાં સુવાક્યો લખેલાં હોય છે પણ, એના માત્ર વાચનથી ધાર્મિક બનાતું નથી. આવા ગ્રંથોમાં પ્રબોધેલા ગુણો પ્રમાણે આચરણ ક૨વાથી ઈશ્વરને પામી શકાય.

૧૪૪. ઈશ્વરના દરબારમાં તર્ક, બુદ્ધિ અને વિદ્વત્તાનું કશું ઉપજતું નથી. ત્યાં મૂંગા બોલે છે, આંધળા ભાળે છે અને બહેરા સાંભળે છે.

૧૪૫, શાસ્ત્રો વાંચી ઈશ્વર વિશે સમજાવવા નીકળવું એ નક્શો જોઈને વા૨ાણસી વર્ણવવા સમાન છે.

૧૪૬. હજાર વાર ‘ભાંગ,ભાંગ’ બોલવાથી કંઈ ભાંગનો નશો ચડતો નથી. થોડીક ભાંગ પેદા કરો, એને ઘૂંટો, એકરસ કરો, પછી પીઓ ત્યારે એ ચડે. ‘પ્રભુ, પ્રભુ!’ એમ મોટેથી બોલ્ટે શું વળે? નિયમિત ભક્તિસાધના કરો અને તમે પ્રભુને પામશો.

૧૪૭. વિદ્યા કે ધનનો ગર્વ હોય તેને ઈશ્વરજ્ઞાન થતું નથી. આવા માણસને તમે કહો, ‘અમુક જગ્યાએ એક સંત છે, એના દર્શને આવવું છે?’ પણ એ ભાઈ તો બહાનાં જ કાઢવાના. એવા લોકો પાસે જવા માટે પોતે ઘણો મહાન છે એમ કહી એ નહીં જાય. આવો ગર્વ અજ્ઞાનનું ફળ છે.

(- ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી સાભાર)

Total Views: 309

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.