* પ્રેરણાની ભાગીરથી *
* સ્વામી વિવેકાનંદ : જીવન ચરિત્ર. *
મૂલ્ય: રૂ. ૪૦-૦૦ પાકું રૂ. ૩૫-૦૦ કાચું
પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.
પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દીને શુભ અવસરે રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમે પ્રકાશિત કરેલ ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’નું આ બીજું પુસ્તક પાંચમું સંસ્કરણ જુએ છે એ આનંદની વાત છે.
સાડા ત્રણસો પાનાનું આ પુસ્તક સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રનું પ્રેરક આલેખન કરે છે.
ઉપલક દૃષ્ટિએ જોઈએ તો આખી જીવનકથા વિરોધાભાસી છે. બાળપણમાં ચંચળવૃત્તિ નિર્દેશતાં ખૂબ વિવિધ તોફાનો અને બાળવયથી જ ધ્યાનમાં જાતને ભૂલી જવાની વૃત્તિ; સીતારામની માટીની મૂર્તિ બનાવી ભાવપૂર્વક તેનું પૂજન કરવું અને રામ ગૃહસ્થાશ્રમી હતા એ ‘જ્ઞાન’ થતાં એ મૂર્તિનો ત્યાગ; જન્મ જાત ઊંડી આધ્યાત્મિકવૃત્તિ, અને પાશ્ચાત્ય શિક્ષણ હેઠળ મનમાં ઉદ્ભવેલી અજ્ઞવાદિતા (અગ્નોસ્ટિસિઝમ); શ્રીરામકૃષ્ણ પ્રત્યે આકર્ષાવું અને તે છતાં પ્રથમ મિલનને અંતે, એ ‘પાગલ’ માણસથી દૂર રહેવા વિચારવું; એ મિલનને અંતે શ્રીરામકૃષ્ણને “એકાંગી વિચારના પાગલ” માનવા અને છતાંય એમના ત્યાગની મહત્તા સ્વીકારવી, આ પ્રથમ અને પછીના મિલનોએ શ્રીરામકૃષ્ણના સાન્નિધ્યમાં અદ્ભુત ધન્યતાનો અનુભવ થયા છતાંય એમને ગુરુ તરીકે સ્વીકારવામાં ઢીલ અને ગુરુની લોકોત્તરતા વિષે શંકાશીલતા; ગુરુના નિર્વાણકાળ સુધી જવાબદારી સ્વીકારવાની જોરથી ના જ પાડ્યા કરવી અને પછી તે પદનો, વિનમ્રભાવે સ્વીકાર; એક અજ્ઞાત, અકિંચન, અનધિકૃત પ્રતિનિધિ તરીકે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં જવું અને ત્યાં પ્રથમ સંબોધને જ દિગ્વિજયી થવું; પ્રચંડ બુદ્ધિ શક્તિ અને તર્કશક્તિના સ્વામી હોવા છતાં અંતરથી ભક્ત હોવું : આવા અનેક વિરોધોથી એ મહાન સૂર્ય સમા પુરુષનું જીવન ભરેલું હતું.
હિંદુઓનો જ એક મોટો વર્ગ હિંદુ ધર્મ પ્રત્યે નફરત ધરાવતો થઈ ગયો હતો અને બીજી તરફ હિંદુ ધર્મ તદ્દન બંધિયાર બની ગયો હતો : હિંદુ ધર્મ પરની આ બંને આપત્તિઓમાંથી ધર્મને બચાવી, સર્વધર્મ પ્રત્યે આદરની, એની ઉદારતા તરફ સંકુચિત ધર્મગુરુઓનું ઘર આંગણે અને વિશ્વધર્મ પરિષદના મંચ ઉપરથી જગતના ચોકમાં, સૌનું ધ્યાન દોરી, હિંદુધર્મની, વેદાંતની પ્રતિષ્ઠા કરવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું હતું. શ્રીરામકૃષ્ણ મઠની અને શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના કરી સંન્યાસને નવો વળાંક તેમણે આપ્યો હતો. મહાત્મા ગાંધીજીએ અપનાવેલો ‘દરિદ્રનારાયણ’ શબ્દ સ્વામી વિવેકાનંદે આપ્યો હતો. એટલું જ નહીં, પરંતુ દરિદ્રોની, દલિતોની, પતિતોની, સ્ત્રીઓની સેવા અને તેમના ઉદ્ધારમાં પ્રથમ પગલાં પણ તેમણે ભર્યાં હતાં. દેશમાં અને વિદેશમાં તેમણે અથાગ અને અવિરત પ્રયાસો કર્યા હતા, પ્રવચનો કર્યાં હતાં, વર્ગો ચલાવ્યા હતા, તે એટલી હદ સુધી કે એમનું કસાયેલું, સુદૃઢ શરીર સાવ ભાંગી પડ્યું અને કેવળ ઓગણચાલીસ વર્ષે સ્વામીજી મહાસમાધિમાં લીન થઈ ગયા.
સ્વામીજીની જન્મશતાબ્દી નિમિત્તે પ્રકાશિત કરેલી ગ્રંથમાળાના આ બીજા ભાગમાં (પ્રથમ ભાગમાં શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવન ચરિત્ર છે) સ્વામીજીનું જીવન ચરિત્ર આપવામાં આવ્યું છે. એક લોકોત્તર પુરુષની, દિગ્વિજય જગદ્ગુરુની, ભક્ત હૃદયી જ્ઞાનયોગીની, પરમહિતકારી સંતની, દીનબંધુ લોકસેવકની, આધ્યાત્મિક ક્રાંતિના જનકની અને નવજાગૃતિના, દેદીપ્યમાન નાટકની આ કથા પુણ્યસલિલા, પતિતપાવની ભાગીરથી જેવી છે. એમાં નિમજ્જન કરનાર ધન્ય બને છે. આવી પાવક કથા સુલભ કરી આપવા બદલ પ્રકાશક, અનુવાદક, દાનવીર સૌને અભિનંદન.
-દુષ્યત પંડ્યા
GLIMPSES OF GREAT LIVES
The Vedanta Society of New York
Swami Tathagatananda Price Rs. 40-00
અંગ્રેજી ભાષામાં લખાયેલ ઉપરોક્ત પુસ્તક અમુક મહાપુરુષો અને મહાન સ્ત્રીઓનાં જીવનનું આછેરું દર્શન છે. અમુક વ્યક્તિઓનાં રૈખિક ચિત્રો દ્વારા એ મહાનુભાવોનો આંચલિક પરિચય આ પુસ્તકમાં જોવા મળે છે.
અશાંતિ અને અજંપા વચ્ચે જીવતી માનવજાત માટે આ પુસ્તક સંજીવનીનું કામ કરશે એ નિર્વિવાદ છે.
ઈ.સ. ૧૯૬૬ થી ૧૯૮૯ વચ્ચેના ગાળામાં પ્રસિધ્ધ થયેલા આ લેખો ‘પ્રબુધ્ધ ભારત’, ‘વેદાંત કેસરી’, ‘ભવાન્સ જર્નલ’, ‘બ્રહ્મવાદિન’ અને ‘યુવાભારતી’ જેવાં સુપ્રસિધ્ધ સામયિકોમાં સ્થાન પામેલા.
આ લેખો શ્રીમા શારદાદેવી, શ્રીરામકૃષ્ણદેવ, સ્વામી વિવેકાનંદજી, ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધી, મહર્ષિ અરવિંદ જેવી અનેક વિભૂતિઓ, સ્વદેશી તેમજ પરદેશીના આંતર-બાહ્ય વ્યક્તિત્વનો આપણને ખ્યાલ આપે છે, તો સિસ્ટર નિવેદિતા, સિસ્ટર ક્રિસ્ટીન, મેડમ કાલ્વે જેવાં અદ્ભુત સ્ત્રીપાત્રોનો પરિચય પણ કરાવે છે.
આધ્યાત્મિક આભાથી વિભૂષિત, વિનમ્ર સેવા ભાવથી સજ્જ, સમર્પણ અને સેવાથી સુશોભિત મહાપુરુષો અને મહાન સ્ત્રીઓનાં આ રેખાચિત્રો અંગ્રેજી જાણતા સર્વે ભાઈઓ-બહેનોએ વાંચવા જેવાં, વાંચીને જીવનમાં ઉતારવા જેવાં છે.
સ્વામી તથાગતાનંદજી પાસે જીવનનું દર્શન છે, સરલ-પ્રવાહી શૈલી છે, સુંદર રજૂઆત છે અને રોચક માહિતી છે.
આ પુસ્તકના છેલ્લા બે લેખો ચરિત્રાત્મક નહીં પણ અન્ય વિષયક છે. “The Refuge’ અને “Poverty of Thinking’ ચિંતનાત્મક લેખો તો સૌએ સાથે બેસી વાગોળવા જેવા છે.
ગંગામૈયા જેવી પવિત્ર લોકમાતાને આ પુસ્તક અર્પણ કરી સ્વામીજીએ આપણા ભવ્ય વારસાને આપણી સમક્ષ તાદૃશ્ય કરી દીધો છે.
આવું મજાનું પુસ્તક હાથવગું હોય અને આપણે વાંચીએ નહીં એ તો કલ્પતરુ નીચે રહી ભૂખ્યા રહેવા જેવું બને.
– ક્રાંતિકુમાર જોશી
Your Content Goes Here




