પ્રવર્તમાન ત્વરિત આવશ્યક્તાને પ્રતિસાદ આપતું પુસ્તક

(Vedanta : In the context of modern science by Swami Mukhyananda, Published by Bharatiya Vidya Bhavan, Mumbai, pages 306, Price Rs.250, First Edition, 1997)

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના વરિષ્ઠ સંન્યાસીઓ પૈકીના શ્રીમુખ્યાનંદજી મહારાજે આ પુસ્તકમાં સમકાલીન માગ – વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયની માગ-ને સરસ પ્રતિસાદ આપ્યો છે. શ્રીરામકૃષ્ણ સંઘ સાથેના તેમના ૬૦ વરસના લાંબા અને ઘનિષ્ઠ સંપર્ક દરમિયાન તેમને આ આધ્યાત્મિક્તા અને વિજ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળી હતી. આ અભ્યાસમાં તેમણે વિજ્ઞાન અને આધ્યાત્મિક્તાની ઉચ્ચતર સીમાઓ તેમજ અંતિમ સત્-તત્ત્વની ખોજ માટે તે બન્નેના અભિગમો તપાસવાનો તેમણે પ્રયત્ન કર્યો. આ વિષય પર તેમણે જુદાં જુદાં સામયિકોમાં ઘણા બધા લેખો પણ લખ્યા છે. આના ફળ રૂપે આ પુસ્તક જન્મ્યું છે. કારણ કે એ લેખોમાંથી ઘણા ખરા લેખો આ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. આ બધા લેખો પ્રસ્તુત વિષયની વિવિધ બાજુઓની અચ્છી છણાવટ કરે છે.

આ પુસ્તકને સાત પ્રકરણોમાં વહેંચવામાં આવ્યું છે. તદુપરાંત એક વિસ્તૃત પ્રસ્તાવના તેમજ પાંચ મહત્ત્વનાં પરિશિષ્ટોનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રસ્તાવનામાં કૃતજ્ઞભાવે પોતાના રામકૃષ્ણ સંઘ સાથેના સંબંધને યાદ કરી ત્યાં મળેલી તુલનાત્મક અભ્યાસની તક ઝડપવાની વાત કરી છે. એ અભ્યાસમાં તેમણે વૈજ્ઞાનિકો અને વિખ્યાત વેદાન્તીઓની લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. અને તેમની સાથે વેદાન્ત અને વિજ્ઞાનના સમન્વયની ચર્ચા નિર્દેશી છે.

ભૂમિકાના પ્રથમ પ્રકરણમાં ગ્રીક અને ભારતીય માનસની તુલના કરીને વેદાન્ત અને આધુનિક વિજ્ઞાનની વાત કરી છે. અને વિશ્વ તરફના આપણા દૃષ્ટિકોણને બદલવા પર ભાર મૂક્યો છે. તેમજ વેદાન્ત અને આધુનિક સમસ્યાઓ, ભારતના આધ્યાત્મિક પ્રયોગો, સાચા વિશ્વધર્મની આવશ્યક્તા, વેદાન્ત અને વિજ્ઞાનનો સમન્વય – વગેરે બાબતો ચર્ચા છે.

બીજા પ્રકરણમાં લેખક વેદાન્તનું સ્વરૂપ સમજાવે છે. એની સંભાવનાઓ સૂચવે છે. વેદાન્તની વિશ્વની ઉત્ક્રાંતિની પ્રક્રિયા, માનવીય વ્યક્તિત્વ, શારીરિક અને માનસિક ઉત્ક્રાન્તિ, જીવન, બ્રહ્મ, આત્મા, ચેતના અને ઈશ્વરનું સ્વરૂપ, યોગની વ્યવહારુ પદ્ધતિઓ, સાક્ષાત્કાર અને એવા બીજા અનેક વિષયોની ચર્ચા કરી છે.

ત્રીજા પ્રકરણમાં વેદાન્તની કેટલીક બાજુ સાથે વિજ્ઞાનની તુલના કરી છે. આ પ્રકરણમાં લેખકની સંશોધન વૃત્તિ અને ગહન ચિંતન વરતાય છે.

ત્યાર પછીના ચોથા પ્રકરણમાં સંશોધન અને તારણમાં વૈજ્ઞાનિક, બૌદ્ધિક, તર્કબદ્ધ અને પ્રયોગક્ષમ અભિગમને મહત્ત્વ અપાયું છે. ભારત અને પશ્ચિમના અભિગમોનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું છે.

પાંચમા પ્રકરણમાં વેદાન્ત અને વિજ્ઞાનના આભાસી વિરોધનું ખંડન કરવામાં આવ્યું છે. આ ચર્ચા ઘણી લંબાણપૂર્વક દાખલા દલીલો સાથે કરવામાં આવી છે. સત્યની અનેક બાજુઓ હોવાની વાત સરસ રીતે સમજાવાઈ છે.

છઠ્ઠું પ્રકરણ સાંખ્યદર્શન, આધુનિક પાશ્ચાત્ય વિજ્ઞાન અને અદ્વૈત વેદાન્તનું તુલનાત્મક અધ્યયન રજૂ કરે છે. અને સાતમું પ્રકરણ પણ જાણે કે એ જ વિષયની ચર્ચા આગળ વધારીને પશ્ચિમી અર્વાચીન વિજ્ઞાન સાથે અદ્વૈત વેદાન્તની સરખામણી ચાલુ રાખે છે.

આ પુસ્તક સાથે છેલ્લે જોડેલાં છ પરિશિષ્ટોમાં આ ગ્રન્થના વિષયના સંદર્ભમાં કેટલાક વૈજ્ઞાનિકો સાથે આપ લે થયેલા પત્રો, સુષ્ટિ-પ્રક્રિયાનો એક આલેખ તેમજ એક મહત્ત્વની નોંધ વગેરે સમાવાયાં છે.

આમ આ પુસ્તક સંશોધકો, જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓ માટે સંગ્રહણીય બન્યું છે. પુસ્તક અંગ્રેજીમાં લખાયેલ હોવા છતાં અહીં એનો પરિચય આપવાનો હેતુ કોઈ ગુજરાતી સાક્ષરને આના ગુજરાતી અનુવાદ માટે પ્રેરિત કરવાનો છે.

પુરતકનાં બાહ્ય રૂપરંગ આકર્ષક નથી. બાઈન્ડીંગ ઢીલું અને વધારે ખોલતાં પાનાં છૂટાં પડી જવાનો ભય રહે છે. તેના પ્રમાણમાં પુસ્તકનું મૂલ્ય પણ થોડું વધારે લાગે છે. પુસ્તકની ઓછી ખપતને કારણે કદાચ મૂલ્ય વધારે રાખવું પડતું હશે.

પુસ્તક એક વાર અવશ્ય વાંચી જવા લાયક તો ખરું જ

– શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 196

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.