Meditation on Swami Vivekananda
By Swami Tathagatananda
પ્રકાશક:
વેદાંત સોસાયટી ઑફ ન્યુયોર્ક,
(યુ.એસ.એ.)
ભારતમાં વિતરકઃ
શ્રીરામકૃષ્ણ મઠ, મયલાપુર, મદ્રાસ-૬૦૦ ૦૦૪
કિંમત: રૂ. ૫૦/-

સ્વામી તથાગતાનંદજીના એક પુસ્તકનો પરિચય આપણે સૌએ આ પહેલાં એક વાર કર્યો છે. અંગ્રેજી ભાષા પરનું એમનું અસાધારણ પ્રભુત્વ આપણું મન હરી લે છે. એમની રજૂઆત અત્યંત સરલ અને વિષયની છણાવટ તો જાણે તેજપુંજની પ્રસાદી! પહેલાં તો, “મેડિટેશન ઑન સ્વામી વિવેકાનંદ” શીર્ષક વાંચી આશ્ચર્ય થયું. સ્વામીજી અને ધ્યાન, સ્વામીજીના ‘ધ્યાન’ વિષયક વિચારો? નહિ, એવું કશું જ નહિ. સ્વામીજીના જીવન પર અલપઝલપ દૃષ્ટિપાત નહીં પરંતુ એમનાં જીવન ૫૨ એકચિત્ત ધ્યાન. મંદિરમાં આપણે આપણા ઈષ્ટ દેવનું ધ્યાન ધરીએ છીએ. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન બુદ્ધ કે ભગવાન રામકૃષ્ણનું ધ્યાન ધરી આપણે એમની સાથે તાદાત્મ્ય સાધવા પ્રયાસ કરીએ છીએ. એવું જ કંઈક આ પુસ્તકમાં બતાવાયું છે.

સ્વામીજીનું જીવન તો મહાસાગર. મહાસાગરને કિનારે ઊભા રહી છબછબીયાં બોલાવવાથી તો છીપલાં જ હાથમાં આવે. મહાસાગરમાં ઊંડે સુધી ડૂબકી મારનારા મરજીવાઓને સાચાં અણમોલ મોતીની પ્રાપ્તિ થાય છે. પ્રસ્તુત પુસ્તકમાંથી, સ્વામીજીના જીવનનાં વિવિધ પાસાંઓ દ્વારા આપણને અણમોલ, રંગબેરંગી મોતીની પ્રાપ્તિ થાય છે.

રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ સ્વામી શ્રી ભૂતેશાનંદજી મહારાજ એમના ‘પ્રાક્-કથન’માં લખે છે, “સ્વામી વિવેકાનંદ જેવી વિભૂતિ પૃથ્વી ઉ૫૨ વારંવાર નથી આવતી. એમનું જીવન અને કવન તદ્દન સીધું-સાદું હોય છે છતાં તે એટલું પ્રગલ્ભ અને શક્તિશાળી હોય છે કે, એ વ્યક્તિના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે. પ્રસ્તુત પુસ્તકમાં, સ્વામી વિવેકાનંદ અને એમના વિચારોને સમજવાનો અને પ્રેરણા પ્રાપ્ત કરવાનો લેખકનો પ્રયાસ છે.’’ લેખકે આ રીતે સમાજની મોટી સેવા કરી ગણાય.

સ્વામી વિવેકાનંદજીનું સંક્ષિપ્ત જીવન તથા પચીસ પ્રકરણોનાં બસો સાઠ પાનામાં વિસ્તાર પામેલ પ્રસ્તુત પુસ્તક સ્વામીજીનાં જીવનનાં તેજસ્વી પાસાંઓનો આપણને પરિચય કરાવે છે.

સિસ્ટર નિવેદિતા લખે છે, ‘‘સ્વામીજીના જીવન સંગીતના ત્રણ મુખ્ય સૂર – શાસ્ત્રો, ગુરુ અને માતૃભૂમિ હતા.” એમાંથી હંમેશાં સંવાદી અને સુમધુર સંગીત જ વહ્યું છે.

જીવાત્મા અને પરમાત્મામાં ૫૨મચૈતન્યના વિલાસની વાત કરવામાં આવી છે. શ્રીરામકૃષ્ણદેવનો અનુભવ પણ ટાંકવામાં આવ્યો છે, “કાલીમાતાના મંદિ૨માં એક વખત ‘મા’એ મને બતાવ્યું કે જડ, ચેતન, સારું, નઠારું આ બધામાં મારો જ વાસ છે. બધું જ ચૈતન્યસભર છે.’’

હિંદુ ધર્મમાં ઈશ્વરની સંકલ્પનામાં, માનવ માત્રને ઈશ્વરની કૃતિ સમજવી, માનવ એ તો ઈશ્વરનું જંગમ મંદિર એ જાતની ભાવનાની વાત કરવામાં આવી છે.

‘વેદાંતના સિદ્ધાંતો’, ‘વેદાંત અને સ્વામીજી’, ‘વેદાંતનું વ્યાવહારિક પાસું’ આ બધાં પ્રકરણો પુસ્તકને ગૌરવ આપનારાં છે. માત્ર ભારતમાં જ નહિ પરંતુ ૫રદેશમાં પણ વેદાંતનું સ્વાગત દિલ-દિમાગથી ક૨વામાં આવ્યું છે. એનો જશ માત્ર સ્વામીજીને જ આપી શકાય. વેદાંતના પ્રેમી અને ભક્ત સ્પેઈનના – જે મેસ્કારો એ વેદાંતને ”Himalayas of the Soul” કહી બિરદાવ્યું છે. તો જર્મન ફિલસૂફ શોપનહોરે, ભવિષ્યની પેઢી માટે વેદાંત એ પ્રેરણા અને પરમપ્રકાશના સ્રોતસમ બની રહેશે એમ વિશ્વાસપૂર્વક કહ્યું છે. ‘It has been the solace of my life, it will be the solace of my death.’

વેદાંત એ અપૌરુષેય છે એના ઉપર સ્વામીજી ખાસ ભાર મૂકે છે. ઉપનિષદો આપણને અભયનું વરદાન આપે છે. અભય એ જ જીવન, ભય એ મૃત્યુ.

‘‘ધર્મ, ધર્મની મુક્તિ, વૈશ્વિક ધર્મ” જેવાં પ્રકરણોમાં ધર્મ વિષેનો સાચો ખ્યાલ શો છે, વૈશ્વિક ધર્મ શું છે એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને સ્વામીજીએ કેટલી સાહજિકતાથી ધર્મની અત્યંત સરળ વ્યાખ્યા આપી છે! ”Religion is the manifestation of the divinity already in man.”

‘વિશ્વ ધર્મ પરિષદ ૫૨ સ્વામીજીની અસર’ પ્રકરણ પણ ખૂબ જ અસરકારક બન્યું છે. ‘હિન્દુ ધર્મ’ એ સર્વ ધર્મોની માતા છે અને એ જ ધર્મે વિશ્વને સહનશીલતા અને સર્વસ્વીકૃતિના પાઠ ભણાવ્યા છે. સ્વામીજીની વાણીનો અવિરત પ્રવાહ ઝીલ્યા પછી, અમેરિકાની સર્વોચ્ચ કક્ષાની કવયિત્રી શ્રીમતી વ્હીલર વીલકોક્સ બોલી ઊઠ્યાં, ‘‘સ્વામીજીની દિવ્ય વાણી લાંબા સમયથી તરસથી પીલાતા લોકો માટે તાજા-ઠંડા જળ સમાન હતી.’’

‘માનવ વિકાસ’, ‘ભક્તિયોગ’, ‘મર્મી-સ્વામી વિવેકાનંદ’, ‘સ્વામીજી અને મૅડમ કાલ્મે’ ‘સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારી’, ‘કેળવણી’, ‘સ્વામીજીની ‘મા’ પ્રત્યેની ભક્તિ’, ‘અસ્તિત્વવાદ અને સ્વામીજી’, ‘ભગવાન બુદ્ધ અને સ્વામીજી’ વગેરે પ્રકરણોમાં સ્વામીજીની આર્ષદૃષ્ટિ અને સંનિષ્ઠાનો આપણને ખ્યાલ આવે છે.

સ્વામી તથાગતાનંદજીએ પ્રસ્તુત પુસ્તક દ્વારા સ્વામી વિવેકાનંદજીની આંતર બાહ્ય છબી સુરેખપણે ઉપસાવી છે. એને માટે આપણે શ્રીતથાગતાનંદ સ્વામીના ઋણી છીએ.

અંગ્રેજી ભાષાના વાચકો માટે તો આ પુસ્તક જ્ઞાનપ્રસાદી રૂપ બની રહે એમ છે.

– ક્રાંતિકુમાર જોશી

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.