“શ્રીરામકૃષ્ણ અને શ્રી શારદામણિ”
(લેખિકા : જ્યોતિબહેન થાનકી, પ્રકાશક : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, પૃ.સં. ૧૧૬, મૂલ્યઃ રૂા. ૬૦/- પ્રથમ આવૃત્તિ : ૧૯૯૭)
હરિ ૐ આશ્રમ પ્રેરિત શ્રી આનંદશંકર બાપુભાઇ ધ્રુવ સ્મારક સર્વધર્મ દર્શન પ્રકાશન અંતર્ગત, સંતદર્શન શ્રેણીનું આ તેરમું પુસ્તક છે. “ભારતની મહાન વિભૂતિઓના જીવનથી નવી પેઢી પરિચિત થાય, પોતાના જીવન ઘડતર માટે પ્રેરણા અને માર્ગદર્શન મેળવે”– આવા શુભ આશયથી યુનિવર્સિટીએ આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી શ્રી શ્રીમા શારદામણિનું જીવન – આલેખન કરતાં ભાવવિભોર બની ગયાં છે. ૧૧૬ પૃષ્ઠોમાં તો પૂજ્ય માની માત્ર ઝાંખી નહિ, પણ સમગ્ર જીવનનું દર્શન કરાવી આપણને કૃતકૃત્ય બનાવે છે.
પુસ્તિકાનો પ્રારંભ જ અસરકારક રીતે થાય છે. “મા, મા, આજનો દિવસ નકામો ગયો. તેં હજીય દર્શન ન આપ્યાં.” આવું કહેતા દક્ષિણેશ્વરના કાલીમંદિરના પૂજારી ગદાધર માની મૂર્તિ સમક્ષ ચોધાર આંસુએ રડી રહ્યા છે – ધ્યાનસ્થ બની ગયા છે. શ્રીરામકૃષ્ણની કાલી માટેની કેવી અનન્ય ઝંખના હશે? પુસ્તક વાંચવાની પ્રેરણા જાગે એ રીતે ચરિત્રની શરૂઆત કરી લેખિકાએ અડધી બાજી જીતી લીધી છે.
ઍડમન્ડ ગૉસ જીવન ચરિત્રને “જીવનયાત્રામાં પ્રગટ થતા આત્માની સાચી છબી” કહે છે. બધાં ચરિત્રો અને ચરિત્ર લેખકો માટે આ સાચું ન પણ હોય. ચરિત્રકાર સત્યનું પ્રચ્છાદન, અલ્પોક્તિ કે અતિશયોક્તિ કરશે એવો ભય સતાવતો હોય છે. અહીં એ ભય રહેતો નથી. શ્રી જ્યોતિબહેન પૂજ્ય શ્રી માના જીવનનું યથાતથ્ય દર્શન કરાવે છે. એટલું જ નહિ, પરંતુ આપણા આદ્ય વિવેચકોમાંના એક શ્રી નવલરામે ચરિત્ર નિર્માણકાર પાસે ચાર ગુણોની અપેક્ષા રાખી છે : શોધ, સત્ય, વિવેક અને વર્ણનશક્તિ. શ્રી જ્યોતિબહેન શ્રીરામકૃષ્ણ – શ્રીશારદામણિના જીવન ચરિત્ર આલેખનમાં આ સમતુલા જાળવી શક્યાં છે. જીવન-ચરિત્રની એક વ્યાખ્યા પ્રમાણે તે છે – માનવ આત્માના વિકાસનું વૃત્તાંત. અહીં શ્રીરામકૃષ્ણ – શારદામણિ જેવા બે મહાન આત્માની વિકાસગાથા સ-રસ રીતે આલેખાઇ છે.
સાદી સીધી ગ્રામ્ય બાલિકા શારદામાંથી શ્રીરામકૃષ્ણદેવનાં ‘લીલાસહધર્મચારિણી’ બન્યાં તેને આપણે જીવનનો પૂર્વાર્ધ ગણીએ. શ્રી ઠાકુરે પોતાની જીવનલીલા સંકેલી લીધી ત્યાર બાદ પોતાના રત્ન જેવા ભક્ત પુત્રોની કાળજી રાખતાં વિશ્વવંદ્ય પૂજ્ય મા શારદા બન્યાં તે તેનો ઉત્તરાર્ધ ગણી શકીએ. અહીં પરબ્રહ્મ શક્તિ જાણે એક થઇ ગયાં છે. કલ્યાણદાયી જગદંબા ભગવતી ત્રિપુરા સુંદરી માનવ દેહમાં પ્રતિષ્ઠિત થઈને રહે છે.
જયરામવાટીમાં માતાપિતાના સાન્નિધ્યમાં લાડકોડમાં ઉછેર, ઉંમરમાં ઘણો મોટો તફાવત છતાં શ્રીરામકૃષ્ણ સાથે લગ્ન, કામારપુકુરમાં શ્વસુરગૃહે પતિ અને પરિવારની સેવા, અતિ કષ્ટ વેઠી પતિને મળવા દક્ષિણેશ્વર તરફ પ્રયાણ, ડાકુને પિતા તરીકે સંબોધી કરેલું હૃદય પરિવર્તન, દક્ષિણેશ્વરની નાનકડી ઓરડીમાં કઠિન જીવનચર્યા છતાં ઠાકુરની ઉપસ્થિતિમાં મળતો આનંદ – આ બધા પ્રસંગોના નિરૂપણમાં લેખિકાની ક્લમ ભાવવિભોર બની જાય છે. વળી મા किं प्रभाषेत किं आसीत वज्रेत किं નો પણ ખ્યાલ આપે છે.
લેખિકા શબ્દચિત્રો સ-રસ ઊભાં કરી શકે છે. જુઓ સાત વર્ષની શારદાની સેવાનું એક ચિત્ર : “શ્રીશારદામણિએ શ્રીરામકૃષ્ણને બાજોઠ ૫૨ બેસવા કહ્યું. પછી હાથમાં રહેલી થાળીને નીચે મૂકીને તેમાં એમના ચરણો મૂક્યા. પછી પોતાના જમણા હાથમાં રહેલા જલપાત્રમાંથી જલધારા વહાવી પોતાના બીજા નાનકડા હાથથી ધીમે ધીમે એ ચરણો ધોયા અને એ ચરણામૃત મસ્તક પર ચઢાવ્યું. થોડું પોતાના મુખમાં મૂક્યું. પછી એ ચરણોને પ્રણામ કર્યા. આ વિધિ બાદ હાથમાં પંખો લઇને તેઓ શ્રીરામકૃષ્ણને પંખો નાખવા લાગ્યાં. એક બાજુ મંદ મંદ સ્મિત કરી રહેલા શ્રીરામકૃષ્ણ અને બીજી બાજુ હાથમાં પંખો લઇ ધીમે ધીમે પવન નાખતાં, લજ્જાના ભારથી ઝૂકી ગયેલાં, સાત વર્ષનાં શ્રીશારદામણિ.” (પૃ.૯)
શ્રી ઠાકુરે પોતાની જીવનલીલા સંકેલી લીધી : પોતે એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયા હતા; પરંતુ પોતાની શક્તિને બે સ્વરૂપોમાં સંક્રમિત કરી દીધી. તેમાં એક હતા પોતાના પ્રિય શિષ્ય નરેન્દ્રનાથ અને બીજાં હતાં તેમનાં લીલાધર્મ સહચારિણી મા શારદા. ઠાકુરના દેહાવસાન બાદ પૂજ્ય માને થોડી સામાજિક – આર્થિક વિટંબણાઓ વેઠવી પડી, પરંતુ શિષ્યોની સમજાવટથી કલકત્તા આવ્યાં. ત્યાર બાદ શ્રીમાએ ભક્તોની સતત કાળજી લીધી તેનો ખ્યાલ એક પછી એક હકીકત નિરૂપીને લેખિકા આપે છે. પોતાના ભક્ત પુત્રો પ્રત્યેનો માનો અપાર પ્રેમ અહીં કેવો છલકાય છે તે સદૃષ્ટાંત દર્શાવ્યું છે. બહારગામ ગયેલ સ્વામી અરૂપાનંદ બપોરે આવવાને બદલે સાંજે આવે છે, તે ચિંતામાં મા પોતે પણ જમ્યાં નહિ, વજ્રેશ્વરાનંદને માતાના ચરણોમાં જ કાશીના પરિભ્રમણનું ફળ દેખાયું, મહાદેવાનંદને મજૂર દ્વારા સામાન ઊંચકી લાવવાનું કહેવાનું ભૂલી જતાં થતી અપાર ચિંતા, નાના નગેનનો ગુન્હો માફ કરવા સ્વામી શિવાનંદને પત્ર લખતાં મા – આમ, શ્રીમા એ માત્ર આધ્યાત્મિક ગુરુ જ નહિ પણ વ્યવહારમાં આ સંન્યાસી પુત્રોનાં માતા બની રહ્યાં. સાચે જ, લેખિકા કહે છે તેમ, “શ્રીરામકૃષ્ણના અંતર્ધ્યાન થયા પછી માનું શક્તિ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, માતૃ સ્વરૂપ એવું તો પ્રગટી ઊઠ્યું કે તેઓ અખિલ વિશ્વનાં માતા બની ગયાં.” આશા છે કે, આ નાનકડી પુસ્તિકા જરૂર સૌને વાંચવી ગમશે.
– પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે
Your Content Goes Here




