‘યાત્રાપથનો આલાપ’
કવિ: રતુભાઈ દેસાઈ, પ્રકાશક: મૃણાલ દેસાઈ, પાર્વતી નિવાસ, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ મૂલ્ય રૂ. ૩૫ પ્રકાશન વર્ષ ૧૯૮૬ પૃષ્ઠ: ૨૧૧
ગાંધીયુગના સ્વાતંત્ર્ય સંગ્રામના ખમીરવંતા સૈનિક રતુભાઈ દેસાઈનો ૯૪ ‘પ્રાર્થના કાવ્યો’નો આ સંગ્રહ છે. ગ્રંથને આવકારતાં આચાર્યશ્રી અમૃતલાલ યાજ્ઞિક લખે છે તેમ આ પુસ્તક માનવને “સંસારમાંથી મુક્ત થઈ અંતર્યામીની અમૃત દિશામાં યાત્રા કરવા માટે બળ પૂરું પાડે છે.” સાચે જ અરવિંદ કહે છે તેમ, માનવની યાત્રા અહીં પૃથ્વી પર જ સમાપ્ત થઈ જતી નથી. ઊંचेચે… હજુ ઊંચે… અર્થાત્ પૃથ્વીનું સ્વર્ગીકરણ કરવાની તાકાત મનુષ્યમાં પડેલી જ છે. ટાગોરની ‘ગીતાંજલિ’ની ઢબે રચાયેલ આ કાવ્યોમાં જ્ઞાન-ભક્તિનો સમન્વય સધાયેલો જોવા મળે છે. ઉષનિષદ, ગીતા, બાઈબલ જેવા અનેક ગ્રંથોનું કવિએ ઊંડું અધ્યયન કર્યું છે, તેની છાપ આ કાવ્યોમાં પડઘાઈ છે. તો વળી, ખલિલ જિબ્રાન, નરસિંહ, મીરાં, અખો કે અર્વાચીન ગુજરાતી કવિઓની છાયા પણ આ કાવ્યોમાં પડેલી જોવા મળે છે. અલબત્ત, દેસાઈ પાસે અભિવ્યક્તિની એક આગવી શૈલી છે, તાકાત છે. પરિણામે આપણને ઊર્ધ્વગામી યાત્રા કરાવવામાં પથદર્શક બને છે. હા, આ બધાં કાવ્યોમાં ગાંધીયુગની ધર્મવિભાવનાનાં દર્શન થાય છે. ટીલાં-ટપકાંના ધર્મને અભેરાઈએ ચડાવી “માનવ પ્રેમમૂલક સેવાભાવનામાં ધર્મનું સત્ત્વ રહ્યું છે” એવો સ્પષ્ટ ખ્યાલ આ કાવ્યમાં છતો થાય છે.
કવિનું ચિંતન ક્યારેક એવું રસાયેલું બને છે કે, જાણે વૈખરી થંભી જઈ, પરાવાણી સંભળાતી લાગે છે. ઉપરાંત, આ પુસ્તકમાંનાં કેટલાંક મર્મયુક્ત ચિંતનસૂત્રો પણ આપણને આધ્યાત્મિક વિચારણા તરફ વાળે છે. કવિશ્રી કરસનદાસ માણેક આવાં સૂત્રોને ‘Aphorisms’ કહે છે. વળી માણેક કહે છે તેમ આ પુસ્તક દ્વારા “અનેક અપેક્ષિત અને અનપેક્ષિત ‘રમણીયતા’ઓનાં દર્શન કરાવ્યાં છે. ‘અપેક્ષિત’ તો સુંદર હતું જ; પણ અનપેક્ષિત વધુ સુંદર નીકળ્યું.” સાચે જ આ ગ્રંથમાં ઘણા ખંડો એવા છે કે તે રમણીયતા અને અપૂર્વ મૌલિક્તાના અંશથી, વિચારથી અને ભાષા સૌન્દર્યથી મંડિત છે. આ પુસ્તક વાંચ્યા પછી જરૂર કહેવાનું મન થાય કે “યાત્રા હજો શુભ હવે અમ ઊર્ધ્વગામી.” પૂ. ગાંધીજીના નિકટના અંતેવાસી અને ગાંધીવાદના ભાષ્યકાર શ્રી કિશોરલાલ મશરૂવાળાને અર્પણ થયેલ આ ‘આલાપ’ આસ્વાદવા જેવો છે.
સમીક્ષક: પ્રા. ડૉ. જનકભાઈ જી.દવે
અનુબંધિત શિક્ષણના શ્રીગણેશ
દેશી હિસાબ: બાળસંસ્કાર પ્રબોધિકા-ભા.૧, અનુરાધા પ્રકાશન, નવસારી, કિંમત રૂ. ૮
નામ ઉ૫૨થી જ બાળકો માટે એકડા, આંક, કક્કા, બારાખડીના સાબિત થતા આ પુસ્તકનો ‘શ્રીરામકૃષ્ણ-જ્યોત’માં સમાવેશ થવાથી વાચકોને નવાઈ જણાશે. પણ બાળકોમાં શરૂઆતથી જ સંસ્કારસિંચન કરવાની કામયાબી કોશિશ આ પુસ્તકમાં કરાઈ છે: ખરી રીતે કેળવણી તો અનૌપચારિક રીતે માતાના ગર્ભથી શરૂ થઈને મરણ સુધી ચાલતી એક અખંડ પ્રક્રિયા છે અને એને તબક્કાવાર માધ્યમો આપીએ તો ઘર, શાળા અને સમાજના કૃતક ક્રમો આવે છે. આ પુસ્તકમાં ઘરના માધ્યમને – પરિવારના માધ્યમને લક્ષ્યમાં રાખીને બાળકમાં સંસ્કારો રોપાય તે માટે વિષયવસ્તુની સાથે બાળગીતો, બાળવાર્તા, ચિત્રો, ગણિત-વિજ્ઞાન, ઇતિહાસ, સુભાષિતો, મહાપુરુષોનાં અવતરણો, ઉત્સવો, રાષ્ટ્રગીત વગેરે સમાવાયાં છે.
માતા-પિતા બાળક માટે ઘરને જ વિદ્યાલય બનાવી સ્વયં પરિશ્રમ લઈ બાળકનું જીવન ઘડતર કરવામાં આવા પુસ્તકને સારી રીતે સાધન બનાવી શકે છે. કારણ કે આ પુસ્તકમાં ભારતીય સંસ્કૃતિના હજારો વરસના સંચિત મહાનિધિનાં કેટલાંક પ્રેરક-પ્રકાશક રત્નો છે કે જે બાળકોના જીવનઘડતર, ઉજ્જવળ ભવિષ્યના શ્રીગણેશ કરી શકે.
વધારેમાં વધારે બાળકો આનો લાભ લે તેવી કિફાયત કિંમત રખાય તો તે વધુ ઈચ્છનીય છે.
સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
Your Content Goes Here




