વિશ્વના ઇતિહાસ પર નજર નાખો અને તમને ખ્યાલ આવશે કે જેમણે મહાન સિદ્ધિ હાંસલ કરી છે તેમણે એ બધું સ્વપુરુષાર્થથી જ હાંસલ કર્યું છે. એ બધા પોતપોતાના કાર્યમાં ડૂબી ગયા હતા. આવું કાર્ય એમને અસીમ આનંદ અને સંતોષ બક્ષતા. એ જ એમને શક્તિ અને આત્મ-વિશ્વાસથી રંગી દેતા.
બે એક હજાર જેટલા આવિષ્કારો કરનાર થોમસ આલ્યા ઍડિસન કહેતા: ‘આવિષ્કારો કોઈ એક અકસ્માત નથી પરંતુ તે તો છે અવિરત પ્રયત્નોનું પરિણામ-પ્રતિકુળ મેધાવીમાનવની સફળતા એટલે નવાણું પ્રતિશત પુરુષાર્થ અને એક પ્રતિશત પ્રેરણાનું પરિણામ. વાસ્તવિક-સાચી સફળતા અને અવિરત પુરુષાર્થ આ બંને અભિન્ન અંગ જેવાં છે. સખત પુરુષાર્થ કરવા છતાં ય કદાચ કોઈ નિષ્ફળ થાય પરંતુ, નિષ્ઠાભર્યા પ્રયાસો વિના કોઈને ય શ્રેષ્ઠતા પ્રાપ્ત થતી નથી. આ હંમેશાં યાદ રાખવું જોઈએ કે સતત પુરુષાર્થથી જ અમૂલ્ય પદાર્થ કે સિદ્ધિ આપણે હાંસલ કરી શકીએ. આપણા શબ્દકોષમાં જ ‘સફળતા’ (Success) પુરુષાર્થ (Work) પહેલાં આવે છે. પણ જીવનમાં નહીં.
‘એક આદર્શ-વિચારને તમારી સામે રાખો. એને જ તમારું જીવન બનાવી દો; એનો જ વિચાર કરો; એનાં જ સ્વપ્ન સેવો; એનું જ આચરણ કરો. તમારા મસ્તિષ્કને, સ્નાયુઓને, જ્ઞાનતંતુઓને તમારા શરીરના અંગેઅંગને એ જ આદર્શ-વિચારથી ભરી દો અને બાકીના બીજા બધા વિચારોને કોરાણે મૂકી દો. આ છે સફળતાની ચાવી અને આ જ માર્ગે ચાલીને મહાન આધ્યાત્મિક વિભૂતિઓ જન્મી છે – બની છે.’ આ શબ્દો સ્વામી વિવેકાનંદના છે. કોઈ પણ વ્યક્તિ બીજા જેવી (તેની પ્રકૃતિ) નથી એટલે આપણે આપણી જાતને શ્રેષ્ઠ પૂરવાર કરવા આપણે વૈજ્ઞાનિક જ હોઈએ એ જરૂરી નથી. કાર્ય માટેની ઉત્કટતા આપણને આપણા પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અપાવવા પ્રેરે છે. અનુકરણ તમને મહાન ન બનાવી શકે.
પ્રેરણા તો મહાન માનવના જીવનમાંથી મેળવી શકાય. ‘તમે’ પોતે ‘તમે’ જ છો. તમે બીજા કોઈની પ્રતિકૃતિ ન બની શકો. વાણી અને વર્તનમાન રસ-રુચિ અને વલણોમાં, કૌશલ્ય અને શક્તિમાં આપણે સૌ એક બીજાથી ‘ભિન્ન ભિન્ન છીએ. આપણે કેઈની વાનરનકલ કરવાની આવશ્યક્તા નથી. પરંતુ પોતે જ સ્વીકારેલા કાર્યમાં આપણે સફળતા મેળવી શકીશું ખરા? શું આપણે આપણાં ઉચ્ચ મનોબળ અને ઉત્કટતા જાળવી શકીશું ખરા? શું આપણે આપણા ધ્યેય-આદર્શની પાછળ હિંમત અને આત્મશ્રદ્ધાથી મંડી પડીશું? શું આપણે નાહિંમત કરી દેતા નિરાશાવાદના વમળમાંથી બહાર નીકળી શકીશું? શું આપણે આપણા પરાધીનભાવ, ગુલામીમાનસ અને લઘુતાગ્રંથીને દૂર કરી શકીશું?
ક્ષેત્ર ભલે ને ગમે તે હોય – ધર્મ, કળા, સાહિત્ય, વિજ્ઞાન, કૃષિ એવા ગમે તે ક્ષેત્રમાં અવિરત પુરુષાર્થ જ શ્રેષ્ઠ સિદ્ધિનાં શિખરો સુધી લઈ જઈ શકે. જેમણે જેમણે આપણા જ્ઞાનના ભંડારો ભરપૂર ભરી દીધા છે તે બધા કઠિન પરિશ્રમશીલતાની મહાા અને ભવ્યતાના જીવતાં જાગતાં ઉદાહરણો છે. એમની મનોકામનાની તીવ્ર ઉત્કટતા, એમની કાર્ય કરવાની ઉત્કટ ભાવના, એમના મનની એકાગ્રતા, એમની સિદ્ધિની ઉચ્ચતા-શ્રેષ્ઠતા, આ બધું કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા માનવ માટે શું પ્રેરણાસ્રોત નથી? જો આપણે પોતાના કાર્યમાં સફળતા વાંચ્છતા હોઈએ તો એ બધાને આપણા આદર્શ તરીકે આપણે સ્વીકારવા પડશે, આપણે આનંદ ઉત્કટતાની ભાવના સાથે કામ કરવું પડશે અને આપણે હિંમત અને ઉત્સાહ સાથે આગેકૂચ કરવી પડશે.
Your Content Goes Here




