આંતરરાષ્ટ્રિય કંપનીના મેનેજર હોવાને કારણે સમગ્ર ભારતમાં મારા પિતાશ્રીનું સ્થાનાંતરણ થતું. મારી શાળાએ જવાની શરૂઆત કોલકાતાથી થઈ. અમારા ઘરની થોડેક જ દૂર રિક્ષા સ્ટેન્ડ હતું. તે સમયે કોલકાતામાં હાથ રિક્ષાઓ હતી, ઘણી ગરીબી હતી. આ રિક્ષા ચલાવવાવાળાની શારીરિક અને માનસિક તાકાત પણ ગજબની હતી. તેમાંનો એક રિક્ષાવાળો સોહનલાલ અમારા કુટુંબનો પરિચિત થઈ ગયો હતો. નજીકમાં જ ક્યાંય જવું હોય તો અમે તેને બોલાવતા. તે ખૂબ મહેનત કરતો. અમારા વિસ્તારમાં એક નાનું મહાકાળી માનું મંદિર હતું. ત્યાં તે બહુ સેવા આપતો. મંદિરનું ઘણું કામકાજ કરતો. રાત્રે તે માતાજીની મૂર્તિનાં વસ્ત્રો સીવતો અને આભૂષણો અને અન્ય શણગાર માટે પણ તૈયારી કરતો. અમારે ઘરે નાનાં મોટાં કામ કરવા સોહનલાલ આવતો. પિતાજી તેને મદદ પણ કરતા. એકવાર પિતાજીએ તેને કહેલું કે તું દિવસ આખો મહેનત કરે છે અને રાત્રે મંદિરમાં સેવા કરે છે તો તને આરામ ક્યાંથી મળશે? તું બીમાર પડી જઈશ. ત્યારે સોહનલાલે ખૂબ જ સરસ જવાબ આપેલો. ‘બાબુજી મંદિરમાં હું જે વસ્ત્રો સીવું છું અને આભૂષણો ગૂથું છું. તેમાંથી મને સિલાઈ કામ શીખવાનો અવસર મળે છે. આ શીખ્યા પછી સિલાઈ કામ દ્વારા રોજી મેળવીશ અને દુકાન પણ નાખી શકીશ. પછી રિક્ષા નહીં ખેંચવી પડે. બીજે ક્યાં આવું શીખવાનો અવસર મળે? તદુપરાંત માતાજીની સેવાનો લાભ પણ મળે છે; જે ઘણું જ સુખ અને સંતોષદાયક છે.’ સોહનલાલ અને પિતાજી વચ્ચે આ વાત થતી હતી ત્યારે હું તેમની બાજુમાં જ ઊભી હતી. હું ઘણી નાની હતી પરંતુ તેનો એ જુસ્સો અને વિશ્વાસ કેટલા બધા ધ્યાન ખેંચે એવા હતા! જો કે ત્યારે તેની વાત પર અમને કોઈ ખાસ ભરોસો બેઠો નહોતો. પરંતુ મારા પિતાશ્રીએ કહેલું કે સોહનલાલની લગન એટલી બધી છે કે એ ચોક્કસ કંઈક પ્રાપ્ત કરશે.
કોલકાતાથી ફરી સ્થાનાંતરણ કરાવી અમે ગુજરાત- રાજકોટ પાછા ફર્યા. ઘણાં વર્ષો વીતી ગયાં. મેં બારમું ધોરણ પૂરું કર્યું એટલે અમે રજાઓમાં ફરવા જવાનો નિર્ણય કર્યો. રાજકોટથી અમે દાર્જિંલિંગ ગયાં. થોડા દિવસો કોલકાતામાં રોકાયાં. ઘણાં જૂનાં સંસ્મરણો તાજાં થયાં. પિતાજીની ઓફિસમાં એક ભાઈએ કહ્યું: ‘પેલો સોહનલાલ રિક્ષાવાળો તમને બહુ યાદ કરે છે. હવે તેણે મોટી દુકાન બનાવી છે.’ અમે તેની દુકાન પર ગયાં. દૂરથી જ અમને જોતાં તે દોડતો આવ્યો. આટલાં વર્ષો પછી પિતાજીને ઓળખતાં તેને એક મિનિટ પણ ન લાગી. સોહનલાલનો સ્વભાવ અને રીતભાત એવાં જ હતાં. તેનામાં કોઈ ખાસ ફરક લાગતો નહોતો. તેની દરજીની દુકાન હતી, ઘણી મોટી દુકાન હતી. હજુ પણ તે માતાજીનાં વસ્ત્રો સીવી શણગાર કરવા અચૂક જતો. એ કાલીમાના જાણે તેના પર પૂર્ણ આશીર્વાદ ઉતર્યા હોય તેવું લાગતું હતું. દુર્ગાપૂજાના તહેવારોમાં તે મા જગત જનનીનાં દરેક કાર્યો નિ:શુલ્ક કરતો. ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ એ ઉક્તિ સોહનલાલના જીવનમાં ચરિતાર્થ થતી હતી.
ઘણા યુવાનો, યુવક-યુવતીઓ મને સતત મળતાં હોય છે. તેઓ ઘણી મોટી વાતો કરે છે. સફળતાનાં અનેક સ્વપ્નો જુએ છે પરંતુ આ બધી વાતો શેખચલ્લી જેવી અને વાસ્તવિકતાથી દૂર લાગે છે. તેમને રાતોરાત સફળતાના શિખર પર બેસી જઈ ધનવાન થવું છે. તે માટેની પ્રક્રિયાનો તેઓ બિલકુલ વિચાર કરતા નથી. પ્રયત્નો કરીને ધીરજ ધરવાની તેમની તૈયારી નથી. એટલા માટે મને આજકાલ સોહનલાલનો કિસ્સો યાદ આવે છે. ઘણા લોકોને હું તેની વાત કરું છું. સાવ ગરીબ, નિ:સહાય, અશિક્ષિત, ઓછાબોલો, સોહનલાલ પોતાના અવિરત પ્રયત્ન, સંકલ્પબળ, નિષ્ઠા અને ધીરજથી જે ઉત્તમ પરિણામ મેળવી શક્યો તેના માટે આજના યુવાનો લગભગ સક્ષમ નથી હોતા. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. સતત પ્રયત્ન અને પુરુષાર્થ ક્યારેય વ્યર્થ જતા નથી. પુરુષાર્થ કરવાની વૃત્તિ યુવા પેઢીમાંથી ઓછી થતી જાય છે એ ચિંતા અને ચિંતનનો વિષય છે. પ્રયત્ન અને સફળતાને ઘનિષ્ઠ સંબંધ છે. વહેલું કે મોડું સફળતાને પુરુષાર્થનાં ચરણે આવવું જ પડે છે.
Your Content Goes Here




