ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિક્તાનું પ્રતિનિધિત્વ જાણે કે સાગર સરખી ધસમસતી સરિતાઓ ભૌતિક ભૂમિકાઓ પર કરી રહી છે; આ એ જ ભારત છે, જ્યાં પુરાતન નગાધિરાજ હિમાલય હિમના થર ઉપર થર ચડાવીને ઊંચો જતો જતો પોતાનાં તુષારમંડિત શિખરો વડે ખુદ આકાશનું રહસ્ય ભેદવાનો જાણે કે પ્રયત્ન કરી રહ્યો છે; આ એ જ ભારતભૂમિ છે, જેની ધરતીને જગતમાં થઈ ગયેલા મહાનમાં મહાન ઋષિઓનાં પાવનકારી ચરણોનો સ્પર્શ થયેલો છે. માનવીની પ્રકૃતિ વિશેની તેમ જ આંતર જગત વિશેની ખોજ પહેલવહેલી આ ભૂમિમાં થઈ. આત્માના અમરત્વનો સિદ્ધાંત, જગન્નિયંતા તરીકે ઈશ્વરના અસ્તિત્વનો સિદ્ધાંત, પ્રકૃતિમાં તેમ જ મનુષ્યમાં ઈશ્વર વ્યાપી રહેલો છે એવો સિદ્ધાંત સૌ પહેલાં આ ભૂમિમાંથી જ ઊઠ્યો; ધર્મના અને ફિલસૂફીના ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો તેમના સર્વોચ્ચ શિખરે આ ભૂમિમાં જ પહોંચ્યા. જ્યાંથી આધ્યાત્મિક્તા અને ફિલસૂફીએ વારંવાર ભરતીનાં મોજાંની પેઠે બહાર ધસી જઈને દુનિયાને તરબોળ કરી મૂકી તે ભૂમિ આ છે; અને માનવજાતિની અધઃપતિત પ્રજાઓમાં ચેતના અને જોમ પૂરવા અર્થે આવી ભરતી ફરી એક વાર જ્યાંથી ઊઠવી જોઈએ તે ભૂમિ પણ આ જ છે.

આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમ જ રીતભાતો અને રિવાજોની સેંકડો ઊથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભો છે. આ એ જ ભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જીવન લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધુ મજબૂત થઈને ઊભેલી છે. એનું જીવન આત્મા સરખા જ સ્વભાવનું, અનાદિ, અનંત અને અવિનાશી છે; આવા દેશનાં આપણે સંતાનો છીએ.

ભારતનાં સંતાનો! આજે હું અહીં તમારી સમક્ષ કેટલીક વ્યાવહારિક બાબતો વિશે બોલવા ઊભો થયો છું; ભૂતકાળના મહિમાનું તમને ફરી સ્મરણ કરાવવામાં મારો હેતુ ફક્ત આ છે. અનેક વાર મને કહેવામાં આવ્યું છે કે માત્ર ભૂતકાળમાં જ નજર નાખ્યા કરવાથી કશો લાભ થવાને બદલે આપણે દુર્બળ બનીએ છીએ; એટલે આપણે ભવિષ્ય તરફ દૃષ્ટિ દોડાવવી જોઈએ, એ વાત સાચી છે. પરંતુ ભવિષ્યકાળની રચના ભૂતકાળ ઉપર થાય છે. માટે, બને તેટલી પાછળ દૃષ્ટિ નાખી લો, ભૂતકાળનાં સનાતન ઝરણાઓમાંથી આકંઠ જળપાન કરી લો; ત્યાર પછી આગળ જુઓ, આગે બઢો અને ભારત પૂર્વે હતું તેના કરતાં તેને વધુ ઉજ્જ્વળ, વધુ મહાન અને વધુ ઉન્નત બનાવો. આપણા પૂર્વજો મહાન હતા. પ્રથમ આપણે એ યાદ કરી લેવું જોઈએ. આપણે આપણા અસ્તિત્વનાં મૂળભૂત તત્ત્વો વિશે, આપણી નસોમાં કયું લોહી વહે છે તે વિશે જાણી લેવું જોઈએ. એ લોહીમાં અને ભૂતકાળમાં એ લોહીએ શું શું કાર્ય કર્યું છે તેમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ; તથા એ ભૂતકાળની મહત્તા વિશેની શ્રદ્ધા તથા ખ્યાલ સાથે અગાઉ કરતાં વધુ મહાન એવું ભારતનું ઘડતર આપણે કરવું જોઈએ. સડો અને અધઃપતનનો કાળ પણ આવી ગયેલ છે. હું એને ઝાઝું મહત્ત્વ આપતો નથી; આપણે બધા એ જાણીએ છીએ. એવા કાળખંડો જરૂરી હતા. એક વિશાળ વૃક્ષ સુંદર પરિપક્વ ફળ ઉત્પન્ન કરે છે; એ ફળ જમીન પર પડે છે; ત્યાં તે કહોવાય છે; સડી જાય છે અને સડામાંથી નવું વૃક્ષ નવાં મૂળ સાથે જન્મે છે. કદાચ પહેલા વૃક્ષ કરતાં એ વધુ મોટું પણ થાય. આ સડાનો કાળ, જેમાંથી આપણે પસાર થયા છીએ, તે ઊલટો વધુ આવશ્યક હતો. એ સડામાંથી ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે; એનો ફણગો ફૂટ્યો છે, પહેલાં કૂંપળ નીકળી ચૂક્યાં છે; અને એક વિશાળ, પર્વતપ્રાય ઊર્ધ્વમૂલ વૃક્ષ દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે.

(પુસ્તક – ‘ભારતમાં આપેલાં ભાષણો’, પ્રકરણ – ‘ભારતનું ભાવિ’ માંથી)

Total Views: 342

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.